જીવનની ખાટી મીઠી

નીલમ  હરીશ દોશી

આજે સવારથી ઘરમાં ઉદાસીનું વાતાવરણ છવાયેલું હતું. જાણે ધરતીકંપ આવ્યો હતો. દીનાબહેન  ગુસ્સામાં આમતેમ  આંટા મારી રહ્યાં હતાં.  કોઇ મોટો ગુનો કર્યો હોય તેમ વૈશાલી  મૌન બની હતી. આકાશને કશું સમજાતું નહોતું કે પોતે શું કરવું જોઇએ ?

મૂળ વાત એમ હતી કે આકાશ અને વૈશાલીના લગ્ન થયે પાંચ વરસ વીતી ચૂકયા હતા. પરંતુ ઘરમાં પગલીના પાડનારનું આગમન હજુ નહોતું થયું. હવે બધાની ધીરજનો અંત આવી ગયો હતો. દવા કે દુઆ કોઇની અસર નહોતી થઇ. અને આજે ડોકટરે બધાની રહી સહી  આશા પર  પણ પાણી ફેરવી દીધું હતું. વૈશાલી કયારેય  મા બની શકે તેમ નથી એ જાણ્યા પછી તો  ઘરમાં જાણે આભ તૂટી પડયું હતું. વૈશાલીની આંખમાંથી શ્રાવણ ભાદરવો નીતરતા હતા.

બે દિવસ વાતાવરણ એવું જ તંગ રહ્યું. કોઇ  ઉપાય દેખાતો નહોતો. વૈશાલીને થયું કે અનાથાશ્રમમાંથી કોઇ બાળક દત્તક લાવે..એક અનાથ શિશુને નવજીવન મળે અને પોતાને માતૃત્વ પ્રાપ્ત થાય અને ઘર બાળકની કિલકારીથી ગૂંજી ઉઠે. પણ…પણ આ બધા વચ્ચે મોટો પણ  હતો. જેને વટાવીને આગળ જવું  શકય નહોતું. આ ઘરમાં આવી વાત કરવાનું દુસાહસ કરવું શકય નહોતું. એ પોતે કયાં નહોતી જાણતી ? હવે શું થશે ? વૈશાલીને પોતાનું ભાવિ અંધકારમય લાગ્યું. કઇ ઘડીએ  પોતાને આ ઘરમાંથી રુખસદ મળી જાય એ કહેવાય નહીં છતાં એકવાર હિમત તો કરવી જ રહી.

તેણે પહેલાં આકાશને વાત કરી. ’ આપણે અનાથાશ્રમમાંથી કોઇ બાળકને દત્તક ન લઇ શકીએ ? ‘ તને તો ખબર છે મમ્મી એ માટે કયારેય તૈયાર ન થાય. અને એનામાં કોનું લોહી હોય,,કેવા સંસ્કાર હોય કેમ ખબર પડે ? પ્લીઝ..મહેરબાની કરીને એ વાત કરીશ નહી. આકાશે થોડા ગુસ્સે થઇને એ ચર્ચા બંધ કરી દીધી.

સાસુજી આખો વખત બોલતા રહેતા.’

મારે તો એક જ દીકરો છે. મારો તો  વંશ નાબુદ થઇ જશે. આવી ખબર હોત તો…..’ અને એ અધૂરું વાકય વૈશાલીના મનમાં આગ પ્રગટાવી જતું.  તેને થતું પોતાને બદલે આકાશમાં ખામી હોત તો ? તો આ લોકો શું કરત ?

દિવસે દિવસે સાસુનો  માનસિક ત્રાસ વધતો ચાલ્યો. ગમે તેમ કરીને  વૈશાલીને પિયર મોકલી દઇ તેનાથી છૂટકારો પામી આકાશને ફરીથી પરણાવવાના વિચારો તેનામનમાં સતત ચાલતા રહ્યાં.

આમ કંઇ વહુને વાંકે વંશવેલો આગળ વધતો અટકી જાય એ કેમ ચાલે ? પોતે પહેલાં દીકરા સાથે જ વાત કરી લેશે.

