જયશ્રી વિનુ મરચંટ

મને ભાતભાતનાં, ચિત્ર, વિચિત્ર સપનાંઓ આવતાં. કોઈક કોઈક સપનાં તો અક્ષરસઃ યાદ રહેતાં, અને એય કાયમ માટે ન ભૂલી શકાય એવી છાપ મૂકી જતા પણ મોટા ભાગનાં સપના તો પહેલા વરસાદમાં ઊઠતાંવેંત વિલય થઈ જતી માટીની સુગંધ જેમ જ વિસરાય જતા. મને સપના જોવાની ખૂબ મજા આવતી અને યાદ રહી ગયેલા સપનાંઓને પછી વાગોળવાની પણ એટલી જ મજા આવતી.

અનેકવાર મારા સપનાના દેશમાં સમયનો ગાળો અને સ્થળનો તાળો, બિલકુલ તાલમેલ વગરનો થઈ જતો….! મને યાદ છે, ૨૦૧૬, ઓક્ટોબરના કોઈ તો વીકએન્ડમાં અમારા મિત્રને ત્યાં પાર્ટી હતી. ૨૦૧૬, નવેમ્બરમાં અમેરિકાના પ્રમુખનું ઈલેક્શન હતું. પાર્ટી પૂરી થઈ ત્યાં સુધી, મિત્રો સાથેની વાતોનો એ મુખ્ય વિષય રહ્યો હતો. ઈલેક્શનમાં ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની, હિલરી ક્લિન્ટન અને અમેરિકાના બિલિયનર બિઝનેસમેન ડોનાલડ ટ્રમ્પ વચ્ચે પ્રમુખપદ માટે ખરી રસાકસી હતી. અમે સહુ પાર્ટી પછી ઘેર જતાં હતાં ત્યારે મેં સહુને મજાક્માં કહ્યું, “આજે તો સહુને સપનામાં પણ હિલરી અને ટ્રમ્પ આવશે..!”

અને સાચે જ, એ રાતે મને જ સપનું આવ્યું અને એ સ્વપ્નપ્રદેશમાં, ૨૦૧૬માં વાસ્તવિક જીવનમાં ૬૭ વરસની હું, જાદુઈ રીતે ૨૧ – ૨૨ વરસની સ્ટુડન્ટ બની ગઈ હતી…! સપનામાં હિલરી અને ટ્ર્મ્પ તો ન આવ્યાં પણ, બિલ ક્લિન્ટન પધાર્યા હતા!

આમ જુઓ તો મારું એ સ્વપ્ન શું ક્યાંકથી બાકી કે અધૂરી રહી ગયેલી સુષુપ્ત ઈચ્છાઓ સાથેનું અનુસંધાન હતું..? કોને ખબર, પણ એ “હોચપોચ” અને વિચિત્ર શમણાંમાં, ૨૧ – ૨૨ વર્ષની હું, એક્સ-પ્રેસિડન્ટ, બિલ ક્લિન્ટનના ફાઉન્ડેશનમાં ઈન્ટર્નશિપ કરતી હતી…!  (એનો રોમાંચ આજે પણ મને થાય છે કે કાશ, ખરેખર એવું હોત તો…..?)

મારા એ સપનામાં, તે દિવસે હું ક્લિન્ટન ફાઉન્ડેશનની ઓફિસમાં સમયસર પહોંચી ગઈ હતી. સવારના સાડા નવ થવા આવ્યા હતા. બિલ ક્લિન્ટન હજી આવ્યા નહોતા. જ્યારે પણ બિલ ક્લિન્ટન શહેરમાં હોય ત્યારે સવારના નવના ટકોરે એ હાજર થઈ જ જતા. સર ઓફિસમાં ન આવવાના હોય ત્યારે અમને, એટલે કે, સ્ટાફને એમના પર્સનલ સેક્રેટરી તરફથી આગોતરી નોટિસ મળી જતી હતી. નવ ને પાંચ મિનીટ થઈ હતી પણ ક્લિન્ટન હજુ ઓફિસમાં આવ્યા નહોતા. તે દિવસે અમને એવી કોઈ નોટિસ પણ મળી નહોતી. મને મનોમન થયું, શું થયું હશે કે બિલ ક્લિન્ટન આજે ઓફિસમાં નથી આવ્યા?

પછી થયું, ‘ચલો, આજે સમય છે તો ફેસબુક પર જોઉં અને મારી ત્રણ ખાસ સખીઓ, મેધા, સીમા ને આયેશામાંથી કોઈ જો ચેટ પર હોય તો એમની સાથે વાત કરું.’

