સરયૂબેન પરીખની જીવન સફર આપણી યાત્રાના પહેલા પડાવમાં આપણે તેમનાં બાળપણ, તેમનાં માતુશ્રીનાં વ્યક્તિત્વનો તેમના પર પ્રભાવ અને દિલીપભાઇ સાથેનાં તેમનાં લગ્નના તબક્કાઓ થી અવગત થયાં.
હવે આગળ …

૪. અમેરિકામાં આગમન…

લગ્ન પછી, અમદાવાદના પાંચ ઓરડાનાં ઘરમાં નવા પરિવારના અગ્યાર સભ્યોની સાથે, મે-જૂનની ગરમીમાં રહેવાનો ‘લ્હાવો’ મળ્યો. એ અનુભવને લ્હાવો માનીને મેં આવકાર્યો હતો. હનીમૂન પર જવાની વાત નીકળતા મેં ના ભણી હતી. પરંતુ સાથે મુસાફરી કરવાની તક અનાયાસ મળી હતી. દિલીપે આવતા પહેલાં ન્યૂયોર્કથી મોટું shipment રવાના કર્યું હતું તેને લેવા અમદાવાદથી મુંબઈ ગયાં હતાં. ઘરમાં આવેલી અનેક સુંદર વસ્તુઓથી ખુશ થઈ દિલીપને વિંટળાતા કુટુંબને જોવાનો મને અનેરો આનંદ હતો. આપણા ભારતીય સમાજમાં સાસરે જતી કન્યાને, ‘પતિના પરિવારને પોતાનો માનવો’ એ સલાહ-સમજ અનન્ય હોય છે. એ સમયે મને એક વાર્તાલાપ યાદ આવતો. સોળ વર્ષની સરયૂને તેનાં મામીએ પૂછ્યું, “મોટી થઈને તું શું કરીશ?” ભોળી કિશોરીનો જવાબ હતો, “હું સુખી થઈશ…અને સુખી કરીશ.” એ વાક્યને યથાર્થ કરવાનો સમય આવી ગયો હતો. સ્વભાવ અને લાગણીનાં ઉતાર ચઢાવનાં અવરોધો આવે, પણ ઊંડે અંતરમાં સ્નેહનું ઝરણું સતત વહેતું હોય ત્યાં સંબંધ તૂટતા નથી…અને બાકીના…શુષ્ક થઈ ઓસરી જાય છે.

ક્યાંનો પરિચય, શું છે સગા, પ્રશ્નો પૂછ્યાનો કોઈ અર્થ નહીં.
સ્નેહ તાર સંગતમાં ઝણઝણે, કોણ એ વગાડે કોઈ શર્ત નહીં.

ત્રણ મહિનામાં મને અમેરિકા આવવા માટે Green Card પરવાનગી મળી ગઈ. પહેલી વખત એરોપ્લેનમાં મુસાફરી!!! મેં ભારતમાં એકલા મુસાફરી ઘણી કરેલી તેથી આ નવા રોમાંચક અનુભવ માટે ઉત્સાહિત હતી. એ સમયે માતા-પિતા અને ભાઈ-ભાભી ભાવનગરના ઘર ‘ગંગોત્રી’માં સાથે હતાં…તેથી છોડીને આવવાના દુઃખ કરતા દિલીપ પાસે જવાનું આકર્ષણ જોરદાર હતું. ઉડાન દરમ્યાન હસવાની વાત એ હતી કે  Air Franceમાં જાહેર સૂચનાઓ એકેય ભાષામાં સમજાતી નહોતી, તેથી દેશી લોકો એકબીજાને જોઈ લેતા અને અનુસરતા. ન્યૂયોર્કના વિશાળ એરપોર્ટ પર, સિલ્કની લીલા રંગની સાડીમાં, ત્રેવીસ વર્ષની સુંદર સરયૂને જોઈને દિલીપને એની છબી દોરવાની ઉત્તેજના થઈ. સાથે દિયર સંજયભાઈ હતા, જે બે મહીના પહેલાં વિદ્યાર્થી તરીકે ભારતથી આવી ગયા હતા. દિલીપની વોક્સવેગન-બગમાં કલાકની સફર કરી, Princeton, NJના મજાના એક-બેડરુમવાળા એપાર્ટમેન્ટમાં પહોચ્યાં.

