દીઠે અડસઠ જાત્ર

દર્શના ધોળકિયા

કેટલીક વ્યક્તિઓ પોતાના જીવનમાં એક પ્રકારની ઝીણી વેદના લઈને જ જન્મતી હોય છે. જેમ જેમ એની સમજ વિકસતી જાય છે તેમ તેમ એમની વેદના પણ વધતી જ રહે છે. આ વેદના હોય છે દિશાની શોધ માટેની. એની તીવ્રતા વધતાં અચાનક જ ઘટતી કોઈ ઘટનાને આપણે સૌ 1૫10109 ?ભાં01 – વળાંક – એવું નામ આપતાં હોઈએ છીએ. બહુ ઓછા લોકોને જીવનમાં આ પ્રકારનું વળાંકબિન્દુ આવવાનું સદ્‍ભાગ્ય સાંપડતું હોય છે.

મહાન થવા સર્જાયેલી વ્યક્તિઓના જીવનમાં આ પ્રકારનો વળાંક ત્રણેક રીતે આવતો હોય છે : કેટલીક વાર કોઈ બનાવ કે ઘટના વ્યક્તિ પર જાણે છાપો મારે છે અને વ્યક્તિ તત્ક્ષણ પરિવર્તન પામે છે. ઇતિહાસની મદદ લઈને કહીએ તો મહાકવિ વાલ્મીકિનું દૃષ્ટાંત આ પ્રકારનું છે. વાલ્મીકિના જીવનમાં આવેલી જાગૃતિની એક પળ તેમને અસદ્માંથી સદ્માં, ક્ષણમાત્રમાં લઈ ગઈ ને તેમનું રૂપાંતર થઈ ગયું ! નરસિંહ મહેતા, સિદ્ધાર્થ જેવાનું જીવન પણ આ પ્રકારના ઉદાહરણ તરીકે ટાંકી શકાય. બીજી રીતનું વળાંકબિંદુ મનુષ્યના જીવનમાં ક્રમિક રીતે આવતું હોય છે. જીવન પાસેથી આ પ્રકારની વ્યક્તિઓ સતત શીખતી રહે છે ને બદલાતી – ઘડાતી – વિકસતી રહે છે. મહાત્મા ગાંધી આ પ્રકારનું, આ યુગનું સૌથી મોટું દૃષ્ટાંત બની રહ્યા છે. વળાંકની ત્રીજી રીતમાં કેટલાક લોકો ઝીણી વેદનાને પોતાના ચેતનાગર્ભમાં ઉછેરતા રહીને વિસ્ફોટની ક્ષણની રાહ જોતાં રહે છે ને અચાનક એ વિસ્ફોટ થતો હોય છે. આ પ્રકારના વિસ્ફોટની કોઈ નિશ્ચિત ઉંમર, ક્ષણ હોતી નથી પણ એ થઈને રહે છે એટલું તો ચોક્કસ. એ પણ કહેવું જોઈએ કે આ ત્રણેય પ્રકારના લોકોમાં કશુંક એવું તત્ત્વ પડેલું હોય છે જે તેમને વખત આવ્યે ઉશ્કેરે છે . આવા જ લોકોનું રૂપાંતરણ શક્ય છે; બધા લોકોમાં તો સ્વાભાવિક રીતે જ, ચેતનાની ધાર આટલી તીત્ર ન જ હોઈ શકે એ પણ સમજાય તેવી વાત છે.

જાગૃતિની આ ક્ષણ સત્યની શોધ માટે પ્રગટતી હોય છે. આ ક્ષણ જેના જીવનમાં આવે છે તેવી વ્યક્તિ જીવનના બીજા કોઈ ક્ષેત્રને બદલે અધ્યાત્મના ક્ષેત્રથી આકર્ષાતી હોય છે. એનું એક કારણ એ છે કે અધ્યાત્મ જીવનનાં બધાં જ ક્ષેત્રોને આવરી લેતું તત્ત્વ છે. એ તત્ત્વમાં ઊંડા ઊતરવાથી બાકીનું બધું સહેજે સમજાય છે ને ઝડપથી સધાય પણ છે. આધ્યાત્મિક અતૃપ્તિથી પીડાતા લોકોની માંગ જુદા જ પ્રકારની હોય છે. એ ઝડપથી સંતોષાતી પણ નથી હોતી. કેટલીક વાર તો એનો ઉકેલ મળ્યા પાછી પણ એનાં મૂળ સૂધી પહોંચતાં સમય લાગતો હોય છે.