આયેશા અને હું કોલેજના મિત્રો હતાં પણ મેધા, સીમા અને હું, એક જ સ્કૂલમાં સાથે ભણ્યા હતાં. અમે જ્યારે કોલેજમાં ગયાં ત્યારે અમારી ત્રણેયની કોલેજ અને અભ્યાસની શાખાઓ અલગ થઈ ગઈ હતી. છતાં પણ, અમારી દોસ્તી સમય અને સ્થળના અંતર સામે અડગ અને અડીખમ રહી હતી..! (જો કે મને હજુ આજે પણ સમજાયું નહોતું કે મારા ધડ માથા વિનાના એ સપનામાં આમ ક્યાંથી મેધા અને સીમા ઓચિંતા જ આવી ગયાં!)

બિલ ક્લિન્ટન ફાઉન્ડેશનની ઑફિસમાં કશાયે કામ વિના બેઠેલી મેં, ફેસબુકમાં લોગ-ઇન કરીને જોયું કે મેધા પણ ઓન-લાઈન હતી અને મેં ચેટ કરવાનું ચાલુ કર્યુંઃ

હુંઃ      “અરે, તું ઓનલાઈન છેને કંઈ? શું વાત છે, દોસ્ત? મને થયું કે આ ટાઈમે તું ડિનરની તૈયારી કરતી હશે! કેમ છે તું?

મેધાઃ   “બસ, એમ જ. આજે કામ પરથી આવતાં મોડું થઈ ગયું તો ઓફિસમાં થોડું કચરપચર ખાધું હતું તો ડિનર પણ મોડેથી હવે લઈશ. તારું શું ચાલે છે? આજે સવારસવારમાં ચેટ માટે નવરી પડી? કામ બામ છે કે ખાલી ટલ્લાં મારે છે?”

હુંઃ      “એક્ચ્યુઅલી સાચે જ ટલ્લાં મારું છું..! મારી બોસ હજુ આવી નથી. એણે જે કામ આપ્યું હતું એ પૂરૂં કરી નાંખ્યું છે. આથી અમથી જ બેઠી છું. બિલ પણ હજુ ઑફિસમાં આવ્યાં નથી. તો મને થયું, તારી સાથે વાત કરીને તને બોર કરું. શું કરે છે તું?”

મેધાઃ   “તને તો મજા છે, યાર! તું તારા ગોરા, હેન્ડસમ ક્લિન્ટનની રાહ જો! અમારે ભાગે તો કોઈ દેશીની રાહ જોવાનું યે નસીબમાં નથી હજુ સુધી! અહીં બેઠીબેઠી મમ્મીની બૂમો સાંભળું છું કે ‘કામવાળી આવી જશે, હવે જમવાનું પતાવે તો સારું!’ બાય ધ વે, ટેલ મી, વન થીંગ, શું ક્લિન્ટન આજે, ૨૦૧૬ માં પણ હજુ એટલા જ હેન્ડસમ લાગે છે, જેટલા ૧૯૯૨માં લાગતા હતા?”

હુંઃ     “આપણે ક્યાં ૧૯૯૨માં જન્મ્યા હતાં? કુછ ભી…!”

મેધાઃ  “જન્મ્યાં નહોતાં પણ એ સમયના ક્લિન્ટનને ટીવી પર અને બીજા પ્લેટફોર્મ પર જોયા તો છે ને? સો, ટેલ મી, હજુ એટલા જ હેન્ડસમ છે?”

હુંઃ     “ઓફ કોર્સ. ખરેખર, વોટ અ હેન્ડસમ મેન! એન્ડ વોટ અ પર્સનાલીટી! ને, ઉફ્.. કેટલી એનર્જી! નોન-સ્ટોપ કામ કરી શકે છે. ચલ, આઈ હેવ ટુ ગો. આઈ સી હીમ કમીંગ હીયર ફ્રોમ માય ક્યુબીકલ. પછી વાત કરીશું.!”

અને, મેં ફેસબુક ચેટ બંધ કરી. બિલ વોઝ હીયર. મારી ક્યુબની સામે જ એમની ઓફિસ હતી. મને એમના એક્સટેનશન પરથી ફોન આવ્યો.

બિલઃ    “હેલો, કાપડિયા (મારી લગન પહેલાંની અટક), મે આઈ સી યુ ઈન માય ઓફિસ રાઈટ નાઉ?”

હુંઃ       “યસ સર” .

