પ્રકૃતિની પાંખો
હીત વોરા
તમે કચ્છના બન્નીના ઘાસિયા મેદાનમાં હોવ કે પછી ભાવનગરના વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં અથવા તો રાજકોટ-ગોંડલ વચ્ચે આવેલી કોઈક વીડીમાં થી પસાર થતા હોવ, પહેલી નજરે ઘાસના મેદાનો ખાલી લાગે. કોઈ ઊંચા વૃક્ષો નહીં, કોઈ સ્પષ્ટ હલનચલન નહીં, આંખને પકડવા માટે કંઈ નાટકીય ન મળે. પરંતુ જો તમે થોડા સમય માટે સ્થિર રહી અવલોકન કરો તો ઘાસિયા મેદાનો ની સાચી સુંદરતા તમને સમજાય. વહેલી શિયાળા ની સવારે કુંજના ટોળે ટોળા કલરવ કરતા ઘાસના બીજનો ખોરાક લેવા આવતા હોય, નાની નાની લાર્ક અને પીપીટ ટોળામાં જમીન પર ખાવાનું શોધતી હોય, તળાવમાં અને કિનારે બતક, કાકણસાર અને ઢોંક બેઠા હોય ત્યારે અચાનક એક પડછાયો ઘાસના મેદાન પરથી નીકળે અને બધા જ પક્ષીઓ ઊડવા લાગે, બધા બતક ઉડી ને જગ્યા બદલી લે, લાર્ક અને પીપીટ ખુલ્લા મેદાન ત્યજી ઘાસમાં સંતાઈ જાય, નાના પક્ષીઓ માટે આ બિહામણો પડછાયો એક અનન્ય પ્રજાતિના શિકારી પક્ષી હેરિયરનો (Harrier) છે! હેરિયરને ગુજરાતીમાં “પટ્ટાઈ” કહેવા માં આવે છે કારણ કે મોટા ભાગના હેરિયર પ્રજાતિના પક્ષીઓની માદાના શરીરના પેટના ભાગ અને પાંખ પર પટ્ટા જોવા મળે છે!
બાકી શિકારી પક્ષીઓથી હેરિયર અલગ છે કારણ કે તે શિયાળો પસાર કરવા ઘાસિયા મેદાનો અને જળ પ્લાવિત ક્ષેત્રો જ પસંદ કરે છે. આકાશમાંથી ડાઇવ મારતા બાજ અથવા ઉપર ઉંચે ઉડતા ગરુડથી વિપરીત, હેરિયર્સ ઊડતા સમયે જમીનની નજીક રહે છે અને ગ્લાઇડ કરતા કરતા તેમની નીચેના મેદાનની દરેક ઇંચ સ્કેન કરે છે. હેરિયર્સનું મુખ ઘુવડ જેવું ડિસ્ક આકારનું હોય છે જેથી ઘાસમાં થતી નાની હલન ચલનનો અવાજ પણ તેમને સંભળાઈ જાય અને તેના શિકાર ને તે જોયા વિના પણ ડાઇવ મારી પકડી શકે છે. હેરિયર્સની આજ લાક્ષણિકતાઓ તેને નાના પક્ષીઓ અને કીટકોનું બિહામણું સપનું અને ઘાસિયા મેદાનોનો ખૂબ જ સફળ શિકારી બનાવે છે.
ગુજરાતના ઘાસિયા મેદાનોમાં દર શિયાળે વિવિધ હેરિયર પ્રજાતિઓ મહેમાન બનીને આવે છે. તેમાં મુખ્યત્વે નીચેની પ્રજાતિઓ જોવા મળે છે:
Western Marsh Harrier (પાન પટ્ટાઇ)

આ હેરિયર્સ સૌથી મોટા અને સમગ્ર ગુજરાતમાં સૌથી કોમન જોવા મળે છે. તેની ઓળખાણ ચોકલેટી બ્રાઉન રંગ અને અલગ પડતું આછા કેસરી રંગના માથાથી થાય છે
માર્શ હેરિયર સામાન્ય રીતે શિયાળામાં જળાશયો, ડેમ, ઘાસિયા મેદાનો અને તેની આસપાસના વિસ્તારોમાં સહેલાઈથી જોવા મળે છે. તે કીટકોથી અને નાના પક્ષીઓથી માંડી ફ્લેમિંગો અને કુંજનો પણ શિકાર કરે છે.
Montagu’s Harrier (પટ્ટી પટ્ટાઇ)

કદમાં નાનું હેરિયર. નરનું શરીર આખું સફેદ હોય છે, માથું ગ્રે અને આંખ ચમકદાર પીળા રંગની હોય છે અને પાંખ પર કાળા પટ્ટા જોવા મળે છે. નર પક્ષી ખૂબ જ દેખાવડા લાગે છે. માદા પક્ષી ભૂખરા રંગ ના હોય છે અને તેમને પાંખ અને પેટના ભાગ પર આડા કાળા પટ્ટા હોય છે! મોનટાગુના હેરિયર એક્રેડિવોર (acridivore) હોય છે, એટલે કે ફક્ત તીડ અને તિત્તીધોડાઓનો જ શિકાર કરી ખાય છે! આ કારણથી તેની હાજરીથી ઘાસિયા મેદાનોમાં તીડની સંખ્યા પર કાબૂ રહે છે.
Pallid Harrier (ઉજળી પટ્ટાઇ)