ઓક્ટોબરની ગુલાબી ઠંડીમાં સર્વ અજબ-ગજબ અને આનંદમય લાગતું હતું. એક મોટા બોક્સ જેવું ટેલિવિઝન હતું. અહા! black/white કેટલું સરસ દેખાય છે! અમારા એક સમજદાર મિત્ર તેની ભલી પત્નીને કહેતા, ‘color ટેલિવિઝન તો ધાબા ધાબા જેવું દેખાય. આ જ સરસ.’ નિત્યક્રમ શરૂ થયો. વહેલા ઊઠી દિયરનું લંચ તૈયાર કરું, અને દિલીપ તેમને ન્યૂયોર્ક જતી બસ પર મૂકીને પોતે નોકરી પર જાય. હું ઘરે એકલી. થોડા દિવસોમાં એક નવી ઓળખાણ થતાં, તેમણે અંગ્રેજી સુધારવા  soap opera જોવાનું માર્ગદર્શન આપ્યું. રજાના દિવસે થેલીઓ લીધા વગર સ્ટોરમાં ખરીદી કરવા દિલીપ કારમાં લઈ ગયા. વાહ! જે જોઈએ તે જાતે ઉપાડી લેવાનું! ‘આટલું જોખી આપો’ એવી રાહ નહીં જોવાની. દિલીપ કહે, ‘pancake સરસ લાગે. બોક્સ પર લખેલી રીત પ્રમાણે બનાવજે.’ રવિવાર સવારે વહેલા ઊઠી ઉમંગથી તૈયારી કરી. અમે ઈંડા સિવાય શાકાહારી. સૂચના પ્રમાણે કર્યું, પણ છેલ્લા પગથિયે ગરમ પાનમાં બધું ખીરું રેડી દીધું. આમ પેનકેક ને બદલે  ઢીલી પોચી કેક બની ગઈ.

મારાં જેઠ કિરીટભાઈ, Boston, Massachusettsમાં M.S. કરતા હતા. તેઓ પ્રિન્સટન આવ્યા…તેમની સાથે પહેલી મુલાકાત, પહેલી ક્રિસમસ, બરફના ઢગલા…તેમાં ખુલ્લામાં પાર્ક કરેલી કાર પર બરફ ખસેડવાની ક્રિયા કરતાં પડવા-આખડવાનું, અને ક્યારેક ચાલુ થતા…ડચકા ખાતી કારની સેવા અમે બધાં મળીને કરતાં રહેતાં. બે વર્ષ પછી થયેલો અનુભવ યાદ કરું… નોકરી પર કાર-ડ્રાઇવ કરવાનો મારો વારો હતો. આખા દિવસની બરફવર્ષાથી વોક્સવેગન-બગ સફેદ ગુફા જેવી હતી તેમાં બે બહેનપણીઓ ગોઠવાઈ ગઈ. મેં તો થોડો કાચ સાફ કરી ડ્રાઈવ કરવાનું શરૂ કર્યું. રસ્તો પણ સરખો દેખાતો નો’તો. પછી તો…બિનઅનુભવી ડ્રાઈવરને બરાબરની બીક લાગી. બરફમાં સીધી ચાલતી કાર ક્યારે બીજી દિશામાં ફરી જશે તે ખબર ન પડે. એવામાં સલામત રહ્યાં તે દૈવી કૃપા!! એ અરસામાં, હિંદી ગીતોની જગ્યાએ “I never promised you a rose garden…” “I never going to be in love with anyone but you…” જેવાં ગીતોએ સ્થાન લીધું. ન્યૂજર્સીમાં હિંદી મુવી જ્યાં બતાવે ત્યાં…વરસાદ હોય કે બરફ, મારા આગ્રહને લીધે જોવા જવાનું જોખમ ખેડ્યું હતું.

મારી એક એ અણસમજ હતી કે, ‘બહુ વર્ષો ભણી. હવે કોલેજમાં વધારે નથી ભણવું.’ તેથી ‘કમ્પ્યુટર’નો ચાર મહિનાનો કોર્સ કરવાનું નક્કી કર્યું. એ સમયે એન્જિનિયરનો પગાર લગભગ હજાર ડોલરનો હતો. તો પણ, મારાં કમ્પ્યુટરના અભ્યાસ માટે $૧૬૦૦ ડોલર ખર્ચવા યોગ્ય લાગ્યા. હાથમાં પ્રમાણપત્ર આવ્યું, પણ, ‘No experience, No job’ વમળમાં અટવાતી રહી. સમય પછી લાગ્યું કે, આ દેશમાં આવીને સરખો અભ્યાસ કરીને યોગ્ય degree લેવી જરૂરી છે…shortcut નહીં. એ સમયે ભારતના સામાન્ય પરિવારમાંથી આવતાં વિદ્યાર્થીઓની જેમ, અમેરિકામાં કમાઈને દેશમાં પૈસા મોકલવાની જવાબદારીઓ અને નૈતિક ફરજની લાગણી સતત રહેતી. પોતે કમાઈ ને પોતાના માટે જ વાપરવું, તેવું અંતર-અવાજ કરવા જ ન દે.

૧૯૭૦ પછીના થોડા વર્ષો…જ્યારે એન્જિનિઅરોને મોટી સંખ્યામાં નોકરીમાંથી (lay-off) છૂટા કરતા, તેમાં દિલીપનો પણ વારો આવી ગયો. ચિંતાજનક પરિસ્થિતિ હતી, એ કાળમાં સરયૂ-દિલીપને એક બીજામાં ધીરજ અને સ્થિરતાનો પરિચય થયો. જે કામ મળે તે કરવાનું મેં નક્કી કરી, ઈલેક્ટ્રિક સોકેટ બનાવવાનું કામ કલાકના $૧.૬૦ના દરથી, દિલીપની અનિચ્છા છતાં સ્વીકાર્યું. પહેલે દિવસે મશીન પર બેસી અભણ લાગતી બહેનો પાસે કામ શીખી. ઘરે જવાનાં સમયે મને હાથમાં સાવરણો પકડાવી મશીન આસપાસની જગ્યા સાફ કરવાનું કહ્યું…ત્યારે, દેશમાં પ્રવૃત્તિઓમાં પહેલી હરોળમાં રહેનાર અને PhD. કરતી સરયૂની ધીરજનો અંત આવી ગયો. બહાર આવી, કારમાં રાહ જોતા દિલીપ પાસે અનાયાસ રડી પડી!!! દિલીપ કરુણ ભાવથી તેને સાંત્વના આપતા કહે, “બસ, કાલથી આ નોકરી બંધ.” પણ, નવો દિવસ અને નવો વિશ્વાસ…આઠેક મહિના ત્યાં, પછી ઓફીસમાં કલાકના ૨ ડોલરમાં કામ કર્યું. દિલીપ પણ નોકરી કરતા હતા અને એન્જિનિયરની નોકરી શોધતા હતા. આવા સમયમાં અન્યોન્યનો સાચો પરિચય થાય છે. પણ હજી વધુ કસોટી તો આવી રહી હતી.

૧૯૭૧માં દિયર ભારત જઈ લગ્ન કરી આવ્યા અને અમે પ્રિન્સટનના બે-બેડરૂમનાં એપાર્ટમેન્ટમાં ચાર  ગોઠવાયાં. એ દિવસ યાદ છે જ્યારે મને ખાંસી આવતી હોવાથી તપાસ કરાવવા ગયા. નસીબ સારા કે ડો.ટેઈટ મળ્યા, જે ચેપી રોગોના નિષ્ણાત હતા. ‘ટેસ્ટના પરિણામ જણાવશું’ એ સાંભળી અમે બહાર નીકળ્યાં. સાંજનો સમય, દિલીપ મુનિભાઈને, જેમને રોટરી ક્લબ તરફથી ચાર મહિના માટે Exchange Programમાં અમેરિકા આવવાની તક મળી હતી, એરપોર્ટથી લઈને આવ્યા હતા. ત્યાં ફોનની ઘંટડી વાગી અને “સરયૂ, તમને tuberculosis છે.” તેમ કહ્યું. મેં આંસુનાં પડદા પાછળથી જોયું તો મારી સામે દિલીપ, મુનિભાઈ ચિંતા ભરી નજરે જોઈ રહ્યા હતા. તરત હોસ્પિટલમાં, quarantine, એકાંત રૂમમાં દાખલ કરવામાં આવી, જ્યાં અંદર આવનારની આંખો જ દેખાય. એકલતા કેવી હોય તેનો અનુભવ થયો. ચિંતા કરતાં સ્વજનોને માટે શાતા આપતી એક સારી વાત બની. બીજે દિવસે જ એક ભાવનગરના મિત્ર, ડો.ભટ્ટી મળવા આવ્યા અને તેમણે ટીબીના બિહામણા સ્વરૂપને મઠારીને સમજાવ્યું. તેથી મુનિભાઈ થોડી ઓછી ચિંતા સાથે ભારત પરત ગયા, અને દિલીપમાં હિંમત આવી. હંમેશા સંતુલિત રહેનાર સરયૂને એ સમયે, ‘દિલીપનું લંચબોક્સ બરાબર તૈયાર નહીં થતું હોય’ એવા નાના વિચારથી પણ આંસુ ઉભરાતાં. પચ્ચીસ વર્ષની આયુમાં પહેલી વખત પરદેશની હોસ્પિટલમાં પંદર દિવસ રહ્યા પછી, ભવિષ્ય કેવું રહેશે તેની શંકા સાથે હું ઘરે પાછી આવી. આ અનુભવ દરમિયાન, દિલીપમાં મને વિશ્વાસની અનુભૂતિ થઈ. એકબીજામાં શ્રધ્ધાનો ભાવ સ્થિત રહેવા માટે દ્વિપક્ષી પરિપક્વતા જરૂરી છે.

નવી કાર, વાદળી રંગની ‘ડસ્ટર’, એકાદ વર્ષ પહેલા દિલીપે ખરીદેલી તે લઈને સંજયભાઈ અને તેમના પત્ની નોકરી પર જતાં હતાં…અને સખત અકસ્માત થયો. બંને ઘાયલ થયાં પણ સદભાગ્યે બચી ગયાં. કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેઓની સંભાળ લીધા પછી દિવાળી વખતે અમે ભારત ગયા.

ત્રણ વર્ષ પછી ભારત ગયા તો ખરા, પણ મળવા માટે. ભારતમાં Microelectronicsમાં નોકરી મળવાની શક્યતા ઓછી અને બાળકો થયા પછી, ત્યાંની શાળાઓની શિક્ષણ પદ્ધતિની અવ્યવસ્થાએ અમને હંમેશને માટે દેશમાં પાછા ફરતાં રોક્યા હતાં. જે મિત્રો ભારત જઈને રહ્યાં…તેમના કિશોર સંતાનોને અમેરિકા ભણવા આવવાની મુશ્કેલી લાગતાં, માબાપ પર નારાજ થતાં જોયા હતા.

૫. કેલિફોર્નિયા તરફ પ્રયાણ…     

૧૯૭૩માં અમે ચારે જણા ન્યૂજર્સીમાં કામચલાઉ નોકરી કરતાં હતાં. દિલીપે પોતાના અભ્યાસ અને અનુભવને યોગ્ય નોકરી શોધવાનો નિશ્ચય કરી, કામચલાઉ નોકરી છોડી દીધી. એ પછી, એક પછી એક કદમ અજાણ અને અનિશ્ચિત પથ પર મૂકવાનું સાહસ કર્યું…એકાદ આશાસ્પદ નોકરીની શક્યતાના આધારે પ્રિન્સટનથી, ત્રણ હજાર માઈલ દૂર કેલિફોર્નિયા દિલીપે એકલા ડ્રાઈવ કરીને જવાની વિચારણા કરી. જુલાઈ મહિનામાં, એરકન્ડિશન વગરની કારમાં સામાન ભરી દિલીપે સફર શરૂ કરી. અણધારી મુશ્કેલીઓ આવી તેનું દિલીપની સમય સૂચકતાથી નિરાકરણ થઈ ગયું. તેને Texas Instrumentમાં નોકરી મળી, પણ તેની યોગ્યતા અનુસાર નહોતી, તેથી હિંમત કરી ના પાડી અને આગળ અજાણ ભવિષ્ય તરફ મુસાફરી ચાલુ રાખી. પ્રયત્ન કરનારને નસીબ યારી આપે તેમ… દિલીપે પસાર થતાં, Anaheim, Californiaમાં  Rockwell International કંપનીનું નામ વાંચ્યું. વાગ્યું તો તીર, નહીં તો થોથું…એ વિચાર સાથે બીજે દિવસે ગયા. ‘સરકારી કામ, તેથી અમેરિકન નાગરિકને જ નોકરી મળે,’ કહેતી પહેલી ‘ના’ મળી, પણ સાથે સૂચના મળી…બાજુના Divisionમાં પ્રયત્ન કરો. ત્યાં બીજી ના…“લંચ સમય છે તેથી કોઈ નહીં મળે, પણ આ ફોર્મ ભરીને ટપાલમાં મોકલજો.”

દિલીપે કહ્યું કે, “હું ન્યૂજર્સીથી આવ્યો છું. અહીં બેસીને જ ફોર્મ ભરી દઉં.” કોણ જાણે ગાર્ડને શું વિચાર આવ્યો અને તે અંદર ગયો. વળતા એક મેનેજર સાથે બહાર આવ્યો. દિલીપના પ્રમાણપત્રોથી મેનેજર ઘણા પ્રભાવિત થયા અને કહ્યું કે, “અહીંથી તમને નોકરી આપ્યા વગર નહીં જવા દઉં.”

જેને માટે આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે શુભ સમાચાર દિલીપે અમને પ્રિન્સટનમાં આપ્યા, “Microelectronics Physicist/Engineer” તરીકે નોકરી મળી ગઈ છે… અને સામે મેં પણ શુભ સમાચાર આપ્યા કે અમે માતા-પિતા બનવાના છીએ. જેમ નસીબ આગળથી પાંદડું ખસે અને વાર્તા બદલાય તેમ અમારા જીવનમાં યોગ્યતા પ્રમાણે ઉત્કર્ષની હારમાળા શરૂ થઈ.

ન્યૂજર્સીમાં ચાર વર્ષોમાં જ્યાં રહ્યાં ત્યાં હંમેશા સારી, સુઘડ જગ્યાઓમાં રહ્યાં હતાં. પણ, ૧૯૭૪ના એ સપ્તાહમાં… દીકરી સંગીતાનો જન્મ, અને Disneyland નજીક નવા ઘરની ખરીદી…એક જ સમયે થઈ. દિલીપના પ્રયત્નથી સંજયભાઈને પણ રોકવેલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી તેથી તેઓ નજીકમાં રહેતા હતા. બંને ભાઈઓને એકબીજાનો ટેકો હંમેશા રહ્યો. સંગીતા બે મહિનાની હતી ત્યારે ભારતથી પપ્પા-અમ્મીને અહીંની મુલાકાત માટે બોલાવ્યાં. મજાનું ઘર જોઈ વળ્યાં, જેનો આનંદ પપ્પા-અમ્મીનાં ચહેરા પર ઝળકતો હતો… ‘પરીખ માલિકીનું પહેલું ઘર!’ પછીનાં ચાર મહિના–દરેક શની-રવિ…એક કારમાં છ મોટા અને ખોળામાં સંગીતા સાથે ફરવાનું થયું. પપ્પાને Sequoia National Park અને Yosemite National Park લઈ ગયા ત્યારે તેમનું કવિ હૃદય ડોલી ઉઠ્યું,

શુભ્ર આ સ્વર્ગ સૃષ્ટિ

  (અમેરિકાનું અંશદર્શન)

જોયું  જોયું  પૃથવી  પરનું સ્વર્ગ મેં આજ જોયું
ખોયું  મારું  સ્વપ  મધુરું  સાંચવ્યું’તું  અધુરું
લાંબા લાંબા સમય થકી તે; આજ પ્રત્યક્ષ જોયું….

પાંચ છંદોમાં, ૧૨૦ પંક્તિઓમાં લખાયેલ આ ખંડ-કાવ્ય અદ્‍ભૂત છે.

“અગરબત્તી અને બીજા કાવ્યો”  લેખકઃ કૃષ્ણકાંત પરીખ.

એક જ કમાનાર પર નોકરી છૂટી જવાની લટકતી તલવાર ચમકતી રહેતી. પરંતુ ટૂંક સમયમાં જ દિલીપની કુશળતાની કદર થઈ અને તેને મેનેજરનો ઊંચો હોદ્દો મળ્યો. બે વર્ષમાં સમીરના જન્મ સાથે પરિવારમાં પૂર્ણ સંતોષ અને આનંદની લાગણી છવાઈ ગઈ.

અમેરિકામાં પસાર થયેલા પાંચ વર્ષમાં…નવજીવન, નવસાથી સાથે સાત પગલાં, નોકરી છૂટી જતાં કોઈ પણ ટેકો આપનાર નહીં અને મોટી માંદગી સામેની લડાઈમાં ઉત્તીર્ણ થઈને…જાણે કેલિફોર્નિયાના સ્વર્ગમાં પ્રવેશ મળ્યો.

ડોલરની દુનિયામાં ઘણા પાઠ મળ્યા. Real Estateમાં મૂડીરોકાણમાં સમજ આવતા, મોટી કંપની પર વિશ્વાસ કરી, (escrow) સ્વતંત્ર એજન્સીમાં ડોલર મૂક્યા…જે લુચ્ચી સ્ત્રીએ હડપ કર્યાં અને અંતરધ્યાન થઈ ગઈ. અમારી લાલચી વૃત્તિ ન હોવાથી મોટી મુશ્કેલી ન આવી.


ક્રમશઃ