મહાત્મા ગાંધી અને પર્યાવરણીય ચળવળ [૧] થી આગળ

રામચંદ્ર ગુહા

                અનુ. ડંકેશ ઓઝા

હું ચંડીપ્રસાદ ભટ્ટ અને સુંદરલાલ બહુગુણાની વાત એથી કરી શકું છું કે ચીપકો ચળવળના અભ્યાસને કારણે હું તેમના કામ સાથે ગાઢ સંપર્કમાં મુકાયો. તમારા બધાંમાંથી જે લોકો નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલા છે, તેમણે પણ તેની નેતાગીરીના જીવન-કાર્યમાં ગાંધીની ભાવના જેવું કંઈક જોયું જ હશે. ચીપકો આંદોલન અને નર્મદા આંદોલન તો ઉત્કૃષ્ટ છે જ. તે કંઈ ગાંધીના જીવંત વારસાનાં એકલદોકલ ઉદાહરણ માત્ર નથી. કારણ કે સાંપ્રત પર્યાવરણ ચળવળમાં તે અન્યત્ર પણ જોવા મળે છે.

જોકે આજના પર્યાવરણવાદીઓ ગાંધીના દાખલાને અનુસરી રહ્યા હોવાનો માત્ર દાવો કરતા નથી, તેઓ તો આગળ વધીને એમ કહે છે કે મહાત્માને આધુનિક ઔદ્યોગિક સમાજની પર્યાવરણ સમસ્યાની બહુ વહેલી જાણ થયેલી. શું ગાંધી સમયથી વહેલા પર્યાવરણવાદી હતા ? તેમના પ્રશંસકો સવાલનો જવાબ પૂરતા પુરાવા સાથે કાયમ હકારમાં આપતા રહ્યા છે. એ તો હવે સર્વ સ્વીકૃત છે કે ગાંધીને પર્યાવરણની નિસબત વહેલી સમજાઈ ગયેલી. ક્યાં અને કયા પ્રકારે એ કટોકટી તેમને જોવા મળી તે અંગે તેમણે સ્પષ્ટ કહ્યું નથી. આ ઉદ્દેશથી જો એમનાં બધાં લખાણો તપાસવામાં આવે તો ૧૯૦૯માં પ્રકાશિત હિંદ સ્વરાજ તરફ પહેલી નજર જાય છે.

આપણા સમયના વિશિષ્ટ ગાંધીજન તેથી જ દાવો કરે છે કે વિકાસનો વૈકલ્પિક નકશો ગાંધીએ તેમાં આપ્યો છે. તેમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે “વિકાસની હાલની તરાહમાં કેવી રીતે માણસ માણસનું અને માણસ કુદરતનું કેવું શોષણ કરે છે.” જોકે તાજેતરમાં મેં ફરી હિંદ સ્વરાજ વાંચ્યું. હું પેલા ચુકાદા સાથે સંમત થઈ શકતો નથી. આધુનિક પશ્ર્ચિમી સંસ્કૃતિ પ્રત્યે પ્રગટ ધિક્કાર પછી એ પુસ્તકમાં માણસના કુદરત સાથેના સંબંધ વિશે કશું કહેવાયું નથી અને વિકાસના વૈકલ્પિક પરિપ્રેક્ષ્ય બાબતે તો તેમાં એથી પણ ઓછું છે.

મને લાગે છે કે આ બાબતે હિંદ સ્વરાજને જોવાની જરૂર નથી. એ તો ત્યારે લખાયું હતું જ્યારે ગાંધી હજુ દક્ષિણ આફ્રિકામાં હતા. ૧૯૧૪માં તેઓ જ્યારે ભારત પાછા ફર્યા ત્યારે એમને અહીંનાં ગામડાઓની આર્થિક અને સામાજિક સ્થિતિનો સીધો ખ્યાલ આવ્યો. ૧૯૧૭માં ચંપારણ અને ૧૯૧૮માં ખેડા સત્યાગ્રહ વખતે તેઓ ભારતના ગ્રામીણ પ્રદેશમાં મુસાફરી કરતા હતા અને ત્યારનાં ખેડૂત સંગઠનોને મળતાં હતાં ત્યારે અંગ્રેજનો વસાહતવાદ કેવું આર્થિક શોષણ કરે છે તે તેમણે પ્રત્યક્ષ નજરે જોયું. આ અનુભવ દક્ષિણ આફ્રિકાના રંગભેદ જેવો એમને સ્પષ્ટ નજરે પડ્યો.

