સરયૂબેન પરીખની જીવન સફર આપણી યાત્રાના પહેલા પડાવમાં આપણે તેમનાં બાળપણ, તેમનાં માતુશ્રીનાં વ્યક્તિત્વનો તેમના પર પ્રભાવ અને દિલીપભાઇ સાથેનાં તેમનાં લગ્નના તબક્કાઓ થી અવગત થયાં. તે પછી અમેરિકામાં આગમન અને કેલિફોર્નિયા તરફ પ્રયાણ અને સંગીત સુવર્ણકાળ,  ઓરલાન્ડો, ફ્લોરિડા અને ૧૯૮૫ ટેક્સાસ ૧૯૯૬ના તબક્કાઓ વિશે જાણ્યું.
હવે આગળ …

૯. સેવાકાર્ય કરવાનું અહોભાગ્ય.

સેવા કાર્યો જેવા કે, અંગ્રેજી ભણાવવું, ઘરડા ઘરમાં જઈને આનંદદાયક વાંચન કરવું, Women’s shelterમાં બેબી બ્લેન્કેટ અને groceries દર મહિને આપવી, ચર્ચમાં ચાલતી ‘Family First’ નામની સંસ્થામાં દર સપ્તાહે સેવા આપવી વગેરે હું કરતી હતી. સૌથી સંતોષકારક સેવાકર્મ કરવાની એક તક શોધી કાઢી. હ્યુસ્ટન સ્થિત, Asian Against Domestic Abuse, AADA નામની સંસ્થામાં જોડાઈ. “સરયૂ, તમે ગૃહ કંકાસમાં મદદનું સેવા કાર્ય કેમ પસંદ કર્યું? કોઈ સ્વાનુભવ?” આના જવાબમાં…મારા જીવનમાં કે મારા નજીકના કોઈ સગામાં એવો કોઈ ગંભીર ઘરકંકાસનો મામલો મેં જોયેલો નહીં. હાં, પતિ-પત્નીનાં ઝઘડામાં સ્ત્રી-શક્તિનો પરચો જરૂર જોયેલો. એક ધૂંધળી યાદ…આઠ વર્ષની હું મામીની વાત સાંભળતી હતી, “ભાગુબેન, ગામડેથી આતા આવ્યા છે તે કહેતા હતા કે આપણાં સગામાં, બાપ-દીકરાએ વહુને ગળુ દબાવી મારી નાખી. તેણીએ એવા પગ પછાડેલાં કે ગારમાં ખાડા પડી ગયા હતા.” થોડા સમયમાં વરના બીજા લગ્ન લેવાયા હતા.

આમ અમેરિકામાં સરયૂ માટે અનુભવનું નવું પુસ્તક ખુલ્યું…અને પોતાના માણસ કેટલા ક્રૂર થઇ શકે તેની જાણકારી છતી થઈ. આ સંસ્થામાં ભારત, મિડલ ઇસ્ટ અને બીજા એશિયન દેશોની ભાષા જાણતાં સેવા કાર્યકરો પણ હતાં. એક પછી એક કોયડાઓ આવતાં ગયાં અને તેમા સો ટકા તન-મન અને સમય આપી મદદ કરતી રહી. કેટલાક કિસ્સાની યાદ હજુ પણ દર્દ આપે છે. ભાષા ન આવડે અને અમેરિકામાં પોતાના હક્કના નિયમોથી અજાણ સ્ત્રીઓ ઘણું સહન કરે છે. અલબત્ત, અમારી સંસ્થાની મદદ મેળવી પોતાના જીવનને કેટલા અંશે સુધારી શકે એ તેમની અંતર શક્તિ પર આધારિત છે. આજ સુધી દિલીપ અને મેં માનસિક અને આર્થિક મદદ કરવામાં કોઈ સીમિત સમય રેખા નથી રાખી. હજુયે, હ્યુસ્ટનથી ઓસ્ટિન આવ્યા પછી પણ, કોઈ સહાય માંગતો ફોન આવે તો તેમને જવાબદાર સૂત્રો સાથે સંપર્ક કરાવી, કેમ અને ક્યાં સલામતી માટે જઉં તેની વ્યવસ્થા કરાવી આપું છું. ઘણી બહેનોને સંપૂર્ણ વિશ્વાસ છે…અને તેથી કોઈ પણ મૂંઝવણ આવે કે પહેલો ફોન મને જોડે છે. જ્યારે સવાલ પૂછાય, “સમય છે?” ત્યારે જવાબ હોય, “I will make time.” એક વિશિષ્ટ વાત એ છે કે દિલીપના માર્ગદર્શન નીચે ઘણા લોકો અને આવી બહેનો નાણાકીય ભવિષ્યને સલામત કરી શક્યા હોવાથી…આજની નાની આવક પર ચિંતા રહિત ગુજારો કરી રહ્યાં છે.