અને, હું એમની ઓફિસમાં ગઈ. (અમારા વચ્ચેની વાતો, અલબત્ત, એ સપનામાં થઈ હતી પણ મને જે રીતે હજુ યાદ છે એને જ અહીં અંગ્રેજી મિક્સ ગુજરાતીમાં રજુ કરું છું.)

બિલઃ    “મીસ કાપડિયા, તમે થોડા દિવસોથી કઈંક પરેશાન લાગો છો. આઈ જસ્ટ વોન્ટેડ ટુ નો, કે બધું બરાબર છે ને? અહીં ઓફિસમાં તો તમને કોઈ તકલીફ નથીને?”

હુંઃ     “સોરી સર, જસ્ટ ફિલિંગ હોમસીક! નથીંગ એલ્સ. સર, ફાઉન્ડેશનમાં કામ કરતાં અમારા જેવા ઈન્ટર્નની પણ તમે આટલી સંભાળ રાખો છો એ બદલ સાચે જ ગદગદ છું! થેંક્યુ સર. પણ સર, તમને સમય હોય તો તમારી સાથે હું કંઈ પર્સનલ વાત કરી શકું?”

બિલઃ   “બિલકુલ સમય છે. બોલો. હું શું કરી શકું તમારા માટે?

હુંઃ     “સર, હું તમને અને મીસ હિલરી ક્લિન્ટનને મારા આદર્શ માનું છું. અભ્યાસ પૂરો કરીને, ભારત પાછા જઈ મારે, પોલીટીક્સમાં કામ કરવું છે અને દેશની સેવા કરવી છે.”

બિલઃ   “તમે પાછા જઈને તમારા દેશ માટે કામ કરવા માગો છો, એ તો ખૂબ સારી વાત છે. ન્યુ બ્લડ ઓલવેઝ બ્રીંગસ ન્યુ એનર્જી. શું પૂછવું છે પૂછો.”

હુંઃ     “સર, મારે તમને એક સવાલ પૂછવો છે. તમારી પરવાનગી હોય તો પૂછું. મને થોડો અચકાટ થાય છે. સર, સાચે જ પર્સનલ છે અને આપને જવાબ ન આપવો હોય તો ન આપશો. હું આપને તથા મીસ  ક્લિન્ટનને મારા રોલ મોડલ માનું છું. આ સવાલનો જવાબ તમારા તરફથી મળશે તો મને નવી દિશા ચીંધશે”

બિલઃ   “જરા પણ મૂંઝાયા વિના પૂછો મીસ કાપડિયા. મારાથી જેટલી પ્રામાણિકતાથી જવાબ અપાશે એટલો આપીશ. પણ એક શરત છે કે આ સવાલનો જવાબ તમને કઈંક સારું ને સાચું શીખવા માટે પ્રેરણા આપે તો જ પૂછશો.” પછી એમની લાક્ષણિક ઢબમાં હસીને કહે, ”આજે મારી ફ્રેન્કનેસ ને તમારી વિવેકબુધ્ધિની પરીક્ષા છે.”

હુંઃ (હસીને) “સર, આ સવાલનો જવાબ આપ્યા પછી આપને પણ મને કહેવું પડશે કે હું આ Exam માં પાસ થઈ કે નહીં.”

હું શ્વાસ ખાવા ઊભી રહી અને પછી મનોમન હિંમત ભેગી કરીને અંતે પૂછી જ નાખ્યું.

હુંઃ      “સર. તમે આઠ વર્ષો સુધી વ્હાઈટ હાઉસમાં કીંગની જેમ રહ્યા અને મીસીસ ક્લિન્ટન ફર્સ્ટ લેડી તરીકે રહ્યાં હતાં. મેં સાંભળ્યું છે કે, પરંપરાગત રીતે, ફર્સ્ટ લેડી, વ્હાઈટ હાઉસમાં, પ્રેસિડન્ટના રહેઠાણ અને ઓફિસના રેમોડેલીંગ, કીચનમાં ડિનર શું બનાવવું, મહેમાનોની આગતા-સ્વાગતા અને લોક-કલ્યાણનાં કામકાજમાં સમય વીતાવે છે.”

આટલું કહીને હું શ્વાસ ખાવા ઊભી રહી.

બિલઃ    “ટ્રુ. તમારી માહિતી બિલકુલ સાચી છે.”

હુંઃ       “પણ હવે આ વર્ષે જો મીસીસ ક્લિન્ટન ઈલેક્શન જીતીને વ્હાઈટ હાઉસમાં પ્રેસિડન્ટ બનીને જશે તો આપ, “ફર્સ્ટ જેન્ટલમેન” તરીકે શું કરશો? સર, બીઈંગ અ મેન, તમે પણ પરંપરાગત ડ્યુટીસ કરશો, સર?”

અંતે મેં ડરતાં ડરતાં આ સલાલ પૂછી જ લીધો. આજ સુધી આ સવાલ ઉદભવ્યો જ નહોતો કારણ કે અમેરિકામાં હજુ સુધી કોઈ સ્ત્રી પ્રમુખ બની જ નથી.

એક આંગળી પોતાના જમણા ગાલ પર મૂકી, ખુરસી થોડી ટેબલ તરફ ખસેડીને ટેબલ પર જમણા હાથની કોણી ટેકવી, સહજ સ્મિત સાથે તેમણે મારી સામે જોયું અને વાત આગળ વધારી.

બિલઃ     “ખૂબ જ સરસ સવાલ પૂછ્યો છે તમે. સાચા અર્થમાં આ વિષે મેં કઈં જ વિચાર્યું નથી. પણ હવે તમે આ સવાલ પૂછી લીધો છે તો આજથી જ હું મારી જાતને તૈયાર કરવા માંડીશ, જેથી જે જવાબદારી ફર્સ્ટ લેડી તરીકે હિલરી નિભાવતી હતી, તે બધી જ હું નિભાવી શકું.  હું માનું છું કે દરેક પરંપરા-ટ્રેડીશન, સમયની ખાસ ડીમાન્ડમાંથી જન્મે છે. લુક, સમય-સંજોગને honor કરીને, આપણું કામ નિષ્ઠાથી અદા કરવાની આપણી જવાબદારી છે.”

હુંઃ       “સર, તમારી પાસેથી આજે એક લેસન મને શીખવા મળ્યો છે, જેને હું કાયમ જ યાદ રાખીશ.”

બિલઃ (સ્મિત સાથે) “થેંક્યુ. પણ એક વાત હજુ કહેવાની છે. જો હિલરી ઈલેક્ટ થાય તો પછી એણે દિલથી નિઃસ્વાર્થ ભાવે અમેરિકાને પોતાની સર્વીસ આપવી જ જોઈએ. વ્હાઈટ હાઉસમાં ડોમેસ્ટીક કામોમાં એનો સમય વેડફાવો ન જ જોઈએ. એના બેટર હાફ તરીકે એ બધાં કામ હું, કોઈ ઈગો ઈસ્યુ વિના ખુશીથી કરીશ. એ “ફર્સ્ટ લેડી” હતી ત્યારે ખૂબ ડેડિકેશનથી રોજના આ કામ કરતી હતી. હું ઈચ્છું કે હું પણ એનાં જેવા ડેડીકેશનથી એ બધાં જ કામ કરી શકું! હિલરીનો સાથ નિભાવવાનો ટર્ન હવે મારો છે.”

હુંઃ (અભિભૂત થઈને) સર! મારી જાતને હું ભાગ્યશાળી સમજું છું કે આપની જોડે આજે ક્લિન્ટન ફાઉન્ડેશનમા મને કામ કરવાનો મોકો મળ્યો છે અને આ વાતો “ફર્સ્ટ હેન્ડ” આપ પાસેથી શીખવાની તક મળી છે.”
આ બોલતાં બોલતાં મારો અવાજ ગળગળો થઈ ગયો અને આંખો થોડી ભીની પણ થઈ જાય છે…!

——-ને, —–આંખો લૂછવા, હું મારા ચશ્મા કાઢવા મથું છું ત્યાં જ મારી આંખો ખૂલી જાય છે.
વધુ કઈં વિચાર્યા વિના, મારી પથારીમાંથી ઊભી થઈ, બાજુના ટેબલ પર પડેલા મારા ચશ્મા પહેરીને, સમય જોઉં છું, તો સવારના ૩ વાગ્યા હતા. મને સપનાનો એ સંવાદ અને બિલનું વાક્ય યાદ આવી ગયા! ”લુક, સમય-સંજોગને honor કરીને, આપણું કામ નિષ્ઠાથી અદા કરવાની આપણી જવાબદારી છે.” —