ગ્રામીણ ભારતમાં તે ખૂંપી ગયા અને વસાહતવાદની સમજણ વિકસી એટલે એમને સ્પષ્ટ થયું કે પશ્ર્ચિમના ઔદ્યોગિક વિકાસની પદ્ધતિને અનુસરવાનું ભારત માટે અશક્ય છે. એ તો સ્વીકારવું રહ્યું કે તેમની પાસે ભારતના વિકાસનું વૈકલ્પિક માળખું હાથવગું નથી. એનાં બે કારણ છે : ૧. એ પદ્ધતિસરના વિચારક નથી ૨. રાજકીય અને સામાજિક બાબતે સંગઠન અને સુધારાની બાબતો એમના દિમાગમાં સર્વોપરી છે. આમ છતાં ૧૯૨૦, ૧૯૩૦ અને ૧૯૪૦નાં એમનાં છૂટાંછવાયાં લખાણો એક પ્રકારે વિકલ્પના માર્ગ તરફ સંકેત કરતાં રહે છે. હવે હું તેથી જ એ લખાણો ઉપર આવું છું.

ભારતના થોકબંધ ઔદ્યોગિકીકરણ અંગેના ગાંધીના વાંધાવિરોધ નૈતિક ભૂમિકાએ છે. તેઓ માને છે કે એવો આધુનિક સમાજ સ્વાર્થમાં અને સ્પર્ધામાં રમમાણ હશે. આ બધા વિચાર પાછળ પર્યાવરણીય અંદેશાઓ તો રહેલા જ છે. આ સંદર્ભમાં એમના સામયિક યંગ ઇન્ડિયા તા. ૨૦/૧૨/૧૯૨૮ના લેખનો એક ફકરો જોઈએ :

“ભગવાન કરે ભારત પશ્ર્ચિમના જેવા ઔદ્યોગિકીકરણના માર્ગે ન ચઢે તો સારું. એક ટચૂકડા ટાપુ પરના અંગ્રેજ રાજનો આર્થિક શાહીવાદ આખી દુનિયાનો ભરડો લઈ બેઠો છે. જો ત્રીસ કરોડનો દેશ આ જ પ્રકારના આર્થિક શોષણને માર્ગે વળે તો દુનિયાના તીડોની સંખ્યા પણ ઓછી પડશે.”

આના પણ બે વર્ષ પહેલાં ગાંધીએ લખેલું, ભારતને ઇંગ્લેંડ અને અમેરિકા જેવું બનાવવું હશે તો શોષણ માટે પૃથ્વી પર સ્થળો અને નવી જાતિઓ શોધવી પડશે. અત્યારે તો એવું લાગે છે કે પશ્ર્ચિમી દેશોએ યુરોપ બહારની બધી જ જાણીતી જાતિઓને શોષણ માટે વિભાજિત કરી નાખી છે. હવે કોઈ નવી દુનિયાને શોધવાની રહેતી નથી. આમ કહીને ગાંધી સવાલ કરે છે : “પશ્ર્ચિમનું અનુકરણ કરવા જતાં ભારત શી દશામાં મુકાશે ?” (યંગ ઇન્ડિયા તા. ૭-૧૦-૧૯૨૬).

ગાંધીના સવાલનો જવાબ દેખીતો અને દુ:ખદ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણો પ્રયત્ન નિશ્ર્ચિતપણે ભારતને ઇંગ્લેંડ અને અમેરિકા બનાવવાનો જ રહ્યો છે. એ બે રાષ્ટ્રોએ ઉદ્યોગો શરૂ કર્યા ત્યારે તેમને જે સંસાધનો અને બજારો ઉપલબ્ધ હતાં તે હવે આપણી નજરમાં નથી. ભારત એ માર્ગે વળે તો એની પાસે બે જ શક્યતા છે : એ પર્યાવરણનું શોષણ કરે અને પોતાના લોકોનું. નગર અને ઉદ્યોગ બેયની આવશ્યકતાઓ પૂરી કરવા માટે સતત ગ્રામીણ વિસ્તારનાં કુદરતી સંસાધનોનો ઉપયોગ થાય છે. જંગલો, પાણી વગેરે બોલકા સમૃદ્ધ વર્ગ માટે વપરાય છે. પર્યાવરણનો વિનાશ પરિણામે ઝડપી બન્યો છે. ચીપકો અને નર્મદા આંદોલન ઉત્કૃષ્ટ હોવા છતાં ગાંધીના જીવંત વારસાના એકલદોકલ ઉ.દા. નથી. સમકાલીન પર્યાવરણીય ચળવળો પર્યાવરણનો હ્રાસ રોકી શકવા અસમર્થ છે. ગ્રામીણ અને આદિવાસી લોકોનો પરંપરાથી જે રીતે કુદરતી સંસાધનો ઉપર અધિકાર  હતો તેનાથી તેઓ વંચિત બની રહ્યા છે. તેઓ તેનો ઉપયોગ એ રીતે કરતા હતા, જેથી આ સંસાધનો જળવાઈ રહે. આ દરમ્યાન આધુનિક ક્ષેત્ર ઉત્તર પૂર્વ અને આંદામાન-નિકોબાર ટાપુઓ સુધીનાં કુદરતી સંસાધનો પર બહુ ઝડપથી તરાપ મારી રહ્યું છે.

