જયશ્રી વિનુ મરચંટ
ભાગ ૧ થી આગળ
મારી બચપણની ખૂબ જ વ્હાલી સખી, મેધા, મેધા પાટીદર, ક્યાં હતી આજકાલ? ૨૦૧૬માં મારા એક ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ- કદાચ વિચિત્ર – સપનામાં આવીને મને અને મારી જિંદગીને એની યાદો હલબલાવી ગઈ હતી. મેધા અને હું બીજા ધોરણથી સાથે હતા. ફીફ્ટીસ અને સીક્સ્ટીસમાં, માંડ દસ થી પંદર હજારની વસ્તી ધરાવતું મલાડ, મુંબઈનુ, એક પશ્વિમનું પરું – સબર્બ હતું. નો કમ્પ્યુટર, નો ઈન્ટરનેટ, નો સેલ ફોન, નો સોશ્યલ મિડિયા – ફેસબુક- એટલે કે નો ફસાદબુક – (સોરી!) કે નો ટ્વીટર! શું સોનેરી દિવસો હતા! સાચે જ, “ते हि नः दिवसो गताः”! એ સુખના દિવસો જતા રહ્યા! સોશ્યલ મીડિયા નહોતા, પણ માણસો ‘સોશ્યલ’ હતા. માણસોને એકમેકને મળવા માટે ફોન કરીને સમય લેવાની પણ જરૂર નહોતી. મીડિયા જેવું કોઈ ‘મીડલમેન’ તત્વ હતું જ ક્યાં, ત્યારે?
એ સમયનું મલાડ અને આજનું મલાડ..! બધું કેટલું બદલાઈ ગયું હતું? ક્યાં શોધું મારી એ વ્હાલી મેધાને? મારી, સીમા અને મેધાની દોસ્તીની બધાંને જ નવાઈ લાગતી હતી. હું શાળામાં ખૂબ સોશ્યલ હતી અને અનેક મિત્રો હતા. સીમા સરળ અને પ્રવાહી સ્વભાવની હતી, જેની પણ સાથે હોય, એની જોડે સીમા હળી મળી જતી પણ પોતાપણું કદીયે ન ગુમાવતી. મેધા ખૂબ જ શાંત અને અંતરમુખી હતી અને બહુ ઓછું બોલતી, પણ એના મોઢા પર કોઈ અજબ શાંતિ સદા માટે રહેતી. હું ને સીમા, અંદર અંદર વાતો કરતી વખતે, ક્યારેક ટીચર્સની મસ્તી કરતાં તો ક્યારેક સહપાઠીઓની વાતો કરતાં. પણ મેધા જેનું નામ, એ અમને કહેતી, “આવી વાતો કરીને તમને શું મળે છે?”
હું અને સીમા હાઈસ્કૂલના એ દિવસોમાં, મેધાને ગણિતની કોન્સટન્ટ સંજ્ઞા “પાઈ” કહીને બોલાવતાં અને એની મશ્કરી પણ કરતાં કે, “ગમે તે થઈ જાય, “પાઈ”ની વેલ્યુ સિસ્ટમ બદલાય જ નહીં!”
મેધા સાત વરસની હતી ત્યારે એના પિતાની બદલી નડિયાદથી મુંબઈ થઈ હતી. અમારી મૈત્રીની શરૂઆત મેધા શાળામાં પહેલા દિવસે આવી, ત્યારથી થઈ હતી. શાંત, બે ચોટલા વાળેલી, થોડીક શ્યામ પણ તાજી ખીલેલી પોયણી જેવી ખૂબ નમણી, ઊંચી અને એકવડા બાંધાવાળી આ નવી વિદ્યાર્થીની બીજા ધોરણથી મારી અને સીમાની વચ્ચે એક જ બેન્ચ પર બેસતી. તે પ્રથા અગિયારમા- તે સમયના એસ.એસ.સી.-પર્યંત ચાલુ રહી. હું, મેધા, અને સીમા, અમારી ત્રણેની મૈત્રીમાં, ઘનિષ્ઠતા સાથે અણબોલાયેલી સમજણ અને વિશ્વાસ હંમેશા રહ્યો હતો.
