ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
મિત્રો,મહાભારતની દ્રૌપદીનું પાત્ર વ્યાસમુનિએ એટલું તેજસ્વી સર્જ્યું છે કે, તેની આભાથી દરેક વ્યક્તિ અંજાઈ જાય. અનેક કવિઓ અને લેખકોએ દ્રૌપદીનાં પાત્રને પોતપોતાની નોખી રીતથી મૂલવ્યું છે. કોઈએ એની અનોખી પ્રતિભાની વાત કરી છે. તો વળી કોઈકે ,દુર્યોધન જ્યારે પાંડવોનાં ઈન્દ્રપ્રસ્થ નગરીનાં મહેલમાં પાણીમાં પડી જાય છે ત્યારે દ્રૌપદીએ કટાક્ષમાં હાંસી ઉડાવતાં કહેલા કટુવચન” આંધળાના દીકરા આંધળા “ નાં લીધે જ મહાભારતનું યુદ્ધ થયું તેમ કહી દ્રૌપદીને યુદ્ધનાં કારણરૂપ દોષિત ઠરાવી છે. પરતું, ધ્રુવદાદાએ તો હંમેશાં તેમનાં સ્ત્રી પાત્રોને તેજસ્વી,પ્રતિભાવંત અને સશક્ત જ સર્જ્યા છે. અગ્નિકન્યામાં દાદાએ તેમની દ્રૌપદી કેવી કલ્પી છે તેની આજે વાત કરવી છે.

ધ્રુવદાદા હંમેશા તેમના નવલકથાનાં પાત્રોને આગવી અને નોખી રીતે જ કલ્પે છે ને! સૌ પ્રથમ તો સામાન્ય રીતે કોઈ લેખક કોઈ સ્ત્રીનાં વર્ણનું વર્ણન કરે, તો સ્ત્રી સંગેમરમર જેવી ગોરી કે શ્યામ કે ઘઉંવર્ણી જેવું વર્ણન હોય. પરતું દાદાએ દ્રૌપદીનાં વર્ણનું ખૂબ નોખું જ વર્ણન કર્યું છે. અગ્નિમાંથી જન્મેલ બાળકી,અગ્નિની શિખા પૂરી થાય અને ધ્રૂમસેર શરુ થાય તે સ્થળે પ્રગટતા રંગ જેવો બાળકીનો રંગ હતો એમ ધ્રુવદાદાએ કહી દ્રૌપદીનો વર્ણ રક્તશ્યામ હતો તેવું વર્ણન કર્યું છે. વર્ણનું પણ કેટલું નોખું વર્ણન!
રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદીનાં, પિતા સાથેનાં અને મોટાભાઈ શિખંડી સાથેના સંવાદોમાં પણ તેની જિજ્ઞાસા,વાકચાતુર્ય અને ઉચ્ચ બુદ્ધિમતાનાં દર્શન કરાવ્યાં છે. તેને પૂછ્યા વગર થયેલાં તેના સ્વંયંવર રચવાની વાત અને અર્જુન તેના સ્વયંવરમાં લક્ષ્યવેધ કરી તેને વરશે તે વાત તેને ખૂંચે છે તે વાત દાદાએ પોતાના સંવાદમાં દર્શાવી છે. આ સંવાદ થકી મહાભારતનાં સમયથી સ્ત્રીઓને પિતાની અને વડીલોની ઈચ્છા મુજબ લગ્ન કરવા પડતા તેમ પણ સૂચવ્યું છે. નવલકથાની પૃષ્ઠભૂમિ સુંદર રીતે બાંધી દ્રૌપદીનાં પાત્રનું સર્જન કેમ થયું તેની અદ્ભુત રજૂઆત કરી, વિધિએ દરેક વ્યક્તિનું નિર્માણ ચોક્કસ ભૂમિકા માટે કર્યું હોય છે તે નિયમ આપણને સમજાવ્યો છે.
