તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
એક તો ટ્રમ્પાઈટિસ, ને એમાં ઉમેરાયો મુવો એસ્પ્ટિનાઈટિસ- બેઉના દોર ને શોર વચાળે ફેબ્રુઆરીનો બ્લેક ઈતિહાસ માસ, એની કકળતી આંતરડીનો ઝીણો અવાજ બચાડો ક્યાંય દબાઈ ગયો… અને હવે હિંદ આંગણે તે બીજે એપ્રિલનો દલિત ઈતિહાસ માસ દસ્તક દઈ રહ્યો છે. શી ખબર, એની ઝીણીતીણી ચીસ ને ટીસ કશેક પણ પાધરી પહોંચશે કે કેમ. બ્લેક હિસ્ટ્રી મન્થ એ અમેરિકા-કેનેડા આદિની એક ધીંગી પરંપરા છે, જેને હમણાં જ એક સૈકો પૂરો થયો. ફેબ્રુઆરી ૧૮૦૯માં લિંકનનો જન્મ અને ફેબ્રુઆરી ૧૮૧૮માં ફ્રેડરિક ડગ્લાસનો.
આ ડગ્લાસ બાળપણમાં દક્ષિણ અમેરિકા રાજ્યમાં ધરાર ગુલામીમાં ઉછરેલ જણ, ભોગજોગે એ ગુલામીનું પાંજરું તોડી ખુલ્લાણમાં આવ્યો ને દક્ષિણ પેઠે ગુલામીમાં નહીં રાચતા ઉત્તર અમેરિકામાં કોળ્યો. સમતાલક્ષી વક્તા તરીકે એણે હાંસલ કરેલી મહારત હેરતઅંગેજ હતી- ને ન્યૂયોર્કની ગોરી વસ્તી, ઓય મા, એક ગુલામની આ સિદ્ધિ, એમ એના પર ફિદા ફિદા હતી. લિંકન-ડગ્લાસની સ્મૃતિ સાંકળીને ૧૯૨૬થી હર ફેબ્રુઆરીમાં બ્લેક હિસ્ટ્રી મન્થ મનાવવાનો અને એ મિશે આફ્રિકન-અમેરિકન અધિકારોની સભાનતા કેળવવાનો ને એકંદર સમાજમાં સમસંવેદન જગાવવાનો ચાલ શરૂ થયો.
લિંકનથી ઓબામા વાયા માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એમ જાડી રૂપરેખા આપણે જાણીએ છીએ, પણ આફ્રિકી-અમેરિકી તબકો વ્યાપક સમાજમાં પૂરા કદનો સમાસ પામે એ માટે સહૃદયતાની કેળવણીની કેવીક કુમક કથિત રાજકીય ફિરકાઓની બહારથી મળી રહી છે, એનો અંદાજે અહેસાસ છે આપણને? છેક ૧૮૫૨માં હેરિયર બીચર સ્ટોની કલમે ‘અંકલ ટોમ્સ કેબિન’ અવતરી અને એણે ગોરા અમેરિકી ચિત્તને સંવેદનાએ ઝંઝેડી નાખ્યું. અમેરિકી સિવિલ વૉરમાં લિંકનની સિદ્ધિ (અને દુર્નિવાર શહાદત) ફલવતી બને એની ભોંય ટોમકાકાની કહાણીએ કેળવી હતી.
પણ કમબખ્ત રેસિસ્ટ હેંગઓવર, એ તો ઊતરતાં દાયકાઓ શું સૈકો આખો કે એથીયે વધુ વખત લે. આ લખું છું ત્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’નો ખાસો એક સૈકો ને લટકામાં લગભગ દસકો થયે જ્હોન હાવર્ડ ગ્રિફિનની કલમે આલેખાયેલ ‘બ્લેક લાઈક મી’ (‘મો સમ શ્યામ’) ધારાપ્રવાહ વાંચ્યાનું સાંભરે છે. મેં, જેને રિપોર્ટર્સ જર્નલ કહી શકાય તેવી આ હપ્તાવાર દાસ્તાં ત્યારે એક આનાના અંગ્રેજી દૈનિક ‘ફ્રી પ્રેસ જર્નલ’ની રવિવારી ‘ભારત જ્યોતિ’માં વાંચેલી. ગોરા ગ્રિફિન મશાયને શું સૂઝ્યું કે એમણે કેમિકલ સહાયથી ચહેરો કાળો કીધો અને દક્ષિણનાં રાજ્યોમાં જ્યાં હજુ અલાયદા વાડાની રેસિસ્ટ રસમ જડબેસલાક જેવી હતી ત્યાં કાળી વસ્તી વચાળે રહીને તેમ ત્યાંના ગોરાઓ વચ્ચે કાળા હોવું તે શું એનો જે જાતઅનુભવ લીધો એની આ દાસ્તાં છે.