ત્રસ્ત બહેનોને બને તેટલી મદદ કરવી તે આપણું કર્મ…પરિણામ તેનાં પક્ષમાં જ આવે તેવું ન પણ બને. આ વાત જાણવા જેવી છે. એ દિવસે, હું ‘Hotline’ ફોનના જવાબ આપતી હતી. બીજા પ્રાંતમાંથી ફોન આવ્યો. “મારી ભાણેજ અમેરિકા આવી રહી છે અને હ્યુસ્ટનમાં તેનાં પતિ અને પાંચ વર્ષની દીકરીને મળવા માંગે છે. બીજી સંસ્થાએ ના પાડી દીધી છે…હવે તમારો આધાર છે.” અમારી સંસ્થા સ્થાનિક મદદ કરવા શક્તિમાન, તેથી ‘ના’ કહેવાનો સહેલો રસ્તો હતો. પણ મારા મુખેથી ‘ના’ જલ્દી નીકળે નહીં. બહેને વાત આગળ ચલાવી. તેમણે કહ્યું કે, ‘મારી ભાણેજ રીમા, બત્રીસ વર્ષની છે. હ્યુસ્ટનમાં તેનાં સાસુ-સસરા, પતિ અને બાળકી સાથે રહેતી હતી. બે વર્ષ પહેલાં તેઓ બધાં ભારત ગયાં. રીમાને ભારતમાં તરછોડી, બાળકી સાથે અમેરિકા પતિ આવતા રહ્યા. રીમાનાં Green Card/passport પતિનાં કબ્જામાં હતાં. વિધવા માની દીકરી અને ઓછી સમજવાળી રીમા, ભારતમાં કકળતી રહી. બે વરસ પછી રીમાએ અમેરિકા આવવાની પરવાનગી મેળવી છે.” અમારાં Boardમાં પૂછવાનું મેં વેણ આપ્યું. અમારી સંસ્થા તરફથી ‘હા’ મળતા…તેનાં માસી રીમાને મારે હવાલે કરી જતાં રહ્યાં.

મેં રીમાને Women’s Shelterમાં રહેવાની વ્યવસ્થા કરાવી આપી. શેલ્ટર, એક ગુપ્ત ઘર, જ્યાં સ્ત્રીઓ છૂપાઈને હુમલાખોર માણસથી સલામત રહી શકે. મર્યાદિત સમય માટે ત્યાં બધી સગવડતાઓ આપી સ્ત્રીઓને પગભર કરવાના પ્રયત્નો કરવામાં આવે છે. રીમાએ ફાર્મસીનો અભ્યાસ કરેલો, તેથી તે લાયસન્સ પરીક્ષા પાસ કરી લે અને પગભર થઈ જાય તેવી અપેક્ષા સાથે મેં પુસ્તકો લાવી આપ્યાં. અનેક મદદ મળવાં છતાંયે ન તો અભ્યાસ કર્યો કે ન પરીક્ષા આપી. એક દયાળુ મેનેજર સાથે વાત કરી સ્ટોરમાં રીમાને કામ અપાવ્યું. નજીકમાં એક બંગલામાં રુમ ભાડે રાખી રહેવાની વ્યવસ્થા કરી આપી. મારી લેવા મૂકવાની જવાબદારી…જોકે લેવા જઈએ ત્યારે તૈયાર જ હોય તેવું નક્કી નહીં. અમારી સેવા સંસ્થામાં વાટાઘાટ કરી કાર અપાવી. ગમે ત્યારે રીમાનો ફોન આવે. એક રાત્રે અગ્યાર વાગે સ્ટોરમાંથી રીમાનો ફોન આવ્યો, “સરયૂ, મારી કાર સ્ટાર્ટ નથી થતી.” હું  ઊઠીને તૈયાર થવા જતી હતી ત્યાં એક વિચાર આવ્યો, “રીમા, ગીયર ક્યા સ્લોટમાં છે?” “ઓહ! ડ્રાઈવમાં…” કાર બંધ કરી ત્યારે Dમાં જ રહી ગઈ જેથી કાર સ્ટાર્ટ ન થઈ શકે. આવા ગોટાળા વારંવાર થતા. માનસિક નિરાશાની બિમારીને માટે માનસ ડોક્ટરની મદદ પણ અપાવી.

મુખ્ય વાત, રીમાને તેની દીકરીને મળવું હતું. છૂટાછેડાની માંગણી તેનાં પતિએ કરી હતી. કોર્ટ-હુકમ પ્રમાણે, એક મોલમાં મળવાનું નક્કી થયું. ઘણું દૂર અને પહેલી વખત અજાણ વ્યક્તિને મળવાનું હતું, તેથી સલામતી માટે દિલીપ અમને ડ્રાઈવ કરીને લઈ ગયા. રીમા સરસ તૈયાર થઈ હતી અને બાળકી માટે ડોલ લઈને આવી હતી. પાંચ વર્ષની નાજુક દીકરી તેના પપ્પાને ચીપકીને બેઠી હતી. રીમાએ પ્રેમથી બોલાવી પણ ન આવી અને અમારી આંખો ભીની થઈ ગઈ. જરા પરાણે રીમા સાથે મોલમાં મોકલી. પાછા ફરતાં હસતી  બાળકીને જોતાં અમને આનંદ થયો. પણ કારમાં રીમા કહે કે, “તેના પપ્પાને જોઈને પહેલી વખત હસી.” નિયમ પ્રમાણે બાળકી સાથે મુલાકાતો થઈ, પણ તે અળગી જ રહી.

