ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

હિન્દી ફિલ્મી ગીતોની સાથે નૃત્ય-શાસ્ત્રીય અને લોક્નૃત્ય-નો સમન્વય મોટા પાયે થતો આવ્યો છે. આવાં ગીતોમાં મહદઅંશે પંજાબી ભાંગડા, ગુજરાતી ગરબા તેમ જ મરાઠી લાવણી પ્રકારનાં લોકનૃત્યો સાથેનાં ગીતો ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. સ્વાભાવિક છે કે નૃત્ય સાથે તાલવાદ્યોનો પ્રચૂર ઉપયોગ થયો હોય. જેમ કે ભાંગડા સાથે ઢોલક, ગરાબા સાથે ઢોલ અને લાવણી સાથે ઢોલકીના તાલ જોડાયેલા હોય છે.

આ કડીમાં આપણે લાવણીનૃત્ય સાથે ઢોલકીના તાલ વડે સજાવાયેલાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો માણીએ. ગઈ કડીમાં ઢોલકી અને તેના બોલનો પરિચય થઈ ચૂક્યો છે. અહીં શરૂઆતમાં લાક્ષણિક લાવણી નૃત્યની એક ઝલક માણી લઈએ. પ્રસ્તુત ગીત મરાઠી ફિલ્મ સુશીલા(૧૯૬૬)નું છે, જેને માટે રામ કદમ નામના સંગીતકારે સ્વરનિયોજન કર્યું હતું.

હવે આગળ વધીએ ઢોલકીના તાલ અને લાવણી નૃત્ય સાથેનાં હિન્દી ફિલ્મી ગીતો તરફ.

ફિલ્મ દાગ(૧૯૫૨)નું ગીત ‘દેખો આયા યે કૈસા જમાના’ સાંભળતાં જ ઢોલકીના બોલ સ્પષ્ટ પારખી શકાય છે. સંગીત શંકર-જયકિશનનું છે.

https://www.youtube.com/watch?v=Sf6dbWkCEHg&list=RDSf6dbWkCEHg&start_radio=1

૧૯૫૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ પહલી ઝલક માટે સંગીતકાર રામ કદમે ગીતો તૈયાર કર્યાં હતાં. આ ફિલ્મનું લાવણીગીત ‘અચ્છી સૂરત હૂઈ મુસીબત’ ઢોલકીના બોલથી ભરપૂર છે.

https://www.youtube.com/watch?v=F5pS82za9Wc&list=RDF5pS82za9Wc&start_radio=1

ફિલ્મ આવાઝ (૧૯૫૬)ના પ્રસ્તુત ગીતમાં એક વિશિષ્ટ પ્રયોગ કરાયો હતો. એક ખુબ લોકપ્રિય એવા બંગાળી લોકગીત ‘ધ્રીતાંગ ધ્રીતાંગ બોલે’ને લાવણીનૃત્ય સાથે ઢાળવામાં આવ્યું હતું. મૂળ લોકધૂનનું વાદ્યવૃંદ થકી સમૃદ્ધિકરણ સંગીતકાર સલિલ ચૌધરીએ કર્યું હતું. પ્રસ્તુત રજૂઆત સાથે વીડિઓ જોવા નથી મળતો, પણ શરૂઆતમાં જ કાને પડતા ઢોલકીના બોલ ગીતના ‘લાવણીકરણ’નો ખ્યાલ આપે છે.

ફિલ્મ ચંદન(૧૯૫૮) માટે સંગીત મદનમોહને તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું એક લાવણીગીત ‘ચાહે લાખ જમાના રોકે’ ઢોલકીના ધ્યાનાકર્ષક બોલ ધરાવે છે.

૧૯૬૨ના વર્ષમાં પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ સંત જ્ઞાનેશ્વરનું ગીત ‘મૈં તો છેલ છબીલી નાર’ સાંભળીએ. આ ફિલ્મનાં ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં.

સલિલ ચૌધરીના નિર્દેશનમાં તૈયાર થયેલું ફિલ્મ ચંદા ઔર સૂરજનું લાવણીગીત ‘મેરી ઔર ઉન કી પ્રીત પૂરાની’ ઢોલકીના પ્રભાવક બોલથી સભર છે. પરદા ઉપર ઢોલકી વગાડતા કલાકાર નજરે ચડતા રહે છે.

