તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ

હજુ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસનાં ઉજવણાં આછર્યાં ન આછર્યાં અને આ ‘બે શબ્દો’ સૂર્યપ્રકાશ જોશે. શરૂઆત, પેલા કહે છે તેમ, શરૂઆતથી જ કરું? યુનેસ્કોએ નવસ્વાતંત્ર્યપ્રાપ્ત બાંગ્લાદેશની સત્તાવાર ભલામણ પછી ૨૧મી ફેબ્રુઆરી સાથે આ દિવસ જોડ્યો હતો. પાકિસ્તાને ઉર્દૂને એકમેવ રાષ્ટ્રભાષા થોપવાની કોશિશ કરી એના વિરોધમાં પૂર્વ પાકિસ્તાન (પૂર્વ બંગાળ)ના છાત્રો સડકો પર ઊતર્યા ને પાકિસ્તાનના હુકમરાનોએ એમને અવિચારી રીતે ડામ્યા: તે દરમ્યાન કેટલાક બાંગ્લા છાત્રોએ શહાદત વહોરી. ૧૯૫૨ની ૨૧મી ફેબ્રુઆરીની આ ઘટના આગળ ચાલતાં સ્વતંત્ર બાંગ્લાદેશના ઉદય ભણી લઈ ગઈ.

આપણે ત્યાં સ્વરાજ આંદોલન જોડાજોડ ધરમ મજહબને ધોરણે જે ‘રાષ્ટ્ર’વાળી ચાલી, એની સામે પાકિસ્તાનનું આ વિભાજન એક જુદી જ મિસાલ પેશ કરે છે અને કથિત મજહબી એકતાને છોડીને ભાષાનો મુદ્દો અગ્રસ્થાને આવે છે. મુદ્દે, ઉર્દૂ ન તો બધા મુસલમાનોની ભાષા છે, ન તો કેવળ મુસલમાનોની ભાષા છે, એ સાદી સુધબુધ નવા પાક હાકેમોમાં નહોતી ને આ નોબત આવી. એની સામે આપણે જે રાહ લીધો, સમવાયી અભિગમપૂર્વક, એને કારણે અલગ અલગ ભાષા સંસ્કૃતિવાળા પ્રદેશોને સહજીવન સારુ મોકળાશ મળી રહી: ક્યારેક નવા ભાગલાની કગારે લાગતું દ્રવિડ આંદોલન આજે છૂટા પડવા જેવા પૂર્વવત્ મિજાજમાં ન વરતાતું હોય તો તેનું રહસ્ય આ વિગતમાં છે.

રહો, આ ચર્ચા કેવળ ઉપખંડકેન્દ્રી બની રહે તે પૂર્વે યુનેસ્કોની ભૂમિકાને જરી સમજીએ. માતૃભાષાના મહિમામંડન સાથે એમાં અનુસ્યૂત આગ્રહ ભાષાવૈવિધ્યના સમાદરનો છે. સમાદર અંગેની એની ચિંતા ને ચર્ચા ક્યાં ક્યાં પહોંચે છે! આપણે તો હિંદી-ચીની-રૂસી-ઈંગ્લિશ-સ્પેનિશ-ફ્રેન્ચ એમ પાંચપચીસ દસવીસ ભાષાઓનાં નામમાં રમીએ છીએ. પણ દુનિયામાં નાની નાની કેટલી બધી થઈને ૮,૩૦૦ આસપાસ ભાષાઓ છે. ઉલટ પક્ષે, દુર્દૈવ વાસ્તવ એ છે કે આજે દુનિયાના વિદ્યાર્થીઓ પૈકી ખાસા ૪૦ ટકા એવા છે જેમને પોતાની માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ નસીબ નથી, કેમ કે અડખે-પડખે બધે જ કથિ મોટી ભાષાઓ જળો પેઠે જામી ગઈ છે અને તે નાની ભાષાઓને ગ્રસતી જાય છે

