કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
ખેતીને લગતી કોઇ ચર્ચાસભા હોય કે હોય ખેડૂતો વચ્ચેની સંગોષ્ટિ, હોય કોઇ જાહેર મોટું ખેડૂત સંમેલન, કે હોય ભલેને કોઇ સામાજિક સંસ્થા દ્વારા ગોઠવાયેલ નાના-મોટા ખેડૂત મેળાવડા ! “ મૂલ્ય વૃધ્ધિ ” [વેલ્યુ એડીશન] શબ્દ વક્તાઓની વાતોમાં સંભળાતો રહે છે. આ મૂલ્ય્વૃધ્ધિ વળી કઇ બલા છે ભલા !
મિત્રો ! આપણ ખેડૂત ભાઇઓને જરા અજાણ્યા જણાતા આ શબ્દનો ભાવાર્થ સમજીએ તો જરાયે અજાણ્યો નહીં લાગે.” મૂલ્ય ” એટલે કોઇ જણસનું “મૂલ” કે “ભાવ”. અને “વૃધ્ધિ” એટલે કે વધારો. અર્થાત એની કિંમતમાં ઉમેરણ. માલની મૂળ કિંમતમાં વધારો કરવા માટે જે પ્રયત્નો કરવામાં આવે છે એને મૂલ્યવૃધ્ધિની પ્રક્રિયાઓ કે વસ્તુના રૂપાંતરણનાનામે ઓળખવામાં આવે છે.
આ કોઇ નવી વાત નથી. મૂલ્યવૃધ્ધિ કરવાનું કામ અન્ય ધંધાર્થીઓ કરતાં જ આવ્યા છે. અને આજેય કરી જ રહ્યા છે. તમે જૂઓ ! સુથારનો દીકરો ઘનફૂટના ભાવે પૈસા ખરચી લાકડું લાવે.એને રંધો મારી સોરણ કરે.કરવતીથી કટકા કરે. અરે ! કુહાડા કે વાંહલાથી ધારો સોરી ગોળાઇ પકડાવે. અને વિંધણા કે શારડીથી વિંધા પાડી , ખરીદી લાવેલ લાકડામાંથી છોડિયાં અને છોલ દ્વારા પાર વિનાની વજન ઘટ કર્યાં છતાં એની મૂળ કિંમતમાં પોતાની મજૂરીનું ઉમેરણ કર્યા પછી પણ તૈયાર કરેલ ફર્નીચરના એવા મૂલ ઉપજાવે કે એના છોકરાંના રોટલા એમાંથી નીકળે ! અરે ! દરજીની જ વાત કરોને ! પાંચ વાર કાપડ વેચાતું લાવી , કાતરથી વેતરતાં વેતરતાં ખૂણિયા-ત્રાંસિયામાં કેટલુક કપડું બિનુપયોગી ભલેને બની રહે, પણ એના પર સોય-દોરો ફેરવી એવો શૂટ બનાવે કે એની કાપડઘટ અને પોતાની મજુરી બાદ કર્યા પછી પણ નફારૂપે સારીએવી રકમ મેળવે.
આ બધા દરજી, સુથાર, સોની, મોચી જેવા ધંધાર્થીઓ બહારથી બીજા પાસેથી માલ ખરીદી, ગ્રાહકની જરૂરિયાતોને ધ્યાને લઇ, જરૂરી વસ્તુઓ બનાવી, કમાણી કરી શકતા હોય તો આપણે તો ખેડૂત છીએ- પાયાના માલને પકાવવા વાળા ! આપણો વ્યવસાય તો એક દાણામાંથી ૧૦૦-૨૦૦ કે ૫૦૦-૧૦૦૦ દાણા કરી બતાવનારો ખેતીનો છે. આપણને એમાંથી ઓછું વળતર મળતું હોય તો ખામી આપણી છે- ધંધાની નહીં !
પણ આજે તો પરિસ્થિતિ સાવ ઉલટી છે.આપણને ક્યારેય એવા સમાચાર છાપામાં વાંચવા મળ્યા છે કે સોની, મોચી, દરજી, સુથાર કે કોઇ તેલની મીલ કે કપાસના જીનવાળાના કુટુંબ માથે લેણું વધી જતાં આપઘાત કર્યો હોય ? હા, એવા સમાચાર તો નિત્ય વાંચવા મળે છે કે ‘ ફલાણા રાજ્યમાં કે જિલ્લામાં આટલા સેંકડોની સંખ્યામાં ખેડૂતોએ કરજનો ભાર વધી જતાં કરેલો આપઘાત !’ આ બાબત ખૂબ ગંભીર અને તેના કારણોના મૂળમાં લઇ જનારી ગણાય.
