ગિરિમા ઘારેખાન

એક શિયાળ હતો. એનું નામ હતું ગલબો. એ એક જંગલમાં રહેતો હતો. એક વાર જંગલમાં એ ચાલતો  ચાલતો જતો હતો. ત્યાં રસ્તામાં ક્યાંકથી ઊડીને આવેલું એક ચીથરું પડ્યું હતું. શિયાળના પગમાં એ ચીથરું વીંટાઈ ગયું. શિયાળે એને ખેંચવાનો પ્રયત્ન કર્યો પણ એ ખેંચી શકાયું નહીં. એણે વિચાર્યું કે ચાલતાં ચાલતાં નીકળી જશે. પણ ચીથરાનો લટકતો છૂટો છેડો પગમાં આવવાથી એને ચાલવામાં  તકલીફ પડતી હતી.

ત્યાં ઝાડ ઉપર બેઠેલા વનુ વાંદરાએ શિયાળને આવી રીતે ચાલતો જોયો. એણે કહ્યું, ‘ગલબાભાઈ, પગે વાગ્યું લાગે છે. એટલે જ આવી રીતે ચાલો છો. બહુ વાગ્યું છે? પગે પાટો બાંધવો પડ્યો છે ને? અરેરે ! હવે દોડીને શિકાર કેવી રીતે કરશો ?

વાંદરાનું બોલવું સાંભળતા વેંત લુચ્ચા શિયાળાના મનમાં એક વિચાર ઝબકી ગયો. એણે મોં ઢીલું કરીને   કહ્યું, ‘હા, જુઓને ! બહુ વાગ્યું છે. કોઈ મદદ કરશે, ખાવાનું આપશે તો ખાઇશ. નહીં તો ભૂખ્યો રહીશ. બીજું શું?’

હવે શિયાળે તો થોડે આગળ જઈને પેલા ચીંથરાને પાટાની જેમ કચકચાવીને બાંધી દીધું. પછી એ તો વરુની ગુફાની બહાર જઈને ઊભો રહ્યો. અંદરથી ખાવાનાની સુગંધ આવતી હતી. શિયાળે રડમસ અવાજમાં બૂમ પાડી, ‘વરુભાઈ, જરા બહાર આવો તો !’ વરુને થયું કે આજે આ ગલબાને વળી મારું શું કામ પડ્યું ? એ બહાર આવ્યું એટલે દયામણું મોં કરીને શિયાળે કહ્યું,

‘માનો નહીં મને ઠગ
મારો તૂટી ગયો છે પગ
દોડી ના શકું ફટ ફટ
થોડું ખાવાનું આપો ઝટ ઝટ’

વરુએ શિયાળના પગે બાંધેલા મોટા પાટા તરફ જોયું. એને એની દયા આવી. ‘અરે રે ! હવે આ ગલબો દોડીને શિકાર નહીં કરી શકે અને ભૂખ્યો રહેશે. અમારે મુશ્કેલીમાં એકબીજાને મદદ કરવી જોઈએ. એણે પોતે કરેલા શિકારમાંથી થોડો ભાગ શિયાળને આપ્યો.

શિયાળને તો મહેનત કર્યા વિના ખાવાની બહુ મઝા આવી. પછી તો એ રોજ રોજ જુદા જુદા પ્રાણીઓ પાસે જાય અને કહે,

‘માનો નહીં મને ઠગ
મારો તૂટી ગયો છે પગ
દોડી ના શકું ફટ ફટ
થોડું ખાવાનું આપો ઝટ ઝટ.’

બધા પ્રાણીઓને એના પગ ઉપરનો પાટો અને એનું દયામણું મોં જોઇને દયા આવી જાય. પાછો  શિયાળ કોઈ પ્રાણીની નજીક જાય એટલે લંગડાતો ચાલવા માંડે.