કોર્ટમાં રીમાના પક્ષમાં ‘સારી મા છે’ એવો અભિપ્રાય આપે એવા કોઈ ઓળખાણવાળા ન હતાં. અંતે રીમાને એકે બાબત સફળતા ન મળી. દસ મહિના પછી તેના માસીને ત્યાં પાછા ફરવા સિવાય રસ્તો નહોતો. પોતાની ઘરવખરી જેમની તેમ કારમાં ભરીને મારા Drivewayમાં મૂકી તેણી નીકળી ગઈ. કાર ખાલી કરી, વેચી અને મળેલા ડોલર તેના ન હતા તો પણ, મેં રીમાને જ આપ્યા. આ સત્યકથા મેં “સૂકાયેલાં આંસુ” નામે લખી છે. ત્રસ્ત સ્ત્રીઓને મદદ મળે પણ પોતાની આંતર શક્તિ વિના સફળતા ન મળે.

બીજા સફળ દાખલાઓ છે જ્યાં સહાય મળતા સ્ત્રીઓએ હરણફાળ ભરી છે. ‘અવહેલના’ ‘આંસુમાં સ્મિત’ ‘નવજીવન મંત્ર’ એવી ઘણી સત્યકથાઓ મારી વેબસાઈટ પર અને “દાવડાના આંગણામાં” “દર્પણમાં” પ્રકાશિત થયેલી છે. અજાણ્યા વાંચકો પોતાની સુખદુઃખની લાગણીસભર વાતોની મને ભાગીદાર બનાવે છે, તો કેટલાક સાહિત્ય પ્રેમીઓનો આ માધ્યમ દ્વારા પરિચય થાય છે.

સફળ રીતે ગૃહ કંકાસમાંથી બચનાર ભાનુની વાત કરીએ. અમદાવાદથી ૩૫ વર્ષની ભાનુએ, અમારાં એક ઓળખીતા, બીજવર સાથે લગ્ન કરી હ્યુસ્ટનમાં, પતિ, ૧૬ વર્ષનો સાવકો દીકરો અને સાસુ-સસરા સાથે અનેક અરમાનો સાથે સંસાર શરૂ કર્યો. વર અને સાસુ પોતાની જોહુકમી બતાવતાં. ‘અંગ્રેજી નથી આવડતું’ લગતી માનહાની, ‘ગમાર’ વગેરે પ્રમાણપત્રો આપવા  લાગ્યાં. ભાનુ ભારતમાં સ્વતંત્ર ધંધો કરતી હોશિયાર વ્યક્તિને કેમ દબાવવી તેના પ્રયત્નોમાં સફળ ન થતાં…પતિએ ચપટી વગાડી બારણા તરફ આંગળી ચીંધી. “તારા બિસ્તરા બાંધ અને ચાલતી પકડ…એક પૈસો પણ નહીં મળે.”

પહેલી પત્નીએ આવો અન્યાય સહન કરી લીધો હતો, પણ ભાનુએ મારી મદદ માંગી અને અમારી સંસ્થા દ્વારા પોતાના હક સાથે છૂટાછેડા લીધા. અમે તેના પતિના મિત્ર હતા તો પણ મારી પાસે મદદ લેવાની હિંમત બતાવી તેનું કારણ…તેનામાં પ્રમાણિકતાની હિંમત હતી. પોતાનો પક્ષ મજબૂત કરવા જરૂરી પત્રો અને પ્રમાણો સાચવીને વકીલને આપ્યાં હતાં. આ ખાસ વાત નોંધનીય છે કે કોર્ટની ચૂકવણી સુધી, દોઢ-બે વર્ષ ભાનુ પતિના ઘરમાં હકથી રહી અને અંતે માનભેર ઘર છોડ્યું. સમય સાથે પતિના અમુક સગાઓ અને મિત્રમંડળ ભાનુની તરફેણમાં આવી ગયાં. આજે વર્ષો પછી પણ તેણે સારા સંબંધો જાળવી રાખ્યાં છે. પોતાના ભાગમાં આવેલ ધનરાશીને અમારી સલાહ પ્રમાણે સારી રીતે ગોઠવીને ભવિષ્યને secure કરી આજે આનંદથી જીવે છે. આવી અનેક ઘટનાઓ મદદ કરતી સંસ્થાઓને આભારી છે.