ગાંધીને કદાચ એનું સ્હેજે આશ્ર્ચર્ય ન થયું હોત. કારણ એમને ખબર હતી કે ઔદ્યોગિક વિકાસ નગરો સર્જે છે અને બાકીના પ્રદેશનું એકપક્ષી શોષણ જોવા મળતું હોય છે. ૧૯૪૬માં તેમણે આ વાત લાક્ષણિક  ઢબે વ્યક્ત કરેલી : “ગામોનાં લોહી ઊભાં થતાં શહેરોમાં સિમેન્ટનું કામ કરે છે.” (હરિજન ૨૩-૬-૧૯૪૬) આ પૂર્વે પણ ગાંધીએ પોતાની દૃઢતા તેમજ સૌમ્યતાથી ઇન્દોરની સભાને ચેતવેલું કે નગરજીવનમાં સંસાધનોનું કેન્દ્રિકરણ થઈને જ રહેવાનું. તેમના શબ્દો હતા : “આપણે ઝગારા મારતી લાઈટ સાથેના સરસ પંડાલમાં બેઠા છીએ. પણ આપણે જાણતા નથી કે આ બધો ભાર ગરીબોની કેડે જ છે.” (હરિજન, તા. ૧૧-૫-૧૯૩૫)

ઔદ્યોગિકીકરણનાં દૂષણોના આ નિદાનમાંથી જ ગાંધીનો ઉકેલ પ્રગટેલો. જ્યાં આર્થિક વિકાસના કેન્દ્રમાં ગામ હતું. એમની ઇચ્છા એ હતી કે નગરોની ધોરી નસોમાં જે લોહી રહ્યું છે એ ફરી પાછું ગામોની નસોમાં વહેતું થાય. આ એમનું સ્વપ્ન પણ હતું. આ વિચારમાં રાજકીય અને આર્થિક સત્તાનું વિકેન્દ્રિકરણ મહત્ત્વનું હતું જેથી ગામો ફરી કાબૂ ધરાવતાં થાય. જ્યારે એમના પર આરોપ મુકાયો કે તેઓ વિજ્ઞાનની શોધોને નજર-અંદાજ કરી રહ્યા છે જેમાં વિજળી અત્યંત મહત્ત્વની છે. ત્યારે ગાંધીએ કહેલું : “જો ગામના દરેક ઘરમાં વીજળી આવતી હોય તો તેનાં સાધનો માટે ગામના લોકો મદદરૂપ થાય તેનો મને બહુ વાંધો નથી. પરંતુ તે સંજોગોમાં ગ્રામીણ સમૂહો કે રાજ્ય ગામના ગૌચર પર જે સત્તા ધરાવે છે એવી એમની સત્તા વીજળી મથકો પર પણ હોવી જોઈએ.” (હરિજન તા. ૨૨-૬-૧૯૩૫)

