સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

“પપ્પા-મમ્મી, અમે બહાર જઈએ છીએ, મોડા આવીશું અને જમીશું પણ બહાર, તમારે જમવું હોય ત્યારે મને ફોન કરજો. હું ઓનલાઇન મંગાવી દઇશ. દસ મિનિટમાં જ માણસ આવીને તમને જમવાનું ઘરે આપી દેશે”

ઉપરના જેવા સંવાદો મધ્યમ વર્ગમાં હવે સામાન્ય બનતા જાય છે. બીજી તરફ મેં પોતે રસ્તા પર નજરે જોયેલા એક દૃશ્યની વાત કરું. રસ્તા પર ટોળું ભેગું થયું હતું. જિજ્ઞાસાવશ હું ત્યાં પહોંચ્યો. એક છોકરો અને તેની બાજુમાં પડેલી એક સાયકલ દેખાઈ. ઉપરાંત તેની નજીકમાં જુવાન દેખાતા એક ભાઈના શર્ટનો કોલર પકડીને એક બહેન ગુસ્સામાં દેખાયાં. નજીકમાં એક બાઈક પડેલું છે અને તેની આજુબાજુ ખોરાકની ચીજો વેરાયેલી પડી છે. ટોળામાંથી એક પાંત્રીસેક વર્ષના દેખાતા ભાઇ, પેલા બહેન પાસે આવી ગયા અને બહેનને કહ્યું “વાંક તમારા છોકરાનો હતો તો પણ તમે આ ભાઇને લાફો મારી દીધો અને હજુ પણ તેને છોડતા નથી” બહેને પેલા યુવાનનો કોલર છોડી દીધો અને બબડતા બબડતા પોતાના છોકરાને લઈને બાજુની સોસાયટી તરફ ચાલતા થયા. થોડી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે ઝોમેટો કે એવી કોઇ કંપનીનો ડિલિવરી બોય પોતાનો ઓર્ડર લઇને જતો હશે તેવામાં સાયકલ લઈને પેલો છોકરો આડો ઉતર્યો. તેને બચાવવા જતા બાઇક કદાચ સ્લીપ થયું હશે. કોઈને ઈજા તો ન થઈ પરંતુ ગ્રાહકને પહોંચાડવાની ખોરાકની વસ્તુઓ રસ્તા પર વેરાઈ ગઈ. આ ડિલિવરી બોયને એક થપ્પડ તો મળી ઉપરાંત કંપનીએ તેનો શું દંડ કર્યો હશે તેની કલ્પના કરવાનું વાચક મિત્રો પર છોડીને મૂળ વાત પર આવું.

આપણે ત્યાં ગિગ ઇકોનોમી (Gig Economy) નામે ઓળખાતી એક એવી શ્રમબજાર પ્રણાલી ઊભી થઈ ગઈ છે, જેમાં લાંબાગાળાના કરારને બદલે ટૂંકા ગાળાના, સ્વતંત્ર કોન્ટ્રાક્ટર દ્વારા કામચલાઉ કાર્યો કરવામાં આવે છે. આમાં ટેક્નોલોજી અને એપ-આધારિત પ્લેટફોર્મ નો ઉપયોગ કરીને કામદારોને ગ્રાહકો સાથે જોડવામાં આવે છે, જેથી ગ્રાહકોને ઘેર બેઠાં જ સેવા મળી રહે છે. આપણો મધ્યમ વર્ગ આ સેવાથી ઘણો ખુશ છે. પરંતુ તેની પાછળ કોનું અને કેટલું શોષણ થાય છે તે વિશે તે બેપરવા છે. અહીં ઝોમેટો અને સ્વીગી જેવી કંપની દ્વારા કર્મચારી-જે ડિલિવરી બોય તરીકે ઓળખાય છે-તેનાં શોષણ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ છે.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

આપણને મળતી દરેક સુવિધાજનક સેવા કોઇને કોઇનાં નાણાકીય, શારીરિક અને માનસિક શોષણ ઉપર ઊભી છે. એક ડિલિવરી બોયનાં જણાવ્યા મુજબ તેણે ત્રણ દિવસમાં ૧૦૫ કિલોમીટર TVS125 સ્કુટર ચલાવ્યું અને વીસ જેટલી ડિલિવરીઓ પૂર્ણ કરી. આ માટે ૧૫ કલાક કામ કર્યું તેમાં કુલ કમાણી ૭૮૨ રૂપિયા થઈ જેમાં સ્કુટરના પેટ્રોલનો ખર્ચ રૂપિયા ૨૫૦ થયો એટલે કે ચોખ્ખી કમાણી ૫૩૨ રૂપિયા થઈ. આ મળતર મોટાભાગના ઔપચારિક ક્ષેત્રનાં લઘુત્તમ વેતનથી પણ ઓછું કહેવાય. આમાં વાહનની જાળવણી, ફોન બિલ અને સૌથી વધારે મહાનગરના ટ્રાફિકની વચ્ચે વાહન હંકારવામાં પડતા ત્રાસ અને તેની પાછળ ગુમવવા પડતા કલાકો ઉપરાંત નવા ઓર્ડર મેળવવા માટે રાહ જોવાના કલાકોનો સમાવેશ તો થતો જ નથી.