                                          ———

૧૦. મનોચિત્તમાં નવી ગોઠવણ.

હજી તો હ્યુસ્ટનમાં સ્થાયી થયાને બે વર્ષ થયાં હતાં…ત્યારે એક અણધારી પરિસ્થિતિ ઊભી થઈ.  Microelectronics -દિલીપનો કર્મવિભાગ, Idaho stateમાં ખસેડાયો. તેણે વહેલા રિટાયર થવાનું નક્કી કરી લીધું. અમારી રહેવાની પદ્ધતિમાં જરા પણ તકલીફ ન આવે તેવી વ્યવસ્થા સાથે, સંપૂર્ણ સહયોગ અને સમજણ સાથે રાજીનામું આપ્યું. આ નિર્ણયનો કદી પસ્તાવો નથી થયો અને અનેક મિત્રો દિલીપ પાસેથી નિવૃત્તિમાં નિજાનંદની પ્રવૃત્તિઓમાં મસ્ત રહેવાની રીત શીખવા પ્રયત્ન કરે છે. વર્ષોનાં નિત્યક્રમમાં…સવારમાં આધ્યાત્મ અભ્યાસ, બપોરની કોફી પછી ચિત્રકામ અને રાગ રાગિણીથી ગુંજતું ઘર. સુંદર ચિત્રો આધ્યાત્મિક અને વિજ્ઞાનના સમન્વય સાથે, E = mc2, શિવ અને શક્તિ, પુરુષ અને પ્રકૃતિનાં ગહન સંદેશ આપે છે. તેને જાહેર પ્રદર્શન અને વખાણ સાંભળવાની બિલકુલ વૃત્તિ નથી. આપણે તો નવું સર્જન અને પ્રતિભાવની ઝંખના – એકસાથે જ જોડાયેલી હોય છે.

જીવન બદલતો સમય…સંતાનોનાં લગ્ન પ્રસંગો. ઈન્ટર્નશીપ પછી સંગીતાએ Dallasમાં એક Physician Group સાથે કામ શરૂ કર્યું. જીવનસાથી શોધવાના પ્રયત્નો ચાલુ હતા. સંગીતાએ અમને મૃદુલ રહેમાન, એક બાંગલા દેશી મુસ્લિમ યુવકનો પરિચય કરાવ્યો. મુસ્લિમ અને હિંદુ વચ્ચેનો ઊંડો વિરોધ નાનપણથી મનમાં કોતરાયેલો હોય છે. કેટલાક મા-બાપ તો સંતાનોને ચોખ્ખી ચેતવણી આપતા સાંભળ્યાં છે કે, “’મુસ્લિમ અને કાળીયા નહીં જ…” અમને આવી કોઈ સંકુચિત માન્યતાનો ભાર ન હતો. વ્યક્તિ તરીકેની પસંદગીમાં અમને સંગીતાની સમજ પર પૂરો વિશ્વાસ હતો. મૃદુલમાં શરૂઆતથી જ ઉદારતા, ઠરેલતા અને કર્તવ્ય નિષ્ઠા જોવા મળ્યાં. તેના પરિવારે પણ સંગીતાને ‘बहु मा’ બનાવીને આવકારી.

સંગીતા-મૃદુલના લગ્ન અનોખી રીતે થયેલા. સમજ્યા વગર થતા કિયાકાંડ અને લગ્ન વિધિઓમાં અમે માનતા નથી. નિર્ણય લેવાયો હતો કે ધાર્મિક રસમ કરવી નથી. લગ્નની ઉજવણીની તૈયારીઓ ઉમંગથી થઈ ગઈ. સંગીતા-મૃદુલ કોર્ટમાં કાયદા અનુસાર દસ્તાવેજ કરી આવ્યા હતા. માર્ચ ૨૦૦૬માં હ્યુસ્ટનમાં બે દિવસની ઉજવણી, જેમાં દરેક પ્રસંગ, બન્ને પક્ષની લાગણી દુભાય નહીં તેની સાવચેતી સાથે, વર-કન્યાએ નક્કી કર્યાં હતા. આશ્ચર્યની વાત એ બની કે મારી પાડોશી અમેરિકન બહેન બહારગામ જવાનાં હતાં. અમારા સારા સંબંધને આધારે મેં પૂછ્યું કે તમારો બંગલો અમારાં મહેમાનો માટે…અને અડધા વેણે, તેમણે મોટા બંગલાની ચાવી મને આપી દીધી. પચ્ચીસેક સરખે સરખા સગાઓને બાજુના જ બંગલામાં ઉતારો આપી શક્યા. ભેગા રહી બધાંએ મજા કરેલી…તે વર્ષો પછી પણ યાદ કરે છે. ખિલખિલાટ હસતાં ચહેરા, મધુર સંગીત અને અમારા મિત્ર, ચિત્રકાર કાર્તિક ત્રિવેદીનું પિયાનો વાદન… લગ્ન ઉજવણીનું અલગ વાતાવરણ સર્જાઈ ગયું હતું. અમારા ખાસ મહેમાન, મુનિભાઈ અને ઈલાભાભી વડોદરાથી મામેરું લઈને આવેલાં. મુનિભાઈની જનકલ્યાણને આવરતી અનેક સિદ્ધિઓ માટે અમને અનેરું ગૌરવ છે, પણ એથીય વધારે અમારો ભાઈ-બહેન વચ્ચેનો અસ્ખલિત પ્રેમ, જેમાં ભાભીના સ્નેહથી ગહેરાઈ વધી છે; તે કીમતી છે…

