તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

તે વીસમી માર્ચ આવું આવું હોય ત્યારથી ચિત્તનો કબજો મેઘાણીની આ યાદગાર પંક્તિઓ ન લઈ લે તો જ નવાઈ: ‘વીરા મારા! પંચ રે સિંધુને સમશાન રોપાણાં ત્રણ રૂખડાં હો… જી.’ આ રૂખડાં તે ભગતસિંહ, સુખદેવ ને રાજગુરુ.

હમણેનાં વરસોમાં ભગતસિંહનું નામ જરી જુદેસર ઊંચકાયેલું માલૂમ પડે છે. ભગવંત માનના નેતૃત્વ હેઠળ પંજાબમાં આપ સરકાર રચાઈ ત્યારે શપથવિધિ વાસ્તે એણે ચહીને ભગતસિંહના પૈતૃક ગામ પર પસંદગી ઉતારી હતી. સામાન્યપણે કોંગ્રેસ ને ભાજપમાં વહેંચાતા નકશા વચ્ચે પંજાબના સંદર્ભમાં આપ માટે ભગતસિંહની પસંદગી છે પણ સગવડભરી, કેમ કે ભગતસિંહ સરદાર ખરા પણ અકાલી દળ પ્રકારે બધ્ધ નહીં એવી રાષ્ટ્રીય ઓળખ એમની છે. આપ પંજાબથી ઊલટું, ભાજપ જે વિચારધારાકીય અખાડા ને નિંભાડાની પેદાશ છે એના પૂર્વસૂરિઓની મુશ્કેલી એ છે કે સ્વરાજ સંગ્રામ સાથે એમનો સીધો સંબંધ બધો વખત જડતો નથી. વ્યક્તિગત અપવાદકિસ્સા હશે, હેડગેવાર ૧૯૩૦માં સત્યાગ્રહમાં જોડાયાનું પ્રમાણ પણ છે, પણ સામાન્યપણે એક વિચારધારા તરીકે તેમ સંસ્થાકીય રીતે સ્વરાજ સંગ્રામ સાથે એનું અંતર રહ્યું છે. હવે સત્તા સંધાન સાથે પશ્ચાદવર્તી ધોરણે એ જોડાવાની કોશિશ કરે છે ત્યારે એણે પોતાના સંઘાડા બહારની પ્રતિભાઓને કો-ઓપ્ટ કરીને રોડવવું પડે છે.

આ સંજોગોમાં એક વિલક્ષણ સ્થિતિ પેદા થાય છે. સ્વરાજ સંધાનની લાયમાં ગાંધી-નેહરુ-પટેલ એ અનન્ય ત્રિપુટીમાંથી પટેલને જુદા પાડી પોતાના જાહેર કરવા પડે. નેહરુને તો સમજો કે ઝૂડવાનું ફાવે પણ ગાંધીને સરવાળે એળે નહીં તો બેળે સાચવી લેવા પડે. ગાંધીહત્યાને મુદ્દે સાવરકરની સંદિગ્ધ છબી સવાલો જગવે, એ સંદર્ભમાં સુભાષબાબુને ઓળવી લેવું તેમ ભગતસિંહનેય બોટી લેવું કંઈક સરળ ખરું. વળી બંને ગાંધીથી જુદી પડતી પણ રાષ્ટ્રીય સ્વીકૃતિપ્રાપ્ત પ્રતિભા પણ ખરી. ભગતસિંહના વીરમૃત્યુ મુદ્દે રાષ્ટ્રવાદી હઈલોજંબેમાં જોડાઈ તો જવાય, પણ ઘડીક રહીને વિચારધારાકીય રૂખનો કોઠો કમબખ્ત ભેદ્યો નયે ભેદાય.

૧૯૩૧માં ભગતસિંહની જે વીરપ્રતિમાથી લોકમાનસ ખાસું ખેંચાયેલું હતું, તેની સામે પછીનાં વર્ષોમાં ઉત્તરોત્તર એમની જેલનોંધ આદિ બહાર આવતાં જે છબી નિખરતી ગઈ એને અને ભાજપને લગભગ છત્રીસનો સંબંધ છે. આર્થિક-સામાજિક પરિવર્તનનો એક ઉદ્દામ કાર્યક્રમ અને માર્ક્સવિચાર સાથેની છબી જેમ જેમ સ્પષ્ટ થતી જાય તેમ ભાજપ સવાલિયા દાયરામાં મૂકાતો જાય. ભગતસિંહનું ઉખાણું નવરાશે છોડાવવા જેવું છે. ‘વંદે માતરમ્’થી ‘ઈન્કિલાબ ઝિંદાબાદ’ લગીની સમુત્ક્રાન્તિના એ ઈતિહાસપુરુષ છે. એમણે ‘રાષ્ટ્ર’માં બધ્ધ ન રહેતાં નીરક્ષીર વિવેકનો જે નિકષ વિકસાવ્યો છે એ સમજવા જેવો છે.

