સુધી
– પન્ના નાયક
હું મારા મનની મોસમને
પૂરેપૂરી માણું છું
અને
કોઇને પણ ન પિછાણવાની
મારી લાપરવાહી મારા ખભે નાખીને ચાલતી હોઉં છું.
એકાંત જ મને મારા તરફ લઇ જતું હોય છે
અને મને મારાથી દૂર કરતું હોય છે.
વિશ્વ આટલું સુંદર હશે
એવું મેં શાણપણમાં તો કદીયે અનુભવ્યું નથી
એટલે જ
મને મારું પાગલપન ગમે છે.
અણધારી આ હલચલ થઈ ગઈ
– દેવિકા ધ્રુવ
અણધારી આ હલચલ થઈ ગઈ.
અંદર ઉથલપાથલ થઈ ગઈ.
નાની શી ચિનગારી સળગી,
ભીતર ઝીણી ઝળહળ થઈ ગઈ.
ધૂમ્મસનો વિસ્તાર હટ્યો ને,
કાજલ દુનિયા ફાજલ થઈ ગઈ.
વયનો પડદો હાલ્યો ત્યાં તો,
સમજણ આખી સળવળ થઈ ગઈ.
શીતલ વાયુ સ્હેજ જ સ્પર્શ્યો,
પાંખડી મનની શતદલ થઈ ગઈ.
કોણે જાણ્યું ક્યાંથી આવી,
બૂંદો પલભર ઝાકળ થઈ ગઈ.