હિન્દુ ઘર્મ અને એના કરતાંયે કહેવું હોય તો એના ધારકોએ ઘણા લોકોની આધ્યાત્મિક તૃષા છિપાવવાનો યત્ન કર્યો છે. જેમાં કેટલાંક પરદેશી વ્યક્તિત્વોનો સમાવેશ થાય છે. આ વ્યક્તિત્વોમાં ત્રણ મહિલા વ્યક્તિત્વો ખાસ ધ્યાનપાત્ર છે જેમાં ક્રમની દષ્ટિએ પ્રથમ આયર્લેન્ડનાં વતની માર્ગરેટ નોબલ, મીરાં આલ્ફાસ્સા ને મેડેલીન સ્લેડ, જેઓ પાછળથી અનુક્રમે ભગિની નિવેદિતા, શ્રી માતાજી ને મીરાંબઢેન તરીકે ભારતીય અધ્યાત્મ દ્વારા દીક્ષિત બનીને ભારતીય ચેતનામાં એક બન્યાં. આમાંથી શ્રી માતાજી ને મીરાંબહેન વિશે આગળ જતાં અલગથી વિગતે વાત કરેલ છે. આ ત્રણેયની વૈચારિક અવસ્થા પોતપોતાની રીતે ભિન્ન છે છતાં મહદ અંશે મળતી આવે છે. સત્યની, કહો કે દિશાની શોધ, એ ત્રણેયનું ધ્યેય છે જે ભારતના આધ્યાત્મિક મહાપુરુષો દ્વારા તેઓને સાંપડે છે.

“નિવેદિતા’ બનેલાં માર્ગરેટ નોબલ ગળથૂથીમાંથી જ ધર્મપરાયણ છે. તેમના દાદા જોન નોબેલ પાદરી હતા. મૂળે સ્કૉટિશ એવું આ નોબલ કુટુંબ લગભગ પાંચસો વર્ષથી આયર્લેન્ડમાં આવીને વસેલું. આયર્લેન્ડની પ્રજાને અંગ્રેજોના કઠોર અનુશાસનમાં રહેવું પડેલું પરિણામે માર્ગરેટના પિતા અને દાદાને કઠોર જીવન જીવવાનું આવેલું. જોન નોબલે તો સ્વતંત્રતાની ચળવળમાં ભાગ પણ લીધેલો.

ઉત્તર આયર્લેન્ડમાં વેસ્લિયન ચર્ચમાં પુરોહિત તરીકે રહેલા જોન નૉબલનું ચોથું સંતાન તે સેમ્યુઅલ રિચમન્ડ. તેમણે પણ પિતાના સંસ્કારો ગ્રહણ કરીને ધર્મ પ્રત્યે અભિરુચિ કેળવી. સેમ્યુઅલે મેરી ઈજાબેલ હેમિલ્ટન સાથે લગ્ન કરીને ઉત્તર આયલેન્ડમાં ડંગન્નોનમાં નિવાસ કર્યો. ડંગન્નોનમાં જ ઈ.સ. ૧૮૬૭ની ૨૮ ઓક્ટોબરે આ દંપતીને ઘેર પ્રથમ સંતાન તરીકે માર્ગારેટનો જન્મ. તેમના જન્મ પહેલાં તેમનાં માતાની સ્થિતિ નાજુક થઈ ગયેલી. પોતાનું પ્રથમ બાળક બરોબર જન્મે તે માટે માતાએ પ્રભુની પ્રાર્થના કરતાં કહેલું કે જો આ બાળક હેમખેમ જન્મશે તો હું એ તને અર્પણ કરીશ. આમ, જન્મ પહેલાંનું જ માર્ગરેટનું આ પ્રથમ નિવેદન હતું. જન્મ પહેલાં જ એ “નિવેદિતા’ થઈ ગયાં. આ અર્થમાં જોઈએ તો માતા – પિતાને ઘેર જન્મ લેવા છતાં તેઓ દત્તક પુત્રી બની રહ્યાં. જન્મ પહેલાં જ નિયત થયેલ આ પ્રકારની નિયતિ તેમને આવી મળી. અનાયાસે જ તેમના અધ્યાત્મ્જીવનની ભૂમિકા આ રીતે રચાઈ.

પિતાને પગલે ચાલતા સેમ્યુઅલ પાદરીની પદવી મેળવવા માટે પત્નીને લઈને માન્ચેસ્ટર ગયા. ધર્મવિજ્ઞાનના અભ્યાસાર્થે માન્ચેસ્ટરના વેલ્સ્થન ચર્ચમાં તેઓ જોડાયા. આ સમયગાળા દરમિયાન માર્ગરેટનો ઉછેર નાની પાસે થયો. સેમ્યુઅલ પાદરી બન્યા પછી ડેવોનશાયરમાં સ્થાયી થયા બાદ માર્ગરેટ એમની પાસે આવ્યાં ત્યારે એક નાના ભાઈ રિચમન્ડ ને બહેન મેનો કુટુંબમાં ઉમેરો થયો હતો.

બાલ્યાવસ્થાથી જ માર્ગરેટ પર પિતાનો ભારે પ્રભાવ રહેલો. પિતા પણ પુત્રીની આધ્યાત્મિક તરસને પારખી ગયેલા. પુત્રીની તેમને ચિંતા હતી અને તેમને સતત માર્ગદર્શન આપવાની, પ્રેરણા ને હૂંફ આપવાની જવાબદારી તેમણે બજાવી. સેમ્યુઅલના એક પાદરી મિત્રે માર્ગરેટને જોઈને “આ બાલિકાને શિરે એક દિવસ ભારતવર્ષની સેવા બજાવવાની જવાબદારી આવશે.’ એવું આશ્ચર્યજનક ભવિષ્ય ભાખેલું. ત્યારે તો સેમ્યુઅલને પણ નવાઈ લાગેલી. પણ માર્ગરેટનાં જુદાં પડતાં વ્યક્તિત્વથી પિતા પરિચિત તો હતા જ. આથી જ શારીરિક રીતે થાકી ગયેલા ને મૃત્યુની નજીક સરકી રહેલા સેમ્યુઅલે તેની પત્નીને માર્ગરેટની સોંપણી કરતાં કહેલું :

“માર્ગરેટનું ધ્યાન રાખજે . એક વિરલ મહાન આદેશ તેની પાસે આવશે. ત્યારે માતા તરીકે તું તેને સહાય કરજે .’

સેમ્યુઅલે પુત્રીની સૂક્ષ્મ જરૂરિયાતોને આટલી સ્પષ્ટ રીતે જાણી લીધેલી ! માર્ગરેટના કમનસીબે પિતાનું ચોત્રીસ વર્ષની યુવાન વયે જ અવસાન થઈ ગયું. માર્ગરેટ માટે વિષાદનો આ પહેલો પરિચય હતો. જેને કારણે તેઓના મનમાં કુદરત પ્રતિ વિદ્રોહનાં બીજ નંખાયાં.