ખુશીનો ઉત્સવ હશે  કે કષ્ટનું કારણ હશે,
હ્રદયના ખાસ ખૂણામાં સહોદર હાજર હશે.”

માતા તરીકે મારી મહા કસોટી આવી જ્યારે મારા મેધાવી, પ્રેમાળ, દીકરાએ સહાધ્યાયિની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. પાંચેક વર્ષ અમે તેની પ્રેમિકા સાથે લાગણીદોર બાંધવા પ્રયત્નો કર્યાં, પરંતુ તે થઈ શક્યું નહીં. એ સમયે મા તરીકે મારે પણ ‘growing pain’ સહન કરવું પડ્યું.  મારે મારું અંતર નિરીક્ષણ, મન-મંથન કરવાની ફરજ પડી. સત્ય સમજાયું કે, દરેકની સાથે ઘનિષ્ઠ સંબંધ નથી થઈ શકતા, ભલેને તમે ગમે તેટલા સાલસ હો કે સામેની વ્યક્તિ પણ સારી હોય. મને આંચકો એટલે લાગ્યો કે મને શ્વસુર પક્ષ સાથે બહુ મીઠા સંબંધો છે તેવા, અમારી પુત્રવધૂ સાથે ન હોય એવી કલ્પના ન હતી. મન-મગજમાં નવી ગોઠવણી કરવી પડી.

સંતાનને

મન મનન મંથન ને ઉરના ઉજાસ પછી…

આપું છુંમુક્તિ આજ તારા નવજીવનમાં,
આપું છુંમુક્તિ મારી આશાના બંધનમાં,
આપું છુંઆંસુ સાથ ખુશી મારા નયનોમાં,
સાચા આ સ્નેહની કસોટીઓ બાળ મારા!

તું જ્યારે ચાહે, છે ખુલ્લું આ દ્વાર મારું,
આવે તો વારુંના આવે ઓવારૂં.

Let Go—

We raised you with love and tenderness.
You responded and returned all that gentleness.
But now I have to learn to let go.

 I set you free to your own universe.
I set you free from my bondage of desires.

Forever
Open my heart and open my door,
I’m happy you come, blessings if you don’t.

——–

 છેલ્લા બે દસકાના અનુભવ પછી આનંદ સાથ અમુક મુદ્દા અહીં ગણવા છે. એક તો, જો કોઈ સ્વીકારનાર ન હોય તો તમે પ્રેમ, મદદ કે સેવા, અરે નફરત પણ આપી નથી શકતા. સ્વીકારનાર મળે તો જ આપનારનું અસ્તિત્વ છે. બે પ્રકારના માનવી, NORMAL અને Not-NORMAL. જે અકોણી વ્યક્તિ તમારા જીવનમાં આવે છે તે તમારી માનસિક ઉન્નતીમાં મદદરૂપ થાય છે. જે જેવા છે તેવાનો સ્વીકાર, તમારું સુખ-દુઃખ કોઇનાં વર્તન પર આધારિત ન હોય તેનો પાઠ શીખવો આવશ્યક છે. ભુલ્યા વગર…નવા પરિવારના સ્નેહનો લાભ લેતી અનેક સારા સંબંધોની મહેકને બિરદાવીએ…

સામાજીક તફાવત જોઈએ તો, ભારતીય કેળવણી અનુસાર પુત્રવધૂ ‘મારી ફરજ છે’ સમજી શ્વસુર પક્ષની સંભાળ લેતી હોય તે દરમ્યાન, એકબીજાની કદર કરવાની…સમભાવ ખીલવાની શક્યતા રહે. પુત્રવધૂ ભારતીય હોય કે પરદેશી, નજીવા કારણે પતિના સ્વજનોનો અનાદર કરતી દેખાય છે, અને તે વાતનું ગુમાન પણ કરતી હોય છે. સવાલ થાય કે…શું તેને પતિ પ્રત્યે પ્રેમ અને આદર છે?

