વ્યંગ્ય કવન

હર્ષવી પટેલ

ઘર વિશે વાત કરો બહાર વિશે વાત કરો
સાંકળે બેઉને એ દ્વાર વિશે વાત કરો.
 
યુગ વિશે છોડોને! પળવાર વિશે વાત કરો
રોકી લો કાળને, અત્યાર વિશે વાત કરો
 
ન કહો પહોંચી ગયા બાદ, છે મંઝિલ કેવી?
પણ સફરના સહુ પડકાર વિશે વાત કરો
 
તો કહો- ગીત વિશે, પ્રીત વિશે, મિત વિશે
હરવખત આમ શું ચકચાર વિશે વાત કરો!
 
તારી-મારી જો કરી એમાં સમજદારી શી?
જો કરો આખા આ સંસાર વિશે વાત કરો!
 
સૂર્યની માત્ર કથા કરશો તો રાત જ રહેશે
શોધ છે તેજની? અંધાર વિશે વાત કરો
 
જે પરોવ્યાં છે તમે મોતી એ રાખોને તમે
પણ મને વીજના ચમકાર વિશે વાત કરો

સુશ્રી હર્ષવી પટેલ વ્યવસાયે શિક્ષિકા છે અને ગણદેવી તાલુકાના કેસલી ગામના વતની છે.

 તેમની ગઝલોમાં મૌલિક્તા અને મઝાની ખુમારી હોય છે. તેઓ એક આજનો આગવો અને અસરકારક અવાજ છે..૨૦૨૫માં તેમને શયદા એવોર્ડ મળ્યો છે.