ગ્રામીણ પુન:રચના માટે ગાંધી જ્યારે વર્ધા તરફ વળ્યા ત્યારે થોડાં વર્ષો બાદ ૧૯૩૭માં તેમણે નીચેના શબ્દોમાં આદર્શ ભારતીય ગામની વ્યાખ્યા આમ કરેલી : “એવાં ગામોમાં, એવાં ઘરો હશે જેમાં પ્રકાશ અને હવાની અવર-જવરની પૂરતી જોગવાઈ હશે અને ગામની આસપાસના પાંચ માઈલમાંથી તે ઊભાં કરવા માટેનાં માલ-સાધનો મેળવાયાં હશે. આ ઘરોના વાડામાં ઘર માટે શાકભાજી ઉગાડવાની તેમજ ઢોર-ઢાંખર બાંધવાની પૂરતી જોગવાઈ હશે. ગામની શેરીઓ અને પોળો ધૂળથી મુક્ત હશે. ત્યાં બધાં ઉપયોગમાં લઈ શકે તેવા કૂવાઓ હશે. ત્યાં ઉપાસના માટે અને સમૂહમાં ભેગા થઈને બેસવા માટે પૂરતી જોગવાઈ હશે, ગામલોકોનાં ઢોર માટે ગૌચર હશે, સહકારી ડેરી હશે, વ્યાવસાયિક ઔદ્યોગિક તાલીમ સહિતની પ્રાથમિક અને આધ્યાત્મિક શાળાઓ હશે અને પોતાના સમાજના ઝઘડાના નિકાલ માટે પંચાયતો પણ હશે. ગામલોકોના ઉપયોગ માટેનું અનાજ, શાકભાજી, ફળો અને ખાદી ગામમાં જ પેદા કરાતાં હશે. મારા વિચારના ગામનો નમૂનો કંઈક આવો છે.” (હરિજન તા. ૯-૧-૧૯૩૭)

પર્યાવરણવાદીના સ્વપ્નલોક માટે આ ચિત્રમાં ખૂબ સુંદર એવાં ઘણાં તત્ત્વો પડેલાં છે, જેવાં કે સ્થાનિક સ્વનિર્ભરતા, સ્વચ્છ અને આરોગ્યપ્રદ પર્યાવરણ, સામૂહિક વ્યવસ્થાપન અને માનવજીવન માટે કુદરતની ભેટનો ઉપયોગ, પાણી અને લીલોતરી. પણ ગાંધી માત્ર સ્વપ્નદૃષ્ટા ન હતા. એમનાં સ્વપ્નોમાં વ્યવહારુતા બુદ્ધિપૂર્વક ભળેલી હોય છે.  આ સંદર્ભમાં એમણે જમીનની ફળદ્રુપતાની મોટી સમસ્યા માટે કેવું ધ્યાન આપ્યું છે તે નોંધવા જેવું છે. જીવનનાં છેલ્લાં વર્ષોમાં, ખેતીના ઝડપી યાંત્રિકીકરણના પુરસ્કર્તાઓને ચેતવણી આપતાં તેમણે કહેલું કે જમીનની ફળદ્રુપતાનો ઝડપી પેદાશો માટે ઉપયોગ કરવા લાગશો તો તે વિનાશક અને ટૂંકી દૃષ્ટિવાળું પુરવાર થઈ રહેશે. તેમાં જમીન લગભગ બિનફળદ્રુપ બની રહેશે. (હરિજન તા. ૨૫-૮-૧૯૪૬)

તેઓ સેન્દ્રિય ખાતરના ઉત્સાહી પુરસ્કર્તા હતા. જેનાથી જમીનની ફળદ્રુપતા જળવાય અને કચરાના અસરકારક નિકાલ દ્વારા ગામનું આરોગ્ય સુધરે, વિદેશી હૂંડિયામણ બચે અને પાકનું ઉત્પાદન વધે – આ બધું, આજે આપણે જાણીએ છીએ તેમ, આજની આધુનિક રાસાયણિક પદ્ધતિઓ જે સંસાધનો બગાડે છે, પરિણામે પ્રદૂષણ પેદા થાય છે. રાસાયણિક પદ્ધતિઓ સિવાય ઇન્દોરના પ્લાન્ટ ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટીટ્યુટમાં આલ્બર્ટ હોવાર્ડે કુદરતી ખેતીની જે પદ્ધતિઓ વિકસાવી હતી તેની તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. એના વિશે વિગતે લખતાં તેમણે તે સાથે પૂર્ણ સંમતિ દર્શાવી હતી. જેમાં છાણ, ખેતરનો કચરો, લાકડાનું ભૂસું અને રાખ તથા પેશાબનો ઉપયોગ મૂલ્યવાન ખાતરમાં થતો હતો.


(હરિજન ૧૭/૮ અને ૨૪/૮/૧૯૩૫)


ક્રમશ:


ભૂમિપુત્ર : ૧ ડિસેમ્બર, ૨૦૨૪