નર પેલીડ હેરિયર આખું સફેદ હોય છે તેનું શિર દૂધ જેવું સફેદ હોય છે. તેની સફેદ પાંખ જ્યાં પૂરી થાય ત્યાં જ ખાલી કાળા ડાઘ હોય છે! પક્ષીપ્રેમીઓ દ્વારા નર પેલીડ હેરિયરને તેની આકર્ષક અને સૌમ્ય દેખાવ માટે ખાસ પસંદ કરવામાં આવે છે. માદા પેલીડ હેરિયર ભૂખરા રંગ ની હોય છે અને તેને ગળા પર વ્હાઇટ કોલર હોય છે જે તેને મોન્ટાગુના હેરિયરની માદાથી જુદી પાડે છે. પેલીડ હેરિયર મુખ્યત્વે નાના પક્ષીઓ તથા કીટકોનો શિકાર કરે છે.
હેરિયર્સ ધીરજવાન શિકારી હોય છે. તેઓ ઘાસ ઉપર, નીચા ઉડે છે, ધીમે ધીમે આગળ વધે છે અને નીચેની જમીનને તપાસે છે. પીછો કરવાને બદલે, તેઓ ચોકસાઈ પર આધાર રાખે છે – સહેજ પણ હલનચલન પરખે છે અને યોગ્ય સમયે પ્રહાર કરે છે.
જેમ જેમ સાંજ નજીક આવે છે, તેમનું વર્તન બદલાય,
ઘાસના મેદાનના વિવિધ ભાગોમાંથી, હેરિયર્સ એક જગ્યાએ ભેગા થવાનું શરૂ કરે, એક પછી એક, તેઓ ઘાસમાં બેસી જાય અને અદૃશ્ય થઈ જાય છે. આમ સામુહિક રુસ્ટિંગ (રાતનો સમય પસાર કરવા ભેગા રહેવું) સંખ્યામાં સલામતી પ્રદાન કરે છે.
હેરિયર ખાલી તેમના શિકારની સંખ્યાને નિયંત્રણમાં રાખવા સિવાય પણ પ્રકૃતિમાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે. ભલે સાંભળવામાં અજુગતું લાગે પણ હેરિયર્સ ઘાસના બીજનો ફેલાવ કરી ઘાસિયા મેદાનની તંદુરસ્તી જાળવવા અને પતિત થયેલા ઘાસિયા મેદાનોનું પુનઃસ્થાપન કરવામાં મદદ કરે છે! ચાલો જાણીએ કેવી રીતે;
હેરિયર્સ લાર્ક જેવા નાના પક્ષીઓનો શિકાર કરે છે, જે ઘાસના બીજ ખાય છે- આ બીજ હેરિયરની ચરક દ્વારા ફેલાય છે. તેમની ઊર્જા જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, હેરિયરને આવી ઘણી લાર્કનો શિકાર કરવો પડે છે. આ કારણે, એક લાર્ક પોતાની ચરક દ્વારા જેટલા બીજ ફેલાવે તે કરતાં વધારે બીજ નો ફેલાવ કરવાની ક્ષમતા એક હેરિયર ધરાવે છે.
અને હેરિયર્સ લાંબા અંતરની મુસાફરી કરતા હોવાથી, આ બીજ ફક્ત નજીકમાં જ નથી પડતા, તે સંપૂર્ણપણે નવા ઘાસના મેદાનો સુધી પહોંચી શકે છે.
ઉદાહરણ તરીકે, પંજાબ અથવા રાજસ્થાનના ઘાસિયા મેદાનમાં લાર્કનો ખોરાક લઈ એક હેરિયર સેંકડો કિલોમીટર આગળ વધી શકે છે અને બીજા પ્રદેશમાં આરામ કરી શકે છે. આ પ્રવાસમાં, તે એક ઘાસના મેદાનમાંથી બીજને સંપૂર્ણપણે અલગ ઘાસના મેદાનમાં લાવી શકે છે. આ મિશ્રણ ઘાસની આનુવંશિક વિવિધતામાં વધારો કરે છે, જે સમય જતાં તેમને મજબૂત અને વધુ અનુકૂલનશીલ બનાવે છે.આ રીતે, હેરિયર ઘાસના મેદાનોને પુનઃસ્થાપિત કરવામાં અને તાજગી આપવામાં પણ મદદ કરે છે.
કેવી અચરજની વાત છે કે એક શિકારી પક્ષી શિકાર કરી જીવ લે છે (જેને આપણે નકારાત્મકતા સાથે જોડીએ છીએ), તે જ ગ્રાસલેન્ડ ઇકોસિસ્ટમને જાળવવામાં અને તેના પુનઃસ્થાપનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
આપણે હજુ પણ ઘાસના મેદાનોને સમજવામાં નિષ્ફળ જઈએ છીએ, ઘણીવાર તેમને બંજર મેદાન (wasteland) કહી તેમની અવગણના કરીએ છીએ. પરંતુ તે જીવંત, જટિલ અને આવશ્યક છે. આ લેખનો ઉદ્દેશ્ય એ જ છે કે સામાન્ય માણસો પણ આપણી આસપાસ રહેલી પ્રકૃતિની સુંદરતા સાથે તેની જટિલતા અને જરૂરિયાત સમજે અને તેને બચાવવા માટે સક્ષમ બને.
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