મેધા અને મને ખૂબ જ બનતું, પણ સીમા અને મારી વચ્ચે વ્યક્તિગત રીતે થોડીક મજાક અને મસ્તી વધારે થતી. તો, સીમા અને મેધાના સખ્યમાં બહેનો જેવો પ્રેમ વધુ હતો. અમે ત્રણેય જ્યારે સાથે હોઈએ ત્યારે જાણે એમ જ લાગતું કે આખી જિંદગી આમ જ અમે સખીઓ સાથે રહીશું! ત્યારે ક્યાં ખબર હતી કે સમયની ધારા કોને ક્યાં વહાવીને લઈ જશે!
સીમા અને હું, ફેસબુક પર ૨૦૧૨થી ફ્રેન્ડ્સ હતાં પણ કોણ જાણે કેમ, ન સીમાએ કે ન મેં, એ સમયે, મેધા સાથે ફેસબુક પર કનેક્ટ કરવા કોશિશ કરી! સાચા અર્થમાં, કદાચ, અમે મેધાને વિસરી ગયાં હતાં…! (આ લખતાં પણ શરમ આવે છે!) સીમાએ એની પડોશમાં રહેતાં પંજાબી, ડૉક્ટર, શેખર ખન્ના સાથે લગ્ન કર્યા હતા. હવે તો શેખર મુંબઈનો ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ બની ચૂક્યો હતો ને સીમા હાઉસ વાઈફ હતી. તે દિવસે મેધા મારા એ વિચિત્ર, ઢંગધડા વગરના સપનામાં આવી શું કે મને અને મારાં અંતરને હલબલાવી ગઈ હતી.
બીજે દિવસે, સવારનાં ઊઠતાંવેંત જ સીમાનો કોન્ટેક્ટ કરવાનું નક્કી કર્યું. મેં પહેલાં તો સીમાને મેસેન્જર પર ફોન કર્યો, તો એણે ન ઊંચક્યો. પછી ફેસબુકના ચેટ પર એને ‘પીન્ગ’ કરી, અને, મને સીમા સાથે સંપર્ક સાધવામાં સફળતા મળી. સીમા સાથે આમ-તેમની વાત પછી મેં ચેટ પર પૂછ્યું, “સીમા, આપણી “પાઈ”-મેધા- ક્યાં છે આજકાલ?”
એણે ઉત્તર આપ્યો, “અરે, હું પણ કેટલાક સમયથી એને યાદ કરી રહી હતી. મારે ૧૯૭૬-૭૭ પછી કોઈ જ કોન્ટેક્ટ નથી. મેં વચ્ચે ફેસબુક પર શોધવા કોશિશ પણ કરી જોઈ હતી પણ લગ્ન પછી એની અટક શું હતી એ સાવ જ ભૂલી ગઈ છું. હજારો મેધા મળી પણ અટક વિના કોને ક્યાં કોન્ટેક્ટ કરવો? તું જો એને ટ્રેક કરે તો પ્લીઝ, મને જણાવજે. મને પણ એની બહુ જ યાદ આવી રહી છે. આઈ એમ ટ્રુલી મિસિંગ હર. ”
અને પછી ચેટ મેસેજમાં અહીં ત્યાંની બીજી વાતો કરીને છૂટાં પડ્યાં.
સીમા સાથે વાતો કર્યા પછી એક રીતે મને પણ ફિકર થવા માંડી કે ક્યાં હશે મેધા? શું થયું હશે? આટલા વર્ષોમાં એની સાથે કંઈ ન બનવાનું બન્યું છે? હું અને સીમા આમ કઈ રીતે એને ભૂલી જ ગયાં? કેમ અમે એની ફેસબુક પર શોધ કરવા કોશિશ પણ ન કરી? મેધા મારા મનમાં એવી તો વસી ગઈ હતી કે એની ભાળ મેળવ્યાં વિના હવે મને ક્યાંય ચેન પડવાનું નહોતું.