ઊંઘ પાછી આવે એવા ચાન્સીસ તો ઓછા હતા. મારી અર્ધ તંદ્રામાં પણ કોણ જાણે કેમ, મને ઓચિંતું જ થયું કે રાતના આ સુંદર સપનાની વાત મારે મેધાને તો કરવી જ રહી. આમેયે સપનાંમાં બિલને પૂછવાનું રહી ગયું હતું કે વિવેકબુધ્ધિની પરીક્ષામાં હું પાસ થઈ કે નહીં, તો મેધાને આ આખી વાત કરીશ તો એ એનાં અંદાજમાં કહેશે કે, “”તું કદી સુધરવાની નથી…! સપનાના ગગનમાં વિહાર કરવાનું છોડ અને ધરતી પર આવ…!” હું હજુયે અડધી તંદ્રામાં અને મારા સપનાનાં કેફમાં હતી. મને થયું કે મારે હંમણાં જ મેધાની સાથે વાત કરવી જોઈએ અને હું ફેસબુકની એપ્લિકેશન ‘મેસેન્જર’ ખોલીને, આઈ ફોન પર…‘મેધા’ ટાઈપ કરીને લાસ્ટ નેમ માટે અટકું છું. ‘શું હતી મેધાની સરનેમ?’ અને અચાનક જ…મારી એ અર્ધતંદ્રા તૂટી ને હું વાસ્તવિકતામાં ફેંકાઈ ગઈ..! જાણે મારા મસ્તક પર સમયે હથોડો મારીને મને જગાડી…! “અરે, આ તો સપનું હતું…! રીયલ લાઈફમાં તો ચાર દસકાથીયે વધુ સમય સરી ગયો છે, મેધાને મળે કે એની સાથે કોઈ પણ કોન્ટેક કરે!”

મેધા તો લગ્ન કરીને એકાદ વરસ જ ભારત રહી અને પછી મસ્કત જતી રહી હતી. એનો ત્યાર પછી કોઈ જ નિયમિત સંપર્ક તો નહોતો, હા, શરૂઆતમાં વચ્ચે વચ્ચે એનાં પત્રો આવતાં પણ છેલ્લા પાંત્રીસથીયે વધુ વરસોથી તો મેધાના કોઈ જ ખબર કે આસાર નહોતાં.

તો, મારા એ વિચિત્ર સપનામાં, કોણ જાણે ક્યાંથી, ઓચિંતી જ મેધા મારા ફેસબુક પર ચેટ કરતી મળી આવી? હું જાતજાતનાં વિચારોના વમળોમાં ફંગોળાતી રહી. શું આ નિયતિનો કોઈ સંકેત હતો? ક્યાં હતી મેધા? મસ્કતમાં કે ભારતમાં?? મેધાની પરણ્યા પહેલાની સરનેમ તો પાટીદાર હતી પણ પરણ્યા પછીની સરનેમ શું હતી?  મને યાદ જ નહોતું આવતું. કેવી રીતે આટલી સરસ સખીનો સંપર્ક મેં સાવ જ છૂટી જવા દીધો? એનો છેલ્લો પત્ર આવ્યો તો હતો પણ હું મારામાં જ વ્યસ્ત થઈ ગઈ અને ….!’ આ સપનાએ જ મૂછ મરડીને સૂતેલા સવાલોના નાગને  જગાડી દીધો હતો, અને મને હચમચાવી દીધી હતી.

મેધા વરસોનો આ ગાળો આમ એક ઝાટકે ઓળંગીને મનમાં ઘર કરી ગઈ હતી. મેધાનો વિચાર અડધી રાતેય મનમાંથી ખસતો નહોતો. મેધામય થયેલી હું વિચારતી રહી કે જિંદગીનો સાથ નિભાવતાં, મેં જોયું પણ નહીં કે પાછળ કેટલું બધું છૂટી રહ્યું છે……!

હવે તો મેધાને શોધવી જ રહી, પણ ક્યાં અને કેવી રીતે? ક્યાં હશે એ મારી વ્હાલી સખી? શું કરતી હશે?

રીયલ લાઈફમાં તો હું ફેસબુક વાપરવાનું નવું નવું જ શીખી હતી. સાચા અર્થમાં તો એ માટે હજુ કમ્પ્યુટર પર ડાફાં જ મારતી હતી! ફેસબુકના બધા ફીચર્સ હજુ તો આવડતાં પણ નહોતાં, છતાં પણ, રાતના સાડાત્રણ વાગે, મેં ફેસબુક પર મારું સ્ટેટસ અપડેટ કર્યુંઃ

તુ કહાં યે બતા…! માને ના મેરા દિલ દિવાના”,બસ, મેધા લખવાનું બાકી રાખ્યું…!


સુશ્રી જયશ્રી વિનુ મરચંટનો સંપર્ક jayumerchant@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.


આ વાર્તાનો બીજો ભાગ ૨૯-૩, રવિવાર,ના રોજ પ્રકાશિત થશે….