ધિક્કારનાં ગીતો

જૂના જમાનામાં લોકો દિલથી પ્રેમ કરતાં અને હવે દિમાગથી કરે છે એવું તમને લાગે છે ખરું?

દીપક સોલિયા

વાત એ ચાલતી હતી કે આગ તો દઝાડે જ, પરંતુ ઠંડક પણ ઓછી ‘કરપીણ’ નથી હોતી. ગરમ ધિક્કાર કરતા ઠંડી નિર્લેપતા વધુ ઇજા પહોંચાડી શકે છે. સ્ત્રી-પુરુષ સંબંધમાં વાંકું પડે ત્યારે ‘તું ખરાબ છે. તું બેવફા છે. તું ત્રાસજનક છે.’ એવા આકરા શબ્દો કરતાં પણ વધુ ખતરનાક શબ્દો આ છેઃ ‘તું કોણ છે? તું મારા માટે કશું નથી. યુ ડોન્ટ એક્ઝિસ્ટ.’

તો, સ્ત્રી-પુરુષ સંબંધમાં એકમેક સામેનો વિરોધ વ્યક્ત કરવાની બે રીત થઈ.

૧) સીધો દ્વેષ વ્યક્ત કરવો.

૨) સામેની વ્યક્તિના અસ્તિત્વને નકારવું.

આ ઉપરાંત એક ત્રીજી રીત છેઃ પ્રેમ નામની ચીજને નકારવી. સામેની વ્યક્તિને કશું ન કહેવું. માણસની વાત જ ન કરવી. સીધો પ્રેમ પર પર જ હુમલો કરવો કે પ્રેમ પોતે જ એક બકવાસ બાબત છે. આવી એક દલીલ ફિલ્મ ત્રિશુલના એક ગીતમાં, સાહિર લુધિયાનવીના શબ્દોમાં, સામસામી ચર્ચા રૂપે આ રીતે વ્યક્ત થઈ છેઃ

પ્રો (પ્રેમતરફી શશી કપૂર) ગાય છેઃ

મહોબ્બત બડે કામ કી ચીઝ હૈ.

સામે પક્ષે એન્ટી (પ્રેમવિરોધી અમિતાભ) ગાય છેઃ

કિતાબોં મેં છપતે હૈ ચાહત કે કિસ્સે
હકીકત કી દુનિયા મેં ચાહત નહીં હૈ
ઝમાને કે બાઝાર મેં યે વો શય હૈ
કિ જિસ કી કિસી કો ઝરૂરત નહીં હૈ
યે બેકાર, બેદામ કી ચીઝ હૈ.

ટૂંકમાં, પ્રેમ વેવલાઈ છે, પ્રેમ કલ્પના છે, પ્રેમ એક નકામી અને મૂલ્ય વિનાની (બેકાર, બેદામ) ચીજ છે. હકીકતની દુનિયામાં પ્રેમ-બ્રેમ જેવું કશું નથી હોતું.

આવી બધી વાતો ફિલ્મમાં એ અમિતાભ કહે છે જેની ભારોભાર કડવાશના પાયામાં એની માતાને થયેલો એક કડવો અનુભવ હતો. માતાને તેના પ્રેમી (અને દીકરા અમિતાભના પિતા) સંજીવ કુમારે સગર્ભા કરીને છોડી મૂકેલી. એને લીધે માતાને પ્રેમ નામની બલા પ્રત્યે ભયંકર રોષ હતો. અમિતાભ પોતે પ્રેમમાં નહોતો દાઝ્યો. દાઝેલી એની માતા. પણ માતાએ પોતાની એ દાઝ દીકરા અમિતાભમાં ટ્રાન્સમિટ કરેલી. દીકરાને પ્રેમ પ્રત્યેનો દ્વેષ વારસામાં મળેલો. એની કડવી માતાએ, ગીતકાર સાહિર લુધિયાનવીએ લખેલા ગીત રૂપે, દીકરાને આપેલો ભયંકર આદેશ જુઓઃ

મેરા હર દર્દ તુઝે દિલ મેં બસાના હોગા
મૈં તેરી માં હૂં, મેરા કર્ઝ ચુકાના હોગા
મેરી બર્બાદી કે ઝમીન અગર આબાદ રહે
મૈં તુઝે દુધ ના બખ્શૂંગી તુઝે યાદ રહે.

સ્ત્રી-પુરુષ વચ્ચેનાં દ્વેષગીતોની આ શ્રેણીમાં સૌથી ડંખીલા, ઝેરીલા દ્વેષગીત તરીકે આ ગીત નં. ૧ નું દાવેદાર ખરું, જેમાં પ્રેમમાં પછડાટ ખાનાર સ્ત્રી તેને પછડાટ આપનાર પુરુષને બરબાદ કરવાની જવાબદારી દીકરાને સોંપતાં કહે છે કે જો દીકરા, તું મારો કરજદાર છે. મારી પીડા તારે તારા દિલમાં રાખવાની છે. મને બરબાદ કરનારો જો આબાદ રહેશે તો હું તને દૂધ માફ નહીં કરું.

