ચંદ્રકાન્ત સોની
મુઠ્ઠીવાળી, એણે મજુરીના મળેલા પૈસા ખિસ્સામાં મૂક્યા. પૈસા મળતાં એનો ચહેરો પુલકિત થઈ ઉઠ્યો.
બજાર વિંધતાં ઝુંપડપટ્ટી તરફ એણે પગ ઉપાડ્યા. મોટીમોટી ફાળો ભરતો જાય, અને ખિસ્સામાં વારંવાર હાથ નાખી શાંતિ અનુભવતો જાય.
કપડાંની એક દુકાનની બહાર લટકતી સાડીઓ તે તાકી રહ્યો. ખિસ્સામાં હાથ નાખી પાછો કાઢી લીધો
એ વિચારે ચડ્યો. બે વર્ષ અગાઉની દીવાળીએ પાંદડીએ એક શેઠાણીનું દિવાળીનું ઘરકામ કરી આપેલું અને શેઠાણીએ પોટલી ભરીને ખાવાનું અને જૂની બે સાડીઓ આપેલી, એ પહેરીને બે બે વર્ષથી પાંદડી દિવાળી પર હરખાતી..
હરખાતી પાંદડીને તાકી રહેવાનું તેને ગમતું…મા આઘીપાછી હોય ત્યારે પાંદડીને મીઠું અડપલુ કરતાં કહેતો, “આજે તું અવ્વલ શેઠાણી લાગે છે,”ને બંને ખડખડાટ હસી પડતાં.
તેની વૃદ્ધ મા દર દિવાળીએ ઓછાં થીગડાં હોય એવો ,જાતે ધોઈને, વાળીને ઓશિકા નીચે મુકેલો સાડલો પહેરી સપરમા દાડે થોડું હરખાઈ લેતી.
રોડની એક બાજુના ફૂટપાથ પર નાના બાળકોના તૈયાર કપડાં વેચતા ફેરિયા પર તેની નજર પડી.. એણે તે તરફ પગ ઉપાડ્યા. બાર વર્ષના મણિયાને માપનાં કપડાં અને આઠ વર્ષની જયલીને થાય એવું ફ્રોક તેને પસંદ પડ્યું. ભાવની રકઝક કરી..તેના બંને સંતાનો માટે ખરીદી લીધાં.
ઘેર પહોંચીને જોયું તો, પાંદડી તેના બ્લાઉઝની બાંયોને માપસરની કરવા ટાંકા લઈ રહી હતી, તો મા એક થીગડાંવાળા સાડલાને બીજા થીગડાં માટે, કાપડના ટૂકડા અને સાડલાના કાણા વચ્ચે સમાધાન સાધી રહી હતી.
મણિયો અને જયલી, એકેએક થેલો લઈને રેલ્વે સ્ટેશન બાજુએ કાગળના ડૂચા પ્લાસ્ટિક અને લોખંડનો ભંગાર વિણવા ગયા હતા, તે હજુ આવ્યા ન હતા.
રાત્રે ઓસરીમાં પાથરેલા ખાટલામાં પડ્યો પડ્યો તે વિચારે ચડ્યો.
આજથી બાર તેર વર્ષ પહેલાં પિતાજીના મૃત્યુ પછી એ ઘરફોડ ચોરી કરવાને ઈરાદે તેના પિતાજીનો ગણેશિયો લઈને અંધારામાં નીકળવાની તૈયારી કરતો હતો ને તેની પત્ની પાંદડીએ તેના પગ પકડીને, ખોળો પાથરી હવે આવા ચોરીના ધંધા છોડી દેવા વિનંતી કરતી રડતી રડતી એના પેટમાંના બાળકના સોગંદ આપેલા અને એણે ગણેશિયાને માથું નમાવી યથાસ્થાને મૂકી દીધેલો.
બીજે દીવસે પાંદડીને સાથે લઈ મજૂરીએ ઉપડી ગયેલો.
પાંદડીએ પણ તેના ખભેખભા મિલાવી મજૂરી કરવામાં કોઈ કસર ના છોડી…પણ તેની વૃદ્ધ માની બીમારીએ તેના બે આવકના છેડા ભેગા કરવા મુશ્કેલ કરી દીધા.
