લતા હિરાણી
એક હતી દેડકી. એનું નામ હતું રુબી પણ જ્યારે જુઓ ત્યારે એ રોતી જ હોય….એટલે જંગલમાં બધાએ એનું નામ પાડી દીધું રોતલ દેડકી !! એ સાવ ધીમું ધીમું બોલે ‘ડ્રાંઉ ડ્રાંઉ’ … અને બધાને સંભળાય ‘વાંઉ વાઉં’. એ જેવી કુવા પાસે આવે અને બધા દેડકા નાસી જાય, “એ રોતલ દેડકી આવી. ….ભાગો રે ભાઇ ભાગો” આ દેડકી કોઇને ગમે નહીં.
એ કનુ કાચબા પાસે ગઇ. “જુઓને કનુકાકા, આ કોઇ દેડકા મારી દોસ્તી કરતા નથી.. હું જઉં ને બધા ભાગી જાય છે.” કહેતાં રુબી રડવા માંડી.. “મને એકલાં એકલાં કેમ ગમે ?” અને એણે મોટો ભેંકડો તાણ્યો.
કનુ કાચબો કહે, “બસ આજ તારી મુશ્કેલી છે ને ! જયારે જુઓ ત્યારે ફરિયાદ ને ફરિયાદ, રડતી ને રડતી ! પછી તારી સાથે કોણ દોસ્તી કરે ??
એવામાં ત્યાં અપ્પુ ઉંદર આવ્યો.
કનુ કાચબો કહે, “રડવાનું બંધ કર. ચાલ અપ્પુ સાથે દોસ્તી કર.”
અપ્પુ ઉંદર કહે, “ના બાબા ના એક વાર એ મારી સાથે રમવા આવી હતી. મને એ વખતે બહુ ભુખ લાગી હતી. મેં કહ્યું તું બેસ હું થોડાં દાણા ખાઇ લઉં. તો એ રડવા માંડી. એવું થોડું ચાલે ભઇ !”
“અરે પણ એમાં રડવાનું શું ?? કનુ કાચબાએ પુછ્યું.
”મને પણ ભુખ લાગી હોય ! મારે પણ કંઇક ખાવું હતું. તેં મને પુછ્યું કેમ નહીં ?? એવું કહીને એ રડી.
“ભુખ લાગી હોય તો એ પણ ખાઇ લે, મેં ક્યાં ના પાડી હતી ?” અપ્પુ ઉંદર બોલ્યો.
“વાત તો તારી સાચી,” હજી કનુ કાચબો અપ્પુ ઉંદરને સમજાવે એ પહેલાં એ નાસી ગયો.
રુબી દેડકી નિરાશ થઇ ગઇ. આગળ ગઇ તો ત્યાં મોટો કૂવો હતો.. કુવાકાંઠે પથ્થરો ઘસાઇને ઘસાઇને ગોળ થઇ ગયા હતા. રુબી દેડકી કુદવા ગઇ પણ એનો પગ લપસ્યો.. એ પડી પાણીમાં. વળી એનો ભેંકડો ચાલુ થયો. “મને ખબર છે. આ ગરબડિયા પથ્થરોનો જ વાંક છે. એણે મને પછાડી દીધી.”
ત્યાં ફરતા બધા અળસિયા હસવા માંડ્યા. “જુઓ જુઓ, આ રોતલ દેડકી !!”
“એક તો મને વાગ્યું અને ઉપરથી તમે મને રોતલ કહીને હસો છો ?”
”રોતલ, રોતલ ને રોતલ. એક વાર નહીં સાત વાર રોતલ. તું જ્યાં સુધી રડતી રહીશ ત્યાં સુધી અમે તને રોતલ કહીશું.”
રુબી દેડકી રડતી રડતી પોતાના ઘર તરફ જતી હતી ત્યાં રસ્તામાં એને ક્યુટ કાચિંડો મળ્યો, “ઓહો, હજી તારું રડવાનું ચાલે છે !”
“પ્લીઝ, તું મને હેરાન ના કર ને ! એક તો મારી દોસ્તી કોઇ નથી કરતું ને ઉપરથી બધા હેરાન કરે છે.”
“તારે ફ્રેંડની જરુર છે ખરી ?”
”હાસ્તો વળી”
“તો સાંભળ મારી વાત. તારે વાતે વાતે રડવાનું બંધ કરવું પડશે. એ વગર તારી દોસ્તી કોઇ નહીં કરે.”
“તે મને કંઇ શોખ નથી થતો રડવાનો !!”
”પણ તને રડવું બહુ આવે છે એ તો સાચી વાત કે નહીં ? રોતી સુરત કોઇને ન ગમે. તું એકવાર નક્કી કર કે હવેથી હું નહીં રડું. પછી જોઇ લે, કોની મજાલ છે કે તને રડાવે !!”
”એવું કેવી રીતે થાય ?”
“સાવ સહેલું છે. સવારના ઉઠીને મનમાં દસ વાર બોલી જા. નહીં રડું, નહીં રડું, નહીં રડું..રડવું આવે ત્યારે આ વાત યાદ કરીને મન મક્કમ કરી લેવાનું.”
”સાચે જ એ એટલું સહેલું છે ?”
”સવાલ જ નથી. બસ તું નક્કી કર એટલે કામ પુરું. હવે આજે તું તારા ઘરે જા આપણે ફરી મળીશું, બાય” ક્યુટ કાચિંડો ચાલતો થયો.
રુબી દેડકી વિચારમાં પડી ગઇ. રોજ એને કંઇ ને કંઇ વાતે રડવું આવતું એટલે એ દુબળી થઇ ગઇ હતી. એની આંખો ઝીણી થઇ ગઇ હતી. રાત્રે એને કેટલાંય સપનાં આવ્યાં. સપનામાં યે બધાં એને ચીડવતા હતા. એ સાવ એકલી પડી ગઇ હતી.
આમ ને આમ રાત પુરી થઇ. સવાર પડી. આખી રાત સુવા છતાં એ થાકેલી હતી. એણે પાક્કું નક્કી કર્યું, “ભલે ને આજે કોઇ મને ગમે એટલું ચીડવે તો પણ હું ચીડાઇશ નહીં કે જરાય રડીશ નહીં.” આંખ બંધ કરીને એ મનમાં ને મનમાં દસ વાર બોલી, “નહીં રડું. નહીં રડું, નહી રડુ….. કોઇ દિવસ નહીં રડું જા…..” એ “જા” એટલા જોરથી બોલી કે એની મમ્મીએ સાંભળ્યું,
“અરે ! કોની સાથે વાત કરે છે તું ?” રુબીને હસવું આવી ગયું. એ એકલી એકલી મનમાં ને મનમાં બોલતી હતી.
એની મમ્મી ખુશ થઇ. “હાશ આજે કેટલા વખતે તને હસતી જોઇ !!” એણે બ્રશ કર્યું. એની મમ્મીએ એના માટે નાસ્તો તૈયાર રાખ્યો હતો. “ચાલ સરખું ખાઇ લે !!” એની મમ્મીને એની બહુ ચિંતા રહેતી. “ આ મારી રડતી દીકરીને પરણશે કોણ ?? આમ ને આમ જોને કેવી છુંછા જેવી થઇ ગઇ છે !”
જોકે રુબી દેડકી હવે બદલાઇ ગઇ હતી. એ નાહી ધોઇને સરસ તૈયાર થઇને કુવા કાંઠે ગઇ, “કુવાઅંકલ, કુવાઅંકલ તમે મને એક બહેનપણી શોધી આપોને !!”
કુવો કહે, “જો તું ખુશ રહીશ તો એક નહીં કેટલીયે બહેનપણીઓ તને મળશે.”
”આજે તમને મારો મુડ કેવો લાગે છે ?” રુબીએ પુછ્યું.
“આજે તો તું ખુશ દેખાય છે.”
”બસ તો હવે રોજ આમ જ રહેશે.”
”અરે વાહ દેડકીબેન ! તો તો તું મને બહુ વહાલી લાગે !!”
એટલીવારમાં ત્યાંથી સ્વીટુ સસલી નીકળી. કુવાભાઇ કહે, “ સ્વીટુ, આ દેડકીબેનને તારી પીઠ પર બેસાડી ફરવા લઇ જા ને ! કેવી સરસ તૈયાર થઇને આવી છે ?”
સ્વીટુ કહે, “ચાલ આવી જા.”
રુબી દેડકી ખુશ થઇ ગઇ. કુદીને બેસી ગઇ સ્વીટુની પીઠ ઉપર. સ્વીટુને મજા પડી ગઇ. એ તો કૂદી, એક વાર, બે વાર.. રુબી દેડકી ચીપકીને બેસી રહી પણ સ્વીટુ ત્રીજી વાર કૂદી અને રુબીની પકડ છુટી ગઇ. એ નીચે પડી. એને થોડું વાગ્યું. એની આંખમાં જરા પાણી આવી ગયાં પણ એને યાદ આવી ગયો પોતાનો સંકલ્પ. એ મનમાં ને મનમાં બોલી, ના ના રડાય નહીં જ…
સ્વીટુ સસલી બિચારી ઝંખવાણી પડી ગઇ હતી. એનો ઇરાદો કંઇ રુબી દેડકીને પછાડવાનો નહોતો. “સોરી દોસ્ત, પણ મેં તને જાણીજોઇને નથી પાડી. ચલ હવે બરાબર બેસી જા”
રુબીને જરા હાશ થઇ.“કંઇ વાંધો નહીં, મને ખાસ વાગ્યું નથી હોં !!” રુબી દેડકી પાછી સ્વીટુ સસ્સીની પીઠ પર ચડી ગઇ.
સ્વીટુ સસ્સી છલાંગ મારતી ચાલી. આગળ એક તળાવ આવ્યું. “ચાલ દેડકીબેન, ઉતર. અહીં કેટલાય નવાં દેડકા છે. તું બધાને મળી આવ.” આ બધા દેડકા બીજા ગામના હતા. કોઇને ખબર નહોતી કે આ એ જ પેલી રોતલ દેડકી છે.
”હાય દેડી” એક સ્માર્ટ દેડકો બોલ્યો.
”હાય” રુબી દેડકી ખુશ થઇ ગઇ.
ત્યાં બીજી એક દેડકી આવી, “કમ ઓન, લેટ અસ ડાંસ.”
રુબી દેડકી તો આભી બની ગઇ. પોતાના ગામમાં તો આવું કદી બન્યું નહોતું. જો કે એ કંઇ વિચારે એ પહેલાં મ્યુઝિક શરુ થયું અને બધા દેડકાં ખુબ નાચ્યાં. રુબી દેડકીને બરાબર નાચતાં આવડી ગયું હતું ડાંસનો પ્રોગ્રામ પુરો થયો એટલે સ્વીટુ સસ્સી કહે, “ચાલ હવે જઇશું આપણે ગામ ?”
રુબીને જવાનું મન નહોતું થતું પણ ઘરે તો જવું જ પડે. મમ્મી કેટલી રાહ જોતી હોય ને વળી ચિંતા યે કરતી હોય !! બહુ મોડું થાય તો પપ્પા પણ વઢે.
એ ફટાફટ સ્વીટુની પીઠ પર ચડી ગઇ, “હવે તમે નાચતા નાચતા જાઓ તો યે વાંધો નહીં મને જરાય પડવાની બીક નથી લાગતી.”
બંને રુબીના ઘર પાસે પહોંચ્યા. રસ્તામાં કનુ કાચબાએ રુબીને જોઇ. “અરે વાહ રુબી દેડકી આટલી બધી આનંદમાં !!” કુવા અંકલે જોયું રુબી ખુશખુશાલ હતી. અપ્પુ ઉંદર રુબીને જોઇને માની જ નહોતો શકતો પણ સાચી વાત હતી. રુબી દેડકી સાવ બદલાઇ ગઇ હતી.
એ જોર જોરથી ગાવા લાગ્યો,
“આ રુબી છે ભઇ રુબી છે
એ રોતી નહીં પણ રમતી છે
એ રોતી નહીં પણ રમતી છે..”
બીજા દેડકા દેડકી આવી પહોંચ્યા. રુબી દેડકીની આજુબાજુ ગોળ ફરતે ગોઠવાઇ ગયા અને ગાવા માંડ્યા,
“આ રુબી છે ભઇ રુબી છે
રમતી છે ભઇ રમતી છે
ગમતી સૌને ગમતી છે
આ રુબી છે ભઇ રુબી છે..”
સ્વીટુ સસ્સી રુબીના કાનમાં કહે, “બાય રુબી, હું જાઉં છું હવે તું એમને તારો નાચ પણ બતાવ. તારી પાસે શીખવા માટે બધા લાઇન લગાવશે…”
રુબી કહે, “અને હા મારો વટ પડી જશે….”
(દિવ્ય ભાસ્કરની પૂર્તિ ‘બાલ ભાસ્કર’માં પ્રકાશિત ૧૦-૦૩-૦૭)
