પ્રીતિ શાહ-સેનગુપ્તા

જિયોના વિમાનમથકે પહોંચીને, ફોન કરીને ત્રણ ટૅક્સીઓ બોલાવી લીધી, અને અમે હોટેલ પર પાછાં ફર્યાં. રાતનું જમવાનું ત્યાં જ બનાવવાનું કહ્યું, કે જેથી ફરીથી બહાર નીકળવું ના પડે. જોકે, અહીંનું લાક્શણિક કહેવાય એવું, મેંદાની જાડી લોચા-પુરી અને મોટા ચણાના શાકનું ભોજન બધાંને બહુ ભાવતું નથી!

બીજી પણ એક ટૂર પ્લાન કરવાનું મને કહેવામાં આવેલું, અને મેં એ વિષે બધી જાણકારી મેળવી લીધેલી. સ્વામીજીએ એક ત્રિવેણી-સંગમનો ઉલ્લેખ કરેલો, તેથી ત્યાં જવા માટે કેટલાંકને થોડો રસ હતો. દેશનો નકશો ખોલીને મેં એ જગ્યા બતાવી. વૅન ભાડે કરીને સવા કલાકે પારિકા જવાનું, ત્યાંથી મોટરબોટ લઈને સવા કલાક ઍસૅકીબોમાં જવાનું, ને ત્યારે બાર્તિકા નામના ગામે પહોંચાય.

ત્યાંથી વળી બોટ લઈને આગળ જવું પડે, કે જ્યાં ઍસૅકીબોની સાથે માઝારુની અને કાયુની નદીઓ ભળે છે. જળસમુહ ત્યાં સાગર જેવો બને છે. પાણી ઉછાળા પણ સાગરનાં મોજાંની જેમ જ મારે છે. બોટ આખો વખત ડામાડોળ રહે છે.

વળી, ઍસૅકીબોનું પાણી પણ નદીનું હોય તેવું શાંત નથી હોતું. ઍટલાન્ટીક સમુદ્રમાં આવતી ભરતી, ધક્કા મારીને આ નદીમાં ઘુસે છે, અને સવારે અગિયાર પછી આખો દિવસ પાણી ખૂબ ચંચળ થઈ જાય છે. આનો અર્થ એ, કે બાર્તિકાથી જિયો પાછાં ફરતી વખતે અમારે આ પરિસ્થિતિ ભોગવવાની આવે. વળી, અમે બે વાર ઍસૅકીબોને એકથી બીજે તીરે પાર કરેલી, તેથી એના પાણીની પર્સનાલિટીનો થોડો ખ્યાલ બધાંને હતો.

જવા અંગેની આવી બધી અઘરી, ને તકલીફવાળી વિગતો જાણ્યા પછી જૂથનાં બધાંએ સંગમ તરફ જવાનું માંડી વાળ્યું. અને ખરેખર ત્યાં ત્રિવેણી-સંગમ છે જ નહીં. કાયુની તો થોડે ક્યાંક આગળ માઝારુનીમાં ભળી જાય છે. પછી એ બાર્તિકાની નજીકમાં ઍસૅકીબોના વિશાળ પ્રસ્તારમાં સમાય છે. આમ તો પાણી જ પાણી, પણ જે હિન્દુ કલ્પન આપણા મનમાં હોય છે, એવું કશું નહીં.

મને બાર્તિકા શહેર જોવું ગમ્યું હોત. એની નજીકના પ્રદેશમાં આવેલી હીરા અને સોનાની ખાણોને કારણે એ ઔદ્યોગિક તેમજ સાંસ્કૃતિક વિકાસ પામ્યું છે. પણ કાંઈ નહીં. બધે જવાય પણ નહીં, અને હજી જિયો શહેર જોવાનું પણ બાકી હતું.

મને રોજ મનમાં થતું હતું, કે ક્યારે જોવા પામીશ જિયોને. વૅનમાં ને ટૅક્સીમાં જતાં-આવતાં થોડું તો જોયું હતું, પણ એનો કેન્દ્ર ભાગ તો બાકી જ હતો. મને ચાલીને ફરવું વધારે ગમે, પણ જૂથનાં કોઈને ચાલવામાં રસ નહતો. વળી, તડકો સવારથી જ સખત હોય, અને ગરમી પણ ઘણી.

જૂથમાં અમે નવ જણ હતાં, તેથી એક વૅન લેવી સારી પડે. પણ એનું ભાડું કુલ ત્રણસો અમેરીકન ડૉલર કહ્યું. જો ત્રણ ટૅક્સી ભાડે કરીએ, તો કુલ નેવું ડૉલર થતા હતા. પછી એમ જ કરવાનું હોય ને.

ત્રણેય ડ્રાયવર ત્રીજી પેઢીના યુવાન ગયાનીઝ ઇન્ડિયન હતા. શતુર્ગન ધનરાજ એટલેકે રાજ, દેવેન્દ્ર એટલેકે દેવ, અને રાહીમ. ત્રણેય બહુ સારા હતા, શાંત અને વિવેકી, અને દરેકનું મોઢું હસતું. ત્રણેય રંગે ઘેરા, પણ દેવ સૌથી વધારે કાળો હતો. એ તડકામાં એક મિનિટ પણ રહી શકતો નહતો, ને ટૅક્સીની બહાર નીકળ્યો જ નહીં.