એસ.એસ.સી. પાસ કર્યા પછી મેધા અને સીમા જુદી-જુદી કોલેજમાં આર્ટસમાં ગયા હતા અને હું સાયન્સમાં ગઈ. આમ અમારા કોલેજકાળના મિત્રો પણ અલગ થઈ ગયાં હતાં. છતાંયે, અમે ત્રણેય જ્યારે પણ મળતાં ત્યારે એમ જ લાગતું કે કદી જુદાં પડ્યાં જ નહોતાં. ઈન્ડિયામાં માઈક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી કર્યા પછી હું તરત જ અમેરિકા આગળ ભણવા માટે આવી ગઈ હતી. તો બીજી બાજુ, બી.એ. પાસ કરીને, વરસની અંદર જ લગ્ન કરીને મેધા એના પતિ સાથે મસ્કત જતી રહી હતી. હું મેધાના લગ્નમાં જઈ નહોતી શકી કારણ, મીડલ ઓફ ધ સેમેસ્ટરમાં મારું ભણવાનું છોડીને ભારત જવું શક્ય નહોતું. હું પાછી ભારત ગઈ અને લગ્ન કર્યા ત્યારે મેધા મસ્કતથી આવી શકી નહોતી. પછી સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં અમે અમેરિકા આવી ગયા હતાં. મેધાના મસ્કત જવાના બે—ત્રણ વરસ સુધી તો મારો પત્ર વ્યવહાર એની સાથે નિયમિત રહ્યો હતો પણ પછી ધીમે ધીમે ઓછો થતો ગયો. મને અડસટ્ટે યાદ હતું ત્યાં સુધી, ૧૯૭૮-૭૯ સુધીમાં તો એ પત્રવ્યવહાર સાવ જ બંધ થઈ ગયો.
૧૯૮૦ માં હુ ઈન્ડિયા ગઈ હતી ત્યારે મેધાની મમ્મીને મળવા જવાની હતી, તો ભાભીએ કહ્યું કે એના મમ્મી છ-સાત મહિના પહેલાં ગુજરી ગયાં હતાં. મેધાના પિતાજી તથા ભાઈ-ભાભી તો બીજે કશેક, ઘર ખાલી કરીને જતાં રહ્યાં હતાં. ત્યાર બાદ, મેં અમેરિકા જઈને મેધાને એની મમ્મીના અવસાન બદલ અફસોસ વ્યક્ત કરતો પત્ર એનાં મસ્ક્તના સરનામા પર લખ્યો હતો, જે થોડાક વખત પછી ફરતો-ફરતો પાછો આવ્યો હતો એક નોંધ સાથે કે, – “Addressee Not Found at the Designated Address.” (તમે જેને પત્ર લખ્યો છે, એ વ્યક્તિ હવે આ સરનામા પર રહેતી નથી.”) અને પછી તો, હું, અમારી અમેરિકામાં સેટલ થવાની સ્ટ્રગલમાં ફરી પડી ગઈ અને મેધા સાથેના સંપર્ક-વિચ્છેદ પર વિસ્મૃતિનો પડદો પડી ગયો.
મેધાના લગ્ન થયા ત્યારે હું અમેરિકા ભણવા માટે આવી હતી. ત્યારે મારા લગ્ન નહોતાં થયાં અને મારા લગ્ન થયાં ત્યારે મેધા મસ્કતથી આવી શકી નહોતી. આમ, મને કદી એના પતિને પ્રત્યક્ષ મળવાનો મોકો પણ નહોતો મળ્યો. આજે મને કેમેય કરીને એના પતિનું નામ અને એની અટક યાદ આવતી નહોતી અને મને મારી જાત પર ગુસ્સો આવતો હતો!
આ બાજુ, હું મેધા સાથે કનેક્ટ થવા અત્યંત બેચેન હતી અને વિચાર કરતી હતી કે શું કરું કે મને મેધાના ‘વ્હેર એબાઉટ’ની ખબર મળે! બરાબર, તે જ સમયે, મને ઓચિંતો જ, મારા પતિદેવે સાચવી રાખેલા પત્રોનો એ “અલ્લાદીનના જાદુઈ ચિરાગ” જેવો “પેન્ડોરા”નો બોક્ષ યાદ આવ્યો. હું જલદીથી ઊભી થઈ અને એ બોક્ષ કાઢ્યો. હાથ એકબીજા સાથે ઘસ્યાં અને પછી જોડ્યાં, ઈશ્વરને પ્રાર્થના કરવા કે મને આમાંથી મેધાનો એકાદ પત્ર, એના લગ્ન પછીનો લખેલો મળી આવે! મેં ફાઈલો ફંફોસવા માંડી, ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭ અને ૧૯૭૮ – અને of course, there it was!
૧૯૭૮ની સાલ, ડિસેમ્બરની ૩૧, તારીખે મેધાએ પત્ર લખ્યો હતો. મેં એ પત્ર વાંચવો શરુ કર્યો એ પહેલાં એનું એડ્રેસ અને નામ સેન્ડર તરીકે વાંચ્યું, “મેધા અનિલ પટેલ”. એ પત્ર વાંચતાં વાંચતાં મારી આંખો છલકાઈ ગઈ. મેધાએ લખ્યું હતું. “જયુ, છેલ્લા કેટલાક મહીનાઓથી અનિલનો કારોબાર અહીં બરાબર નથી ચાલતો. કદાચ હજી થોડો સમય અહીં કોશિશ કરીશું અને બિઝનેસ નહીં જ ચાલે તો અમે વિચારીએ છીએ કે, મસ્કત છોડી, દુબઈ સેટલ થવા જતાં રહીએ. ક્યારે જઈશું એ હજુ નક્કી નથી થયું. અત્યારે તો એવું વિચાર્યું છે કે અનિલ પહેલાં ત્યાં જશે. હું અને અમારા સંતાનો વડોદરા જઈશું. અનિલ જેવા દુબઈમાં સેટલ થશે કે અમને ત્યાં બોલાવી લેશે. એકાદ-બે વરસની જ તો વાત છે, ત્યાં સુધી, મારી મોટી દીકરી નીના, અને નાની બેઉ જોડકી દીકરીઓ, સુસ્મિતા અને અમિતાને લઈને હું, વડોદરા રહીશ.
બે વરસ પહેલાં, અમે વડોદરામાં, મારા સાસુ અને સસરા માટે એક બંગલો ખરીદ્યો હતો. મારા સાસુ –સસરા હવે ગામનું કાચું મકાન છોડીને ત્યાં રહે છે. એટલે અમારે વતનમાં રહેવા માટે કોઈ પ્રોબ્લેમ નથી. તને તો ખબર જ છે કે અનિલ એમનો એકનો એક દીકરો છે. અનિલ ખૂબ જ મહેનતુ છે. એટલે મને ખાતરી છે કે એ સેટલ થઈને અમને જલદી જ દુબઈ બોલાવી લેશે. આ સાથે સીમાને પણ પત્ર લખીને આ બધી જ વિગત જણાવી છે. જો હાથ થોડો તંગ ન હોત ને, તો તમને બેઉને ફોન જ કરત. અમે સારો સમય પણ જોયો અને હવે થોડી તકલીફ પણ આવી છે, તો વાંધો નહીં, આ સમય પણ જતો રહેશે. બરાબર ને? મારી ફિકર કરતી નહીં. ક્યારે જઈશું એ ટાઈમલાઈન નક્કી નથી પણ જેવી હું વડોદરા પહોંચીશ અને ઠરીઠામ થઈશ કે એડ્રેસ અને ફોન નંબર આપવા પાછો કાગળ લખીશ. આશા છે કે તું, જીજાજી અને બાળકો આનંદમાં હશો. અમારા જીજાજી અને વ્હાલાં ભૂલકાંઓની પણ કાળજી લેજે પણ એ સાથે પોતાની ધ્યાન રાખવાનું ભૂલીશ નહીં.”