તેમના પગારનું ધોરણ ડિલિવરી કરવા માટેનાં સ્થળનાં અંતર પર આધારિત હોય છે, એટલે કે લગભગ ૩૫ થી ૫૫ રૂપિયા જેટલું હોય છે. અહીં વ્યવસ્થા અને શરતો પણ એવી છે કે ઓર્ડર સ્વીકારવા માટે મનોવૈજ્ઞાનિક દબાણનો સામનો કરવો પડે છે. વળી આ નોકરીમાં સામાજિક સુરક્ષાના લાભો તો હોતા જ નથી. એક દાવો કરવામાં આવે છે કે ૨૦૩૦ સુધીમાં દેશમાં ઝડપી ડિલિવરી આપવા માટેનું અર્થતંત્ર એટલું બધું વિકસશે કે તેમાં બે કરોડ ત્રીસ લાખ જેટલા લોકોને રોજી મળશે. જો કે આ વિકાસ કામદારોની વધતી જતી કમાણીની અનિશ્ચિતતા અને શોષણ પર આધારિત જ હશે.

કર્મચારીઓનાં સંગઠને ગયા ડિસે‌મ્બરની ૩૧ તારીખે હડતાલનું એલાન આપેલું. તેમની માગણીના મુખ્ય મૂદ્દાઓ મજૂર કાયદાઓ મુજબ લઘુત્તમ વેતન અને  ડિલિવરીમાં વિલંબ પર થતા દંડ સામે રક્ષણ જેવા મામૂલી જ હતા. પરંતુ મોટાભાગના ડિલિવરી કામદારોને આ હડતાલમાં જોડાવું પોસાયું નહિ. એક દિવસનો પગાર ગુમાવવા ઉપરાંત કંપની હડતાલ પાડવા બદલ કેવા પગલા લેશે તેના ડરને કારણે તેઓ હડતાલ પર જઈ શક્યા નહિ.

AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ ઝોમેટો અને બ્લિંકિટની ક્વિક-કોમર્સ “10-મિનિટ ડિલિવરી” મોડેલ્સની ભારે ટીકા કરી છે. કંપનીઓને તેઁમણે શોષણખોર ગણાવી છે અને ગિગ કામદારોને સુરક્ષિત રાખવા માટે તેમના આ મોડેલની સમાપ્તિની માંગ કરી છે. તેમણે દલીલ કરી છે કે આ પ્રકારની દસ મિનિટમાં ડિલિવરી આપવાની જોગવાઇ બાઇકસવારને  જોખમમાં મૂકે છે. એક પ્રકારે આ “ક્રૂરતા” જ કહેવાય. આથી તેમણે કામદારો માટે વધુ સારા અધિકારો, સલામતી અને પગારની માગણી કરી છે. જાણવા મળ્યા મુજબ હવે આ દસ મિનિટને બદલે પંદર મિનિટ કરવામાં આવી છે. પરંતુ તેનાથી કોઇ ફરક પડે તેમ નથી કારણ કે નવો ઓર્ડર મેળવવા કામદારો પોતે જ ઝડપ કરતા હોય છે.

આપણા મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોનું ડિલિવરી કર્મચારીઓનાં શોષણ તરફ ધ્યાન દોરવામાં આવે છે ત્યારે તેમનો એક જ ઉત્તર હોય છે કે આ લોકોને દરેક ડિલિવરી દીઠ પૈસા મળે છે. પરંતુ તેઓ કર્મચારીઓને પડતી હાલાકીઓને નજરઅંદાજ કરે છે. વરસાદ હોય કે ગરમી, તેમણે નિશ્ચિત સમયમાં ઓર્ડર પહોંચાડવો જ પડતો હોય છે. ઝડપી ડિલિવરી કરવાની લ્હાયમાં ક્યારેક ટ્રાફિકના નિયમનો ભંગ થાય તો દંડ ભોગવવો પડે છે, તો ક્યારેક અકસ્માતનો ભોગ પણ બનવું પડે છે. અને કમાણી પણ કેટલી થાય છે? ઈટર્નલ લોમિટેડના ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક અહેવાલ મુજબ જેમણે દિવસમાં આઠ કલાક કામ કર્યું હતું અને મહિનામાં ૨૬ દિવસ લોગ ઇન કર્યું હતું તેવા ઝોમેટો અને બ્લિંક્વિટના ડિલિવરી કામદારોની કમાણી પેટ્રોલડિઝલના ખર્ચને બાદ કરતા રૂપિયા ૨૭,૭૨૬ હતી. પરંતુ કમાણીની આ રકમ સુધી પણ પહોંચવા માટે તેમણે આખો દિવસ ઓંનલાઇન રહેવું પડે છે. વિરામ માટે સમય મળતો નથી, વળી ભૂલથી કે ઇરાદાપૂર્વક ઓર્ડરના રિજેક્ટનું બટન દબાવવામાં આવે તો આવકમાંથી દંડ રૂપે રકમ કપાઈ જાય છે.

કામદારોએ  ફોન ઉપરાંત યુનિફોર્મ તરીકે જર્સી અને ઉપાડવા માટેની બેગનો ખર્ચ પણ કરવો પડે છે. વળી આ માટેની એપ મેળવવા માટે પણ રકમ ચૂકવવી પડે છે. એક કામદારનાં જણાવ્યા મુજબ તેણે સ્વીગી એપ પર જવા માટે ૧,૨૦૧ રૂપિયા ચૂકવ્યા અને ઝોમેટો માટે ૧,૭૯૯ રૂપિયા ચૂકવ્યા. જો કે કંપનીઓએ મહેરબાની કરી કે આ રકમ હપ્તેથી ચૂકવવનો વિકલ્પ આપેલો!

પરંપરાગત રોજગારમાં સુપરવાઇઝર કે બીજા અધિકારી તરીકે જેને મેનેજમે‌ન્ટ કહેવાય એ કામદારોની સામે એટલે કે પ્રત્યક્ષ જ હોય છે. આથી કુશળતાથી અને વફાદારીથી કામ કરનાર કોઇ કામદારને પુરસ્કાર, વેતન વધારો કે પ્રમોશન મળી જાય છે. વળી કોઇ ચોક્કસ સ્થળ પર કામ કરવાનું હોઇ ત્યાં માથા પર છાપરાની કે ઠંડુ પાણી પીવા માટે વોટરકુલરની વ્યવ્સ્થા પણ ક્યારેક હોય છે. પરંતુ ઝોમેટો કે સ્વીગી કંપનીની મેનેજમે‌ન્ટ તો અદૃશ્ય (faceless)જ હોય છે. કોઇ સુપરવાઇઝર તેના ખભા પરના બોજ સામું જોતો નથી. જો ગણવી હોય તો ઓર્ડર સ્વીકારવા કે નકારવા માટેની એપને જ પ્રત્યક્ષ મેનેજમે‌ન્ટ ગણી શકાય, જે કામદારની કુશળતાનું મૂલ્યાંકન કદી કરી શકે નહિ.

કેટલીક વખત તો કામદારોને પંદરવીસ કિલો વજન ઉપાડીને મોટી સીડીઓ પણ ચડવી પડે છે. કારણ કે ઘણી સોસાયટીઓમાં લિફ્ટ હોતી નથી અથવા તો કામદારોને આ લિફટનો ઉપયોગ કરવાની રજા નથી હોતી. અલબત અપવાદ રૂપે કેટલીક સોસાયટીઓમાં લિફ્ટનો ઉપયોગ કરવા દેવાય છે અથવા કામદારો માટે અલગ લિફ્ટ હોય છે.

પ્રણાલિકાગત રોજગારમાં કદાચ કામદાર કોઇ ભૂલ કરે તો તેને તરત જ સુધારવાની તક પણ ક્યારેક હોય છે. પરંતુ અહીં એ તક નથી હોતી.

કંપનીઓ કહે છે કે અમે કામદારોને તાલીમ પણ આપીએ છીએ. પરંતુ આ તાલીમ પણ ઓનલાઇન હોય છે. જેમાં માત્ર સૂચનાઓ હોય છે આ સૂચનાઓ સૌમ્ય હોવાને બદલે જાણે ધમકીરૂપ હોય તેવી હોય છે.

આપણા લોકોને સુવિધાજનક સેવાઓની અપેક્ષાનો કોઈ અંત હોતો નથી આથી માર્કેટ પોતે ગિગ ઇકોનોમીનો વ્યાપ્ત દિવસે ને દિવસે વધારતું જ જશે. આ વ્યાપ્ત કામદારોના શોષણ પર જ આધારિત રહેવાનો. કોઇ વિચારસરણીને આધારે નહિ પરંતુ માનવીય દૃષ્ટિકોણથી આપણે અનેક હાડમારીઓની વચ્ચે આપણને સેવા પૂરી પાડનાર વર્ગ પ્રત્યે સક્રિય રીતે સંવેદનશીલ બનવું આપણી નૈતિક ફરજ બનવી જોઇએ. આ માટે કામદારોનું શોષણ અટકાવવા કંપની અને સરકારને ફરજ પાડવી જોઈએ. અહીં કોઇના પર દયા કરવાની વાત  નથી, પરંતુ સવાલ ન્યાયનો છે.


(આ લેખ લખવા માટે તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના ઈ‌‌ન્ડીયન એક્સ્પ્રેસમાં પ્રસિદ્ધ થયેલા લેખ, ગૂગલ પરથી મેળવેલી માહિતી અને વ્યકતિગત રીતે મેળવેલી જાણકારીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.)


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.