સૌથી પહેલાં અમે મોન્યુમૅન્ટ ગાર્ડન નામની જગ્યાએ ગયાં. એ ગયા જ વર્ષે સ્થપાયેલી, એટલી નવી જગ્યા હતી, કે હજી એ નકશામાં પણ નહતી મૂકાઈ. એક ઐતિહાસિક બિનાના સ્મરણમાં એ બનાવાઈ છે. ઇંગ્લંડ દ્વારા ગુલામી નાબૂદ થઈ તે પછી ઇન્ડિયાથી મજૂરોને લાવવાનું શરૂ થયું. મુખ્યત્વે બિહાર ને ઉત્તર પ્રદેશમાંથી લોકોને લવાયા. ગયાનાનાં ઇન્ડિયનોમાં આજે પણ મુખ્ય ભાષાઓ ભોજપુરી અને અવધી રહી છે.

૧૮૩૮માં ‘વ્હિટબી’ નામનું એક વહાણ સૌથી પહેલાં ગયાનાના કાંઠે પહોંચ્યું. એમાં ૨૪૯ ઇન્ડિયનો હતાં. આ પછી, ૧૯૧૭ સુધીમાં, પાંચસોથી પણ વધારે વહાણો દ્વારા, ૨૩૮,૯૦૯ જેટલાં ઇન્ડિયન મજૂરો, જેમને કુલી કહેવાનો ધારો હતો, ગયાનામાં આવ્યાં હતાં. એમાંથી ૭૫,૮૯૮ જણ પાછાં ઇન્ડિયા ગયાં હતાં, અને કેટલાંક જણ આવ્યા પછી થોડા જ વખતમાં મરણ પણ પામ્યાં હતાં. આ બધાંમાં મુખ્ય સંખ્યા પુરુષોની રહેતી. સ્ત્રીઓ ખૂબ ઓછી હતી, અને થોડાં બાળકો હતાં.

આ મૂળ ઇન્ડિયન વસ્તીના પ્રથમ આગમનનો ઐતિહાસિક સંદર્ભ હવે, કરીબિયન તેમજ અન્ય ટાપુઓ પર પણ, અગત્ય પામી રહ્યો છે. ગયાનાના જ્યૉર્જ ટાઉનના કેન્દ્રની પાસેના ભાગમાં, સરકારે આ નાનકડી જગ્યા ફાળવી છે. ઇન્ડિયન કમ્યુનિટીએ બહુ કાળજીપૂર્વક અહીં આ સુંદર મોન્યુમૅન્ટ ગાર્ડન બનાવ્યો છે.

વચ્ચોવચ ગુલમહોરનું એક ઘેઘૂર વૃક્શ ખૂબ આવશ્યક અને આવકારક એવો છાંયડો પાથરે છે. એની નીચે જતાં જ હાશ થાય છે. એક તરફ, લંબચોરસ હૉજ જેવું, નાનું જળાગાર છે. એમાં લાંબી, સીધી ટટ્ટાર અને મજબૂત દાંડીવાળાં ગુલાબી કમળ ખીલેલાં છે. આખરે આ કમળનો ફોટો લેવા હું પામી. એ પણ એક હાશ. બધે જ છોડ-ઝાડ પર અનેક ફૂલ ખીલેલાં છે. ચંપાનાં ઝાડ તો પ્રફુલ્લિત ફૂલોથી ભરેલાં છે.

લાંબા આ કમ્પાઉન્ડના પાછલા છેડા પર એક સ્ટેજ બાંધવામાં આવ્યું છે. એનો વપરાશ ઇન્ડિયન સાંસ્કૃતિક કાર્યક્રમોને માટે કરવાનો ઉદ્દેશ છે. બેએક અઠવાડિયાં પછી ત્યાં રામ-લીલા રજૂ થવાની હતી. અને દશેરા નિમિત્તે રાવણ-દહન પણ થવાનું હતું. અરે, આ વિષે જાણ થઈ, એટલે રજુઆત નહીં જોયાનો જીવ બળવાનો.

આ ગાર્ડનના ગેટમાં થઈને અંદર જતાંની સાથે, સૌથી પહેલાં, નજરે ચઢે છે એક વહાણની અત્યંત સુંદર પ્રતિકૃતિ. આ એ જ પ્રથમ વહાણ ‘વ્હિટબી’ મૂકાયેલું છે. લોખંડ અને કાંસા જેવી ધાતુઓથી બનેલું આ શિલ્પ તૈયાર કરવામાં આવ્યંુ છે ઇન્ડિયામાં. અહીં, સામે જ, એક ઊંચી વેદી કરીને એને ગોઠવવામાં આવ્યું છે. બધા ખુલ્લા શઢવાળો એનો આકાર સપ્રમાણ છે, એનું સ્વરૂપ આકર્ષક છે. ઇન્ડિયનોના પ્રથમ આગમનનું આ ઇષત્ સન્માન છે.

‘વ્હિટબી’ વહાણનું શિલ્પ
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

ગાર્ડનની સાચવણી અને સાફસૂફને માટે રાખેલા, કાલીચરન નામના એક વૃદ્ધ ઇન્ડિયન કહે, મારા દાદા આ જ ‘વ્હિટબી’ વહાણમાં અહીં આવેલા. અગત્યના બનેલા ઇતિહાસના વારસ હોવાનો એને ગર્વ હતો.


ક્રમશઃ


સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.