મારી ખૂબ વહાલી મિત્રનો એ છેલ્લો પત્ર હતો અને મેં કે સીમાએ પણ આ પત્ર પછી એની ભાળ લેવાની પરવા પણ ન કરી? ફિટકાર છે મારા આવા સ્વાર્થી સખ્ય પર કે જ્યારે એ તકલીફમાં હતી તે જાણ્યા પછી પણ મેં એટલું જાણવાની દરકાર ન કરી કે હવે બધું બરબર થયું હતું કે નહીં…! એનું વડોદરાનું સરનામું કદી આવ્યું નહીં ને આ બાજુ, સીમા અને હું પણ અમારા સંસારમાં એટલા ડૂબી ગયા કે પાછું વળીને જોયું પણ નહીં ને વિચાર્યું પણ નહીં!
હું આજે વિચારોમાં મેધામય થઈ ગઈ હતી. મેધાની દીકરીઓ હવે મોટી થઈ ગઈ હશે! મેં સીમાને મેધાના કાગળની કોપી સ્કેન કરીને, ઈ-મેલમાં મોકલી અને સાથે લખ્યું કે એના કોઈ કોન્ટેક્ટ જો વડોદરામાં હોય તો મેધાની તપાસ જરુર કરાવે. મને અંદરથી ખાતરી હતી કે મેધા પોતે ફેસબુક પર તો હોય જ નહીં! કારણ, મેં ભલે એની ભાળ ન લીધી પણ જો એ ફેસબુક પર હોત તો એણે નક્કી મને અને સીમાને શોધી હોત!
મને થયું કે, મારે એની દીકરીઓના નામે ફેસબુક પર સર્ચ કરવી જોઈએ. એની દીકરીઓ તો ‘નવું જનરેશન’ છે. તો, એ લોકો તો ફેસબુક પર હશે જ. મેં ફેસબુક પર પછી નીના, સુસ્મિતા તથા અમિતા – નામોની સર્ચ કરવાની ચાલુ કરી. મને પછી થયું કે દીકરીઓ જો પરણી ગઈ હશે તો એમનાં નામ પણ જુદા હશે, છતાંયે કોશિશ તો કરવી રહી. મેં પછી ખાલી ત્રણેય નામોની સાથે પટેલ લખીને સર્ચ કરી તો મારા આશ્ચર્ય વચ્ચે મને બસોથીયે વધારે નીના પટેલ અને ચારસો બીજી અટકવાળી નીના મળી. બસોથીયે વધુ અમિતા પટેલ અને ત્રણસોથી પણ વધુ અમિતા અન્ય અટક વાળી મળી. પરંતુ ફક્ત એકત્રીસ સુસ્મિતા મળી જેમની અટક પટેલ હોય અને સોથી વધુ સુસ્મિતા બીજી અટક વાળી હતી.
હવે આગળ શું કરું, એ વિચારમાં પડી. પછી મેં નક્કી કર્યું કે કેટલો પણ સમય લાગે પણ પહેલાં તો એકત્રીસે એકત્રીસ સુસ્મિતાનો સંપર્ક કરવો. અને, ત્યાં જો કંઈ ન થાય તો બાકીની સો સુસ્મિતાને પણ કોન્ટેક્ટ કરવો.