યુવા ભારત સામે ત્યારે બે નેતાઓ હતા- નેહરુ ને સુભાષ. આમ તો ભગતસિંહની સશસ્ત્ર મૂરત જોતાં એમને સારુ આઝાદ હિંદના ફોજના ભાવિ નિર્માતા સુભાષ પ્રથમ પસંદગી હોઈ શકે. પણ એમણે લખ્યું કે ભાવનાશાળી અને આદર્શવાદી બેઉ છે, પણ એકની જ પસંદગી કરવાની હોય તો હું જવાહરને પસંદ કરું. કારણ, સુભાષ ખાસા ઊર્મિલ છે અને વખતોવખત ભૂતકાળ માટેની એમની લાગણી ઉછાળા મારે છે. જ્યારે જવાહર નવા સમય સાથે ઉદ્દામ આર્થિક-સામાજિક કાર્યક્રમપૂર્વક કામ લઈ શકે એવી બૌદ્ધિક પ્રતિભા ધરાવે છે.

ગાંધી પરત્વે ભોમભીતર સુરંગ ને જાહેરમાં સ્વીકાર એવું જે દ્વિધાવિભક્ત વલણ જોવા મળે છે એમાં, બને કે, હાલના સત્તા-પ્રતિષ્ઠાનને ગાંધી ભગતસિંહને બચાવી ન શક્યા એ વાયકા હાથવગી લાગે. ૧૯૩૧ની 26મી માર્ચે વાઈસરોય ઈરવિને એમનાં વિદાયવચનોમાં કહ્યું છે તે સંભારી લઉં: અહિંસામૂર્તિ સમા ગાંધી શા સારુ એમનાથી સામા છેડાની વ્યક્તિઓ (ભગતસિંહ વ.)ની ફાંસીમોકૂફીની ભલામણ આ હદે ઊંડા દિલથી કરતા હશે એવો વિચાર મને સતત આવ્યો છે, પણ મને ફાંસીની સજા ફરમાવવા લાયક કેસનો આના જેવો બીજો દાખલો જડતો નથી.

ભગતસિંહને નહીં બચાવી શકાયાના મુદ્દે ગાંધી ટીકાપાત્ર લેખાયા છે. પણ નેહરુ-માલવિયાએ રજૂ કરેલ અંજલિ પ્રસ્તાવના સમર્થનમાં ભગતસિંહના પિતા કિશનસિંહ કહે છે, ‘છેલ્લી મુલાકાતમાં મને ભગતે કહ્યું હતું કે હું ભલે ફાંસીએ ચડું. મારી ચિંતા કરશો નહીં. પણ તમને આગ્રહપૂર્વક કહું છું કે તમે તમારા સેનાપતિનું (ગાંધીનું) પૂરું તાકાતથી સમર્થન કરો. કોંગ્રેસના નેતાઓને બરાબર સાથ આપો- તો જ સ્વતંત્રતા ફતેહ થશે.’ આ ઉદગારો સાથે, હેવાલ કહે છે, ગાંધી સામેનો કથિત રોષ કેમ જાણે આંસુમાં ફેરવાઈ ગયો.

સ્વાતંત્ર્યસંગ્રામના માર્ક્સવાદી ઈતિહાસકાર તરીકે સુપ્રતિષ્ઠ બિપીનચંદ્ર એમના આખર વરસમાં ભગતસિંહની જીવની પર કામ કરી રહ્યા હતા. એક મુલાકાતમાં એમણે પોતાના આકલનની વાત કરતા કહ્યું હતું કે થોડાં વધુ વરસ મળ્યાં હોત તો ભગતસિંહ એક અર્થમાં ગાંધીવાદી રૂપે મહોર્યા હોત. એમણે માર્ક્સવાદ છોડી દીધો હોત એવું હું નથી કહેતો. પણ એટલું ચોક્કસ સૂચવવા ઈચ્છું છું કે એમણે ગાંધીની ઢબે લોકઆંદોલન (અને સત્યાગ્રહ)ને માર્ગે કામ લેવું પસંદ કર્યું હોત. કોંગ્રેસ-ભાજપનું તો જાણે કે સમજ્યા પણ સ્વરાજનાં અમૃત વર્ષોમાં આપણે આપણા સ્વરાજલડતના વારસાને પાધરો સમજીએ તોયે ઘણું.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૮-૩-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.