હવે સાંભળીએ ૧૯૬૮ની ફિલ્મ આશિર્વાદનું ગીત ‘સાફ કરો ઈન્સાફ કરો’. વસંત દેસાઈના સંગીતનિર્દેશનમાં તૈયાર થયેલા આ ગીતમાં લાવણીનું લાક્ષણિક નૃત્ય અને ઢોલકીવાદન માણી શકાય છે.

https://youtu.be/5kgcqedpyy4?si=nsJNnDS1rjn_3LDO

૧૯૭૨ની ફિલ્મ નારદલીલા માટે નારાયણ દત્ત નામના પ્રમાણમાં અજાણ્યા સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. તે પૈકીનું એક લાવણીગીત ‘પહન કે નૌ ગજ કી સાડી’ સાંભળીએ. અહીં પણ પરદા ઉપર લાક્ષણિક લાવણીનૃત્ય જોઈ શકાય છે.

ફિલ્મ સબ સે બડા રુપૈયા(૧૯૭૬)નું એક ગીત ‘દરિયાકિનારે એક બંગલો’ પાંચ દાયકા પછી આજે પણ ખુબ જ લોકપ્રિય બની રહ્યું છે. આ લાવણીગીતનું સ્વરનિયોજન બાસુ ચક્રવર્તી અને મનોહરી સિંહે કર્યું હતું.

૧૯૭૭માં પરદા પર આવેલી ફિલ્મ શીરડી કે સાંઈબાબા મૂળે તો એક ધાર્મિક ફિલ્મ હતી, પણ તેમાં એક લાવણીગીત ‘પ્યાર મેં તેરે મૈં દુનિયા ભૂલ ગયી’નો સમાવેશ થયો હતો. ઢોલકીના સથવારે નૃત્ય અને ગાયકી ખુબ જ રોચક બની રહે છે. સંગીત પાંડુરંગ દીક્ષિત નામના અલ્પપ્રસિદ્ધ સંગીતકારે તૈયાર કર્યું હતું.

૧૯૭૭ના જ વર્ષની ફિલ્મ ભૂમિકાનું વનરાજ ભાટીયાના નિર્દેશનમાં બનેલું લાવણીગીત ‘મેરા જીસ્કિલા બાલમ ના આયા’ માણીએ. શરૂઆતમાં જ ઢોલકીના લાક્ષણિક બોલ સંભળાવા લાગે છે.

ફિલ્મ આક્રોશ (૧૯૮૦) માટે અજિત વર્મન નામના સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. તે પૈકીનું એક લાવણીગીત ‘તૂ ઐસા કૈસા મર્દ’ સાંભળીએ.

https://www.youtube.com/watch?v=ZHHmGAwFwo0&list=RDZHHmGAwFwo0&start_radio=1

હવે સાંભળીએ ૧૯૮૨ની ફિલ્મ અશાંતિ માટે રાહુલદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલું લાવણીગીત ‘લવીંગી મીરચી મૈં કોલ્હાપૂર કી’

આ કડીના અંતમાં ફિલ્મ અંજામ (૧૯૯૪)નું લાવણીગીત ‘મૈં કોલ્હાપૂર સે આયી’. સ્વરનિયોજન સંગીતકાર બેલડી આનંદ-મીલિંદનું છે.

આ કડીમાંનાં ગીતો માણતી વખતે એક નોંધપાત્ર બાબત વિશે ધ્યાન ખેંચવું છે. કુલ ચૌદ ગીતો છે, તેમાં બાર અલગ અલગ સંગીતકારોનું સ્વરનિયોજન છે. આટલું વૈવિધ્ય હોવા છતાં બધાં જ ગીતોના ઢોલકીવાદનમાં ચોક્કસ સામ્ય જણાઈ આવે છે. આ પરથી એવું તારણ કાઢી શકાય કે બધા જ સંગીતનિર્દેશકોએ પોતપોતાની મૌલિકતાને બાજુ પર રાખી, લાવણીનૃત્ય સાથે સમાવિષ્ટ ઢોલકીવાદનને પ્રાધાન્ય આપ્યું છે.

અહીં અટકીએ. આવતી કડીમાં નવાં તાલવાદ્યો સાથે મળીએ.


નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com