કૃષ્ણનાં મુખે દાદાએ મૂકેલ આ સંવાદ મહાભારતમાં દ્રૌપદીનાં પાત્રની મહાનતા અને દાદાનાં સ્ત્રીપાત્રની સબળતાનું સર્જન સૂચવે છે. કૃષ્ણ કહે છે, “હું તમને મળવા અને જે કહેવા અહીં રોકાયો છું તે આ વાત છે, કૃષ્ણા! તમારે ઘણું કરવાનું છે. કદાચ બધું જ પ્રિય હોય તેવું ન પણ બંને; પરતું પાંચાલકુમારી, ધ્યાનથી સાંભળો, કેટલાક માનવીઓ ચોક્કસ કાર્ય માટે જન્મ લેતા હોય છે. તેમને અંગત લાગણીઓ અને ગમા-અણગમાને અવગણીને પણ આનંદથી જીવવું પડે છે; અને દ્રૌપદી, કદાચ તમે પણ એમાંનાં એક છો, જેમની આર્યાવર્તને અત્યારે ખૂબ જરૂર છે.” જ્યારે દ્રૌપદી આનાં જવાબમાં કૃષ્ણને કહે છે કે “આપ પુરુષ છો અને સમર્થ છો ; જ્યારે હું તો સ્ત્રી છું” તેવું કહેવા જાય છે ત્યારે કૃષ્ણ કહે છે,” આપ સ્ત્રી છો અને સમર્થ વ્યક્તિ છો. હું પુરુષ છું માટે કરી શકું અને તમે સ્ત્રી છો માટે ન કરી શકો તે હું સ્વીકારતો નથી. તમે સમર્થ છો જ. કૃષ્ણ અને કૃષ્ણામાં તાત્વિક રીતે કોઈ ભેદ નથી. પ્રશ્ન માત્ર શ્રદ્ધાનો છે.” આમ સ્ત્રીઓ દરેક પડકારજનક પરિસ્થિતિમાં અવિચળ રહી પુરુષથી પણ વધુ સામર્થ્યપૂર્વક જીવન જીવી સમાજ સામે પડકાર ફેંકી શકે છે તે વિચાર દ્રૌપદી દ્વારા રજૂ દાદાએ સ્ત્રીનાં સામર્થ્યને બિરદાવવાની વાત કરી છે.
તેમજ વ્યાસમુનિ દ્રૌપદીને જે વાત કહે છે તે સંવાદ દ્વારા દાદા દ્રૌપદીનાં પાત્રની અપ્રતિમ વિશેષતા દર્શાવે છે, “પાંચે પાંડવો એક તંતુએ બંધાઈ રહે તેમાં આર્યવર્તની પ્રજાનું હિત અમે જોયું છે. પાંચે જણા જુદુંજુદું વ્યક્તિત્વ ધરાવે છે અને પાંચે જણા અપ્રતિમ છે. એમને બાંધી રાખવાનું કામ આ જગતમાં ફક્ત બે જ જણ કરી શકે છે. એક તારી સાસુ, જે હવે વૃદ્ધ થયાં છે અને બીજી પાંચાલી તું. તારે માથે ઘણો મોટો બોજો છે. પાંચેય પાંડવ કુમારો સળગતા અંગારા જેવા છે. તે ક્યારેય બુઝાય નહીં એ તારે જોવાનું છે.”
આમ ધ્રુવદાદાએ અગ્નિકન્યામાં દ્રૌપદીનાં પાત્રની ઉત્તમ ભૂમિકા દર્શાવી છે. જગતને સ્ત્રીઓનું સર્જન પ્રભુએ કરેલ અનોખી ભેટ છે તેમ તેમના સ્ત્રી પાત્રો થકી દાદા સૂચવે છે.
આમ અગ્નિકન્યાનાં અનેક સંવાદો સામાજિક જીવનની સત્યતાને રજૂ કરે છે અને સ્ત્રીઓએ મુશ્કેલીઓ સામે લડતાં જીવનમાં કેવો અભિગમ રાખવો જોઈએ તેનું આડકતરું સૂચન પણ છે.આ સાથે આ ધ્રુવગીતને પણ માણીએ.
‘નિજના તમામ દોષને આગળ ધરી ગયા
એના ગુનાઓ એમ અમે છાવરી ગયા
લો દાઢ ગઈ,દંશ ગયા,દંશવું ગયું
ઉત્પાત બધાં ઝેરની સાથે ઝરી ગયા
મારા પછીયે હું જ ઊભો છું કતારમાં
જાણ્યું કે તુર્ત દૃશ્યને દૃષ્ટિ ફરી ગયાં
માંડો હિસાબ કોઈ કસર રાખીશું નહીં
આ જેટલું જીવ્યા તે બધુંયે મરી ગયા
ચાલી શક્યા ન એટલે અડધે નથી રહ્યા
રસ્તામાં કોઈ રોકવા આવ્યે રહી ગયા
હોવું અમારું વૃક્ષ સરળ એમ થઈ ગયું
પર્ણોની જેમ નામના અક્ષર ખરી ગયા.’