માર્ગરેટનું શિક્ષણ આયર્લેન્ડમાં જ થયું. દેશની પરિસ્થિતિને લઈને રાષ્ટ્રપ્રેમના સંસ્કાર પણ બાળપણથી જ દૃઢ થયેલા. ધર્મપ્રીતિ પણ લોહીમાં જ ભળેલી હતી. કૉલેજનું શિક્ષણ હેલિફિક્સમાં જ લીધું. સત્તરમા વર્ષે જ તેમણે કૉલેજ પૂર્ણ કરી લીધી. આમ વિદ્વતા, અનુકૂળ સંજોગો વગેરે સઘળું કંઈ પાસે હોવા છતાં અંદરની બેચેની તેમને જંપવા દે તેમ નહોતી. જીવન ને જગતનું નિરીક્ષણ કરતાં કરતાં એ તૃષા વધારે ઉદ્દીપ્ત બની. તેને નાથવા માટે માર્ગરેટે પ્રાકૃતિક વિજ્ઞાન, સંગીત અને ચિત્ર જેવા વિષયોનો અભ્યાસ વધાર્યો. એકાગ્રતા ને ખંત જેવાં ગુણલક્ષણોએ જ એક વિદુષી યુવતી તરીકે પ્રસ્‍થાપિત કર્યાં. અભ્યાસ પછી તેમના માટે અનેક ક્ષેત્રો ખૂલ્યાં હોવા છતાં તેમની પસંદગી અધ્યાપનના વ્યવસાય પર ઊતરી.

ઇ. સ. ૧૮૮૪માં માર્ગરેટે ઇંગ્લૅન્ડ જઈને કેસ્વિકની એક શાળામાં અધ્યાપનનુઆં કાર્ય શરૂ કર્યું. ૧૮૮૭માં બ્રેક્સહોમમાં તેમને નોકરી મળી. પેસ્ટોલૉજી નામન એક સ્વિસ અધ્યાપકે શોધેલી કેળવણીની નવી તરાહમાં માર્ગરેટને રસ પડતાં એનું અધ્યાપન તેમણે કરવા માંડ્યું. પેસ્ટોલોજીના શિષ્ય કોથબુલની શિક્ષણપદ્ધતિ પણ તેમણે અપનાવી ને એમાં નવીન પ્રયોગો કરવા માંડ્યા. આ ગાળામાં માર્ગરેટનું કુટુંબજવન પણ સ્થિર થયું.

આ સમય દરમિયાન મિસિસ ડી લેઉવ નામનાં મહિલાએ લંડનમાં માર્ગરેટ જેમાં રસ લેતાં હતાં એ પદ્ધતિની શાળા શરૂ કરવાનું નક્કી કરીને માર્ગરેટને જ નિમંત્રણ આપતાં, ઈ.સ. ૧૮૯૦માં માર્ગરેટે વિમ્બલડન ભણી પ્રયાણ કર્યું ને ત્યાં “રસ્કિન સ્કૂલ’ની સ્થાપના કરી. અહીં માર્ગરેટના જીવનમાં એક યુવાને પણ પ્રવેશ કર્યો. તે વ્યવસાયે એન્જિનિયર હતો. બંનેની રુચિમાં ઘણું સામ્ય હોઈ, બંનેએ લગ્નગ્રંથિથી જોડાવાનું પણ નક્કી કરેલું. કુટુંબની સંમતિ પણ મળી ગઈ. ત્યાં જ સગાઈ પહેલાં જ એ યુવાનનું અકાળ અવસાન થતાં માર્ગરેટ ફરી ભાંગી પડયાં. કુદરત પ્રત્યે પિતાના મૃત્યુથી જાગેલો વિદ્રોહ આ પ્રસંગથી બેવડાયો. એક બાજુ આધ્યાત્મિક તરસ છિપાવવાની વ્યાકુળતા ને બીજી બાજુથી સાંસારિક વિઘ્નોનું દબાણ માર્ગરેટને ઘેરી રહ્યું. તેમ છતાં તેમનો જીવનપ્રવાહ તો સત્યની શોધ ભણી જ જઈ રહ્યો હતો તેની સાબિતી માર્ગરેટે પોતાની રોજનીશીમાં લખેલી નોંધમાંથી મળી રહે છે. તેઓ નોંધે છે : ‘મારા બાળપણમાં મને લાગે છે કે હું આતુરતાથી સત્ય તરફના સાંકડા માર્ગ તરફ ધસ્યે જતી હતી; પરંતુ ૧૭ થી ૨૧ વર્ષની વયે, ચોક્કસ સત્ય, નિશ્ચિત અને એતિહાસિક રીતે વિશ્વસનીય હોય તે મારી અંદર મૃતપ્રાય થઈ ગયું અને છતાં એ જ ઉત્સુકતાથી સત્યની શોધ મેં ચાલુ રાખી.’ આ ઉત્સુકતાએ કરીને જ નિવેદિતા, માર્ગરેટમાંથી નિવેદિતા બની શક્યાં.

