વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
મા-બાપુ, પમ્મી, મોહન, મોહનની પત્ની શીલા, સોહન અને નિમ્મી.
આ મધ્યવર્ગી પરિવારની મોટી દીકરી પમ્મીને પરણે પાંચ વર્ષ થયાં પછી પણ એના સાસરે થતા ક્લેશના લીધે અવારનવાર પિયર પાછી આવતી.
આજે ફરી આખા ઘરમાં સન્નાટો ફેલાઈ ગયો. કારણ? પમ્મીનો પત્ર.
છેલ્લા કેટલાક સમયથી આમ જ થતું. પમ્મીનો પત્ર આવતો અને સૌ ખળભળી જતાં. અકળાયેલા બાપુજી બહાર ચાલ્યા જતા. મા રસોડામાં જઈને રૂદન ખાળવાનો પ્રયાસ કરતી છતાં આંખમાંથી આંસુના પૂર વહી આવતા. સોહન ભણવાના બહાને ભાઈબંધના ઘેર ચાલ્યો જતો અને જમવાના સમય સુધી પાછો નહોતો ફરતો. મોઢું ચઢાવીને નિમ્મી પોતાના રૂમમાં ચાલી જતી.
આવા સમયે ઘરમાં સૌથી વધુ ભાર મોહન અને શીલા અનુભવતાં. હંમેશાં ડરતાં કે, ભૂલથી પણ એવું કશું ના બોલાઈ જાય જેનાથી દારુખાનામાં આગ ચાંપવા જેવી સ્થિતિ સર્જાય.
પમ્મીના પત્રની સૌથી વધુ અસર મા પર થતી.
પાંચ વર્ષના વૈવાહિક જીવનમાં છેલ્લાં ચાર વર્ષથી પમ્મીની એકધારી ફરિયાદ આવતી કે, “જો મારે અહીં વધુ રહેવાનું થશે તો પછી કશું હાથમાં નહીં રહે. હું કંઈક ખાઈ બેસીશ તો તમે મને ખોઈ બેસશો.”
શરૂઆતમાં પમ્મી પિયર ચાલી આવતી તો સૌ એને સાચવી લેતાં. બેચાર દિવસ પછી બાપુજી ખુદ પમ્મીના સાસરે જઈને એણે કરેલા કે ન કરેલા અપરાધોની માફી માંગી લેતા. ક્યારેક જમાઈને બોલાવીને સમજાવતા, પણ સઘળું વ્યર્થ.
પમ્મી આવતી ત્યારે ઘરના રોજિંદા ક્રમની સાથે મહિનાનું બજેટ પણ ખોરવાઈ જતું. પમ્મીને ખુશ રાખવા મા ઢગલો રૂપિયા ખર્ચી નાખતી.
આ બધું કરવામાં શીલાનાં જ પૈસા ખર્ચાતા. ઘરમાં આરોપ-પ્રતિ આરોપનો સિલસિલો શરૂ થઈ જતો.
આ બધું જોઈને પમ્મીને પણ અતિ દુઃખ થતું. ક્યારેક એ બોલી દેતી કે, “મારા આવવાથી ઘરનું વાતાવરણ સાવ આવું થઈ જશે એવી ખબર હોત તો હું મારા ઘેર શું ખોટી હતી?”
અને સાચે જ સૌ પમ્મીના જવાની તૈયારી આદરી દેતાં. ઢગલો સામાન સાથે પમ્મીને અપાતી વિદાય કપરી રહેતી. ઘરની નજીવી આવકમાં મોટો ખાડો પડતો. પમ્મીની વિદાય સાથે ઘરનાં સૌની જરૂરિયાત પર કાપ આવી જતો.
પમ્મીને સાચવવાની મથામણમાં ઘરખર્ચમાં જે ખાઈ ઊભી થતી એ પુરાય ત્યાર પહેલાં તો પમ્મીનો બીજો પત્ર આવતો. આમ ક્યાં સુધી ચાલશે એની દ્વિધા સાથે એક ડર સૌના મનમાં રહેતો.
આ વખતે પમ્મીનો પત્ર આવતા ફરી ઘર આખામાં ખળભળાટ મચ્યો. મોહન પમ્મીને લઈ આવવાની તરફેણમાં હતો. માર્ચ મહિનાથી સોહન અને નિમ્મીની પરીક્ષાઓ શરૂ થતી હતી. પમ્મીના આવવાથી ભણવા-વાંચવા પર અસર થશે એ વિચારે સોહન પમ્મીને બોલાવવાના મતમાં નહોતો.
નિમ્મી પણ સોહન સાથે સંમત હતી કારણ કે પમ્મીની આવવાથી ઘરનું વાતાવરણ અશાંત થઈ જતું. પમ્મી પોતાની દીકરીની તો વાત દૂર ખુદને માંડ સંભાળી શકતી. હતાશાને લીધે ગુમસૂમ થઈને એક રૂમમાં બેસી રહેતી પરિણામે બંનેને સાચવવામાં ઘરમાં સૌની જવાબદારી વધી જતી.
“વાહ, શું કળયુગ આવ્યો છે, પોતાની બહેન પણ સૌને નડે છે?” સોહન અને નિમ્મીની વાતથી મા અકળાતી.
અંતે બાપુજીએ પમ્મીને પત્ર લખીને જણાવી દીધું કે, ‘સોહન અને નિમ્મીની પરીક્ષાઓ પૂરી થશે ત્યારે એ ખુદ એને લેવા આવશે.’
પણ, હજુ તો પત્ર પહોંચે એ પહેલાં પમ્મી આવી પહોંચી. એને જોઈને સૌના હૃદયમાં ધ્રાસ્કો પડ્યો.