પહેલાં તો, એ કહે છે, મારી સામે તકાતી ગોરી નજરોથી હું પ્રીછતો થયો કે ‘હેઈટ સ્ટેર’ (ઘૃણા ને તિરસ્કારે રવરવતી નજરનો ધણી) શું છે. એક વિલક્ષણ જોકે દર્દનાક જોક પણ ક્યાંક નોંધી’તી ગ્રિફિને- મેં જ્યાં પ્રવેશ હોય એવા કેથલિક ચર્ચ વિશે પૃચ્છા કરી તો કાળી વસ્તીમાંથી સાંભળવા મળ્યું કે ભલા ભાઈ, પહેલાં તો તને ધોરણસરની યુરિનલની સોઈ મળે એને સારુ પ્રાર્થના કરી શકે તોયે ઘણું! ગ્રિફિને બસમાં એક ગોરા બાનુ વાસ્તે જગ્યા ખાલી કરવાનો વિવેક કર્યો તો એક પા સાથી આફ્રિકી-અમેરિકી ઉતારુઓની ખફગી આવી પડી ને બીજી પા પેલાં બાનુ બીજા ગોરાઓને કહેતાં સંભળાયાં કે મુઆ કાળાયે કેવા દોઢડાહ્યા થાય છે.
‘બ્લેક લાઈક મી’ની આ તો એક ઉપલક ઝલક માંડ છે. પાંચ-છ વરસ પર ફ્લોઈડની ઘટના બની અને બ્લેક લાઈપ મેટર્સ એ ઝુંબેશ શરૂ થઈ ત્યારે આ જ શીર્ષ પંક્તિ લઈ લખાયેલી ગવાયેલી એક રચના મિકી ગાયટનના કંઠે[1] ખાસી ઊંચકાઈ હતી: If you think we live in the land of the free/you should try to be black like me. (તમને જો એમ લાગતું હોય કે તમે ખરેખર આઝાદ માણસો માટેના મુલકમાં રહો છો તો જરા મારી પેઠે કાળા બનવાની કોશિશ કરો, અને-) આપણે ત્યાં અને દેશ બહાર પણ દલિત સંઘર્ષ અને આત્મસ્થાપન સારુ પ્રતિમાપુરુષ રૂપે ઉભરેલ આંબેડકરના જન્મ માસ એપ્રિલને દલિત ઈતિહાસ માસ તરીકે ઊજવવાની કોશિશ હમણે હમણે નજર સામે આવે છે: આ જ એપ્રિલમી ૧૧મી ફુલે જયંતી છે જેમ ૧૪મી તે આંબેડકર જયંતી છે.
પ્રજાસત્તાક બંધારણનો પ્રકલ્પ ને સંકલ્પ પાર પાડવામાં અગ્રભૂમિકા સારુ આંબેડકરનું સુપ્રતિષ્ઠ હોવું, દલિતનું દલિત હોવું ને સૌ સવર્ણ પેઠે નાગરિકમાં સ્થપાવું, એ કોયડો ઉકેલવામાં ઉપયોગી થઈ પડે એવો ઈતિહાસનુસખો છે. ગાંધીએ આંબેડકરનું નામ કેમ સૂચવ્યું હશે એનો તરત જડતો જવાબ કદાચ એ હોઈ શકે કે જોડાનો પહેરણહાર સ્તો જાણે છે કે એ ક્યાં ડંખે છે. લોકશાહીની વ્યાખ્યાની રીતે આ પ્રયોગ સોજ્જે છે. પણ ચંદુ મહેરિયાએ એક સ્મૃતિ નિબંધમાં ઉપસ્થિત કરેલો તીવ્ર મુદ્દો સાંભરે છે- જોડો છે જ ક્યાં કે ડંખે. દેશજનતાએ સ્વરાજને નાતે કેટલું મોટું અંતર કાપવાનું છે એનું આ યજ્ઞદૃષ્ટાંત છે. બને કે દલિત ઈતિહાસ માસ વિશે એપ્રિલમાં વધુ લખવાનુંયે થાય, હમણાં તો આવાં ઉજવણાં બેઉ છેડાની કામગીરી બજાવે છે જેમ આરતી જેની ઊતરે છે અને જે ઉતારે છે, તે બેઉને આલોકિત કરે છે તેમ.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧-૩-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
[1] Mickey Guyton – Black Like Me
