આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ર. વૈદ્ય

ગઈ સદીના ૧૯૬૦-૭૦ નાં વર્ષોની આસપાસના સમયની વાત છે. તે ગાળામાં બે વાર અમારા વિસ્તારના ધારાસભ્ય રહી ચૂકેલા શ્રી કુંદનલાલ ધોળકિયા વ્યવસાયે વકીલ હતા. તેઓ એક ટર્મ તો ગુજરાત વિધાનસભાના સ્પીકર પણ હતા. એમની વકીલાતની ઓફિસ મુખ્ય રસ્તા ઉપર જ પડતી. બજાર જતી વખતે ડોકું ફેરવો તો તેની બારીમાંથી તેઓ અને તેમની સામે બેઠેલા મુલાકાતીઓ દેખાઈ જાય. ઓફિસમાં દાખલ થવાનો માર્ગ બાજુની ડેલીમાં થઈને હતો. ડેલીના તોતિંગ બારણા આપણે પોતે જ ઉઘાડીને દાખલ થઈ શકીએ. ત્યાં કોઈ દરવાન ન હતો કે ન હતા કોઈ પોલીસવાળા. એમની આસપાસ કોઈ પહેલવાન બાઉન્સરો પણ દેખાતા નહીં. એ પદ ઉપર હતા ત્યારે કે પછી, ચૂંટણી હારીને પદ પર ન હોય ત્યારે તેમની વકીલાત ચાલુ રહેતી કારણ કે એ તેમનો મુખ્ય વ્યવસાય હતો. જન પ્રતિનિધિ હોવું તે સમાજ સેવાનો એક ભાગ હતો.
તેઓ કંઈ મોટો અપવાદ ન હતા. એ જમાનામાં રાજકારણમાં પડેલા મોટા ભાગના લોકોને પોતાનો એક વ્યવસાય હતો અને રાજકારણ જિંદગીનું માત્ર એક પાસું હતું. વકીલો ઉપરાંત ડોક્ટરો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ ચૂંટણી લડતા અને નગરપાલિકા, વિધાનસભા અને લોકસભામાં જતા. બીજા શબ્દોમાં કહો તો એ પાર્ટ-ટાઇમ પ્રવૃતિ હતી. અમારા શહેરમાં કેટલીક ગ્રહીણીઓ પણ કોર્પોરેટર અને વિધાનસભ્ય બની હતી. આ બધા લોકોને ચૂંટણી લડે ત્યારે હારી જવાનો ડર ન હતો કારણકે એ બધા બીજી રીતે વ્યસ્ત હતા જ. આપણે જાણીએ છીએ કે આઝાદીની લડતમાં ઝંપલાવનારા પણ મુળે કંઇક વ્યવસાય કરતા જ હતા. મોરારજીભાઈ દેસાઈ જેવા ઘણા તો સરકારી નોકરીમાં પણ હતા. પાછળથી એવું થયું કે બહુ જ ટોચના નેતાઓ વ્યવસાય પાછળ ધ્યાન આપી ન શક્યા અને અપવાદરૂપે પૂર્ણ વેળના રાજકારણી બની ગયા. તેનું મોટું ઉદાહરણ ગાંધીજી પોતે જ.
આ ચિત્ર આજ કરતાં તદ્દન જુદું જણાશે. છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી ક્રમશઃ એવા લોકો રાજકારણમાં આવવા લાગ્યા છે જેને વિકલ્પે કોઈ વ્યવસાય જ નથી. રાજકારણ કરવું એ એક જ કામ તેમને આવડે છે. તે ઉપરાંત આ હોદ્દાઓનાં મહેનતાણાં એવા આકર્ષક છે કે બીજી નોકરી કે ધંધો હોય તો પણ તે ફીકાં લાગે ! તે ઉપરાંત વિશેષ અધિકારો જુદા. એટલે હવે તો ચૂંટણી જીતવી બહુ અગત્યની બની ગઈ છે. ૧૯૭૬ પછી તો સાંસદ અને ધારાસભ્યોને પેન્શન પણ મળવા લાગ્યાં છે. આથી જનપ્રતિનિધિ બનવું એ વ્યાખ્યાથી જ હવે વ્યવસાય (એમનું પ્રોફેશન) બની ગયું છે; તે એટલે સુધી કે જેમ વેપાર ધંધો વારસામાં જાય તેમ રાજકીય પદો પણ વારસામાં દેતા જવાની ઈચ્છા, લાલચ અને દોડ લાગી પડ્યાં છે. આપણું માનસિક વલણ સામંતવાદી હોવાથી પ્રજા પણ ઘણીવાર વંશ ના વારસો ને જ પોતાની માથે બેસાડે છે. આવા ઉદાહરણો ઉપરથી નીચે, જિલ્લા સ્તર સુધી ફેલાયેલા છે અને તેમાં પક્ષ પક્ષ વચ્ચે કોઈ ફરક નથી.

પગાર અને ભથ્થા ઉપરાંત બીજી સગવડો એટલી બધી છે કે આમાંથી નિહિત સ્વાર્થ ઉભો થાય છે. વિશેષાધિકારો આદત બની જાય છે અને તેને ન છોડવા માટે જે કરવું પડે તે નેતાઓ કરે છે, જેમ કે જો અમુક પક્ષ ની ટિકિટ ન મળે તો પક્ષ જ છોડી દે છે. પોતાને ન મળે તો પુત્ર-પુત્રીઓ માટે ટિકિટ મેળવવા માટે સોદા થાય છે. આને કારણે વિચારધારા જેવું કોઈ વળગણ હવે રહ્યું નથી. એ જમાનામાં આયારામ-ગયારામ પ્રખ્યાત થયા હતા,પણ . હવે તો ધુરંધરો ય આશ્ચર્ય પમાડે તે રીતે તદ્દન વિરુદ્ધ ની વિચારધારાની ટ્રેનમાં ચડી જાય છે. સુજ્ઞ વાંચકોને આવાં ઉદાહરણો પોતાની આસપાસ મળી રહેશે. જો વિચારધારા અગત્યની ન હોય તો મૂલ્યનિષ્ઠા પ્ણ ન જ હોય; આથી ભ્રષ્ટાચારનો પણ છોછ નથી રહ્યો. છૂટોછવાયો ભ્રષ્ટાચાર કદાચ સીત્તેર વર્ષ પહેલાં પણ હશે પરંતુ એ ત્યારે શરમની વાત હતી. આજે ન નેતા, ન પ્રજા, ભ્રષ્ટાચારની વાતથી ચોંકે છે.
વ્યાવસાયિક રાજકારણીઓને માટે યેન કેન પ્રકારે ચૂંટણી જીતવાની જરુરત રહે છે. આ નવી તરાહના કારણે ચૂંટણી લડવાનો ખર્ચ પણ આકાશે પહોંચ્યો છે. તેથી સીધા સાદા સમાજસેવક માટે ચૂંટણી લડવી અસંભવ બની ગઈ છે. એક સર્વે મુજબ દેશના વિવિધ રાજ્યોના વિધાનસભ્યોમાં છ થી આઠ ટકા તો અબજોપતિ છે. કરોડપતિ વિશે ખબર નથી પરંતુ લખપતિ તો લગભગ બધા જ હશે. લખપતિ ન હોય તે લોકશાહીના મંદિરમાં પ્રવેશ કરી શકે તેમ જ નથી. ( આમાં માત્ર સામ્યવાદી પક્ષના સભ્યો અપવાદરૂપ છે.)
સમય જતાં એક બીજો તફાવત પણ સ્પષ્ટ રીતે ઉભો થયો છે. આઝાદી પછીના વીસ પચીસ વર્ષ સુધી વહીવટી અમલદારો અને રાજકારણીઓ ના કાર્યક્ષેત્ર અલગ હતાં. બંને સ્વતંત્ર રીતે કાર્ય કરતા. આપણા બંધારણમાં જ કાર્યપાલિકા (એક્ઝિક્યુટિવ – વહીવટ કરનારા) અને સાંસદ/ધારાસભ્ય એટલે કે ચૂંટાયલા પ્રતિનિધિ ને અલગ રાખવામાં આવ્યા છે. પહેલાના વખતમાં યશ પામી લેવાની હોડ તો હતી નહીં જ, પરંતુ અમલદારની નિપુણતાના યશને ચોરી લેવાનો પ્રયત્ન પણ રાજનેતા કરતા નહીં. આ ક્રમશઃ એવું બદલી ગયું છે કે જિલ્લા સ્તરે સંસદ સભ્ય અને તાલુકા સ્તરે વિધાનસભ્યો પોતાને સ્થાનિક શાસક સમજવા લાગે છે. વહીવટી તંત્રમાં દખલ દેવાને કે તેને હુકમ દેવાને પોતાનો અધિકાર સમજે છે, જે અગાઉ ન હતું. તેને બીજી રીતે જુઓ તો રાજકારણી વર્ગે પોતાનાં કામ એટલા વધારી દીધાં છે કે લોક પ્રતિનિધિ બન્યા પછી પોતાના અંગત વ્યવસાય ઉપર સમય આપવો મુશ્કેલ પણ થતો હશે અને એટલે જ વ્યવસાયી લોકો પણ રાજકારણમાં આવીને પૂર્ણ વેળના રાજકારણી બની જાય છે.
આ સિવાય ઘણા નેતાઓ વિવિધ પ્રકારના ટ્રસ્ટોમાં ટ્રસ્ટી તરીકે ગોઠવાઇ જાય છે, જેવા કે સામાજિક, ધાર્મિક, સાહિત્ય કે મંદિરના ટ્રસ્ટ. રમતગમતને લગતાં દેશનાં બધાં જ ફેડરેશનમાં રાજકારણીઓ આજીવન હોદ્દે બેઠા છે. એક રીતે એ તેઓની પબ્લિક રિલેશન્સ પ્રવૃત્તિ છે. નેતાજી સેવા તો આપે છે પરંતુ તે સાથે પોતાની જાતનું માર્કેટિંગ પણ તેણે કરવું પડે છે, જેથી કરીને રાજકારણમાં ટકી શકાય. એ વધુ પડતું થઈ જાય ત્યારે ક્યારેક એ પ્રજા ઉપર ઉપકાર કરતા હોય તેવી ભાષા પણ આવી જાય છે. સત્તા વિના સેવા ન થઈ શકે એવો કદાચ તેઓનો ખ્યાલ હશે. એ લોકોને જોયા પછી આવતી પેઢીઓને વિનોબા, જયપ્રકાશ, મધર ટેરેસા, ઈલા ભટ્ટ વગેરે જેવા સેવકોએ સત્તા વિના સેવા કરી અને નેતૃત્વ પણ કર્યું એ વાત તદ્દન દંતકથા જેવી જ લાગશે.
સાંદર્ભિક તસવીર – નેટ પરથી
સૌજન્યઃ નવનીત સમર્પણ, ડિસેમ્બર, ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