અગર એને દુય્યમ દરજ્જાનું જીવન જીવતા દૃશ્ય છતાં અદૃશ્યવત્ લોકમાં સીમિત કરે છે. નેશન ફર્સ્ટ, એક ભારત શ્રેષ્ઠ ભારત તરેહનાં દેશ-દેશનાં સ્લોગન તળે નાની ભાષાઓ કાં તો કરમાઈ જાય છે કે પછી નકરી ચંપાતી, નકો નકો જિંદગી બસર કરે છે. ૧૯૬૦માં ભાષાને ધોરણે ગુજરાતનું રાજકીય એકમ અસ્તિત્વમાં આવ્યું- અને છેએએક ફેબ્રુઆરી ૨૦૨૩માં એક વિષય તરીકે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત ગુજરાતી હોય જ, એવું વિલક્ષણ વિધેયક પસાર કરી શક્યા… જાણે નંદ ઘેર આનંદ ભયો. હરખે હુલસતા એક છાપાએ મથાળું પણ મજાનું ફટકાર્યું: ‘હું છું, મારી ભાષા છે, કંઈક થશે એવી આશા છે.’ ભાઈ, આશા તો કે’દીની મંડાઈ હતી, જ્યારે ખુદાવંદ ખંડેરાવના દરબારમાં દલપતરામ વડોદરે ગુજરાતી વાણી રાણીના વકીલ તરીકે પુગ્યા હતા.

આનંદશંકર શરૂ શરૂમાં અંગ્રેજી મારફતે જ શાલેય શિક્ષણના આગ્રહી હતા તે ‘વસંત’ના તત્કાલીન અંકોમાંથી પસાર થનારના ખયાલમાં હોય જ. ૧૯૧૭ના ઓક્ટોબરમાં ભરૂચમાં ગુજરાતી કેળવણી પરિષદ મળી ત્યારે પ્રમુખ સ્થાનેથી ગાંધીજીએ કદાચ એમના જેવાને જ લક્ષ્યમાં રાખીને રેવરંડ ટેલર કૃત સર્વપ્રથમ ગુજરાતી વ્યાકરણના આરંભ ઉદગારો સંભાર્યા હતા કે ‘ગુજરાતી – આર્યકુળની – સંસ્કૃતની પુત્રી – ઘણી ઉત્કૃષ્ટ ભાષાઓની સગી! તેને કોણ કદી અધમ કહે! પ્રભુ, એને આશીર્વાદ દેશો! જુગજુગના અંત સુધી તેની વાણીમાં સદવિદ્યા, સદજ્ઞાન, સદધર્મનો સુબોધ હજો!’

આગળ ચાલતાં, ૧૯૨૮માં નડિયાદની સાહિત્ય પરિષદમાં પ્રમુખ સ્થાનેથી બોલતાં આનંદશંકરે પોતાના મતપરિવર્તનની સાહેદી આપી હતી: ‘૧૮૫૭માં આપણી મુખ્ય યુનિવર્સિટીઓ સ્થપાઈ તે વખતે સર ચાર્લ્સ વૂડે પ્રગટ કરેલી આશા કે ગ્રેજ્યુએટો પોતાનું જ્ઞાન નીચેના વર્ગમાં ઉતારશે એ અત્યાર સુધી સફળ થઈ નથી તેનું કારણ ગ્રેજ્યુએટોનો દોષ નથી, પણ યુનિવર્સિટીના શિક્ષણમાં સર્વ શાસ્ત્રના મણિ ગણમાં માતૃભાષા સૂત્રવત્ પરોવાયેલી નથી એ જ છે. રાજા રામમોહન રાય અને મેકોલેએ સ્થાપેલી અને ચાર્લ્સ વૂડે અભિષિક્ત કરેલી શિક્ષણ પ્રણાલી લગભગ સો વર્ષ સુધી એના એ રૂપમાં જ ચાલ્યાં કરે એ જ એની જડતાની પૂરી નિશાની છે.’

આરંભિક માધ્યમ તરીકે અને વહીવટની રીતે દેશ ભાષાઓની સવાઁગ પ્રતિષ્ઠા, નાનાં નાનાં ભાષાજૂથોને સ્વતંત્ર સ્થાનમાન, રાષ્ટ્રવાદ પરત્વે સમવાયી લોકતાંત્રિક અભિગમ- જેથી એકે ભાષા ધ લેંગ્વેજ બની સવાર ન થઈ જાય અને દેશ દેશ વચ્ચે સમવાયસમાદર, આ મહદ્ દર્શન, ૨૧મી ફેબ્રુઆરીનાં રંગઉજવણાંના તરણા ઓથેથી સમજાઈ રહેશે? દુ:સાધ્ય હશે તો હશે, પણ અસાધ્ય અવશ્ય નથી.


સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૭-૨-૨૦૨૬ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.