આવું માત્ર ખેડૂતના ભાગે જ કેમ ?
બીજા કોઇને નહીં અને આપઘાત કરવાનો વારો કેમ ખેડૂતને જ આવે છે ? અરે ! બીજા ધંધાર્થીઓ તો બહારથી વેચાતો કાચો માલ લાવી , તેના પર પ્રક્રિયાઓ કરી , ગ્રાહકની જરૂરિયાત મુજબનો બનાવી દોઢા-બમણા, અરે ! ક્યારેક તો દસગણા દામ મેળવી શકતા હોય તો આપણે તો પોતે જ કાચો માલ પેદા કરીએ છીએ. મગફળી અને તલ, સોયાબીન કે સૂરજમુખી, કપાસ આપણે પકાવીએ, ઘઉં,બાજરો,મકાઇ,ડાંગર આપણી વાડીઓમાં તૈયાર થાય , અરે,જાત જાતના શાકભાજી અને ભાત ભાતના ફળો ખેડૂતના બગીચામાં ઈચ્છિયે ત્યારે અને જોઇએ એટલા ઉતરતા હોય-તો એના એજ ઉત્પાદનોમાંથી આપણે જ કેમ તેલના ડબા ભરી ન શકીએ ? અરે ! કેરીના રસના પેકીંગ કે આમળાની કેંડી અને ચ્યવંપ્રાશના પેકીંગ તથા ફળ-શાકભાજીમાંથી બનતા સરબત,જામ,મુરબ્બ,અથાણા બનાવી મોં માગ્યા મૂલ આપણે કેમ ન મેળવી શકીએ ભલા !
જરૂર છે લક્ષ બદલવાની
આ માટે આપણે જરૂર છે આપણી રૂઢ પરિપાટી બદલવાની. અત્યાર સુધી આપણું લક્ષ માત્ર માલ ઉત્પાદન કરવાનું જ રહ્યું છે. ખેતર કે વાડીમાંથી ઉત્પાદન મેળવવા ધૂળ સાથે ધૂળ બની જઇએ, છોડવા કે ઝાડવાની ગોવાળી કરવામાં રાત કે દિવસ, અરે ! ટાઢ-તડકો કશુ ગણ્યા વિના, ખર્ચ કરવામાં પણ પાછુવાળી જોયા વિના, કહોને ચોકિયાબળદ જેટલું બળ કરીને ઉત્પાદન તો પ્રમાણમાં ઘણું મેળવી લઇએ છીએ. પણ એ જઉત્પાદનને એમને એમ વેચવાને બદલે ગ્રાહકની આંખને ગમે – અરે, એની જરૂરિયાત કેવા પ્રકારની છે તે જાણીને, તેના પર ઘટતી પ્રક્રિયાઓ કરી , તેને પહોંચતી કરીએ તો આપણને પણ મોં માગ્યા મૂલ મળી જ રહે ભલા ! પણ ખાટલે મોટી ખોટ કે પાયા જ ન મળે !આપણને એવું કરવાનો વિચાર સુધ્ધાં ન આવેને ! એવી નવરાય જ નથી ખરું ને ? આપણે તો બસ ! માલ તૈયાર થયો ન થયો –કરો ઘરભેળો ! અને બોલાવો વેપારીને,બોલો ભાવ ને તોળી લ્યો માલ. આપી દ્યો હિસાબ. અમેય છૂટ્ટા અને તમેયે છૂટ્ટા ! ઘરમાંથી આ માલ જાય તો ઘર થાય ખાલી, કપાસ નાખવા માટેય જગ્યા તો જોયશેને ? આવું આવું વિચારીએ છીએ.
બની જઇએ વેપારી
આપણે ખેડૂત તરીકે માલ ઉત્પન્ન કરીને સંતોષ માની લઇએ છીએ. પણ એજ માલનું જો વેપારી બની વેચાણ કરવાનું વિચારીએ એટલે કેમ કરીને એ માલના નાણાં વધારે મેળવવા એની યુક્તિ-પ્રયુક્તિ આપણા મગજમાં આવતી જ રહેવાની. સો વાતની એક વાત-એકવાર આપણે મનથી નક્કી કરવું પડે.પછી જોઇલ્યો મજા !
મૂલ્યવૃદ્ધિની રીતો :
[૧] ગ્રેડીંગ અને પેકીંગ
અનાજ હોય કે કઠોળ, ફળ હોય કે શાકભાજી, અરે ! ઇમારતી લાકડાનો હોય ભલેને મોટો ગંજ ! પણ ઝીણું-મોટું, કાચું-પાકું, જાડું-પાતળું, કુણું-ઘરડું કે સારું- સળેલ બધું જ ભેળું ભેળું- જાણે ઊંટ-બકરાંનું ભેગું ટોળું- એક જ ઢગલો કરી વેચવા કાઢ્યું હોય તો કોઇ વેપારી કે ગ્રાહક એવો નહીં હોય કે આપણા માલને સારું-મોળું ગણ્યા વિના :” ઉત્તમ માલ” તરીકે પરખ કરી આપણે કહીએ એવા નાણા ચૂકવે. અંદર સાવ નબળો માલ હોય માત્ર એકાદ ટકા જેટલો જ. અરે ! બહુ બહુ તો આઠ-બાર આની માલ હોય પાંચ ટકાથી પણ કમ. પણ એ તો આખા જથ્થાને “નબળો” કહીને સંબોધે અને સાવ નાખી દેવાના ભાવે માગે બોલો !
એટલે શાકભાજી હોય તો તેના રંગ અને કુણપ પ્રમાણે, ફળો હોય તો તેના કદ, રંગ. ચળકાટ અને પરિપક્વતા પ્રમાણે. દાણા હોય તો ઝીણા, મધ્યમ અને મોટા એવા વકલ પ્રમાણે વર્ગીકરણ કરેલ હોય અને અંદર કોઇ તૂટેલ-ફૂટેલ, સળેલકે કાચા ફળ-દાણા ન હોય એટલે પેકીંગ ખોલતાં જ આંખને ગમી જાય અને ગ્રાહક પ્રસન્નચિતે થોડા વધારે દામ આપી માલ ખરીદવા પ્રેરાય છે.
અને એવું જ, ખૂબ જ સારા ફળો કે શાકભાજી, અનાજ, કઠોળ, તેલીબિયા સામે નજર પડતાં જ આંખને ન ગમે તેવા ફાટલા-તૂટલા અને લઘર વઘર કોથળા, કંતાન કે સાદરા-ખોખામાં ભરેલા ભળાય એટલે “સારો માલ ” ખરીદનાર કોઇ વેપારી કે ગ્રાહક એની સામુ પણ જૂએ નહીં ! ક્યા ફળોને કેવા કેરેટ-પેટીઓમાં પેક કર્યા હોય કે કઇ શાકભાજીને કેવા સુતરાવ ચલાખામાં બાંધ્યા હોય કે ક્યા ધાન્યને પ્લાસ્ટિક થેલીઓ કે કંતાનની કોથળીઓમાં પેક કર્યા હોય તો ગ્રાહકની નજર એમાં નોંધાશે. એનો બરાબર અભ્યાસ કરી એવું જ પેકીંગ કરવું જોઇએ. શિયાળાની સિઝનમાં અમરેલીના માર્કેટયાર્ડમાં આણંદ વિસ્તારમાંથી ઝીણા-મોટા,કાચા-પાકા અને ડાઘા-ડૂઘી વાળા ભેળા ભેળા જ કોથળામોઢે આવતા આમળાની સરખામણીએ પંચવટીબાગના अ, ब, क એમ ત્રણ વકલના ૪૦ કિલોના વજન વાળી ઓર્ગેનિક આમળાની પેટીઓ-“ અંદરની ગુણવત્તાએક સમાન જ હોય ” એવા વેપારીને બંધાઇ ગયેલા વિશ્વાસ થકી કાયમખાતે સારા ભાવે વેચાય છે. એનું કારણ બસ મૂલ્યવૃધ્ધિની આ પ્રક્રિયા જ છે.