આંતરિક રીતે તીવ્ર મંથનના ગાળામાંથી પસાર થવા છતાં માર્ગરેટની બાહ્ય પ્રવૃત્તિઓને કોઈ આંચ આવી નહીં. ઈ.સ. ૧૮૮૪થી ૧૮૯૪ દરમિયાન તેમની શૈક્ષણિક પ્રવૃત્તિઓએ તેમને ખૂબ યશ અપાવ્યો. પણ અંદરથી થાકેલાં માર્ગરેટ નિરાશાથી ઘેરાયેલાં હતાં. પોતાના ધર્મને, ઈસુને ખૂબ ચાહવા છતાં પોતાના મન પરની તેમની શ્રદ્ધા ડગી ગઈ હતી. અઢાર વર્ષની ઉંમરે જ તેમને જણાવા લાગ્યું હતું તે મુજબ ધર્મનો અર્થ અમુક સિદ્ધાંતોમાં વિશ્વાસ કરવો એ ન હતો પણ ઈશ્વરની, સત્યની ખોજ હતો. ધર્મની આ પરિભાષાએ કરીને તેઓ ઈસાઈ ધર્મ પ્રત્યે સાશંક બન્યાં. આથી તેમણે બૌદ્ધ ધર્મનું શરણ લીધું. બુદ્ધના સિદ્ધાંતોએ તેમને આકર્ષ્યાં ખરાં પણ તેમનું સમાધાન તો ન જ થયુંં.

અઠ્યાવીસ વર્ષ સુધી વ્યાકુળ રહેવાની તપશ્ચર્યા કર્યા પછી છેવટે માર્ગરેટ માટે દિશા ખૂલી. માર્ગરેટના નિકટના મિત્ર લોર્ડ રિપને એક દિવસ પોતાને ઘેર આવવાનું નિમંત્રણ આપ્યું, કેમ કે તે દિવસે માર્ગરેટની ઝંખનાને સંતોષે એવા એક હિન્દુ યોગીનું તેમને ઘેર પ્રવચન રાખવામાં આવ્યું હતું. માર્ગરેટની બાલ્યાવસ્થામાં પિતાના પાદરી મિત્રે ભાખેલું ભવિષ્ય ધીમે ધીમે માર્ગરેટની નિકટ આવી રહ્યાની આ એંધાણી હતી.

લોર્ડ રિપનને ઘેર ભારતના મહાન અધ્યાત્મપુરુષ શ્રી રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય નરેન્દ્રનાથ ઉર્ફે વિવેકાનંદને મળીને અંગ્રેજ વ્યક્તિત્વ ધરાવતાં માર્ગરેટ પ્રથમ મુલાકાતમાં સ્વામીજીથી પ્રભાવિત ન થયાં. તેમના વ્યક્તિત્વે માર્ગરેટમાં આદર જરૂર પ્રેર્યો પણ તેમનાથી વશ થવા જેવું માર્ગરેટને કંઈ જણાયું નહિ. માર્ગરેટનાં સંશયવાદી ચિત્તે વિવેકાનંદના પ્રથમ પ્રવચનમાં કંઈ વિશેષ જોયું નહીં. અલબત્ત, ઘેર આવીને સ્વામીજીનાં પ્રવચન ઉપર વિચાર કરતાં તેમને જણાયું કે તેમની ઘણી વાતો નવી ન હોવા છતાં જુદી રીતે જરૂરથી કહેવાઈ હતી.

આથી સ્વામીજીનાં લંડનનાં પ્રવચનમાં માર્ગરેટ બીજી વાર ગયાં ને સ્વામીજી પર પ્રશ્નોની ઝડી વરસાવી. માર્ગરેટની તીવ્ર જિજ્ઞાસા જોઈને તર્કશુદ્ધ વ્યક્તિત્વ ધરાવતા વિવેકાનંદજીએ ખુશ થઈને માર્ગરેટની કદર કરતાં કહ્યું : ‘તમે કોઈ પણ વાત સહેલાઈથી સ્વીકારી શકતાં નથી. આ બાબતમાં તમારે દિલગીર થવું નહીં. છ વર્ષના લાંબા ગાળા સુધી મેં મારા ગુરુનો વિરોધ કર્યો હતો એને પરિણામે હું રસ્તાનો એકે એક કણ જોઈ શક્યો છું.’

સામી વ્યક્તિની સ્વતંત્રતા જાળવવાની વિવેકાનંદે દર્શાવેલી ઉદારતાને કારણે માર્ગરેટ પર સ્વામીજીનો પ્રભાવ પડયો, પણ આ બંનેનું પ્રથમ મિલન બિલકુલ ભાવુક નહોતું. ઝૂકી પડવાનું ન તો માર્ગરેટના સ્વભાવમાં હતું કે ઝુકાવવાનું સ્વામીજીની પ્રકૃતિમાં ન હતું. આથી જ બંનેનાં વ્યક્તિત્વો સમન્વિત થઈ શક્યાં. વિવેકાનંદજીની લવચીકતાએ માર્ગરેટનાં સંશયવાદી ચિત્તને સ્વચ્છ કરી નાખ્યું ને માર્ગરેટે સંશયનું શસ્ત્ર મ્યાન કર્યુ. તેમ છતાં આ સમર્પણ પૂર્ણ રીતે થયું નહોતું. આ અંગે માર્ગરેટે કરેલી નોંધ જોવા જેવી છે : “તેઓ જે કહેવા આવ્યા હતા તેના પ્રમાણભૂત અનુભવો મને ન થયા ત્યાં સુધી ક્યારેય મેં એનો અંતિમ સત્ય તરીકે સ્વીકાર કર્યો નહિ. એ સમયે એના વ્યક્તિત્વથી હું ખૂબ જ આકર્ષિત થયેલી છતાં પાછળથી જ મારા જોવામાં આવ્યું તે દૂરનું સ્થાન મે જોયું ન હતું.’ નિવેદિતા જે દૂરનું સ્થાન જોવા માગતાં હતાં, જેનું નામ સત્ય હતું, સાક્ષાત્કાર હતું તેનું દર્શન વિવેકાનંદજી દ્વારા જ તેમને થવાનું હતું તેવી પ્રતીતિ તો તેમને સ્વામીજીની બીજી મુલાકાત વખતે થઈ જ ગયેલી.

માર્ગરેટને મળ્યા પછી સ્વામીજી લંડન ગયા. “ઈશ્વર સિવાય બીજું કશું જ ન હોઈ શકવાની તેમણે કરેલી સિંહગર્જનાએ માર્ગરેટમાં રહેલો સુષુપ્ત જ્વાળામુખી બરાબરનો સળગાવ્યો.  સળગવાની આ ક્ષણને પકડી લેતાં માર્ગરેટ નાંધે છે, આ સળગતો સાદ મારી અંદર હતો; પણ અભિવ્યક્તિ માટે કશું જ નહોતું. કેટલીયે વાર કલમ હાથમાં લઇને બેસી ગઇ છું, બોલવા ધાર્યુ છે ત્યારે વાચા નહોતી મળતી અને હવે તેનો અંત જ નથી.’ તમને જ જોઈતું તું તે આ. અનામ એવું કશુંક તત્વ, એક દિશા. માર્ગરેટને આનંદ એ વાતનો હતો કે તેમના જીવનમાં સ્વામીજીના આવ્યા પહેલાં તેઓ જીવન વિશે આછું જાણતાં હતાં. જો તેઆ જાણતાં હોત તો તેમણે શંકા કરી હોત. પરિજ્ઞામે આવનારી વિરલ ક્ષણ ઓળખાઈ ન હોત.