પછી આ કડવી માતાનો જબરો દીકરો મોટો થઈને એમ કહે કે મહોબ્બત ફાલતુ ચીજ છે, તો એ સમજી શકાય તેવું છે.

ખેર, દ્વેષ વ્યક્ત કરવાના આ ત્રણ રસ્તા -સીધી ટીકા, ઠંડી નિર્લેપતા, પ્રેમનો વિરોધ- ઉપરાંત એક ચોથો પણ રસ્તો છે, નારાજગી વ્યક્ત કરવાનો. એ રસ્તો એવો છે જેમાં પ્રેમની કે પ્રેમી (યા પ્રેમિકા)ની સીધી ટીકા નહીં કરવાની, પરંતુ દોષનો ટોપલો સમાજ અને સમય પર ઢોળી દેવાનો. લોકો કેવા ખરાબ છે અને જમાનો કેવો ખરાબ છે એવું બધું કહેતાં કહેતાં પ્રેમીને વખોડતું એક યાદગાર ગીત છે, ફિલ્મ દાગનું. ફરી એક વાર (યોગાનુયોગે લેખમાં ત્રીજી વાર) ગીતકાર એ જ છે, સાહિર લુધિયાનવી. શબ્દો આ પ્રમાણે છેઃ

જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈં લોગ
એક ચહરે પે કઈ ચહરે લગા લેતે હૈં લોગ.

વાત સ્પષ્ટ છે. મન ફાવે ત્યારે લોકો (બેવફા પ્રેમીઓ) પ્રેમિકાને છોડીને બીજી સ્ત્રીને પરણીને બેસી જાય છે. લોકો જૂના ચહેરા પર નવા ચહેરા ઓઢી લે છે.

તીર તો સીધું પ્રેમીને જ મારવામાં આવી રહ્યું છે, પરંતુ કહેવાની રીત એવી છે કે એકલો તું જ નહીં, તારા જેવા લોકો આવું બધું – નવી દુનિયા બસાવી લેવી અને ચહેરા પર ચહેરા ઓઢી લેવાં જેવાં કૃત્યો – કરતાં હોય છે.

લોકો કેવા બગડી ગયા છે અને જમાનો કેવો બગડી ગયો છે એવી એક સંયુક્ત લોક-નિંદા-કમ-યુગ-નિંદા કરવાની વૃત્તિ આપણા સૌમાં વત્તેઓછે હોય છે. એ બેવડી નિંદાને અસરકારક રીતે વ્યક્ત કરતા આ ગીતમાં કહ્યું છેઃ

યાદ રહતા હૈ કિસે ગુઝરે ઝમાને કા ચલન
સર્દ પડ જાતી હૈ ચાહત, હાર જાતી હૈ લગન
અબ મહોબ્બત ભી હૈ ક્યા એક તિજારત કે સિવા
હમ હી નાદાં થે જો ઓઢા બીતી યાદોં કા કફન
વર્ના જીને કે લિએ સબ કુછ ભૂલા લેતે હૈં લોગ
એક ચહરે પે કંઈ ચહરે લગા લેતે હૈં લોગ.

લગાવ ઠંડો પડી જાય અને લગની હારી જાય. વાત એકદમ સાચી લાગે તેવી છે. મામલો પ્રેમનો હોય કે બીજો કોઈ, એમાં સતત ઉંમગ, જોશ, સ્ફૂર્તિ ટકાવવાં અઘરાં છે. પરંતુ અહીં કવિ એવું કહે છે જૂના જમાનામાં પ્રેમને આજીવન લીલોછમ્મ રાખવાનું ‘ચલણ’ હતું અને હવે નવા જમાનામાં પ્રેમ ફક્ત એક તિજારત બની રહ્યો છે. તિજારત મતલબ ધંધો, રોજગાર, વ્યવસાય. એક હાથ દે, એક હાથ લે.

આવું શું ફક્ત હવે જ જોવા મળી રહ્યું છે? જૂના જમાનાનો પ્રેમ વધુ સાચો, ઊંડો અને દીર્ઘ હતો? નવા જમાનામાં પ્રેમ ફક્ત વ્યાવસાયિક અભિગમ (પ્રોફેશનલ એટિટ્યૂડ)થી જ કરવામાં આવે છે: ‘અસ્સલના જમાના’માં અસ્સલ પ્રેમ થતો અને આજના જમાનાનો પ્રેમ નકલી હોય છે.

શું ખરેખર આવું છે? તમારું શું માનવું છે?


વધુ આવતા અંકે.


(ક્રમશઃ)


શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com