[૨] માલને લાંબો સમય ટકાવી રાખવો
મોટાભાગે એવું બનતું હોય છે કે જે તે પાકની સીઝનમાં માલનું ઉત્પાદન એકીસાથે જથ્થાબંધ રીતે તૈયાર થતું હોય તે ટાણે બજાર સાવ બેસી જતા હોય છે. પણ તેને જો થોડો સમય ટકાવી શકાય તો ભાવો તો પાછા સુધરી જતા હોય છે. એવે ટાણે કેટલાક કોલ્ડસ્ટોરેજમાં રાખી શકાય તેવા હોય તેને તેમાં અને કેટલાક કે જેને શિતાગારની જરૂરત ન હોય પણ માત્ર જીવાતો કે ઉંદર-ભેજથી રક્ષણ પુરું પાડીને થોડો સમય સંગ્રહી રાખ્યા હોય તો પાણીના મૂલે વેચવા પડતા નથી. જૂઓને ! બટેટા, સફરજન, સૂકામેવા અને મસાલા જેવા પાકોને શહેરની નજીક અને અંદર રહેનાર વેપારીઓ આવો લાભ લેતા જ હોય છે. ખેડૂતો પોતાની સહકારી સંસ્થા દ્વારા આવી સુવિધા ઊભી કરી શકે છે.
[૩] પેદાશ પર પ્રક્રિયાઓ કરવી
કેટલાક ફળો, ફૂલો, શાકભાજી, દૂધ જેવી પેદાશો લાંબો સમય ટકી શકતી નથી.એમાં અંદરથી જ ફૂગ લાગી જતાં બગડવાનું શરુ થઇ જતું હોય છે. એવી પેદાશોને તેના પર કેટલીક પ્રક્રિયાઓ કરી જુદી જુદી બનાવટો બનાવી દેવામાં આવે તો પછીથી ગમે ત્યારે ઓફ સિઝનમાં ઉપયોગમાં લઇ વધારે નાણા મેળવી શકાતા હોય છે. દા. ત. કેરી, આમળા, જામફળ, બટેટા, ટમેટા,ચીકુ, દ્રાક્ષ વગેરેમાંથી રસ, જામ, જીવન, કેંડી, ચીપ્સ, પતરી, વેફર, તેલ અથાણાં અને દૂધમાંથી દહીં,માખણ, ઘી, છાશ, પનીર, માવો, શીખંડ જેવી કૈંક ખાવા લાયક વસ્તુઓ બનાવી શકાય છે. અરે ! મગફળી, તલ, રાયડો, સૂરજમૂખી અને દિવેલા જેવા તૈલી પાકો અને રૂ-રેસાના કપાસ જેવા પાકો માટેતો મોટી મોટી તેલની મીલો અને કપાસના જીન વેપારીઓ દ્વારા જે ચાલી રહ્યા છે તેવા ખેડૂતો દ્વારા જો ચાલતા થાય તો ?
ઈતિહાસ પરથી ધડો લઇએ
કેટલીક મૂલ્યવૃધ્ધિની પ્રક્રિયા દરેક ખેડૂત માટે કરવી સંભવ નથી. એમાં જોયતું મોટું મૂડી રોકાણ અને સમય રોકાણ સહકારી ક્ષેત્રે ઊભું કરવું પડે તેમ છે. દુનિયાના તમામ અર્થકારણોમાં સહકારી પધ્ધતિ સર્વશ્રેષ્ઠ પૂરવાર થઇ છે. પરંતું એમાટે આપણે સૌએ સંકુચિત કુટુંબભાવનાની જગાએ સામૂહિક જીવનભાવના લાવવી જરૂરી થઇ પડે છે. આપણા સમાજમાં તે હોવાનું પરિણામ મિલ્કોદ્યોગક્ષેત્રે શ્વેતક્રાંતિ છે. અને તે નહીં હોવાનું પરિણામ સૌરાષ્ટ્રમાં તે વિશ્વક્ષેત્રે સમૃધ્ધિનું દ્વાર ખોલી આપનાર ઉદ્દાત ગ્રોફેડની નિષ્ફળતામાં જણાયું છે.
