તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
મતાધિકારમાં તો આપણે એકવીસમેથી અઢારમે આવી ગયા, પણ પ્રજાકીય પુખ્તતા પચીસમે વરસે પહોંચતાયે લાંભીશું કે કેમઃ ગોધરા-અનુગોધરા વિષાદે ભર્યા અધ્યાયને ફેબ્રુઆરી ઊતરતે ચોવીસ વરસ થયાં, અને હવે તો પચીસમું બેઠું. પુખ્તતતાની આ જે ખોજમથામણ, એમાં હું જે છેડેથી પ્રવેશવા ઈચ્છું છું તે કંવરપાલ સિંઘ ગિલ કહેતા કેપીએસ ગિલનો છે. વડાપ્રધાન વાજપેયી ગુજરાતનો આંટો મારી ગયા અને રાજધર્મના પાલનનું પ્રબોધન તો કરી ગયા પણ એમને વાસ્તવમાં કરાર વળ્યો નહોતો. તે અરસામાં, લઘુમતી પંચ સાથે સંકળાયેલા તરલોચન સિંઘે એમને સૂચવ્યું કે પંજાબમાં સફળતા મેળવનાર કેપીએસને ગુજરાત મોકલો.
૨૦૦૨ના મે માસના પહેલા અઠવાડિયામાં એ આવ્યા અને, તરલોચન સિંઘના શબ્દોમાં, એમની ખ્યાતિથી પરિચિત પોલીસને થયું કે હવે પોલીસપણામાં આવવું પડશે તેમજ લઘુમતીને પણ ભરોસો બેઠો. ગિલે ગુજરાતમાં વિશેષ અખત્યાર સંભાળ્યો ને શરૂ શરૂના દિવસોમાં જ એ બોલ્યા વિના રહી શક્યા નહીં કે હું અહીં ક્યાંયે કલિંગબોધ જોતો નથી. કલિંગની ફતેહ પછી આ આખી પ્રક્રિયામાં વહેલાં લોહી અને વેરાયેલ વિનાશે સમ્રાટ અશોકને પુનર્વિચારની પ્રેરણા આપી હતી. એમનો પંથ આખો પલટાઈ ગયો હતો. ગુજરાત પહેલાં મેં પંજાબ સહિત જ્યાં જ્યાં હિંસાનિવારક ફાયરફાઈટરનું કામ કર્યું છે ત્યાં ત્યાં પ્રજાકીય ને શાસકીય સ્તરે દસવીસ દિવસમાં તો થતાં શું થઈ ગયું કે કરતાં શું કરી નાખ્યું એ વિશે પુનર્વિચારનો ધક્કો અનુભવ્યો છે.
પણ અહીં એક મહિના પર બીજો મહિનો એમ સમયગાળો વહી રહ્યો છે… અને હજુ પેલો કલિંગ સ્પર્શ, એ તો વેગળો ને વેગળો છે. ગિલ સાથે એમની ગુજરાતની કામગીરી દરમ્યાન મળવાનુંયે થયું હતું, પણ એની વાત ઘડીક રહીને. અહીં માત્ર ગુજરાતે તે પહેલાં જે મોટું કોમી રમખાણ જોયું, ૧૯૬૯ના ગાંધી શતાબ્દી વર્ષમાં, એને સંભારું તો એમાંયે સરકાર ઊણી ઊતરી હશે પણ હિંસા સાથે શાસક વર્ગમાં મેળાપીપણું નહોતું. હા, હિતેન્દ્ર દેસાઈનો ગ્રાફ ઊંચે જઈ રહ્યો હતો એને જફા જરૂર પહોંચી. બાકી, જેપી આંદોલન દરમ્યાન રામનાથ ગોયન્કા સાથે અનૌપચારિક વાતોનો નાતો બંધાયો ત્યારે એમની પાસે સાંભળ્યું છે કે હિતેન્દ્રભાઈ રાષ્ટ્રીય રાજનીતિમાં કદાચ મોરારજીભાઈ કરતાંયે આગળ નીકળી જશે એવું મને લાગ્યું ને મેં એક્સપ્રેસની અમદાવાદ આવૃત્તિનો વિચાર પાકો કર્યો હતો.
જેમ ગિલનું તેમ રિબેરોનુંયે સ્મરણ કરી લઉં. ૧૯૮૫માં માધવસિંહ સોલંકીની સરકાર હતી અને અનામત વિરોધી ઉત્પાતે કોમી વળાંક લીધો હતો. તોફાનો શમવાનું નામ લેતાં નહોતાં અને પંજાબમાં શાંતિ સ્થાપનની યશસ્વી ભૂમિકા ભજવી જાણનાર, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રિબેરોની સેવાઓ લેવામાં આવી હતી. માધવસિંહ સોલંકી પછી મુખ્યમંત્રી પદ સંભાળનાર અમરસિંહ ચૌધરીના શબ્દોમાં ‘રિબેરો સફળ થયા, કેમ કે તે કોઈને બદ્યા બદે નહીં એવી આઝાદ સમજના માલિક હતા. કોઈની શેહમાં આવે તે રિબેરો નહીં.’ જોકે, રિબેરો સાથે નાગરિક સંગઠનના સાથીઓ જોડે વાત કરવાનું થયું ત્યારે એમનો ઉત્તર સરળ હતોઃ ‘મને વાસુદેવ મહેતાએ ઈન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમે એવું શું કર્યું કે તોફાનો જાણે ચાંપ દાબી ને બંધ થઈ ગયાં.
મેં કહ્યું કે પોલીસ ખાતામાં આને સારુ સીધીસાદી એસઓપી (સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર) છે.’ દરેક થાણા પાસે વાંધાજનક તત્ત્વોની યાદી હોય જ. એમને તત્કાળ રાઉન્ડ અપ કરી લો કે મામલો ખતમ. જ્યારે ગોધરા ટ્રેનની નિર્ઘૃણ ઘટના બની ત્યારે જિલ્લા કલેક્ટર જયંતી રવિ હતાં. સાંભળ્યું છે કે એમણે તરત મુંબઈબેઠા રિબેરોનો સંપર્ક સાધી માર્ગદર્શન માગ્યું હતું. આ વાત જો ખરી હોય તો રિબેરોએ એમને બીજું શું કહ્યું હશે, સિવાય કે એસઓપી. બને કે ગોધરા શહેર વિશેષ વકર્યું વણસ્યું નહીં એમાં આ જ બીજમંત્ર કામ કરી ગયો હશે. ગમે તેમ પણ, સ્થાનિક શાંતિ જાળવી રાખવા સબબ કલેક્ટરે જે ‘રાઉન્ડ અપ’થી ભાજપ સાંસદના દબાણ હેઠળ એમની બદલી કરવામાં આવી હતી એ ચોપડે ચઢેલી બીના છે.
૧૯૬૯-૧૯૮૧-૧૯૮૫-૨૦૦૨ના ફલક પર જોઉં છું ત્યારે ૧૯૮૫માં તત્કાલીન રાજ્યપાલ બી.કે. નેહરુને ઉમાશંકર જોશીના નેતૃત્વમાં બિનપક્ષીય નાગરિક મંડળ તરીકે મળવાનું થયું હતું તે સાંભરે છે. તોફાનો શમતાં નહોતાં અને શહેર લશ્કરને સોંપવાની અમારી વાત, સામાન્યપણે લોકશાહી ધોરણે અણગમતી પણ અનિવાર્ય વાત હતી. કવિએ તત્કાલીન રાજકીય-શાળાકીય નેતૃત્વ વિશે વાત કરતાં રમણભાઈ નીલકઠને ટાંક્યા હતાઃ ‘દુર્વૃત્તિઓ જે જગવે જનોની/એ ખેલ માંડે ભયથી ભરેલો/ભર્યાં તળાવો તણી પાળ તોડી/રોકી શક્યાં છે જળધોધ કોણ?’ વળી ગિલને સંભારું. ગુજરાતની કામગીરી પાર પાડી એ પાછા ફરી રહ્યા હતા ત્યારે પણ એમણે અમારી વિદાયમુલાકાતમાં કહ્યું હતું, હું હજી કલિંગબોધ જોતો નથી.
અગિયાર વરસ પછી ૨૦૧૩માં દિલ્હીમાં એમનું જીવનચરિત્ર બહાર પડ્યું- ‘કેપીએસ ગિલ ધ પેરેમાઉન્ટ કોપ’, ત્યારે જોકે ૨૦૦૨ને એમણે બહુધા ‘પોલીસ ફેઈલ્યોર’માં ખતવી કાઢ્યું હતું. પોલીસ ફેઈલ્યોર એ અલબત્ત હતી જ. પણ ૧૯૬૯ અને ૨૦૦૨માં રાજકીય-શાસકીય નેતૃત્વનો જે ભૂમિકાફેર હતો, એનું શું. આ લખું છું ત્યારે ઉમાશંકરને સાંભળું છુઃ ‘દુર્વૃત્તિઓ જે જગવે જનોની…’ આટલું પચીસમા ઉંબરપ્રવેશે, પુખ્તતાની ઓજમથામણાં.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૪-૩-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