કૌટુંબિક અણબનાવ છુપાવવો તેવું મારા સ્વભાવમાં નથી. મનુષ્ય સ્વભાવનું તટસ્થ ભાવે વિશ્લેષણ કરવાનું મને ગમે. મારા મનમંથન અને સમીરના સતત, સરળ, સહજ સ્નેહને પરિણામે, દિકરો અમારાથી દૂર નથી થયો અને પોતાનું ગૃહસ્થ જીવન પણ એટલી જ ખુશીથી મ્હાણે છે. અમને ડબલ પ્રેમ આપતી બે પૌત્રીઓ આપી છે તેને માટે, અમારી સાથે ન બોલતી વહુના પણ અમે આભારી છીએ. હકારાત્મક આવિર્ભાવ; સુખની ચાવી. બહેન-ભાઈ સંગીતા અને સમીર વચ્ચે અચલ મૈત્રીભાવ, તેથી સમીર, a Law-Professor in Portland, અને પૌત્રીઓ વર્ષમાં ત્રણ વખત ઓસ્ટિન આવે ત્યારે અમે તહેવાર-ઉત્સવ ઉજવીએ છીએ. ઘણી સફળતાઓમાં સૌથી વિશિષ્ટ…સમીરની, Fulbright Scholar award for advanced research and university lecturing…૨૦૧૯માં પસંદગી થતાં તેના કુટુંબ સાથે Spain, Italy અને તે ઉપરાંત visiting professor at University of Oxford, UKમાં રહેવાની તક મળી. દીકરાનો હંમેશા પહેલો કોલ અહીં આવે…ખુશીનો હોય કે તકલીફનો.

———

૧૧. ઓસ્ટિન, ટેક્સાસ. ૨૦૦૯

દીકરી-જમાઈના આગ્રહથી અમે ગમતાં હ્યુસ્ટનને છોડી, ૨૦૦૯માં ઓસ્ટિનમાં સંગીતાના નિવાસથી નજીક બંધાવેલા ઘરમાં રહેવાં આવ્યાં ત્યારે પૌત્ર કેતન દોઢ વર્ષનો હતો અને પછી દસ દિવસમાં અમારી પૌત્રી સુફિયાનો જન્મ થયો. પૌત્ર-પૌત્રીના બચપણનો ભરપૂર આનંદ લીધો. સંગીતાએ લગ્ન પહેલા પાંચ વર્ષ ધગશથી ડોક્ટર તરીકે કામ કર્યું હતું. પરંતુ બાળકો પછી સપ્તાહનાં સોળ કલાક જ કામ કરે છે. તેથી કોઈ દિવસ અમને પણ અતિભાર નહીં, અને તેમનાં જીવનમાં પણ કોઈ રઘવાટ નહીં. બાળકો સાથેના સમયને અમે ‘precious time’ ક્હીએ છીએ, baby-sitting ક્યારેય નહીં. દિલીપને જીવનમાં આટલું હસતા ક્યારેય સાંભળ્યા ન હતા. મૃદુલ-સંગીતાએ તેમના માતા-પિતાને આ જ પડોશમાં ઘર બંધાવી આપ્યું છે. આ રીતે, બન્ને બાળકો નજીકમાં રહેતાં દાદા-દાદી અને અમારી છાંયામાં ઊછરી ગયાં. નિશાળેથી તેમને ઘેર લઈ આવવા અને થોડા કલાક સાથે પસાર કરવા, તે સમય યાદ કરતાં દિલ ભરાઈ આવે છે. અમારાં માતા-પિતાનો સહવાસ અમારા બાળકોને મળ્યો નહીં…તેનું પુનરાવર્તન ન થાય તે વાતની દીર્ઘદ્રષ્ટિ સાથે અમે ઓસ્ટિન આવ્યાં; જે સૌથી ઉત્તમ નિર્ણય સાબિત થયો. ઓસ્ટિન હંમેશ માટે આવતાં પહેલા ચોકસાઈ કરેલી કે, જમાઈ સાથે ફાવશે કે નહીં! અને બહુ સરસ ફાવ્યું છે. સારા સંબંધોનું શ્રેય અમારા જમાઈને જાય છે.

ઊંચી ટેકરી પર ઘર, જ્યાંથી ખુલ્લા અવકાશમાં સવારે અરુણોદય જોઈએ અને સાંજે સૂર્યાસ્ત જોઈએ. કોઈ Resort પર જવાની જરૂર ન રહી.

Must Have Done …. Good

A house on a hill and a window to the sky,
In blue of my eyes I feel warm sunny sky.

Deep sleepy nights and bright dreamy days,
Delightful dawns play a symphony of rays.

A fistful of colors thrown all around space,
Raindrop shine through the rainbow lace.

Wild flowers rally on wonderland prairie,
White wild posies do dance with the fairy.

Most of all, the good attitude
Lets me live at a lovely latitude.

Holy hue humbles and hugs me in verse,
Have I  done some good  to due deserve!

                         —— ….કાવ્ય લખાઈ ગયું હતું.