મુરગી રોજ એકેક ઇંડું આપતી હતી. તે બધા એકસાથે મેળવી લેવા જે મૂરખે મૂરગીનું પેટ ચિર્યું, તેના પર આપણે ખેડૂતોએ હસવું નહીં. કારણ કે એ ચિરનારા આપણે જ હતા.અને એની ભાગીદારીમાં ગ્રોફેડના કર્મચારીઓ હતા. મગફળીના ઉતારા અને વજનમાં ગોલમાલ કરી ગ્રોફેડ દ્વારા ખેડૂતોને સમૃધ્ધ કરવાનું વર્ગિસ કુરિયનનું સ્વપ્નું આપણે તોડી નાખેલું.
હવે ફરી એવા જ કુરિયન સનત મહેતાના રૂપે આપણને મળ્યા છે. કે જેઓ એ વિશ્વમાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે ડંકો વગાડનાર ગુજરાતને કપાસના રૂપે નહીં પણ રૂ ની ગાંસડીઓના પ્રમુખ નિર્યાત કરનાર કંપનીના રૂપે ઘડવાનું બીડું ઉઠાવ્યું છે. પરંતુ સહકાર કોઇ એક વ્યક્તિના સ્વપ્ને નહીં, સૌની સહભાગિતાથી સફળ થાય છે. આગળ કહી તેવી અનેક પાકોની મૂલ્યવૃધ્ધિ માટે આપણી સામે કેવામોટા પુરુષાર્થનો પડકાર છે એ સમજણ આજે હવે શિક્ષિત બની રહેલા ખેડૂતોને શું આપવી પડે તેમ છે ?
છોગું ચડી જાય તો તો
મિત્રો ! ખેતર કે વાડીમાં ઉત્પન્ન થતી તમામ પેદાશોને જો લાંબો સમય સારી સ્થિતિમાં ટકી શકે તેવી તેની અંદરની જ તાકાત વધી જાય તેવું ગોઠવવું હોય, અરે ! પેદાશો પર પ્રક્રિયાઓ થયા પછી એની સોડમ અને મીઠાશનો કુદરતી સ્વાદ માણવો હોય, અને એના ઉપયોગ પછી બિમારીઓ દૂર રહે તેવું ગોઠવવું હોય તો આપણે ખેડૂતોએ બે-ત્રણ બાબતો ડાબા કાળજે લખી રાખવી જોયશે.
[૧] ફળ, શાકભાજી, અનાજ, કઠોળ, તૈલીપાક સુધ્ધાંમાં ઈચ્છિત કદ, આકાર, રંગ અને પૌષ્ટિકતાની દ્રષ્ટિએ ઉત્તમ હોય તેવી જ જાતના બીજના ઉપયોગથી મોલાતનું વર્ધન કરવું.
[૨] વાડીની મોલાતને બને ત્યાં સુધી રા.ખાતરોથી પોષણ પુરું પાડવાને બદલે સે.ખાતરોનો જ સહારો લેવો. અને એ માટે ગોપાલનને સાથી વ્યવસાય બનાવવો.
[૩] પાક પરના રોગ-જીવાતના હુમલા વખતે ઝેરી પેસ્ટીસાઇડ્ઝનો ઉપયોગ બંધ રાખી કુદરતી અને હર્બલ ઉપચારોથી મોલાતનું રક્ષણ કરવું.
આજે મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ જેવામાં સજીવ ખેતીથી પકવેલ બધી જ ખાદ્યચીજોને ચાલુ ખેતી પધ્ધતિથી તૈયાર કરેલ ખાદ્યચીજોની સરખામણીએ વધારે નાણા ખર્ચીને પણ પોતાના આરોગ્યની ખેવના કરનારા વપરાશકારો છે. વળી ગેટ- WTO ના અમલ પછી દરેક ચીજ મુક્ત બજારમાં સ્પર્ધાનાત્મક બની છે ત્યારે વિશ્વબજારમાં ટકી રહેવા અને ઈચ્છિત ભાવો મેળવવા જે તે ચીજ વસ્તુની ગુણવત્તા અને અંદરના ઝેરની નોર્મલ ટકાવારી હોય તો જ આંતર રાષ્ટ્રિય હરિફાઇમાં ટકી શકાય. તથા ચીલાચાલુ માલને બદલે તેના નિયત થયેલા ધારા ધોરણો સાચવી નિકાસ પણ કરી શકાય અને દેશને હુંડિયામણ રળી અપાય. આ બધા પાછળનું મૂખ્ય ધ્યેય આપણને આપણા ઉત્પાદનના સારા ભાવ મળી રહે એ હાંસલ થઇ જાય મિત્રો !
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
