સરયૂબેન પરીખની જીવન સફર આપણી યાત્રાના પહેલા પડાવમાં આપણે તેમનાં બાળપણ, તેમનાં માતુશ્રીનાં વ્યક્તિત્વનો તેમના પર પ્રભાવ અને દિલીપભાઇ સાથેનાં તેમનાં લગ્નના તબક્કાઓ થી અવગત થયાં. તે પછી અમેરિકામાં આગમન અને કેલિફોર્નિયા તરફ પ્રયાણ ના તબક્કાઓ વિશે જાણ્યું.
હવે આગળ …

૬. સંગીત સુવર્ણકાળ

ભારતથી પરીખ પરિવારને અહીં બોલાવી સારી રીતે ગોઠવવાની જવાબદારી દિલીપ અને સરયૂએ પ્રેમથી આવકારી. ૧૯૭૮માં અમે કૂલ આઠ સભ્યો એક ઘરમાં હતાં, તેથી મોટા ઘરની જરૂરિયાત લાગી. જ્યારે પહેલી વખત એ વિશાળ ઘર જોયું, ‘આપણે આ ઘરના માલિક થઈ શકીએ?’ એ વિચાર વીજળીના ચમકારા જેવો ઉત્તેજિત લાગ્યો. દિલીપની એક કમાણી પર ભારે મદાર બાંધવાની હિંમત કરી હતી. કેલિફોર્નિઆમાં મોંઘા ઘરો અને પ્રેસિડન્ટ કાર્ટરના સમયમાં લોનનું વ્યાજ ૧૬% થઈ ગયું. તો પણ,  મસ્તીખોર મોજાઓ પર જીવનનૈયા વહેતી ચાલી.

જીવનમાં સ્થિરતા અને વ્યવસ્થા સાથે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનો લાભ મળવાનો શરૂ થયો. એક મિત્ર દ્વારા માંગણી આવી કે દસ સંગીતકારો જેમાં, સંતુરવાદક-શિવકુમાર શર્મા સજોડે હતા, ઝાકિર હુસેન, વાયોલિન વાદક-જોગસાહેબ, શ્રી અને શ્રીમતી કાનન વગેરે કલાકારોને કેલિફોર્નિયા આવવું છે. અમે હા ભણી અને પાંચ બેડરૂમવાળા ઘરમાં બધાનો સમાવેશ થઈ ગયો. બીજે દિવસે, અમારા ઘરના ત્રણ-કારના ગરાજ ઉપરના બોનસ રૂમમાં, માલવિકા કાનનનું ગાયન અને પછી જોગસાહેબનું વાયોલિન સાંભળી લગભગ ૮૦ રસિકો ઉત્સાહથી ઝૂમી ઊઠ્યાં. યોગાનું યોગ, દિલીપનો ૪૦મો જન્મદિવસ પણ એ દિવસે સંગીત પ્રેમીઓ સાથે ઉજવાયો.

પછીના પાંચ વર્ષોમાં, સંગીત જગતમાં ‘ગોડ ઓફ સિંગિંગ’ તરીકે ઓળખાતા, પંડિત ભીમસેન જોશી, પંડિત જસરાજ, અભિશેકી, પ્રભા અત્રે, સરોદ વાદક-અમજદ અલી, પાકિસ્તાનના સલામત, એવા અનેક સંગીત વિશારદોનાં કાર્યક્રમો અમે ગોઠવ્યાં અને તેમની સાથે સમય પસાર કરી શક્યા. નાના શ્રોતાગણમાંથી જે ડોલર્સ ભેગા થાય, તેમાં ઉમેરીને નક્કી કરેલ દર અમે અમારાં સ્નેહ સાથે અર્પણ કરતાં. અમારી કાર્યક્રમ કરવાની રીત સીધી સાદી, કોઈ દંભ કે દેખાવ નહીં, સંગીતકારના લાંબા વખાણ નહીં. તેમની કલા જ તેમની ખરી ઓળખ પ્રદર્શિત કરે. અમારી સાથે કલાકારોની રહેવાની સગવડતાનું ધ્યાન પરિવારના સભ્યની જેમ રાખતી, પણ વધારે પડતું નહીં. દિલીપ વ્યવસ્થા બધી કરે પણ, પ્રોગ્રામ દરમિયાન તેનું સ્થાન કલાકારની સામે જ હોય. ઘણા પ્રોગ્રામમાં કલાકાર તેની સંગીતની લગની જોઈને કહેતા, “આપ સામને બૈઠીએ.” આમ આગળનો વિભાગ દિલીપ સંભાળે અને પાછળનો વિભાગ હું સંભાળું.

ભીમસેન જોશી સાથે છ જણા પાંચ દિવસ અમારી સાથે રહ્યાં. કથાકાર દામોદર શાસ્ત્રી આગલા સપ્તાહમાં જ કહી ગયા હતા કે, “તીખા ખાના નહીં, ગલા ખરાબ હો જાયેગા.”

ભીમસેનજી જમવા બેઠા અને તરત પૂછ્યું, “આપકે પાસ કુચ્છ અચાર-વચાર હૈ?”

મેં કહ્યું, “આપકા ગલા…?”