આજે તેના મનમાં ચોરી કરવાનો નઠારો વિચાર આવી ગયો.એક બાજુ પૈસાની ખૂબ જ અછત અને બીજી બાજુ દિવાળી જેવો ઉમંગનો તહેવાર આવી રહ્યો હતો. દિવાળીને કારણે પાંચપાંચ દીવસ બજાર પણ બંધ રહેવાનું હતું.. તેની સામે બીમારીમાં કણસતી મા, તો ઓશિયાળા થઈ ટળવળતા બાળકો અને જીવનના તમામ અભરખા છોડી દીવસે દીવસે ગળતી જતી તેની પત્ની પાંદડી.
બજારમાં મજૂરી કરતાં કરતાં એણે છેક છેવાડેની કરિયાણાની દુકાન જોઈ રાખી હતી. તે દુકાનની પાછળની લાકડાની એક બારી એક ધક્કે તોડી શકાય એમ તેનો અંદાજ કંઈ ખોટો ન હતો…અંદરના કબાટનાં તાળાં તોડવામાં તેનો ગણેશિયો કાફી હતો…ભલે પૈસા ટકા ના મળે પણ દીવાળી પર શાંતિથી રાંધી શકાય એટલું કરિયાણું મળે એટલી જ ચોરી કરવાનો તેનો નિશ્ચય હતો..
પાંદડી, નાના બાળકો અને તેની મા હવે ઊંઘતા હશે એમ માની એ ધીમે પગલે ઉઠ્યો.
ગણેશિયો હાથમાં લઈને “પહેલાં સમરૂં ગણપતિ દેવા વિગન દેજો કાપી રામા..”મનોમન પ્રાર્થના કરી, ગણેશિયાને હાથ જોડી, ગણેશિયો હાથમાં લઈને માથે અડકાડ્યો..પણ તે થોડો ધ્રુજી ઉઠ્યો…પાંદડીએ ફરી ગણેશિયો હાથમાં ન લેવા કે ચોરીનો વિચાર પણ ન કરવા’ મેલડી મા’ના સોગંદ આપેલા…
ગણેશિયો તેના હાથમાંથી નીચે પતરાની પેટી પર પડતા, અવાજ સાંભળી પાંદડી અને બંને બાળકો સાથે ખાં,…ખાં..ખાં કરતી મા પણ જાગી ગઈ.
બંને બાળકોએ પાંદડી સામે જોયું.. પાંદડીએ પેલી પતરાની પેટી ખોલી…એક થેલીમાં પરચૂરણ છૂટ્ટા પૈસા અને બીજી થેલીમાં થોડી ફાટેલી ચુંથાયેલી રૂપિયાની નોટો હતી.
માએ નીચે પડેલો ગણેશિયો હાથમાં લીધો બોલી..”આ ગણેશિયાના જોરે તો તારા બાપની અડધી જિંદગી સપાઈઓનો માર ખાવામાં અને જેલમાં રહેવામાં પૂરી થઈ ગઈ બેટા…”
“બાપા, આ મેં અને જયલીએ દીવાળી કરવા ભેગા કરેલા પૈસા..અને સવારે સવારે તમે મજૂરીએ ઉપડી જાઓ ત્યારે મારી માએ પણ હમણાં હમણાં બે ચાર ઘરનું છૂટક ઘરકામ પણ બાંધ્યું છે એના છૂટક કામની આ નોટો.” મણિયો તેને તાકતો કહી રહ્યો.
“આજથી તું મારો ખરો ગણેશિયો.”.કહેતાં મણિયાને બાથમાં લઈ તેની આંખો ભીની થઈ… તે દીવસથી એણે મણિયાનું નામ ગણેશિયો પાડી દીધું.
હવે તો મણિયો પણ તેની બરાબરીમાં મજૂરી કરતો થઈ ગયો હતો…
માના મૃત્યુ વખતે માની લાશના પડખામાં ગણેશિયો મૂકી દીધો..ચિતાના ભડભડતા અગ્નિમાં ગણેશિયો પણ ઓગળી ગયો…પેઢી દર પેઢીનો ગણેશિયાનો સંબંધ સ્મશાનમાં ઓગળીને વિલીન થઈ ગયો.
ચંદ્રકાન્ત જે સોની | મોડાસા