ઓસ્ટિનમાં American Gateway સંસ્થા દ્વારા Asylum સેવાકાર્ય કરવાની નવી દિશા મળી. અસાઇલમ શોધતાં હિંદીભાષી નેપાલી અને પાકિસ્તાની સદસ્યોની translator તરીકે મદદ કરી, તે ઉપરાંત ગુજરાતી-અંગ્રેજી ભાષાંતરનું હજી પણ સેવા કામ કરું છું. એક કિસ્સો કહેવો જ પડશે. એક મુસ્લિમ દેશમાંથી ભાગી આવેલા ઓગણીસ વર્ષના છોકરા સલીમને લઈને સેવાર્થી વકીલ મારે ઘરે ચારેક બેઠક માટે આવેલી. સલીમ હિંદીમાં કહે અને હું કહું તેમ અંગ્રેજીમાં વકીલ તેનાં કમ્પ્યુટરમાં લખતી જાય. સલીમને પોતાના ઘરેથી ભાગવું પડ્યું હતું કારણકે તે Gay હતો. પણ પછી રાજકીય દૂશ્મનો થતાં અનેક દુવિધા સહન કરી અમેરિકામાં ઘુસ્યો હતો. રાજકીય સલામતી ન હોય તો જ આ દેશમાં રહેવાની પરવાનગી મળી શકે એ વાતની મને ત્યારે જાણ થઈ. ભલા નેપાલી સભ્યોને પણ પોતાનો પક્ષ મજબૂત કરવામાં મદદ કરી શકી તેનો સંતોષ છે.

મનગમતી પ્રવૃત્તિ, Bridge -card game રમવા માટે મેં જાહેરાત આપી અને અમે ચાર બહેનોએ મારા ઘરે સપ્તાહમાં બે સવારે રમવાનું શરૂ કર્યું. આ નાનીશી પ્રવૃતિ સમાજ સેવા બની ગઈ. મારી સાથે ૮૨-૮૫ વર્ષની બે બહેનો પોતે કાર ચલાવી રમવા આવતી. દીકરીના પરિવાર સાથે રહેતાં હોવાથી મારે ઘરે આવવું તે આશીર્વાદરૂપ હતું. બીજી બહેનો સાથે મિત્રતા જામતી ગઈ. નિયમિત મળવાથી મૈત્રીભાવે સુખ-દુઃખની વાતો સરળતાથી કરતાં અને જરૂર પડ્યે મદદ માંગતા. એમ કરતાં દસ વર્ષના અંતે બીજા મોટા બ્રિજ ગ્રુપમાં પરિચય-મિત્રતા વધતી ગઈ છે. બધા જ white-Americans છે. મારા પુસ્તકો અંગ્રેજી/ગુજરાતીમાં અને પછી બે અંગ્રેજી નવલકથા…પ્રકાશિત થતાની સાથે જ…કહું તે કિંમતથી સામેથી માંગીને બહેનો ખરીદી લેતી. આ મોટો તફાવત મેં જોયો. આપણા લોકો ડોલરનું નામ પડે કે ચોપડી ગરમ હોય તેમ નીચે મૂકી દે…આપણને પુસ્તક ભેટ આપવામાં વાંધો નથી, બસ જો, ખરીદવા જેટલો રસ બતાવે.

અરે! આજે હ્યુસ્ટનથી પ્રિતાનો ફોન આવ્યો, “સરયૂબેન, હું બરાબર છું. મારા દિકરાને એવોર્ડ મળ્યો તેનો ફોટો મોકલું છું.” બે વર્ષ પહેલાં, પ્રિતાને કોઈએ મારો નંબર આપ્યો ત્યારે તેનો રડતો ફોન આવ્યો હતો. નણંદ અને સાસુ તેના છ વર્ષના દીકરાને અળગો કરવા, પ્રિતાને ઘરકામમાં વ્યસ્ત રાખતાં અને પતિ તેણી નોકરી કરી ડોલર આપતી રહે, તેવી જબજસ્તી કરતો હતો. ઝગડો સાંભળીને દીકરો વ્યાકુળ રહેતો કે મા ઘર છોડી જતી રહેશે!! પ્રિતાએ એક વાર પોલીસને પણ બોલાવી હતી.

મેં તેને પ્રથમ શાંત અને શક્તિમાન વર્તન રાખવા કહ્યું. મારી જૂની ઓળખાણવાળા કાર્યકરોને પ્રિતાની દશાથી વાકેફ કરી, તેને રાત-દિવસ…જ્યારે પણ જરૂર હોય ત્યારે મદદ મળી શકે તેવી વ્યવસ્થા કરી આપી. પ્રિતા બે-ચાર મહિને મને પોતાના જીવનની સ્થિરતાના સમાચાર આપતી રહે છે. સ્ત્રી ફૂંફાડો બતાવે ત્યારે સામેનાં આપમતલબી-અવિચારી પાછા પડી જાય છે.

