ફિર દેખો યારોં

બીરેન કોઠારી

કવિ કાલીદાસ બાબતે એવી એક વાયકા છે કે તેઓ શરૂઆતના કાળમાં એવા અભણ અને મૂર્ખ હતા કે વૃક્ષની જે ડાળ પર તેઓ બેઠેલા એ જ ડાળને કાપી રહ્યા હતા. જો કે, આગળ જતાં તેઓ એવા વિદ્વાન બન્યા કે સંસ્કૃતના ઊત્તમ કવિમાં ગણના પામ્યા. વૃક્ષની જે ડાળી પર બેઠા હોઈએ એ જ ડાળીને કાપવાનું લક્ષણ મૂર્ખતાની ચરમસીમા ગણાય છે. અને માનવજાત ‘વિકસીત’ બન્યા પછી આમ જ કરતી આવી છે, છતાં તે પોતાની જાતને મહાજ્ઞાની ગણાવે છે. પૃથ્વી પરના બધા સ્રોતનો ખંગ વાળી દીધા પછી, આકાશ, જમીન અને પાણીને પ્રદૂષિત કરી દીધા પછી અને પોતાના સિવાયના અન્ય જીવોના જીવવાનો હક છીનવી લીધા પછી પણ આપણે આધુનિક, શાણા, બુદ્ધિમાન ગણાતા હોઈએ તો મૂર્ખામીની ચરમસીમા ખરેખર તો આ છે.

ફેબ્રુઆરી, ૨૦૨૬માં દક્ષિણ આફ્રિકાના વન, મત્સ્યોદ્યોગ અને પર્યાવરણ મંત્રી વીલી ઓકેમ્પે સરકારી ગેઝેટમાં એક કાનૂની નોટિસ પ્રકાશિત કરીને વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭ માટેના હાથી, કાળા ગેંડા અને દીપડાના માનવ દ્વારા કરાતા શિકારનો ક્વોટા જાહેર કર્યો. એ મુજબ પ્રતિ વર્ષ દોઢસો હાથીઓ, બાર કાળા ગેંડા અને અગિયાર દીપડાનો શિકાર કરી શકાશે, અને આ સંખ્યા આ બે વર્ષ પૂરતી અમલી રહેશે. આ બાબતે કોઈનો વાંધાવિરોધ હોય તો એની રજૂઆત માટે ત્રીસ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે.

આ નોટિસ દ્વારા એવો સંકેત આપવામાં આવ્યો હતો કે વન્ય જીવોમાંના ‘બીગ ફાઈવ’ પૈકીના આ ત્રણ સભ્યોના શિકારની રમત પુન: આરંભાશે. અગાઉ આ પરમીટ આપવાનો ‘હ્યુમન સોસાયટી ઈન્ટરનેશનલ’ (એચ.આઈ.એસ.)/આફ્રિકા’ દ્વારા એ મુદ્દે વિરોધ કરવામાં આવ્યો હતો કે આ બાબતે યોગ્ય પ્રક્રિયાનું પાલન થઈ રહ્યું નથી.

સ્વાભાવિકપણે જ આ કાનૂની નોટિસે વિજ્ઞાનીઓ, સંરક્ષણ સંસ્થાઓ, શિકારીઓ, અને સ્થાનિકો તરફથી પ્રતિક્રિયાઓ મળી રહી છે. કેમ કે, આ એક જ બાબત એવી છે કે જે સ્થાનિકો તેમજ વન્ય જીવોના સંરક્ષણ માટે કાર્યરત વૈશ્વિક સંસ્થાઓને વિભાજીત કરે છે. વન્ય પશુઓનો શિકાર કરવાનું આ કૃત્ય ‘ટ્રોફી હન્‍ટિંગ’ જેવા રૂપાળા નામે ઓળખાય છે. વન્ય જીવોના હક માટે બનેલા સમુદાયો દક્ષિણ આફ્રિકા સહિત બીજા અનેક દેશોમાં પ્રચલિત આ ક્રૂર પ્રથાનો વિરોધ કરતા આવ્યા છે, કેમ કે, તેનાથી પ્રાણીઓ માનસિક હેરાનગતિ અનુભવે છે. બીજી તરફ આ પ્રથાના તરફદારો આ બાબતને જાળવણી, આવાસ સુરક્ષા તેમજ શિકારવિરોધી પ્રયાસોને મદદરૂપ હોવાનું ગણાવે છે.