તેઓ બોલી ઊઠ્યા, “અરે, કુચ્છ નહીં હોતા…યહાં તો solid હૈ.” અને પછી તો દરેક જમણમાં તીખા મરચા, અથાણું વગેરે પીરસતી.

એ સમયે બહારથી તૈયાર કશું ઓર્ડર કરવાની બિલકુલ આદત નહોતી. સંગીતકારોનું દરેક જમણ, તે ઉપરાંત પ્રોગ્રામ પછી ઘણા રસિક મિત્રો રોકાઈ જાય તે પણ જમવામાં જોડાય. ખબર નથી એ બધું કેવી રીતે થઈ જતું!

સંતૂર વાદક શિવકુમાર શર્મા અને ઝાકિર હુસેન બીજી વખત આવેલા અને અમારાં બોનસરૂમમાં શ્રોતાગણનાં રુંવાટા ઉભા થઈ જાય તેવો યાદગાર સંગીત ધ્વનિનો માહોલ રચેલો. ત્યારબાદ શિવજી અમારી સાથે એક સપ્તાહ રહ્યા. તેમના પ્રોગ્રામના સ્થળે અમે મૂકવા ગયા ત્યારે પંડિત રવિશંકર ત્યાં હતા. ઓળખાણ કરાવી તો રવિશંકર હસીને બોલ્યા, “ઓહો! યે હૈં દિલીપ પરીખ!” તેમણે સાંભળ્યું હતું કે અમે પ્રોગ્રામો ગોઠવીએ છીએ.

આવા ઉત્તમ કોટિના કલાકારોનાં સત્સંગને અમે અમૂલ્ય આશીર્વાદ માનીએ છીએ. બિસ્મિલ્લા ખાનની શરણાઈ અને પંડિત ભીમસેન જોશીને સામે બેસીને સાંભળવાનું અમ્મીનું સ્વપ્ન પૂરું કરી શક્યા…તે અવસર સુવર્ણ સ્મૃતિઓમાં સુગંધ ભરી લાવે છે.

કેલિફોર્નિયામાં ભારતથી ભાઈઓ, મોટાભાઈના બે પુત્રો વગેરેને અમેરિકામાં નવજીવનની શરુઆત કરવાની મદદમાં વ્યસ્ત રહ્યાં. સરયૂની પ્રવૃત્તિઓની ગાડી ‘જે ગમે તે કરવું અને જે કરું તે ગમે’ ગુંજતી આગળ વધી રહી હતી. ભારતથી દૂર દેશમાં ઘણી વખત સવાલ ઊઠે, “હું અહીં, સ્વજનોથી દૂર, શું કરું છું?” ખાસ કરીને પિતાના અવસાનના સમાચાર આવે કે બાની તકલિફના સમાચાર આવે ત્યારે મન રડી ઊઠતું. મુનિભાઈ Bhabha Atomic Research Centre, મુંબઈમાં નોકરી અને Ph.D. in Chem. Eng. from IITમાં કર્યા પછી, પરિવાર સાથે વડોદરામાં સ્થાયી થયા હતા. બાએ ભાવનગર, ‘ગંગોત્રી’માં જ રહેવાનું પસંદ કર્યું હતું. પરંતુ જ્યારે પણ જરૂર પડશે ત્યારે મુનિભાઈ અને ઈલાભાભી સંભાળી લેશે તેવો વિશ્વાસ હતો. માતા-પિતાને આવો વિશ્વાસ સાત કોઠે ટાઢક આપે છે. મારું દર ત્રણેક વર્ષે મળવા જવાનું ચાલુ હતું. ભારત જતા ક્યારેય વધુ સામાન ઘુસાડવો કે નિયમ તોડવાનો પ્રયત્ન કર્યો નથી…જેથી પચાસ વર્ષમાં સત્તર વખત ભારતમાં દાખલ થતાં, કસ્ટમમાં એકે વખત કોઈ મુશ્કેલી નથી પડી. અહીં વસેલાને માતા-પિતાની સેવા ન કરી શકવાનું દુઃખ રહેતું હોય છે.

અમારા મનને હલાવી દેતો એક પ્રસંગ યાદ આવે છે. એક દિવસ દિલીપના પપ્પા-અમ્મી સાથે અમે દરિયા કિનારે લાઈફ-ગાર્ડના માંચડા નજીક બેઠાં હતાં અને ચાર વર્ષનો સમીર અને છ વર્ષની સંગીતા પાણીમાં રમતાં હતાં. અમારી સતત નજર બાળકો પર હતી તેવામાં પાછળના રસ્તા પર અકસ્માતની ધમાલ થઈ એ તરફ અમારું ચારેયનું ધ્યાન જતું રહ્યું. પાંચેક મિનિટમાં ફરીને દરિયા તરફ જોયું તો સમીર દેખાય નહીં. હું અને દિલીપ દોડતા પાણીમાં ગયા અને ચારે તરફ શોધવા લાગ્યાં. પણ, ચારે તરફ ઊંચા મોજા ઉછાળતું પાણી જ પાણી. સંગીતાને પણ ભાઈ ક્યાં ગયો તે ખબર નહીં. મેં દોડીને માંચડા પર બેઠેલા lifeguard પાસે જઈ કહ્યું, “અમારો દીકરો નથી મળતો!!” તેના જવાબમાં તેણે ઠંડે કલેજે કહ્યું, “અહીં ક્યાંક હશે.” દિલીપ જઈ શકે તેટલા ઉંડા પાણીમાં જોઈ વળ્યા. અમે ભયંકર આશંકા અને પરવશતાની અકળામણ અનુભવતાં ચારે તરફ જોવા લાગ્યાં. ત્યાં સમીર દૂરથી રેતી પર ચાલતો આવતો હતો. સમજાયું કે સમીર પાણી સાથે જરા આઘો નીકળી ગયો હતો અને બીજા લાઈફ-ગાર્ડના માંચડા તરફ ગયો હતો. સંગીતાએ દોડીને રડતાં અને મારતાં…તેને બાથમાં લઈ લીધો. બાળક ખોવાયાનું સાંભળતા મા-બાપને શું થતું હશે તેનો દસ મિનિટનો અનુભવ હજુ અમને ધ્રુજાવી દે છે.

કેલિફોર્નિયાથી શરૂ થયેલ સુખ સમૃદ્ધિનો સમય, પહેલાં કરેલા તપનું યોગ ફળ સમજી સતત પુરુષાર્થ કરતાં રહ્યાં.  એ દરમ્યાન મેં Avon વેચવાનું કામ, Real Estate license લીધું. એવા અનેક ગમતા કામ સામાજિક સંપર્ક, અંગ્રેજી પર કાબુ અને નવા મિત્રો બનાવવા માટે માધ્યમ બની ગયાં. એમાંનો એક પરિચય માર્ગરેટ, જે મારા બાળકોને માતામહીની સ્નેહવર્ષાનો અનુભવ આપી ગયો. માર્ગરેટનો પ્રેમાળ આશીર્વાદ ખાસ કરીને સમીર પર રહ્યો…અને માર્ગરેટ ઘરડાં થયાં ત્યારે યુવાન સમીરે તેમની કાળજી લીધી.

આપણી જીવન વ્યવસ્થા પોતે નક્કી કરી શકીએ. ૧૯૭૦-૮૦ સમયમાં, ઠીક કમાતા દેશી ભાઈઓ કરિયાણાનાં ધંધામાં અને હોટેલ-મોટેલનાં ધંધામાં ડોલર કમાવાની તક જોઈ જોડાવા લાગ્યા…પરિણામે નોકરી અને ધંધો અને દોડાદોડી!! અમને પણ ધંધો ખરીદવાની સંપૂર્ણ તક હતી પરંતુ, વધારે પૈસા કમાવાનું આકર્ષણ નહીં અને ‘આપણે કંઈક ખાસ કરવા માટે સક્ષમ છીએ’ તે પ્રેરણાદાયી વિચાર સ્પષ્ટ હોવાથી અમે કોઈ ધંધો શરૂ ન કર્યો. મોટેભાગે, અમારો દિવસ વ્યવસ્થિત રીતે જતો હોય. “સમય નથી” એવું બહાનું ભાગ્યે જ કહ્યું હોય. દરેકનું અગત્યતાનું – priority list, અલગ હોય છે જેને ‘busy’ નામ અપાય છે. જનકલ્યાણની ભાવના સાથે પ્રવૃત્તિ કરનાર પાસે દરેક યોગ્ય કારણ માટે સમય હોય છે.

અહો! કેલિફોર્નિયા!! જાણે અમારું બીજું વતન બની ગયું હતું. ત્યાંનું હવામાન, સામાજીક સ્વતંત્રતાનો અહેસાસ, પૂર્ણ કળાએ સંતોષાયેલ શાસ્ત્રીય સંગીતનો રસ અને સમાન-રસ ધરાવતા મિત્રો સાથેનો અતૂટ સંબંધ… આમ ૧૯૭૩થી ૧૯૮૫ની સાલ આવી ગઈ.

                                           ———

૭. ઓરલાન્ડો, ફ્લોરિડા. ૧૯૮૫

દિલીપના આશ્ચર્ય વચ્ચે AT&T Bell Lab, Pennsylvaniaથી job offer આવી. અમે પૂર્વની ઠંડીમાં જઈને રહેવાનું પસંદ ન કરત. સદભાગ્યે, AT&T Lucerne વિભાગ ઓરલાન્ડો, ફ્લોરિડામાં હતો. છેલ્લો પ્રોગ્રામ ગાયિકા કિશોરી આમોનકરનો ગોઠવી, ૨૫મી ડિસેમ્બરે કેલિફોર્નિઆના ડિઝનીલેન્ડને છોડી, ઓરલાન્ડોના ડિઝનીવલ્ડ/યુનિવર્સલ સ્ટુડિયો પાસે નવા ઘરમાં નવા પ્રકરણની શરૂઆત કરી.

૨૮મી જાન્યુઆરી ૧૯૮૬ની સવાર, બાળકો અને દિલીપના ગયા પછી, હું Space shuttle Challengerને જોતી હતી અને ‘હવે તો Cape Canaveral નજીક છે, તો ત્યાં જઈને ઉડાન જોવી જોઈએ…” વિચારતી બેઠી હતી. હજી તો ઉડાનને ૪૫ સેકન્ડ્સ થયા અને સફેદ ધુમાડાના લાંબા લિસોટા દેખાયાં. રોકેટ અને તેમાનાં ચાલકોમાંથી…કોઈ પણ બચવાની શક્યતા નથી તેમ જાહેર થયું. એ પળો અને તે પછી તેનાથી પણ વધારે ભયંકર પળો…Twin Towers attackની છબીઓ મનોચિત્તને ધ્રુજાવી દે છે અને આપણો માનવતા પરનો વિશ્વાસ બદલી નાખે છે.

જાણે, એ દસકો બાળકોનાં અને મારા અભ્યાસનો સમય હતો. જાન્યુઆરીમાં નવી પ્રાથમિક શાળામાં દાખલ થતાં સમીરને ખાસ તકલીફ નહોતી લાગી. બસ, કેલિફોર્નિયા અને બે સમવયસ્ક પિતરાઈ ભાઈઓની ખોટ સાલતી હતી. પરંતુ અગ્યાર વર્ષની સંગીતાને બહુ જ માનસિક ત્રાસ થયો. એ ઉંમરે નવા વાતાવરણમાં, એક અજાણ્યા ક્લાસમાં, તેમાંય, ‘Indian girl’ ‘Brown girl’ દેખાવને તાકતી આંખો…એ સહન કરવું સંગીતા માટે મુશ્કેલ હતું. કોઈ દિવસ તો તેને રડતી જોઈ થઈ આવતું કે, શાળાવર્ષની મધ્યમાં નવા વર્ગમાં લાવી અમે તેને અન્યાય કર્યો છે. ભણવામાં હોશિયાર તેથી એ વર્ષ એળેબેળે પૂરું થયું. પછી મિડલ અને હાઈસ્કૂલમાં પ્રથમ હરોળમાં ઉત્તીર્ણ થઈ. કોલેજમાં, Honors Program for Medicine, Miamiમાં પ્રવેશ મેળવી કોલેજના છ વર્ષમાં ડોક્ટર બની ગઈ.

સ્વતંત્ર રીતે કંઈક કરવાનો અનુકૂળ સમય મારા માટે આવી ગયો હતો. મેડિકલ ટેક્નોલોજીસ્ટનો અભ્યાસ શરૂ કર્યો. ૧૮-૨૬વર્ષની ઉંમરનાં વિદ્યાર્થીઓમાં હું ચાલીશ વર્ષની…આત્મવિશ્વાસના પીઠબળ સાથે, મારા માટે કોલેજમાં ભણવાનો અનુભવ ખુશી, ઉત્સાહ તેમજ કસોટી ભર્યો હતો. સરસ પાઠ્યપુસ્તકોને સમજવાની, કદર કરવાની પરિપક્વતા હોવાથી, અભ્યાસનો આનંદ અનન્ય હતો.  મારી Master in Botanyની ડિગ્રી અને કેલિફોર્નિયામાં સાંજના ક્લાસમાં Microbiologyનો અભ્યાસ કરેલો, તેની ક્રેડિટ મળવાથી બે વર્ષમાં MedTechનું પ્રમાણપત્ર મળી ગયું…લેબોરેટરીમાં internship તાલીમ મારા માટે ખરી પરીક્ષા હતી. ભાવનગરની સાયન્સ કોલેજમાં પ્રયોગોના સાધનો લગભગ ૨૨વર્ષ પહેલાં વાપરેલાં. ઓરલાન્ડોની અદ્યતન હોસ્પિટલની ધમધમતી લેબોરેટરીમાં ટૂંકા સમયમાં શીખવાની તકલીફ અને તેમાંય કડક શીખવનાર! તાલીમ આપનાર મારી ઊપરીને મારા માટે નિજી અણગમો પણ લાગતો હતો. મારી પ્રોફેસરને ફરિયાદ કરવામાં આવી. સહેલાઈથી હતાશ નહીં થનાર હું, …ઘેર આવીને રડી પડી. સદભાગ્યે, પ્રોફેસરને મારામાં વિશ્વાસ હતો. મને બીજી હોસ્પિટલમાં તાલીમ માટે ગોઠવી આપી અને મારી ગાડી પાટે ચડી ગઈ. “જે થાય તે સારા માટે”

ફરીને પહેલી નોકરી મેળવવાની રફતાર શરૂ થઈ. એક નાના ક્લિનિકમાં કામ મળ્યું. ત્યાં phlebotomy, લોહી લેવાનું કામ મુખ્ય હતું, જે કામ હાઈસ્કૂલ પાસ થયેલા પણ તાલીમ લીધા પછી કરી શકે છે. મને લાગ્યું કે અહીં ખાસ કશું શીખવા નહીં મળે. ત્યાં તો… પહેલે અઠવાડિયે જ મને રજા આપી દીધી. શુક્રવારની બપોર હતી. નજીકની હોસ્પિટલમાં મેં અરજી આપી હતી. હું સીધી ચોથા માળે લેબોરેટરીની ઓફિસમાં ગઈ. “કાગનું બેસવું અને ડાળનું પડવું.” વાત કરતી હતી ત્યાં જ Lab-Director આવી ચડ્યા. તરત મને નોકરી મળી ગઈ. Chemistry Lab Technologist તરીકે સપ્તાહના ચાર દિવસ, અને સંગીતા-સમીર સ્કૂલથી આવે ત્યારે હું પણ ઘરે પહોંચી શકું તેવા સમય સાથે કામ શરૂ કર્યું. આ નોકરીથી મને ઘણું શીખવા મળ્યું, હોસ્પિટલનો ‘હાઉ’ જતો રહ્યો અને લોહીતત્વોની જાણકારીને લીધે અમારા પરિવારની તંદુરસ્તીની સમજમાં ધરખમ ફાયદો થયો. પોતાના લોહીમાં હાનિકારક તત્વોને કેમ કંટ્રોલમાં કરવા એ અમારા કિશોર વયના સંતાનોએ એવું તો શીખી લીધું કે તંદુરસ્ત શરીરનું જીવતદાન મળી ગયું.

Disney World નજીક હોવાથી બાળકોને ઘેર બેઠાં વેકેશનની સહેલ થઈ જતી. ફરવાના બહાને ઘણાં સગા સંબંધીઓ, જે અમેરિકામાં આવ્યા પછી ક્યારેય ન મળેલાં, આવતાં રહેતાં. આનંદની વાત હતી કે દિલીપના અમ્મી મહીનાઓ સુધી અમારી સાથે રહ્યાં. ભારત પાછા જવું પડશે એ સંદેશો સાંભળી અમ્મી આંસુભરી આંખે મારો હાથ પકડીને  બેસી રહ્યાં. અમ્મીની તે ચોથી અને આખરી અમેરિકાની મુલાકાત હતી. પછીના બાર વર્ષોમાં ઘણી વખત હું તેમની સાથે ભારતમાં જઈને રહી હતી.

ઘણાં સમયથી મારી બાને અમેરિકાની મુલાકાત માટે તેડાવતાં હતાં. એ ચમત્કાર ૧૯૮૮માં થયો. તોંતેર વર્ષનાં, ગુજરાતી સાડલામાં સજ્જ, નાજૂક બહેન એકલાં વિમાનમાંથી walkway પર આવતાં જોયેલાં, એ છબી ચિત્તમાં કોતરાઈ ગઈ છે. પ્લેઈન મુંબઈ-યુરોપ-ઓરલાન્ડો ને બદલે યુરોપ-ન્યુયોર્ક-ઓરલાન્ડો થઈને દસ કલાક મોડું આવ્યું તેથી અમે ચિંતા કરતાં હતાં. ભારતમાં એકલાં મુસાફરીથી ટેવાયેલાં બાની હિંમત અને થોડું અંગ્રેજી આવડે તેના આધારે ન્યુયોર્કમાં વ્હીલચેરની સગવડતા માંગી લીધી હતી. આપણામાંના કેટલાક સંતાનો, પોતાના મા-બાપને બાળકની જેમ સાચવે છે. બધા નિર્ણયોથી માંડીને “તમને ખબર ન પડે” તેવા ભાવ સાથે વર્તન કરતા હોય છે. તેવા વડીલો ધીરે ધીરે ઓશિયાળા બનતા જાય છે. મારા બા છેક સુધી સ્વતંત્ર મિજાજથી જીવ્યાં. અમે અત્યારે અમારાં સંતાનો સાથે મિત્રતાના ભાવ સાથે જીવી રહ્યાં છીએ. તેઓ હંમેશા મદદ કરવા તૈયાર, પણ શક્ય હોય ત્યાં સુધી ૭૫-૮૦ વર્ષની ઉંમરે પણ…જાત મહેનત ઝિંદાબાદ.

અહીં એક વાત કહું. જ્યારે કોલેજ કાળમાં છોકરાઓ દૂર ભણવા જાય ત્યારે આલ્કોહોલની લતથી મુશ્કેલી ઊભી કરતા હોય છે. અમને શાંતિ હતી કે બંનેને આલ્કોહોલનો મનથી જ અણગમો. હજી સુધી આલ્કોહોલ અમારા પરિવારમાં નહીંવત્. અવનવા વિદ્યાર્થીઓ વચ્ચે મારું કહેલું એક વાક્ય સંગીતા યાદ રાખતી, “Do not let anyone control you.”

અમારા અસ્તિત્વને હચમચાવતો એક અકસ્માત થયો હતો. ક્રિસમસની રજાઓમાં સમીર, સંગીતા ઘેર આવેલાં હતાં અને ઉમંગનો માહોલ હતો. એક સાંજે  ત્રણ youngsters બહાર ગયાં. સંગીતા અને સમીર કારની આગલી સીટમાં અને સંગીતાની બેનપણી નિશા, પાછલી સીટમાં બેઠેલી હતી. …yellow લાઈટ જોઈ left turn લીધો. સામેથી ઝડપથી આવતી કાર અટકવી જોઈએ તે અટકી નહીં અને કારના પાછલા ભાગમાં પુરા જોશથી ભટકાઈ!! સજાગ થતાં…ગભરાયેલાં સંગીતા-સમીર બહાર નીકળી એકબીજાને પૂછે, “તું બરાબર છો? નિશા ક્યાં?” જુએ તો કારનો પાછલો કાચ તૂટેલો અને નિશા રસ્તા પર પડેલી હતી. પોલીસ અને પછી એમ્બ્યુલન્સ આવી અને નિશાને, હું જે હોસ્પિટલમાં નોકરી કરતી હતી, ત્યાં લઈ ગયા. આખી રાત નિશાની ચિંતામાં ગઈ. સદભાગ્યે ખૂબ સારી સંભાળ લેવાઈ અને સવારે ભય ઓછો થયો. અમે ભગવાનનો અનેક વખત પાડ માન્યો છે કે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ…આજે બે બાળકોની માતા પોતાના પરિવાર સાથે ખુશ છે. અહીં એક વાત મનુષ્ય સ્વભાવની કહું તો…નિશા અનેક યાતનાઓમાં હતી પણ ક્યારેય અકસ્માત માટે અમારાં સંતાન પર ‘ધ્યાન રાખવું જોઈએ ને’ કહેતી ગુસ્સા ભરી નજર પણ નથી નાખી, હંમેશા એ જ હાસ્ય.

અહીં, કેલિફોર્નિઆથી શરૂ થયેલ એક ગહેરી મિત્રતાની વાત કહેવી છે. ૧૯૭૬માં સમીરને સ્ટ્રોલરમાં લઈ Avon Co.નો માલ વેચવા માટે હું નજીકના ઘેર ગઈ. મારી વયની બહેને બારણું ખોલી કહ્યું, “હું ખરીદી તો નહીં કરું, પણ અંદર આવો, બેસો. મારું નામ ફ્રેની.” તેને પણ નાના બાળકો હતાં તેથી મળવાનું થતું રહ્યું. ફ્રેની Switzerlandની હતી અને તેણીનો પતિ Israeli હતો. તેની સરળતા, સ્નેહ અને હકારાત્મક ભાવ તેમજ Meditationના અભ્યાસને લીધે અમારી અતૂટ મિત્રતા થઈ ગઈ. દસેક વર્ષ નજીક રહ્યાં અને પછી હજારો માઈલ દૂર રહ્યાં, પણ ૪૫ વર્ષથી…ફોનથી મુલાકાત અને જ્યારે પણ દિલની વાત કરવી હોય તો… ફ્રેની જ હોય. થોડાં વર્ષો પહેલાં, કુદરતના ખોળે વસેલા ગામ, Grass Valley, CA.ના તેમનાં ઘરમાં સાથે ગાળેલા દિવસો મધૂર સંભારણનાં ગુચ્છમાં હસી રહ્યાં છે. ૧૯૯૪માં દિલીપ અને હું ૨૫મી લગ્નતિથિ નિમિત્તે, યુરોપ ફરવા જવાનાં હતાં. ફ્રેનીને વાત કરી કે  Switzerlandમાં હોટેલ વિશે કોઈ માહિતી હોય તો આપે. ફ્રેની કહે, “મારી બહેન Basel ગામમાં રહે છે, તેને પૂછીને કહું.” બે દિવસમાં ફોન આવ્યો…”તમે મારી બહેન, એરિકા સાથે રહેજો અને સ્ટેશનથી તે તમને લઈ જશે.” અમે આમંત્રણ સ્વીકારી સફર શરૂ કરી.

દિલીપના ખાસ મિત્ર, ડો.રમેશ શુક્લ, The Honorable Patent Judge અને ઉષાબેન સાથે Munich Germanyમાં તેમનાં મજાના ઘરમાં રહેવાની તક મળી. તેમણે અમને બ્લેક ફોરેસ્ટ, ઓસ્ટ્રિયા વગેરે સ્થળોની મસ્ત સફર કરાવી. પછી અમે ટ્રેન લઈને સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા…સ્ટેશન પર પચાસેક વર્ષની, ઊંચી પાતળી બહેન એરિકા અમારી સામે આવી અને પ્રસન્નતાપૂર્વક અમને ઘેર લઈ ગઈ. બાઝલ, એક સુંદર ગામ. અમારી રાહ જોતા તેનાં પતિ અને ફ્રેનીના માબાપ આંગણામાં બેઠાં હતાં. માબાપને હું કેલિફોર્નિયામાં મળેલી હતી. અમે જોયું કે બન્ને ૮૦ જેવી ઉંમરનાં, પોતાને ઘેરથી સાઈકલ પર આવેલાં હતાં. તેઓને અંગ્રેજી ઓછું આવડતું હતું તોય વાતચીત ચાલુ હતી. સ્નેહ સંદેશ આપતા ચહેરાઓને ભાષાની જરૂર નથી પડતી. એરિકાએ તેનાં બગીચામાંથી લાવેલ ચેરીનો મોટો વાડકો સામે મૂક્યો. બીજે દિવસે ફરવા જવાની વાત થતા અમે જણાવ્યું કે અમારી પાસે ટ્રેનની ટિકિટ છે. એરિકા કહે, “અમે બંનેએ ત્રણ દિવસની રજા લીધી છે…તેથી તમને ગમે તો, અમે તમને બધે લઈ જશું.” આમ, ફ્રેની દ્વારા મિત્રતા અને તેની બહેન દ્વારા મહેમાનગતીનો સહજ-સરળ અનુભવ થયો.

અગ્યાર વર્ષ પછી, ઓરલાન્ડોનું રહેણાંક પૂરું થવાની તૈયારી થઈ ગઈ જ્યારે, Texas Instrument of Houstonમાં દિલીપને નોકરીની તક મળી. સંગીતા Miamiમાં મેડિકલ-અભ્યાસ પૂરો કરી રેસિડન્સી પસંદ કરવાની હતી. સમીર કોલેજ પૂરી કરી University of Michiganમાં વકીલાતનું ભણવા જવાનો હતો. અમારાં સંતાનોને થોડી સ્કોલરશીપ મળી હતી, પરંતુ ઉચ્ચ અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ અમે આપેલો, તેથી બંનેને લોનના ડોલર ભરવાની ચિંતા ન હતી.

ઓરલાન્ડોમાં દિલીપને AT&T-Lucent, Microchips વિભાગમાં કામ કરવાનું સન્માન મળ્યું. સંગીતાને Miamiમાં દાક્તરીમાં ચુનંદા વિદ્યાર્થીઓ સાથે ભણવાની તક મળી. સમીર અભ્યાસ સાથે રમત-ગમતમાં પણ આગળ વધ્યો. મને હોસ્પિટલમાં કામ કરવા મળ્યું અને સહકર્મચારી અમેરિકન મિત્રો મળી. હજી પણ, ફોનની ઘંટડી વાગે અને, “Hello! Girlfriend!” સાંભળી દિલ હળવું થાય છે.

ટેક્સાસ ૧૯૯૬

ઓરલાન્ડોમાં ગમતું કામ અને મિત્રોનો સાથ છોડી, ભારતીઓની વસ્તીથી સમૃધ્ધ ગામ, હ્યુસ્ટનમાં આવી ગયાં. પચાસ વર્ષની ઉંમર, પૂરતી શક્તિ, સમય અને સંપત્તિના બળ સાથે સમાજ સેવા કરવાના અનેક રસ્તાઓ શોધી શકી. હ્યુસ્ટનનું મેડિકલ સેન્ટર, જ્યાં અનેક નામાંકિત હોસ્પિટલો છે, ત્યાં નાની પાર્ટ-ટાઈમ નોકરી Texas Children Hospitalમાં લેવાથી ઘણી જાણકારી મળી. સદભાગ્યે, એકે વખત એ વિશાળ મેડિકલ સેન્ટરની મહેમાનગતી નહોતી લેવી પડી. સેવાકાર્યના પ્રથમ જવાબ તરીકે…Literacy Councilમાં અંગ્રેજી ભણાવવા, tutor બનવા માટે લગભગ વીસ કલાકની તાલીમ લીધી. વિદ્યાર્થીઓ સાથે મારું અંગ્રેજી-વ્યાકરણ પણ સુધરવા માંડ્યું. મને ખ્યાલ આવ્યો કે, જ્યારે તમે કોઈને શીખવો ત્યારે તમે ઊંડા અભ્યાસી બની શકો છો. બીજો મોટો ફાયદો એ થયો કે, અમારું પાંચનું અલબેલું મિત્રમંડળ બન્યું જેમાં કેનેડિયન, કેથલિક અમેરિકન, પનામાની ચર્ચ મિનિસ્ટર, એક ટાસ્મેનિઅન હતી. દર મહિને, વારા પ્રમાણે દરેકને ઘેર અમે લંચ માટે ભેગાં થતાં અને મારા માન ખાતર, શાકાહારી ભોજન સાથે દેશ પરદેશનાં અનુભવોની વાતો થતી. મારી એક ખાસિયત છે કે, વાતચીતનો દોર ક્ષુલ્લક વાતો તરફ ન જવા દેવો.  અર્થભર્યાં સવાલોની ચાવીથી…લોકો પાસે રસભરી વાતોનો ભંડાર ખોલાવી શકાય છે. મારા માટે  સખીઓ સાથેનો આ સમય અજાણ દુનિયાની સફર સમાન હતો.  દસ વર્ષના સંગ પછી ફેર બદલી થઈ પણ મિત્રતા ચાલુ રહી. શરૂઆતમાં લોકોને કહેતાં સાંભળેલાં, “These Americans can be friendly, but never friends.” એ માન્યતા સાવ ખોટી નીકળી. મિત્રોને લીધે મને શ્રીમંત માનું છું.

એક નોંધપાત્ર હકીકત, મારી મોટા ભાગની અમેરિકન મિત્રોનાં જીવનપર્યંતના એક જ લગ્ન છે.

એક ગ્રુપ સાથે દર અઠવાડિયે ગીતા અભ્યાસ માટે મળવાનું શરૂ કર્યું. મેં જોયું કે ગીતાગ્રુપનાં ગુરૂબહેનની અપેક્ષાઓ અને આદેશો એક તરફી હતાં. ભોળી બહેનોને ખોટું માર્ગદર્શન જેમકે, “સ્ત્રીઓ નોકરી ન કરે…તે પુરુષનું કામ.” “સવાલ કર્યા વગર ગુરૂ કહે તેમ કરો.” અમુક નાની ઉંમરની બહેનો ભક્તિભાવની ઘેલછામાં ઘરમાં કંકાસ કરી ગુરૂનો હુકમ માનતી રહી. જ્યારે હું જોડાઈ ત્યારે મારી પરિપક્વતા અને કોઠાસૂઝને લીધે બહેનોને પોતાની પરિસ્થિતિ તટસ્થપણે સમજવામાં મદદ કરી અને એ ગ્રુપ વિખેરાયું.  વ્યક્તિપૂજા બહુ ખતરનાક પરિણામ લાવી શકે છે.

એ સમયે સાહિત્ય સરિતાના પગરણ મંડાયા. મારા જેવા અમુક સભ્યોનાં આગ્રહથી નક્કી કરવામાં આવ્યું કે, ‘ન પૈસા, ન પદવી.’ દર ચાર મહિને સંચાલક અને સહ સંચાલક નક્કી થાય. કવિ મિત્ર રસિક મેઘાણીના પ્રોત્સાહન અને આદેશ સાથે લખવાની શરૂઆત કરી. વિજયભાઈ શાહની ધગશ અને વિશાલ મોણપરાની PramukhIME.comના સહારે કમ્પ્યુટર પર ગુજરાતી લખતાં થતાંની સાથે આખી દુનિયા સાથે જોડાણ થઈ ગયું. મારા જીવનમાં કાવ્યમય વળાંક આવ્યો. ગુજરાતી અને પછી અંગ્રેજીમાં કવિતા ઉભરવા માંડી. કવિતા લખીને પહેલા દિલીપને મોકલું. બીજા કવિઓનાં સૂચનોથી મઠારવાનું શરૂ કર્યું. જગતના કોઈ પણ ખૂણેથી પ્રતિભાવ આવે અને લખવાનો ઉત્સાહ વધે. જૂગલકિશોરભાઈના સુધારા-સૂચનોથી શીખવાં મળ્યું. આગળ જતાં તેમણે મારા ‘મંત્ર’ કાવ્યસંગ્રહમાં જરૂરી સુધારા કરી આપ્યા એ મારા માટે ગૌરવની વાત છે. અનેક સાહિત્ય મિત્રો સાથે રોજ વાતચીત કરતાં થઈ ગયાં. સાહિત્યની લ્હાણ આ રીતે થઈ શકે એવું સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. ગુજરાતી અને બીજી બધી ભાષાઓ સજીવન થઈ ગઈ.

બે વખત અત્યંત આનંદનો અનુભવ થયો…જ્યારે પુસ્તક “પ્રીત ગુંજન”–૧૫૦ વર્ષનાં પ્રણયકાવ્યોના પ્રતિનિધિ સંગ્રહમાં મારું કાવ્ય ‘મલ્હાર’ પ્રકાશિત થયું, જેમાં મામા, કવિ નાથાલાલ દવેનું પણ કાવ્ય છે. બીજું, “ટેરવે ઊગ્યું આકાશ” ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રકાશિત કાવ્ય સંગ્રહમાં, મારા બા, કવયિત્રી ભાગીરથી મહેતાનું પણ કાવ્ય, પાના#૨૭૨, અને મારું કાવ્ય #૩૮૦ પર છે. જાણે અમારું નાનકડું સાહિત્ય જગત came in full circle. ‘સરયૂની કવયિત્રી તરીકે ઓળખાણ!!’ મામા અને બા આ જોઈને અંતરિક્ષમાંથી આશ્ચર્યથી સ્મિત કરતાં હશે.

એક વેંત ઊંચી

અસુખ  અડકે  ના મારે અંતરે.
જીવન  ઝંઝાળજાળ જગત રે,
ઊડતી  રહું એક વેંત ઊંચી કે,
નીચે  સમયની  સરત  સેર રે...
ક્ષણ ક્ષણનાં સ્પંદનો સુગંધમાં,
નવલ નવાં સર્જન શર બુંદમાં.
છો, પહેરી ઓઢી  ફરું  વૃંદમાં,
એકલી મલપતી   મનોકુંજમાં

સરયૂ મહેતા-પરીખ. “અખંડ આનંદ” જૂન ૨૦૧૬. પુસ્તક “ટેરવે ઊગ્યું આકાશ” #૩૮૦

પંદરેક વર્ષમાં છ પુસ્તકો, તેમાં કવિતા, સત્યકથાઓ અને અંગ્રેજીમાં બે નવલકથા પ્રકાશિત કરવાના આનંદમાં અનેક હમસફર મળતા રહે છે. સૌથી આશ્ચર્યાનંદ થાય છે જ્યારે મારી લખેલી સત્યકથાઓ વાંચીને અજાણ્યા વાંચકોના ભાવભર્યાં ફોન આવે છે. આત્મીયતાની લાગણી સાથે પોતાની અંતર્ગત વાતો કરે છે.


ક્રમશઃ