એ દિવસે ઘરમાં આનંદનું વાતાવરણ હતું. મોહને નિમ્મીના વિવાહ અંગે વાત કરવા એના એક પરિચિત પરિવારને જમવાનું આમંત્રણ પાઠવ્યું હતું. મુલાકાતના બહાને એ લોકો ઘર અને નિમ્મીને જોઈ લે એવી એની ઇચ્છા હતી.
ઘર અને નિમ્મીને સજાવીને શીલાએ સાસુમાને પણ તૈયાર કર્યા. મહેમાનોની આગતાસ્વાગતા શરૂ જ થઈ હતી ને પમ્મી આંધીની જેમ આવીને વાવાઝોડાની જેમ વરસી.
“મને ત્યાં ભઠ્ઠીમાં છોડીને અહીં તમે સૌ મહેમાનોને બોલાવીને મઝા માણો છો? કેટલા પત્રો લખ્યા, પણ કોઈએ ખબર લેવાની તસ્દી સુદ્ધાં ના લીધી કે પમ્મી જીવે છે મરી ગઈ. હું આટલી ભારે પડતી હતી તો હાથ-પગ બાંધીને મને કૂવામાં જ ફેંકી દેવી હતી ને? તમારી પાસે આપવા જેટલું કંઈ હતું નહીં તો મારા લગ્ન કરવાની જરૂર ક્યાં હતી?” પમ્મીનો શ્વાસ ધમણની જેમ ફૂલતો હતો.
મહેમાનોની હાજરીમાં જે તમાશો થયો એનાથી સૌ અત્યંત ભોંઠા પડી ગયાં. અનેકવાર ક્ષમાયાચના માંગીને મહેમાનોને વિદાય કર્યા. નિમ્મી માટે એમનાં તરફથી શું જવાબ આવશે એ તો નિશ્ચિત જ હતું.
મહિનાના આખરી દિવસો હતા છતાં નિમ્મીના ભવિષ્ય માટે થઈને મોહને મહેમાનગતિ માટે જેમતેમ કરીને સગવડ કરી હતી. મોહનના કર્યા-કારવ્યા પર પાણી ફરી ગયું. ઘરમાં માતમ જેવું વાતાવરણ છવાઈ ગયું.
મા અને શીલા સિવાય સૌએ પમ્મીની ઉપેક્ષા કરી હોય એમ પોતપોતાનાં કામે વળગ્યાં.
બે દિવસ તો પમ્મી શાંત રહી શકી, પછી લાવાની જેમ ઉકળવા માંડી.
“લાગે છે કે મારું અહીં આવવું કોઈને ગમ્યું નથી. આવું અપમાન થશે એવી ખબર હોત તો મારા જ ઘરમાં અપમાન સહન કરીને બેસી રહેત કે પછી નાનીમોટી નોકરી શોધી લેત.”
“હા, ભાઈ-ભાભીની છાતી પર મગ દળવા કરતાં તો નોકરી જ શોધી લેવી જોઈતી હતી. જ્યારે મન થાય ત્યારે ચાલી આવે છે, ક્યાં સુધી તારા માટે સૌએ હેરાન થવાનું? ઘરમાં એક બીજી છોકરી પણ છે જેને પરણાવવાની છે, એટલી તો તને ખબર હોવી જોઈએ.” આ વખતે તો સોહને સંભળાવ્યું.
“તારા ઘેર આવું ત્યારે આટલો રોફ દેખાડજે. અત્યારે તો મારા પિતાના ઘેર આવું છું.”
“પિતાનું ઘર….? વિચારી જોજે.” કહીને સોહન ઘરની બહાર ચાલ્યો ગયો. નાનો હતો, અપરણિત હતો એટલે આગળપાછળનું વિચાર્યા વગર પોતાનો ઉકળાટ ઠલવવા જેટલી સ્વતંત્રતા લઈ લીધી.
સોહન આટલું બોલી ગયો છતાં બાપુજી કંઈ જ ન બોલ્યા એ વાતે પમ્મી સ્તબ્ધ હતી. જેમના આધારે, વગર વિચારે પોતે ચાલી આવી હતી એમણે પણ સોહનને બોલતા ન રોક્યો એ વિચારે પમ્મીનો આઘાત બેવડાયો.
“બાપુજી….?”
“હું શું કરું પમ્મી ? શક્ય હતું ત્યાં સુધી પહોંચી વળવા પ્રયાસ કર્યા, પણ હવે આ બુઢ્ઢા બાપમાં એટલી તાકાત રહી નથી કે, આ બધું સંભાળી શકે. મારાં પેન્શનમાંથી દવાઓ જ માંડ આવે છે. દીકરાના ભરોસે દિવસો કાઢું છું ત્યાં એના માથે કેટલો ભાર વધારું? પમ્મી દીકરા, અમે તારા જન્મ માટે જવાબદાર છીએ. કર્મની ગતિ તો તારે જ ભોગવવી પડશે. સુખ કે દુઃખ જે નસીબમાં લખાયું છે એ તો તારા ઘરે રહીને ભોગવ્યા સિવાય છૂટકો જ નથી. આમ ને આમ ચાલશે તો નિમ્મીના વિવાહ કેવી રીતે કરીશું?”
ચાર દિવસ પછી સોહન સાથે પમ્મીને સાસરે મોકલી ત્યારે બાપુજીને લાગ્યું કે જાણે દીકરીને અંતિમ વિદાય ના આપી રહ્યા હોય !
નથી ને કાલે કશું અજુગતું બન્યું, પમ્મીના સાસરિયાઓએ એની સાથે કશું અઘટિત કર્યું તો એમાં પોતે પણ બરાબરના હિસ્સેદાર જ ગણાશે.
માલતી જોશી લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