વિવેકાનંદ અને માર્ગરેટ વચ્ચ થવેલા અનેક સંવાદો, વિચારોની આપ-લે, પહેલે જ ધડાકે બંનેને ભેગાં કરવામાં તાત્કાલિક કામ આવતા નથી. બંનેએ એકબીજાને બરાબર માપ્યાં છે. જેમ માર્ગરેટે સ્વામીજીને ચકાસ્યા છે તેમ વિવેકાનંદે પન્ન તેમને શિષ્યા તરીકે સ્વીકારવામાં બિલકુલ ઉતાવળ કરી નથી. માર્ગરેટ ઇચ્છે છે કે સ્વામીજી તેમને કશુંક કહે, કોઈ કામગીરી સોંપે. પણ વિવેકાનંદે તેમને સીધી રીતે તો કોઈ આદેશ પહેલાં પણ અને જીવનના અંત સુધી આપ્યો જ નથી. એક વાર માર્ગરેટ સાથેની વાતચીતમાં માર્ગરેટ પાસે પોતે ઇચ્છેલા કાર્યનો અછડતો ઉલ્લેખ કરીને સ્વામીજીએ કહ્યું, “મારા દેશની સ્ત્રીઓ માટે મારી પાસે યોજના છે, અને મને લાગે છે કે તેમાં તમે મને ઘણાં મદદરૂપ થઈ શકો તેમ છો.’ માર્ગરેટ તો આ સાંભળીને ખુશ થઈ ગયાં. પણ સ્વામીજીએ તેમને ત્યારે તો ભારત આવવાની મંજૂરી ન જ આપી. સ્વામીજીના પ્રિય શિષ્ય ગુડવીન અને સેવિયર દંપતી સ્વામીજી સાથે ભારત આવતાં હતાં ત્યારે પણ માર્ગરેટને સ્વામીજીએ રોકી રાખીને ઇંગ્લૅન્ડમાં જ કામ કરવા જશાવ્યું. સ્વામીજી એ ચકાસવા માગતા હતા કે માર્ગરેટ માત્ર પોતા પ્રત્યેના પ્રેમ અને ભક્તિને લઈને જ ભારત આવવા માગતા હોય તો એ બરાબર ન હતું.

એક પત્રમાં તેમણે સ્પષ્ટ થઈને માર્ગરેટને જણાવ્યું : “પોતાનો સમગ્ર પ્રેમ મને આપતાં લોકોને હું જોઉં છું પરંતુ બદલામાં મારે કોઈને પણ મારો સમગ્ર પ્રેમ ન આપવો જોઇએ કારણ કે એ દિવસે કાર્ય નાશ પામશે.  નેતાએ નિરપેક્ષ રહેવું જોઈએ. મને ખાતરી છે કે તમે આ સમજો છો.’ વિવેકાનંદ વ્યક્તિનિષ્ઠામાં નહીં પણ વિચારનિષ્ઠામાં માનતા હતા. તેમની પાસે રહેવું કેટલું કપરું હશે તેનો અંદાજ આ પત્ર પરથી સહેજ આવી જાય છે.