મેં ધીરજથી, એકત્રીસ સુસ્મિતાને મેસેન્જર પર સંદેશો મોકલ્યો કે હું મારી બહુ વ્હાલી મિત્ર મેધા પાટીદારને શોધું છું. અમે મુંબઈના સબર્બ, મલાડની સ્કૂલમાં સાથે ભણ્યા હતાં. મેધા લગ્ન કરીને એના પતિ અનિલ પટેલની સાથે મસ્ક્ત રહેતી હતી, અને પછી થોડાંક સમય માટે વડોદરા રહ્યાં હતાં, વગેરે, વગેરે, વિગતો પણ મોકલી. સાથે એ પણ લખ્યું કે “અનિલ અને મેધાની ત્રણ દીકરીઓ હતી, મોટી નીના અને પછીની બે ટ્વીન દીકરીઓ, અમિતા અને સુસ્મિતા. જો આપ એ સુસ્મિતા હો તો અવશ્ય મને જણાવજો અને ન હો તો તકલીફ બદલ માફ કરજો.”
રાતના સાડા અગિયાર થયા હતાં. મેં કમ્પ્યુટર બંધ કર્યું અને પથારીમાં પડી. મનોમન, પ્રાર્થના કરતી રહી કે આ બધી સુસ્મિતાઓમાં મને એ સુસ્મિતા મળે જેને હું શોધું છું.
બીજે દિવસે, ડિનર પછી મેં કમ્પ્યુટર ખોલ્યું, અને મારા આશ્ચર્ય વચ્ચે દરેક સુસ્મિતાના જવાબો આવ્યા હતા. ત્રીસ સુસ્મિતાએ દિલગીરી જાહેર કરીને, મને મારી મિત્ર જલદી મળે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. પણ એક જવાબ હતો સુસ્મિતા પટેલ-મહેરાનો, જેણે લખ્યું હતું, “આન્ટી, પ્લીઝ, મને તમે ફોન નંબર મોકલો અથવા મને ફોન કરો. નંબર મોકલાવું છું. બાય ધ વે, હું મુંબઈમાં રહું છું. હું એ સુસ્મિતા નથી જેને તમે શોધો છો પણ મને લાગે છે કે હું તમારી મદદ કરી શકું એમ છું.” આ બે-ત્રણ વાક્યોના જવાબે મને જાણે “કૌન બનેગા કરોડપતિ” ના છેલ્લા સાત કરોડના પ્રશ્નના જવાબ માટે સ્પેશ્યલ લાઈફ-લાઈન મળી હોય એટલો આનંદ થયો!
સાન ફ્રાન્સીસ્કોમાં ત્યારે સાડા આઠ રાતના થયા હતા. મેં એના મોકલાવેલા નંબર પર ફોન કર્યો.
“હું સાન ફ્રાન્સીસ્કોથી જયુઆન્ટી વાત કરું છું. સુસ્મિતા પટેલ-મહેરા છે?”
“હા, હું જ સુસ્મિતા. બોલો આન્ટી”.
“થેંક્યુ ફોર ટેઇકીંગ ટાઈમ ટુ આન્સર માય રેન્ડમ ક્વેરી. હું તમારા સમયની કદર કરું છું. હવે તમે કહો, શું મદદ કરી શકો છો તમે?”
“આન્ટી, મારી ગાયનેકોલોજીસ્ટ છે, જેનું નામ ડૉ. નીના એમ. પાટીદાર છે. અહીં, પેડર રોડ પર, મારા બિલ્ડીંગથી દસેક બિલ્ડીંગ દૂર, બિલકુલ જેસલોક હોસ્પિટલની સામે “ડૉક્ટર્સ હાઉસ” છે, ત્યાં એમની ઓફિસ છે. હજી એકાદ અઠવાડિયા પહેલાં હું મારી એપોઈન્ટમેન્ટ માટે ગઈ હતી ત્યારે એમની ટ્વીન બહેનો, અમિતા અને સુસ્મિતા લંડનથી ત્યાં આવી હતી. ડૉ. નીનાએ એમની ઓળખાણ મને કરાવી હતી. મારી બહેન પણ લંડન રહે છે અને મેં એમની સાથે પાંચેક મિનીટ વાતો પણ કરી હતી. આથી મને એમનાં નામો યાદ રહી ગયાં. હું ડૉ. નીનાનો નંબર આપું છું. એ સાથે હું ડૉ. નીનાને તમારો નંબર પણ મોકલીશ. આશા છે કદાચ તમે શોધો છો એ આ જ કુટુંબ હોય. તમે એકાદ બે કલાક રહીને ડૉ. નીનાને ફોન કરજો જેથી એટલા સમયમાં એમને મારો સંદેશો પહોંચી શકે. ગુડ લક આન્ટી.”
મારી ખુશીનો પાર નહોતો. હું હવે એકાદ-બે કલાક કેમ વિતાવવા એની રાહ જોતી હતી. મેં ઝી ટીવી ચાલુ કર્યું. “આંધી” મુવી ચાલી રહ્યું હતું. મુવીમાં ધ્યાન આપવાની કોશિશ પણ ઠાલી નીવડી! ત્યાં તો મેસેન્જર પર રીંગ વાગી. મેં ફોન ઉપાડ્યો અને સામે જે મેં સાંભળ્યું, મને લાગ્યું કે હું સપનું જોઈ રહી છું! એ ફોન ડૉ. નીના પાટીદારનો હતો!
ઔપચારિક વાતો માંડ કરી અને મેં તરત જ એને પૂછ્યું કે, “મારી મેધા છે ક્યાં? મને એનો ફોન નંબર આપ. સહુ પહેલાં, તો મારે એને ફોન કરીને ચોંકાવી દેવી છે!”
પણ નીનાને આટલા વરસોનો “ભારેલો અગ્નિ” ઠરી જાય એ પહેલાં જ, જાણે બધું જ કહી દેવું હતું. ડૉ. નીનાએ જે વાતો કરી એ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસતી ગઈ.
મેધાના પતિએ દુબઈ જઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરી લીધા. મેધા તથા બાળકોને કદીયે પાછા ન બોલાવ્યા, એટલું જ નહીં, પણ પોતાના વૃદ્ધ માતા-પિતાની તરફ પાછા વળીને જોયું પણ નહીં! મેધાએ એના સંતાનોના ભણતર અને સફળતા માટે અનહદ મહેનત કરીને, બાળકોને મોટા કર્યાં. મેધા ઘરેથી ટિફીન સર્વીસ ચલાવતી હતી અને શનિવાર ને રવિવારે કેટરીંગના ઓર્ડરો લેતી. મેધાના સાસુ-સસરા જીવિત રહ્યાં, ત્યાં સુધી મેધાએ એમને પણ પ્રેમથી રાખ્યાં. નીનાએ એમ.ડી. કર્યું અને ૨૦૦૭થી મુંબઈમાં પ્રેક્ટીસ કરી રહી હતી. નીનાએ કાયદેસર રીતે પિતાનું નામ અને અટક બેઉ કાઢી નાખીને મેધાનું નામ અને અટક રાખી હતી. અમિતા-સુસ્મિતા બેઉ સોફ્ટ્વેર એન્જિનીયર થઈને, લગ્ન કરીને લંડન શીફ્ટ થઈ ગયા. આ બધી વાત કરતી નીનાના અવાજનો કંપ હું દસ હજાર માઈલ દૂર, સાન ફ્રાન્સિસ્કોમાં, આટલે દૂર અનુભવી શકતી હતી.
નીના બોલી, “આન્ટી, મારો સેલ નંબર પણ નોટ કરી લેજો.”
મારાથી અનાયસે કહેવાઈ જવાયું, “બેટા, મને થાય છે કે હું ઊડીને ત્યાં આવું! મને મેધાનો નંબર આપ. મારાથી રાહ નથી જોવાતી હવે! આટલું બધું એ એકલી સહેતી રહી ને.. હુંયે કેવી સ્વાર્થી કે મારી વ્હાલી સખીની ભાળ ન કાઢી! મારે એને ધમકાવવી છે અને સાથે એને કહેવું છે કે એ મને વઢે, કે મેં કેમ આટલો સમય એની ખબર ન લીધી!”