જીવનમાં મુશ્કેલી કોને ગણવી? મારી વ્યાખ્યા બહુ સરળ રહી છે. જેમ કે, ઘર છોડી નાની હોડીમાં ભાગવું પડે…કે એવી કોઈ હાડમારી થઈ હોય તેને. બીજી બધી મુશ્કેલીઓ નાની લાગે તેથી આજે સાતમાં દસકાથી પાછળ નજર કરતાં…પ્રેમ અને પ્રસન્નતા નજરે પડે છે. આમ જુઓ તો દરેક દસકે જાણે મારું કર્મ અનાયાસ બદલાતું રહેતું દેખાય છે.

દસકામાં વિભાજન

અવિરત    જીવનમાં દસકાનું  દર્પણ,
પ્રતિબિંબ  અલગ  કર્મ ક્ષેત્રને   સમર્પણ.

શિશુકાળ પ્રેમાંગણ  હસી  ખીલ્યાં ચાતુર,
બીજા  દાયકામાંચિત્ત ઉત્સુક ને આતુર.

ત્રીજા દસકામાં જીવન પૂર્ણ  કળા ખીલ્યું,
ચોથામાં, ફૂલ  મધુ  ફળ  બની  વિલસ્યું.

પંચમ  દસકામાં,  અનુભવથી  ગંભીર,
સેવા  સમર્પણ  ધ્યાન  અંતર   મંદિર.

છઠ્ઠા  દસકામાં,  પૌત્ર પૌત્રીની  સંભાળ,
અદભુત આ આજ ગુંથે કાલની ઘટમાળ.

ગયા   દાયકાઓપરછાઇ હું  નિહાળું
પળની કોઇ  પરિમલમાં  મનને ઝબોળું
એક એક  કર્મને  મેં  પૂર્ણતાથી  માણ્યું,
શાંતિસંતોષ, સહજ      મહેનતાણું.


નિવૃત્તિની તૈયારી ચાલીસીથી થઈ ગઈ હતી. અમારાં બાળકો કોલેજમાં ભણવાં ગયાં ત્યારથી અમે બંને રોજ એકાદ કલાક રજનીશ કે બીજા મહાગ્રંથો સાથે વાંચતાં. અમારા પ્રિય મોટા ભાઈ, કિરીટભાઈ ભારતથી આવે ત્યારે સવારના નાસ્તા પછી બાર વાગ્યા સુધી અને સાંજે પણ, પાતાંજલી અને ગીતાનો અભ્યાસ કરવા બેસી જતાં. આમ મારો અને દિલીપનો માનસિક વિકાસ સમાંતર થયો. તેનો કૃષ્ણમૂર્તિ અને scientific spiritualityમાં અભ્યાસ મારા કરતા ઘણો વધારે છે. તેની ચિત્રકલા અને મારા સાહિત્ય સર્જનમાં એકબીજાને રસ અને સમજ, તેથી સખત ચકાસણી થતી રહે છે. શાસ્ત્રીય સંગીત નિયમિત સાથે સાંભળવું એ પણ અહોભાગ્ય છે. સહજીવનમાં સ્વતંત્રતા અને સંવાદિતાનું સંતુલન અમુક અંશે લાવી શક્યા છીએ.

હું વતન માટે હજુ સુધી મોટી સેવા નથી કરી શકી તેનો વસવસો છે, તે આવતા વર્ષોમાં દૂર કરીશ. અંતમાં તો, આપણી નાની દુનિયા…જ્યાંથી આત્મસુખનો ઉદય – વિલય થયા કરે. આપણા સ્વજનો સાથેનું વર્તન-પ્રતિવર્તન (action-reaction) જીવન વ્યવસ્થા નક્કી કરે છે. આપણે નસીબ કે સંજોગોનો અનુકૂળતા પ્રમાણે આધાર લઈએ, પરંતુ પોતાની બુદ્ધિશક્તિ પ્રમાણે  આપણી જીવન કેડી આલેખાય છે. સાથી સાથે સંવાદિતા હોય તો જીવનમાં અસાધ્ય સંઘર્ષ ‘નથી આવ્યો’ તેવી લાગણી થાય.

 

જીવન સાઇકલ

જીવન કેરી સાઇકલના, હું ને તું બે પૈડા,
એકમેકની આગળ-પાછળ સંગાથીના હઇડા.

રોજ રોજની રામાયણમાં મુજને ટેકો આપે,
વેરાયેલી લાગણીઓને તું સંકોરી રાખે.

ચઢાણ ઊંચું, ખડબડ રસ્તો, જ્યારે મુશ્કેલ લાગે,
ઉતાવળે જો આગળ ખેંચું, બ્રેક દઈ સંભાળે.

ખેંચતાણ ને અડતલ સમતલ પૈડા ફરતાં જાયે,
કસીકસીને સો ટચ સોનું મને કરી ઝળકાવે.

———

સમાપ્ત


હવે પછી…
રેખા સિંધલઃ શૂન્ય થી અનંતની સફર