ગુરુની ચોખવટ પછી પણ જ્યારે માર્ગરેટ ભારત આવવા ઉતાવળાં થઈ રહ્યાં ત્યારે  સ્વામીજીએ તેમનામાં આયરીશ ખમીર જોયું. શિષ્યાની આટલી ભક્તિ ને જે કરવું પડે તે કરવાની તૈયારી હોવા છતાં સ્વામીજીને બે શંકા હતી : એક તો, માર્ગરેટ ભારતની આબોહવા સહી શકશે કે કેમ અને બીજી, પોતાનું સ્વત્વ ભૂલી શકશે કે કેમ. આ શંકાના સમાધાન માટે વિવેકાનંદે માર્ગરેટને અંતિમ ચેતવણી આપતા પત્રમાં માર્ગરેટ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરીને તેમની ક્ષમતાનો સાદર સ્વીકાર કર્યો. ભારત સારુ સાચી સ્ત્રીની જરૂરિયાત સ્વીકારીને તેમણે જણાવ્યું તે મુજબ ભારતે હજુ મહાન સ્ત્રીઓ પેદા કરવાની બાકી હતી. આથી બીજી પ્રજામાંથી આ પ્રકારે સ્ત્રીઓ ઉછીની લીધે જ છૂટકો હતો. આ ક્ષમતા માર્ગરેટમાં હતી એં જણાવીને ભારતની વિષમ આબોહવા તથા ભારતીય પ્રજાની ધોળી ચામડી પ્રત્યેની ઘૃણા અંગે ચેતવણી પણ આપી. આ બધું હોવા છતાં માર્ગરેટ ભારત આવવા માગતાં હોય જરૂર આવે એમ નોંધીને એક મહાન ગુરુને જ સૂઝે ને છાજે તેવું આશ્વાસન આપતાં ઉમેર્યુ : તમે આમાં કૂદી પડો તે પહેલાં પૂરો વિચાર કરજો. અને જો કામ્ કર્યા પછી તેમાં નિષ્ફળ જાઓ કે કંટાળી જાવ તો મારા વતી તો હું વચન આપું છું કે તમે ભારત માટે કામ કરો કે ન કરો, વેદાંત રાખો કે છોડી દો, હું છેલ્લી ઘડી સુધી તમારી પડ્ખે ઊભો રહીશ… બીજું , તમારે તમારા પગ ઉપર ઊભા રહેવું.’ આ હતી એક સમર્થ ધર્મગુરુની વિદેશી શિષ્યા પ્રત્યેની અપેક્ષા. વિવેકાનંદે કશા છોછ વગર માર્ગેરેટને એવી રીતે નિમંત્રણ આપ્યું જેમાં શિષ્યાની સ્વતંત્રતાની પૂરી અદબ જળવાતી હતી. સાથોસાથ એણે જે કરવાનું હતું તે કામ કેવું હતું ને કોની સાથે રહીને કરવાનું હતું તેની પૂરી સ્પષ્ટતા હતી. સ્વામીજી માર્ગરેટને જરા પણ ખેંચવા માંગતા ન હતા. આ એક અનાસક્ત સંન્યાસીએ માર્ગરેટે શોધેલા જીવનદર્શનનો સ્પષ્ટ રીતે આલેખેલો ચિતાર હતો.

ગુરુના આ મહાન આદેશને ગંગાધર શિવની જેમ હૃદયજટામાં ઝીલીને આ મહાન નારીએ સ્વજનોની વિદાય માગી. પિતા સેમ્યુઅલે કહેલો મહાન આદેશ આવી પહોંચેલો જાણીને તેમનાં માતાએ પણ પ્રેમપૂર્વક વિદાયનું દુ:ખ સહીને પુત્રીને બીજી વાર નિવેદિત કરી દીધી ! દેશ, વેશ, બંધુબાંધવો, દરજજો, ગોઠવાયેલું જીવન – આ સર્વ કંઈ છોડીને ૧૮૯૮ની અઠાવીસમી જાન્યુઆરીએ માર્ગરેટે કલકત્તાની અપરિચિત ભૂમિ પર તેમને લેવા આવેલા એક માત્ર પરિચિત એવા મહાન ગુરુ વિવેકાનંદની સાથે પ્રવેશ કર્યો. માર્ગરેટને મન આ એક જ પરિચય સમગ્ર ભારતના પરિચય માટે પૂરતો હતો.


ક્રમશઃ


હવે પછીઃ માર્ગરેટમાંથી નિવેદિતાની ગાથા


ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.