બીજે દિવસે તેણે આકાશને પોતાના મનની વાત કહી.

‘ મમ્મી, એવું તો કેમ કરી શકાય ? ‘ કેમ ન કરી શકાય ? બાળક વિના આ ઘર …આ જીવન મને તો સૂનુ લાગે છે. બેટા, અમને તો મૂડી કરતાં પણ વ્યાજની ઝંખના વધારે હોય. વહુ એ ઝંખના પૂરી કરી શકે તેમ  નથી. તો કોઇક ઉપાય તો શોધવો રહ્યો ને ? ‘ ’ મમ્મી, અનાથાશ્રમમાંથી કોઇ બાળકને દત્તક લાવીએ તો ? થોડાં અચકાતા અચકાતા  આકાશે  વાત ઉચ્ચારી. તેવૈશાલીને પ્રેમ કરતો હતો. વૈશાલીને છોડવાની વાત તેને રુચે તેમ નહોતી ’ ના બેટા, એ તો કોઇના પાપનું પરિણામ હોય.આપણે હાથે કરીને કોઇનું પાપ આપણા ગળે  શા માટે વળગાડવું  જોઇએ ?

તો પછી બાળકનો વિચાર જ માંડી વાળીએ….બીજું શું થાય ? ‘ ’ ના, બેટા…આપણા કુટુંબનું એમ નામોનિશાન મટી જાય એ કેમ ચાલે ? મને મારા પૌત્રનું મોં જોવાની કેટલી હોંશ..કેટલી ઝંખના છે. હવે એ સિવાય આ ઉમરે અમારે  બીજું શું હોય ? બસ..મારા  પૌત્રને રમાડી લઉં એટલે  ગંગ નાહ્યા. પછી  યમરાજનું તેડું આવશે ને તો પણ હસીને સ્વીકારી લઇશ. જીવી જીવીને હવે હું કેટલા વરસ ? દીકરીની નબળી નસ પકડી  દીનાબહેને  પોતાની આંખો લૂછી. આકાશ કશું  બોલી ન શકયો. માની ઇચ્છા તે જાણતો હતો. પણ તે યે મજબૂર હતો. શું  કરે પોતે ? ટેસ્ટ ટયુબ બેબી માટેનો ખર્ચો પોસાય તેમ નહોતો. અને એમાં પણ સફળતા મળે જ એવી કોઇ ખાત્રી  કોઇ  ડોકટર  કયાં આપતા હતા ?

ત્યાં આકાશની  ઓફિસમાંથી કોઇનો ફોન આવતા તે  દિવસ પૂરતી તો વાત ત્યાં જ અટકી…

બે દિવસ પછી અચાનક આકાશના મામાનો ફોન આવ્યો. આ મામાની દીકરી દીનાબહેન પાસે જ મોટી થઇ હતી અને તેમને ખૂબ વહાલી હતી.

ભાઇએ બહેન પાસે પોતાની વ્યથા ઠાલવી.

બેન, આપણી વ્યોમાને તેના સાસરીવાળા પાછી મૂકી ગયા.’ ’ અરે, પણ કેમ ? ‘ ’ બધો દોષ કુદરતનો છે. કમનસીબે  આપણી વ્યોમાને બાળક થાય તેમ નથી. અને એ લોકો….. કહેતા ભાઇ ગળગળો થઇ ગયો. દીનાબહેન આવેશમાં આવી ગયા. ’ અરે, એમ કંઇ છોકરીને પાછી મોકલી દે એ થોડું ચાલે ? પરણીને લઇ ગયા હતા. એ તો જેવા નસીબ..બીજું શું થાય ? અરે, એવું હોય તો અનાથાશ્રમમાંથી કોઇ બાળક દત્તક લઇ લે..કોઇ અનાથના જીવનમાં રોશની ફેલાશે અને ઘરમાં બાળકની કિલકારી ગૂંજશે. તું ચિંતા ન કર..હું બે દિવસમાં ત્યાં આવું છું. અને આપણે કંઇક રસ્તો કાઢીએ છીએ.

સાસુની આ વાત સાંભળતી વૈશાલી સ્તબ્ધ બની રહી…


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે