મંજૂષા

 વીનેશ અંતાણી

સામાન્ય રીતે આપણે દુનિયામાં પ્રવર્તમાન માનવસભ્યતાને બે ભાગમાં વહેંચીને જોઈએ છીએ – આધુનિક અને આદિમ. વાસ્તવમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં જન્મેલા અને વસતા માનવો સમાન છે. સૌની શારીરિક રચના એકસરખી છે. સૌ પ્રેમ, ભય, પ્રસન્નતા, દુ:ખ જેવા ભાવો પણ એકસરખા અનુભવે છે. દરેકની પોતાને, પરિવારને, સમાજને, પોતાના દેશ-પ્રદેશને સુરક્ષિત રાખવાની ભાવના પણ એકસરખી હોય છે. ભારતના ગામડાની ઝૂંપડીમાં જન્મેલા બાળક અને દિલ્હી કે ન્યૂ યૉર્ક જેવા મહાનગરના આલીશાન ઘરમાં જન્મ લેતા બાળકના રુદનમાં કોઈ ફરક હોતો નથી. પછી જીવન આગળ વધે છે તેમતેમ માનવોની સંસ્કૃતિ, સભ્યતા, સામાજિક પરંપરા, જીવનશૈલી, વિચારસરણી વગેરેમાં અંતર આવવા લાગે છે.

માનવજાત અનેક સભ્યતામાં વહેંચાઈ ગઈ છે. કોઈ પણ સભ્યતા રાતોરાત વિકસતી નથી. એનાં મૂળ ઊંડાં હોય છે. દરેક સભ્યતાનો આગવો ચહેરો હોય છે. પ્રાચીન સમયમાં માનવો જંગલ-પહાડોમાં વિચરતું જીવન જીવતા, પ્રાણીઓનો શિકાર કરી પેટ ભરતા. પછી ખેતી વગેરેનો વિકાસ થયો અને એમાંથી અલગઅલગ સભ્યતાનો વિકાસ થયો. આજે આપણે બાહ્ય વિકાસને માપદંડ માની કેટલીક સભ્યતાને ‘આધુનિક’ કહીએ છીએ અને આદિવાસી, અરણ્યવાસી અને વિવિધ જનજાતિઓની સભ્યતાને ‘પછાત’ કહેવા લાગ્યા છીએ. એ માન્યતા સાચી નથી. ધ્યાનથી અભ્યાસ કરવામાં આવે તો જેને ‘આદિમ’ કહીને ઉતારી પાડીએ છીએ તે માનવસમૂહ કોઈ પણ રીતે ઊતરતો નથી. વાસ્તવમાં કેટલીય આદિવાસી પ્રજાની જીવનદૃષ્ટિ અને સામજિક રચના આજના કહેવાતા ઉન્નત અને પ્રગતિશીલ સમાજોથી વધારે માનવીય, સંતુલિત અને વિધિવિધાનોની દૃષ્ટિએ વધારે આધુનિક અને પરિપક્વ છે.

બહારથી દેખાતી વિભિન્નતાની ભીતર માનવસમાજને જોડતી ઘણી સમાનતાઓ છે. કોઈ પણ સભ્યતામાં ભાષા, કલા, નૈતિક મૂલ્યો મહત્ત્વનાં ઘટકો છે. એના વિના કોઈ પણ સમાજને ચાલતું નથી. જન્મ, વિવાહ અને મૃત્યુ સાથે જોડાયેલી પરંપરાઓમાં પણ ઘણી સમાનતા છે. દરેક માનવસમાજને પોતાની આગવી વાર્તા-પરંપરાનો વારસો મળ્યો છે. પ્રાચીન સમયની વાર્તાકથનની પરંપરાઓમાંથી આજની વાર્તાઓ, નવકથાઓ, નાટકો, કથાગીતોનો વિકાસ થયો છે. કોઈ પણ સંસ્કૃતિ-સભ્યતા માનવોના આંતરિક વિકાસમાંથી જન્મે છે. ભાષા, બોલી, સંગીત અને અન્ય કળાઓની રજૂઆતની પદ્ધતિ અલગ હોય, પરંતુ એનો મૂળ ઉદ્દેશ માનવોની લાગણીઓને પોષવાનો છે. આનંદ અને શોક વ્યક્ત કરવાની પદ્ધતિ અલગ હોય, પરંતુ એ ભાવો દરેક સભ્યતામાં સમાન હોય છે. શૈલી બદલાય છે પરંતુ આખરે તો બધું માનવભાવોને વ્યક્ત કરે છે – પછી તે આદિવાસી નૃત્ય હોય, લોકસંગીત હોય કે આધુનિક ભવ્ય સંગીતરચના હોય, લોકવાર્તા હોય કે આજની પ્રયોગશીલ કથનરીતિ હોય. ગુફાચિત્રો હોય કે આધુનિક ચિત્રશૈલી હોય.

આજે મોટા ભાગની ‘વિકસિત’ સભ્યતામાં વ્યક્તિગત સિદ્ધિઓને સર્વોત્તમ સ્થાન આપવામાં આવે છે, એની સામે ઘણા આદિવાસી સમાજમાં વ્યક્તિગત ઉપબ્ધિને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી, બલકે એનાં સામૂહિક પરિણામોને મહત્ત્વ આપવામાં આવે છે. એમના દૃષ્ટિકોણ પ્રમાણે વ્યક્તિનો અંગત વિકાસ ગૌણ છે, આખા સમાજનો વિકાસ શ્રેષ્ઠ ઉપલબ્ધિ છે. દક્ષિણ આફ્રિકાના કાલાહારી રણપ્રદેશના ‘સાન’ જાતિની કોઈ વ્યક્તિ બહુ મોટા પ્રાણીનો શિકાર કરે ત્યારે એમનો સમાજ એની સફળતાને ગાઈ-વગાડીને પોંખતો નથી. એમ કરીને તેઓ કોઈ વ્યક્તિમાં ઘમંડ જાગે નહીં એનો ખયાલ રાખે છે, જ્યારે આધુનિક સભ્યતામાં વ્યક્તિગત સફળતાને હદબહાર ચગાવવામાં આવે છે. એનાં દુષ્પરિણામો સામે આવી રહ્યાં છે.

કેટલાય આદિવાસીઓની સભ્યતામાં લગ્નને અંગત સંબંધથી વિશેષ સામાજિક જવાબદારી તરીકે જોવામાં આવે છે. પરિણિત યુગલ એમના પરિવારને સાચવે અને પરિવાર એમને સાચવે એવી ભાવના છે. એની સામે આધુનિક સભ્યતામાં લગ્નજીવનમાં વ્યક્તિગત સ્વતંત્રતાનો મુદ્દો સામે આવી ગયો છે. આધુનિક સમાજમાં ઝડપી ક્મ્યુનિકેશન, ઝડપી નિર્ણયોની માયાજાળમાં માનવ માનસિક શાંતિ ખોઈ બેઠો છે, તાંઝાનિયાની આદિવાસી જાતિ ‘હાડ્જા’ના લોકો દિવસનો બહુ થોડો સમય શિકાર કરવા પાછળ આપે છે. સર્વેક્ષણોનાં તારણો પ્રમાણે તેઓ બાકીનો સમય આનંદપ્રમોદમાં, લોકોને મળવામાં અને પરિવારની સાથે રહેવામાં ગાળે છે. એમને ડેડલાઇનના તનાવમાં જીવવું પડતું નથી.

અભ્યાસીઓ પૂછે છે તેમ પ્રગતિ માનસિક શાંતિ આપી ન શકે તો એનો અર્થ શો? આજનો માણસ કુદરતથી ખૂબ દૂર થઈ ગયો છે. વિકાસના નામે આપણે પ્રકૃતિનો કચ્ચરઘાણ વાળી નાખ્યો છે. દુનિયાના લગભગ બધા આદિવાસીઓ નદી, પર્વત અને જંગલ જેવાં પ્રાકૃતિક તત્ત્વોની પૂજા કરે છે. અમેરિકાની ‘લકોટા’ નામના આદિવાસીઓમાં એક વિચાર જાણીતો છે – ‘બધું એકમેકની સાથે જોડાયેલું છે.’ આટલી સાદી વાત સમજવામાં આવે તો પર્યાવરણની વર્તમાન સમસ્યાનો હલ નીકળી શકે.

આધુનિક સમાજ સમાનતાની વાતો કરે છે, પરંતુ આર્થિક, જાતિગત, ધાર્મિક અસમાનતાઓની ખાઈ વધતી ગઈ છે. દુનિયાભરના રાજકારણીઓ એમના સંકુચિત લાભ માટે માનવસમાજને વિભાજિત કરી રહ્યા છે. એની સીધી અસર સામાન્ય પ્રજા પર થાય છે. માનવજીવનના વિકાસનાં સુપ્રસિદ્ધ અભ્યાસી માર્ગરેટ જાડે લખ્યું છે કે અરસપરસ સહયોગ એ માત્ર નૈતિક આદર્શ નથી, જીવનની મૂળભુત શરત છે. ટેક્નોલોજીના વિકાસથી માનવોને અકલ્પ્ય સુવિધા પ્રાપ્ત થઈ છે. તેમ છતાં એની માનવજીવન પર અનેક નકારાત્મક અસરો પણ દેખાવા લાગી છે.

આ અંગે અલ્બર્ટ આઇન્સ્ટાઇન વર્ષો પહેલાં ચેતવણી આપી હતી કે ટેક્નોલોજીના વિકાસમાં માનવ હોવાના ગૌરવનો પરાજય પણ થયો છે. દરેક મનુષ્ય એકસરખા નથી એ જ માનવજાતિની સૌથી મોટી તાકાત છે. કહેવાતી આદિમ સભ્યતા શીખવે છે કે કેવળ આધુનિક હોવું પર્યાપ્ત નથી. આદિમ અને આધુનિક સભ્યતાનો સમન્વય સાચી દિશા છે. જો માનવજાત પ્રાચીન અને આધુનિક અભિગમને જોડી શકે તો એક એવી સભ્યતા આકાર લઈ શકે, જેમાં કેવળ વિકાસ જ નહીં માનવીયતાનું ઊંડાણ પણ હોય.


શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.