આમ ને આમ ઘણા દિવસ વીત્યા. પેલો વનુ વાંદરો રોજ શિયાળને જુએ અને વિચારે, ‘આટલા દિવસ થયા આ ગલબાને મટતું જ નથી ! એવું કેવું વાગ્યું છે? શિયાળનો ભરોસો ના થાય. એ લંગડાવાનું નાટક તો નથી કરતો ને ! એણે ઝાડ ઉપર રહેતા પોતાના મિત્ર કકુ કાગડાને મનની વાત જણાવી..

કાગડો કહે, ‘તમારી વાત તો સાચી છે. હું આજે જ તપાસ કરી લઈશ.’

પછી કકુ તો શિયાળ જ્યાં જ્યાં જાય ત્યાં પાછળ પાછળ ઉડવા માંડ્યો. શિયાળ ખાવા માટે ઊભો રહ્યો   એટલે એ બાજુના ઝાડ ઉપર બેસી ગયો. પેટ ભરીને ખાધા પછી શિયાળ નદી તરફ પાણી પીવા ગયો. કાગડાએ જોયું કે જયારે કોઈ પ્રાણી નજીક હોય ત્યારે જ શિયાળ લંગડાય છે. બાકી બરાબર ચાલે છે, દોડે પણ છે. એણે ઝાડ ઉપર પાછા જઈને વાંદરાને બધી હકીકત જણાવી દીધી.

વનુ વાંદરાને થયું કે આવું તો ના જ ચાલે. આ તો છેતરપીંડી છે. બીજી વાર કોઈને ખરેખર જરૂર હોય તો પણ કોઈ કોઈને મદદ ના કરે. અને એમ પોતે મહેનત ના કરે અને બીજાની મહેનતનું ખાધાં કરે એવું થોડું ચાલે ? એ તો ગયો વનના રાજા સિંહ પાસે. એણે સિંહને શિયાળની લુચ્ચાઈની બધી વાત કરી. આ સાંભળીને સિંહ તો ખૂબ ગુસ્સે થયો. એ કહે, ‘એ ગલબો ! આવી રીતે બધાને છેતરે છે ! બધા મહેનત કરીને શિકાર કરે અને એ માગી માગીને મહેનત વિના પેટ ભરી લે છે! હું એને પાઠ ભણાવીશ. ’ એણે વાંદરા સાથે મળીને શિયાળની પોલ ખોલવાની એક યોજના બનાવી.

બીજે દિવસે શિયાળ લંગડાતો ચાલતો જતો હતો ત્યારે સિંહ એની પાછળ આવ્યો અને જોરથી ત્રાડ પાડી. એણે કહ્યું,‘તને તો પગે વાગ્યું છે ને? આજે તો તું દોડી પણ નહીં શકે. આજે હું આરામથી તારો શિકાર કરીશ.’ આમ કહીને સિંહ ધીરે ધીરે ગલબાની નજીક આવ્યો. શિયાળે તો લંગડાવાનું ભૂલીને પૂરી તાકાતથી દોડવા માંડ્યું. વનુ વાંદરાએ બધાને જણાવી દીધું હતું એટલે બધાં પ્રાણીઓ પણ એને ભાગતો  જોવા આજુબાજુ સંતાઈને ઊભા હતા. એ બધાએ પણ શિયાળની પાછળ દોડવા માંડ્યું. ગભરાયેલા શિયાળને રસ્તામાં એક મોટો ખાડો હતો એ ન દેખાયો અને એ ખાડામાં જઈને પડ્યો. હવે એનો પગ ખરેખર તૂટી ગયો.

ઘણા દિવસ સુધી એણે સાચો પાટો બાંધીને લંગડાતા ચાલવું પડ્યું. જે એને જુએ એ કહે,

‘તૂટી ગયો તારો પગ
કેમ કે તું છે મોટો ઠગ
હવે મહેનત કરીને ખાજે
મફતનું ખાધું છે ઢગ’

શિયાળ હવે સમજી ગયો છે કે કોઈનું જૂઠ લાંબો સમય ટકતું નથી. મહેનત કરીને ખાવામાં જ મજા છે.


ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