સામેથી નીનાના અવાજમાં ડૂમો છલકાયો, “આન્ટી, મમ્મી એની બધી મુશ્કેલીઓમાં પણ તમને અને સીમા આન્ટીને ભૂલી નહોતી. હું કહેતી કે તું કહેતી હોય તો હું એમને શોધું. પણ એનો એક જ જવાબ રહેતો કે, “મારી બે સખીઓને મારી તકલીફનો અણસાર પણ જશે તો એમને દુઃખ થશે! અને મારે એવું નથી કરવું. અમે ત્રણેયે જે સુખનો સમય વીતાવ્યો છે એ જ યાદ રાખવો છે.” પણ, મમ્મીને ખાતરી હતી કે તમે કે સીમાઆન્ટી ક્યારેક તો એને શોધશો જ અને કોન્ટેક્ટ પણ કરશો! એણે તમારા બેઉ માટે એક પત્ર આજથી દસ વરસ પહેલાં લખીને મૂકી રાખ્યો છે, તે પત્ર સ્કેન કરીને આજે જ મોકલીશ.”
મારી ધીરજ ખૂટતી જતી હતી. શું થયું હતું મેધાને કે દસ વરસ પહેલાં પત્ર….! હું હ્રદયનો ધબકારો ચૂકી ગઈ અને પૂછ્યું, “મેધાને કઈં થઈ ગયું છે? મને જલદી કહે, બેટા!”
સામે છેડેથી જવાબ આવ્યો, “આન્ટી, મમ્મી મારી સાથે જ રહે છે. હું ઘેર જઈને ફેસ-ટાઈમ કરીને મમ્મીને નક્કી આજે જ તમારી સાથે મેળવીશ. પણ, મમ્મીને દસ વરસ પહેલાં અલ્ઝાઈમરની શરુઆત થઈ હતી. જે દિવસે અલ્ઝાઈમર શરુઆતના સ્ટેજમાં પરખાયું હતું, તે જ દિવસે એણે તમારા માટે અને સીમાઆન્ટી માટે જુદા પત્ર લખીને મૂક્યા હતાં. હું હમણાં કન્સલ્ટિંગરૂમ પર છું. રાતના ઘેર જઈને ફોન કરું છું. મમ્મી હવે તો કોઈનેય ઓળખતી નથી અને એની પોતાની દુનિયામાં જ રહે છે. મમ્મી હવે આ દુનિયાની રહી નથી, આન્ટી!” ડૂમા ભરેલા અવાજે નીના બોલી રહી હતી અને એણે ફોન મૂકી દીધો.
આ હું શું સાંભળતી હતી! આટલાં વરસો સુધી મારી વ્હાલી સખી આ બધું જ સાવ એકલી સહેતી રહી, એક વાર પણ ઊફ કર્યાં વિના? અરે, મને નહીં તો સીમાને તો કોન્ટેક્ટ કરવો હતો? પણ કોન્સટન્ટ સંજ્ઞા, “પાઈ”, એવી મેધાને મોઢેથી મેં કદી કોઈ નાની-સરખી ફરિયાદ પણ સાંભળી નહોતી. તો આ બધી વાતો તો કેમ કરવાની હતી? આટલી વેદના, આટલી વ્યથા, મારી સખીના ભાગ્યમાં લખાઈ ગઈ અને હું? મારી આંખમાંથી આંસુ વહ્યાં કરતાં હતાં.!
ડૉ. નીનાના શબ્દો મારા કાનમાં ગુંજતાં હતાં, “મમ્મી હવે આ દુનિયાની રહી નથી…!”
સાચે જ, એની મમ્મી આમ પણ, ક્યારેય આ દુનિયાની હતી જ નહીં!
સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