Photo for representation.Oleg Elagin (okyela) via iStock
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

વન્યજીવ સુરક્ષાના આંતરરાષ્ટ્રીય કાનૂન અનુસાર શિકારીઓ પોતે કરેલા શિકારને પોતાની સાથે પોતાના દેશમાં ન લઈ જઈ શકે. દક્ષિણ આફ્રિકાના કિસ્સામાં એવું બન્યું કે ત્યાં શિકારના નિકાસની પરમીટને સ્થગિત કરવામાં આવી તો શિકારીઓ પાડોશી દેશોમાં સ્થળાંતરિત થઈ ગયા અને તેને કારણે દક્ષિણ આફ્રિકાના ત્રણસો કરોડ અમેરિકન ડોલર ધરાવતા ઉદ્યોગને સંભવિત આવકમાં જંગી નુકસાન ભોગવવું પડ્યું. શિકારની નિકાસ પરમીટ પ્રતિબંધિત થઈ એ અગાઉ દક્ષિણ આફ્રિકા શિકારની નિકાસમાં વિશ્વભરમાં દ્વિતીય ક્રમે હતો. પ્રથમ ક્રમે તેનો પાડોશી દેશ નામીબિયા હતો.

હવે આ નોટિસની ઘોષણા પછી શિકારતરફી અને શિકારવિરોધી લોકો પોતપોતાના સમુદાયોને એકત્ર કરી રહ્યા છે.

એ હકીકત છે કે દક્ષિણ આફ્રિકામાં કાર્યરત વન્ય જીવોના સંરક્ષણ માટેના સમુદાયો માટે ‘ટ્રોફી હન્‍ટિંગ’ કાયમી ચર્ચાસ્પદ મુદ્દો બની રહ્યો છે. હાથી, સિંહ, ચિત્તા અને ગેંડાના સુનિયંત્રીત (કુદરતી નહીં, પણ માનવસર્જિત વાતાવરણમાં) સંવર્ધન અને શિકારની પ્રથાનો અંત લાવવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકાની નીતિઓ, કાનૂન તથા પ્રથાઓની સમીક્ષા માટે રચાયેલી એક ઉચ્ચ કક્ષાની પેનલ દ્વારા કરાયેલી ભલામણના પગલે આમ કરવામાં આવ્યું હતું. ‘એચ.આઈ.એસ./આફ્રિકા’ દ્વારા પર્યાવરણ મંત્રીએ જાહેર કરેલા ક્વોટાને એમ કહીને પડકાર્યો છે કે એના માટે કોઈ કાનૂની પરામર્શ કરવામાં આવ્યો નથી. અદાલતે ‘એચ.આઈ.એસ.’ દ્વારા કરાયેલી અરજીના પગલે વર્ષ ૨૦૨૨થી નિકાસ પરમીટને સ્થગિત કરી દીધી છે. આથી છેલ્લા પાંચેક વર્ષથી શિકારતરફી અને શિકારવિરોધી સમુદાયો તરફથી બરાબર ખેંચતાણ ચાલી રહી છે. હવે તો આ મુદ્દાએ રાજકીય વળાંક લીધો છે.

ત્રીસ દિવસના સમયગાળા પછી જે સમુદાય ‘વિજયી’ બને એ ખરો, પણ વન્ય જીવોના સંરક્ષણ મામલે કેવા ખેલ ચાલતા રહ્યા છે એ જોવા જેવું છે. વન્ય પશુઓનો શિકાર એક ઉદ્યોગ તરીકે ઊભરે અને રાષ્ટ્રની આવકનો મુખ્ય સ્રોત બને ત્યારે સમજાય છે કે જે તે દેશના રાજકારણીઓ જેટલા જ નિષ્ઠુર, લોભી અને લાલચુ આ ‘માલ’ને ખરીદનારા, તેમાંથી બનતી ચીજોનો ઊપભોગ કરનારાઓ પણ છે. આ દેશના રાજકારણીઓ તો દુનિયાભરના લોકોના લોભ અને લાલચને પાળીપોષી રહ્યા છે એટલું જ. બાકી આ પ્રાણીઓના ભક્ષણ કે એમાંથી બનતી અવનવી વૈભવી ચીજો વિના માનવજીવન ક્યાં અટકી પડે છે! પહેલાં વિવિધ પ્રજાતિઓનો ખાત્મો બોલાવવો, એનું અસ્તિત્વ જોખમમાં આવી પડે એટલે એના સંવર્ધન માટે પ્રયાસો કરવા અને એના નામે કોઈ એક ચોક્કસ દિવસ ફાળવીને તેની ઊજવણીના તાયફા કરવા એ હવે બહુ જાણીતી પ્રથા બની રહી છે. આ રીતે નૈસર્ગિક સંતુલનને આપણે એ હદે ખોરવી નાખ્યું છે કે એ નુકસાન ભરપાઈ થઈ શકે એમ નથી. આમ છતાં, એમાંથી કશો બોધપાઠ લેવાને બદલે હજી આપણી આંધળી દોટ ચાલુ જ રહી છે. આપણને ખબર છે કે આપણે વૃક્ષની જે ડાળી પર બેઠા છીએ તેને જ કાપી રહ્યા છીએ અને આપણું પતન નક્કી જ છે. આવી જાણ હોવા છતાં નિરંતરપણે ડાળી કાપતા રહેવાનું કૃત્ય કરતા રહેવું એને શું કહીશું? ‘મહામૂર્ખતા’ શબ્દ ઓછો પડે!


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૨-૩– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી