માહિતી જંક્શન
‘માહિતી જંક્શન’ લેખમાળાનાં લેખિકા લેખન ઉપરાંત બ્લૉગિંગના ક્ષેત્રે પણ સક્રિય છે.
તેમની વેબસાઈટ, Vishakha Info પર માહિતીસભર બ્લોગ લખે છે. તેમજ શોપિઝન પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ‘નોલેજ ગાર્ડન’ અને ‘માહિતી મંચ’ નામક બુકનાં લેખિકા છે. આ પુસ્તકો Amazon અને Flipkart પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત ૬૦ કરતાં પણ વધારે બુકમાં સહલેખક તરીકે હિન્દી અને અંગ્રેજી ભાષામાં લેખો લખેલ છે. નવનીત સમર્પણ તેમજ બુદ્ધિપ્રકાશ સામયિકમાં લેખો પ્રકાશિત થયેલ છે. ગાંધીનગર ખાતેનાં હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર (HCRC) તરફથી લેખન માટેનો “અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ” – ૨૦૨૨ મળેલ છે.
‘માહિતી જંક્શન’ લેખમાળાના માહિતીસભર લેખો લગભગ દરેક વિષયોને આવરી લેતા લેખો હશે જે અમુક જાણી – અજાણી રસપ્રદ માહિતી હળવી શૈલીમાં રજૂ કરશે. લેખમાળામાં રજૂ થનારા લેખોના વિષયોમાં – ઇતિહાસ, સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન – ટેક્નોલોજી, માયથોલોજી, પર્યાવરણ, વ્યક્તિ વિશેષ, કલા – સાહિત્ય વગેરે તેમજ અન્ય એવા વિષયોના લેખો હશે જે લોકોને કંઈક નવીન માહિતી આપતું હોય. લેખની સાથોસાથ લેખના વિષયને લગતો ફોટો પણ હશે જેથી વાચકોને ખ્યાલ આવે.
‘માહિતી જંક્શન’ લેખમાળા દર મહિનાના બીજા મંગળવારે પ્રકાશિત કરીશું.
વેબ ગુર્જરી પર આ લેખમાળા શરૂ કરવાની સહમતિ સંપાદક મંડળ સુશ્રી વિશાખાબહેન મોઠિયાનો આભાર માને છે. તે સાથે આ લેખમાળા વેબ ગુર્જરી પર શરૂ કરવાની પહેલ માટે ગદ્ય વિભાગનાં સંપાદક રાજુલબહેન કૌશિકની પહેલનાં યોગદાન આપણે સાભાર નોંધ લઈએ છીએ.
વેબ ગુર્જરી, સંપાદક મંડળ
સેંગોલ : સત્તા હસ્તાંતરણનું ઐતિહાસિક પ્રતીક
વિશાખા મોઠિયા
તા. ૨૮મી મે, ૨૦૨૩ ના રોજ વડાપ્રધાનના હસ્તે નવા સંસદ ભવનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, અને એની સાથે સદીઓ જૂની એક ઐતિહાસિક પરંપરા પણ ફરી પાછી પુનર્જીવિત કરવામાં આવી હતી. આ પરંપરાએ આપણા દેશની આઝાદી વખતે સત્તા હસ્તાંતરણની પ્રક્રિયામાં પણ બહુ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો, જે ચોલ વંશના રાજાઓ દ્વારા નિભાવવામાં આવતી હતી. તોતો ચાલો જાણીએ – તમિલ પરંપરાના પવિત્ર સેન્ગોલ વિશે, સાથે જાણીશું તેનો પરિચય, ઈતિહાસ અને દેશની આઝાદીના પ્રક્રિયામાં કઈ રીતે મહત્વપૂર્ણ ભાગ ભજવેલ તેમજ અન્ય વિશેષ બાબતો.
સેંગોલનો પરિચય

સેંગોલ શબ્દ તમિલ શબ્દ “સેમ્મઈ” માંથી આવેલ છે, જેનો અર્થ ધર્મ, સચ્ચાઈ અને નિષ્ઠા થાય છે. સેન્ગોલ એ એક પ્રકારનો રાજદંડ છે, જે નીતિપરાયણતાનું પ્રતીક છે. તે રાજાની શાસન શક્તિ અને સર્વોપરિતા દર્શાવે છે. સેંગોલનાં અન્ય અર્થ વૈભવ, સંપદા, સંપન્નતા, નિષ્પક્ષતા તેમજ ન્યાયપ્રિય શાસન પણ થાય છે.
ચોલ વંશના સામ્રાજ્યમાં, જ્યારે એક રાજા બીજા રાજાને સત્તા સોંપતા, ત્યારે સત્તા સોંપણીના પ્રતીક રૂપે તે રાજાને આ સેંગોલ આપવામાં આવતું. આ સેંગોલ રાજગુરુઓ – મહંતો દ્વારા આપવામાં આવતું. ચોલ સામ્રાજ્ય સિવાય આ પરંપરા અન્ય વંશોમાં પણ પ્રચલિત હતી. આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સત્તા હસ્તાંતરણનાં ભાગ રૂપે, ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ની રાતે આ પવિત્ર સેંગોલ જવાહરલાલ નહેરુજીને આપવામાં આવ્યું હતું. આથી સેંગોલ એ અંગ્રેજો દ્વારા ભારતને સત્તા સોંપવાનું પ્રતીક બની ગયું.
ઈતિહાસ :-
સેગોલને રાજદંડ કહેવામાં આવે છે, જે નીતિપરાયણતાનું પ્રતીક છે. આ સેંગોલ ભગવાન શિવનું આહ્વાન કરીને રાજપુરોહિતો દ્વારા રાજાને સત્તા સોંપતી વખતે આપવામાં આવતું. જેમ રાજ્યાભિષેક સમયે રાજાને રાજતિલક કરવામાં આવે તેમ, આ સેંગોલ સોંપવામાં આવતું. વૈદિક પરંપરામાં સત્તાનાં બે પ્રતીક હોય છે : રાજસત્તા અને ધર્મસત્તા. રાજસત્તા માટે રાજદંડ રાજાને આપવામાં આવતો, જ્યારે ધર્મસત્તા માટેનો ધર્મદંડ રાજપુરોહિતો કે ગુરુને આપવામાં આવતો. સેંગોલનો અન્ય અર્થ : સંપદાથી સંપન્ન એવો થાય છે. પ્રાચીનકાળમાં તેને રાજાની શક્તિ અને સત્તાનું પ્રતીક માનવામાં આવતું.
સેંગોલનો સૌપ્રથમવાર ઉપયોગ મૌર્ય સામ્રાજ્યમાં (ઇ.સ. પૂર્વે ૩૨૨ – ૧૮૫) સમ્રાટની શક્તિ નાં રૂપમાં તરીકે થતો હતો. ત્યારબાદ ગુપ્ત સામ્રાજ્યમાં (ઇ.સ. પૂર્વે ૩૨૦ – ૫૫૦) અને બાદમાં ચોલા વંશના સામ્રાજ્યમાં (ઇ.સ. પૂર્વે ૯૦૭ – ૧૩૧૦) અને વિજયનગર સામ્રાજ્યમાં ઉપયોગ થયો હતો. પરંતુ સત્તા સોંપણી તરીકે તેનો ઉપયોગ ચોલ વંશનાં સામ્રાજ્યમાં થયો હતો, અને આ પરંપરા આગળ ચાલતી રહી. આની સિવાય સેંગોલનો ઉપયોગ મુઘલો અને બ્રિટિશરો દ્વારા પણ સત્તા હસ્તાંતરણના રૂપે કરવામાં આવ્યો હતો.
સેંગોલ એક ગોળાકાર લંબદંડ છે, જેની ટોચ પર નંદી બિરાજેલ છે. આ આખો રાજદંડ સોનાનો બનાવવામાં આવતો. નંદી એ નિષ્પક્ષ ન્યાય અને સુશાસનનું પ્રતીક છે. ચોલ વંશના રાજાઓ ભગવાન શિવનાં પરમ ભક્ત હતાં, માટે સેંગોલ પર નંદીનું પ્રતીક છે. આ ઉપરાંત આ સેંગોલને ભગવાન શિવનો આશીર્વાદ માનવામાં આવે છે જે રાજાને નિષ્પક્ષ ન્યાય અને સશક્ત બની શાસન કરવા પ્રેરે છે. એટલા માટે જ રાજાઓને જ્યારે સેંગોલ આપવામાં આવતું ત્યારે, ભગવાન શિવનું આહ્વાન કરીને આપવામાં આવતું.
ભારતની આઝાદી માટે સેંગોલની મહત્ત્વપૂર્ણ ભૂમિકા :-
એ સમયની વાત છે, જ્યારે ભારતને ફરી પાછું તેનું પૂર્ણ સ્વરાજ મળવા જઈ રહ્યું હતું. આખરે ભારત દેશને તેની સત્તા ફરીથી મળવા જઈ રહી હતી, અને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળવાની હતી. લોર્ડ માઉન્ટબેટન જ્યારે ભારત દેશની સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા કરી રહ્યા હતા, ત્યારે તેના મનમાં એક સવાલ થયો કે, ” ભારતની સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા કઈ પરંપરાથી થાય ? માત્ર હાથ મિલાવીને કે સહી કરવાથી પૂરતું નહીં થાય. અંગ્રેજો પાસેથી ભારતને સત્તા સોંપણી તરીકેનું કયું પ્રતીક હોવું જોઈએ ?” આ સવાલ લઈને તેઓ નહેરૂજી પાસે ગયા અને ચર્ચા કરી. દેશની આઝાદીની પળને યાદગાર બનાવવા માટે તેમણે સત્તા હસ્તાંતરણ માટે કયું વિશિષ્ટ આયોજન કરવું જોઈએ અથવા કઈ પરંપરા નિભાવવી જોઈએ તે કહ્યું. નહેરુજી આ સવાલ લઈને સ્વાતંત્ર્ય સેનાની ચક્રવર્તી રાજગોપાલાચારી (રાજાજી) પાસે ગયા અને તેમની સમક્ષ આ સવાલ મૂક્યો. રાજગોપાલાચારી તમિલનાડુના હતા, અને તેઓને સંસ્કૃતિ અને ઈતિહાસ, પરંપરાનું ખૂબ જ જ્ઞાન હતું. નહેરૂજીને રાજાજીના ઐતિહાસિક જ્ઞાન ઉપર પૂરો ભરોસો હતો. રાજગોપાલાચારીજીએ ખૂબ વિચાર્યું, ઐતિહાસિક પુસ્તકો વાંચ્યા અને આખરે આ સવાલનો જવાબ તેમને તમિલનાડુનાં ઈતિહાસમાંથી મળી ગયો. ચોલ વંશમાં જ્યારે એક રાજા બીજા રાજાને સત્તા સોંપતા ત્યારે, સત્તા સોંપણી તરીકે તેને નીતિપરાયણતાનાં પ્રતીક એવો પવિત્ર સેંગોલ આપવામાં આવતો. રાજગોપાલાચારીજીએ નહેરુજીને, સત્તા સોંપણી તરીકે સેંગોલ આપવાની પરંપરા નિભાવવાનું સૂચન આપ્યું. નહેરુજીએ આ સૂચનને સ્વીકાર્યુ, અને તુરંત જ તેમણે તમિલનાડુ ખાતે આવેલ થીરુવદુથુરાઈના પ્રમુખ મઠ – આધીનમ- ના એ સમયના ૨૦મા ગુરુ મહાસન્નિધાનમ શ્રીલાશ્રી અંબલવાણ દેસીગર સ્વામીને સેંગોલની વિધિવત્ પરંપરા નિભાવવા માટેનું નિમંત્રણ મોકલ્યું. સ્વામીજીની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ તેમણે આ નિમંત્રણ સ્વીકાર્યુ. સ્વામીજીએ તુરંત જ મદ્રાસના પ્રખ્યાત સોની વુમ્મિડી બંગાર ચેટ્ટીને સેંગોલ બનાવવા માટેનું ઉત્તરદાયિત્વ સોંપ્યું. તેમણે એક કાગળમાં સેંગોલની આકૃતિ બનાવીને સોનીને મોકલી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સેંગોલ ચોલ રાજાઓના સમયમાં બનતો એવો જ બનાવવાનો છે. એક ગોળાકાર લંબદંડ, જે આખો ચાંદીથી બનેલ હતો અને બહારથી સોને મઢેલ હતો, જેની ટોચ પર નંદીની આકૃતિ હતી. સોની વુમ્મિડી બંગાર માટે આધીનમ તરફથી સેંગોલ બનાવવાની જવાબદારી એ બહુ જ ગૌરવ લેવા જેવી બાબત હતી. અને આ સેંગોલ બહુ મહત્વપૂર્ણ જગ્યાએ જઈ રહ્યું હતું એટલે એની ગુણવત્તા પણ ઉચ્ચ કક્ષાની રાખવાની હતી. એક મહીના કરતાં પણ ઓછા સમયમાં આખરે આ સેંગોલ તૈયાર થઈ ગયો. સેંગોલ તૈયાર થયાની જાણ મઠ પ્રમુખને કરવામાં આવી, દેસીગર સ્વામીએ આ વિધિને સંપન્ન કરવાની જવાબદારી ત્રણ આધીનમને સોંપી :-
૧. આધિનમ ઉપપ્રમુખ : શ્રીલાશ્રી કુમારસ્વામી તમિલાણ
૨. આધિનમના ઓધુઆર વિશેષ ગાયક : માણેકમ્
૩. નાગસ્વર વિદ્વાન : ડી.એન. રાજરત્નમ પિલ્લાઈ
ત્રણેય આધિનમોને સેંગોલ સાથે એક વિશેષ પ્લેન દ્વારા દિલ્લી મોકલવામાં આવ્યાં. ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ ની રાતે કુમારસ્વામી સેંગોલ લઈને લોર્ડ માઉન્ટબેટન પાસે ગયા અને તેમને આપ્યું, લોર્ડ માઉન્ટબેટને એ સેંગોલ સ્વીકારીને કુમારસ્વામીને પરત સોંપ્યું. ત્યારબાદ સેંગોલ પર પવિત્ર જળાભિષેક કરી, શોભાયાત્રાની જેમ નહેરૂજી પાસે લઈ ગયા. કુમારસ્વામીએ નહેરૂજીને પીતાંબર ઓઢાડીને, તમિલ શ્લોકાગાન સાથે સેંગોલ સોંપવામાં આવ્યો.
વિશેષ બાબતો :-
– સેંગોલનું સ્થાન નવા સંસદ ભવનમાં લોકસભામાં અધ્યક્ષનાં સ્થાનની બાજુમાં સ્થાપિત કરવામાં આવ્યું.
– સેંગોલ ધારણ કરનાર વ્યક્તિને ન્યાયપૂર્ણ અને નિષ્પક્ષ રીતે શાસન કરવાનો આદેશ હોય છે.
– સેંગોલને અમુક ખાસ – રાષ્ટ્રીય તહેવારો પર પ્રદર્શન માટે બહાર લાવવામાં આવશે.
– તે અસીમ આશા, અનંત સંભાવનાઓ તેમજ એક સશક્ત અને સમૃદ્ધ રાષ્ટ્ર નિર્માણનો એક સંકલ્પ છે.
તો આ વાત હતી – સત્તા હસ્તાંતરણનાં ઐતિહાસિક પ્રતીક એવા પવિત્ર સેંગોલની. ચોલ વંશીય રાજાઓની એક એવી પરંપરા જે રાજાને શક્તિની સાથે નિષ્પક્ષ ન્યાય અને નીતિમય શાસન કરવા પ્રેરે છે. સૌથી ગૌરવ લેવા જેવી બાબત એ છે કે – આ ઐતિહાસિક પવિત્ર પરંપરાએ આપણા દેશની આઝાદી વખતે પણ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. અને આ વખતે ફરી એકવાર આ ઐતિહાસિક પ્રતીક લોકો સમક્ષ એક નિષ્પક્ષ અને સશક્ત રાષ્ટ્રનાં નિર્માણ માટે સ્થાપિત થયું છે.
સુશ્રી વિશાખા મોઠિયાનો સંપર્ક vishakhawriter@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
