ધિક્કારનાં ગીતો
દ્વેષ જ્યારે ગુસ્સા ને બદલે ઠંડકથી વ્યક્ત કરવામાં આવે ત્યારે પણ દઝાડી જ શકે.
દીપક સોલિયા
ફિલ્મ અનામિકાના આકરા દ્વેષ-ગીત ‘મેરી ભીગી ભીગી સી’ વિશે વાત કરી, જેમાં દાઝે ભરાયેલા પુરુષે મધૂર ટ્યૂનમાં ગાતાંગાતાં ‘આગ સે નાતા’ અને ‘નારી સે રિશ્તા’ને એકસમાન ગણાવી દીધાં. એટલેથી ન અટકતાં એણે સ્ત્રીને શાંતિથી શ્રાપ પણ આપી દીધો કે જા, તું રસ્તા પર નીકળીશ ત્યારે લોકો તારા પર હસશે, થૂથૂ કરશે. તેરી બેવફાઈ પે હંસે જગ સારા, ગલી ગલી ગુઝરે જિધર સે…
આવો શ્રાપ આમ તો નારીદ્વેષની હાઈટ ગણાવો જોઈએ. પણ એવું નથી. નારીદ્વેષ આનાથી પણ વધુ ઊંચાઈ સર કરી શકે છે. એ નારીનું સર કાપી શકે છે. રોષે ભરાયેલો પુરુષ માત્ર શ્રાપ આપીને અટકવાને બદલે નારીની હત્યા કરવા સુધી પહોંચે અને હત્યા કર્યા બાદ લાશના નિકાલ વખતે ઠંડી ક્રૂરતા અપનાવે એવા કિસ્સાઓની ઝાઝી નવાઈ નથી. હાલમાં બહુ ચગેલા આફતાબ-શ્રદ્ધાના કિસ્સામાં ખૂન કરવાની કે દેહના ટુકડા કરવાની ઘટનાથી પણ વધુ થિજાવનારી બાબત છે દેહના ટુકડાનો હિસાબ. જો આફતાબે 34 પણ નહીં અને 36 પણ નહીં, પરંતુ ખરેખર 35 ટુકડા કર્યા હોય તો સ્વાભાવિક છે કે એકએક ટુકડો તેણે ગણીને રાખ્યો હશે. ગણવા માટે ફોકસ જોઈએ. ગણતરી વખતે તેનું મગજ જરાય આડુંઅવળું નહીં ફંટાયું હોય. શક્ય છે કે તેણે ટુકડા કરતી વખતે નહીં, બલ્કે બાદમાં નિકાલ કરતી હિસાબ કર્યો હોયઃ આજે ત્રણ ટુકડાનો નિકાલ કર્યો… આજે એક… આજે બે… અને પછી આખા દેહના બધા જ ટુકડાનો નિકાલ થઈ ગયા બાદ તે સરવાળો કરવા બેઠો હશે અને એમાં કુલ આંકડો આવ્યો હશે, 35. ટૂંકમાં, ટુકડાઓનો હિસાબ કરતી વખતે દાખવવામાં આવેલી ઠંડક… એ છે આ ભયાનક ઘટનાક્રમનું સૌથી ચિલિંગ-થિજાવનારું પાસું. આગ દઝાડે જ, પરંતુ ઠંડક પણ ઓછી ‘કરપીણ’ નથી હોતી.
દ્વેષની અભિવ્યક્તિને પણ આ વાત લાગુ પડે છે. નારી પ્રત્યેનો દ્વેષ વ્યક્ત કરવા માટે પુરુષ ક્યારેક ગરમીને બદલે નરમીની રીત અપનાવતો હોય છે. એ નારીની સીધી ટીકા કરવાને બદલે પ્રેમના જોખમ ગણાવીને અને ડાહીડાહી, શાણીશાણી વાતો કરીને આડકતરી રીતે સ્ત્રીનો વિરોધ કરતો હોય છે કે સ્ત્રીથી પિંડ છોડાવવા મથતો હોય છે.
આવું એક ગીત છે, ફિલ્મ મજબૂરનું. ગીતના શબ્દો છે, આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ…. ગીતમાં હીરો પહેલી નજરે તો એકદમ શાણપણભરી વાત કરે છે કે માણસે બોલવામાં તો ઠીક, સાંભળવામાં પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આજે આપણે જે બોલીએ-સાંભળીએ છીએ અને આજે આપણે જે સદદુઆ-બદદુઆ આપીએ છીએ તે પછી જિંદગીભર આપણો પીછો કરે છે (માટે તું મારો પીછો છોડી દે, પ્લીઝ).
શબ્દો ધ્યાનથી વાંચોઃ
આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ
ઝિંદગીભર વો સદાએં પીછા કરતી હૈ
આદમી જો દેતા હૈ, આદમી જો લેતા હૈ
ઝિંદગીભર વો દુઆએં પીછા કરતી હૈ.
માટે, આપણે બોલવામાં તો ઠીક સાંભળવામાં પણ ધ્યાન રાખવું જોઈએ. કોઈને શાંતિથી સાંભળીએ તો પણ પ્રેમ થઈ શકે. પછી પ્રેમ પીછો કરે. કોઈનાં સિક્રેટ્સ સાંભળ્યા બાદ એ સિક્રેટ આપણાથી ક્યાંક લીક ન થઈ જાય તેનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી બની રહે છે અને એ સિક્રેટ બીજું કોઈ લીક કરે તો પણ આરોપ આપણા પર આવી શકે કે આણે ચાડી ફૂંકી. માટે, બોલવામાં તો ઠીક સાંભળવામાં પણ ચેતવું. અને કોઈનું ભલું-બૂરું ઇચ્છવામાં પણ ચેતવું, કારણ કે આપણી શુભેચ્છાઓ કે આપણી હાય કામ કરી પણ જાય… કંઈ કહેવાય નહીં.
આ આખા ‘ઉપદેશ’માં ક્યાંય નારીદ્વેષ શોધ્યો પણ ન જડે. છતાં, આ ગીત દ્વારા નાયક (અમિતાભ) નાયિકા (પરવીન બાબી)ને જે કહેવા માગે છે તે એ છે દૂર રહે મારાથી, પ્રેમમાં પડવા જેવું નથી, રૂપાળાં સપનાં જોવાં જેવાં નથી.
કોઈ ભી હો હર ખ્વાબ તો સચ્ચા નહીં હોતા
બહોત ઝ્યાદા પ્યાર ભી અચ્છા નહીં હોતા
કભી દામન છુડાના હો તો મુશ્કિલ હો
પ્યાર કે રિશ્તેં ટૂટે તો, પ્યાર કે રસ્તે છૂટે તો
રાસ્તે મેં ફિર વફાએં પીછા કરતી હૈ.
ભાઈ ભારે પ્રામાણિક. ચોખ્ખું કહી દે છે કે ખોટાં સપનાં જોયાં હોય અને બહુ પ્રેમ કર્યો હોય તો દામન-પિંડ છોડાવવાનું કામ અઘરું બની જાય છે, કારણ કે છૂટતી વખતે અગાઉનો અલ્પ સમયનો પ્રેમ પીછો કરે, પીડા આપે.
એક ચોક્કસ સ્ત્રીને દૂર ધકેલવા માટે આટલું કહ્યા બાદ હીરો એકદમ ઓવરઓલ ફિલોસોફી, વ્યાપક તત્ત્વચિંતન પર ઉતરી જાય છેઃ
કભી કભી મન ધૂપ કે કારણ તરસતા હૈ
કભી કભી ફિર ઝૂમ કે સાવન બરસતા હૈ
પલક ઝપકેં યહાં મૌસમ બદલ જાયે
પ્યાસ કભી મિટતી નહીં, એક બૂંદ ભી મિલતી નહીં
ઔર કભી રિમઝિમ ઘટાએં પીછા કરતી હૈ.
મળતું કશું નથી ને માથે ઘણું પડે છે… ખાયાપિયા કુછ નહીં, ગિલાસ ફોડા બારાહ આના… આવી આકરી વાત કવિ કાવ્યાત્મક ઢબે કહે છેઃ એક બૂંદ પણ નથી મળતી નથી અને જળથી ભરેલાં વાદળાં પીછો કરે છે.
ટૂંકમાં, હે સ્ત્રી, દૂર રહે મારાથી, પ્રેમમાં પડવાનું કામ આપણે રહેવા દઈએ.
અલબત્ત, ફિલ્મ મજબૂરમાં તો હીરો પોતાની મજબૂરીને લીધે, જાનલેવા બિમારીની જાણ થવાને લીધે હિરોઈનને પ્રેમથી દૂર કરવા કહી રહ્યો છે, પરંતુ આ બધું બૅકગ્રાઉન્ડ જાણ્યા વિના કોઈ આ ગીત સાંભળે તો તેને એવું લાગી શકે કે પ્રેમમાં પડવામાં બહુ સાર નથી… નારીથી દૂર રહેવું જ સારું…
અને આમ પણ કોઈએ યોગ્ય રીતે જ કહ્યું છે તેમ, પ્રેમનો સામેનો છેડો દ્વેષ નથી. પ્રેમના સામેના છેડે છે નિર્લેપતા, ઇનડિફરન્સ… એક વ્યક્તિને ધિક્કારવા કરતાં પણ વધુ રોષયુક્ત કૃત્ય એ છે કે એના અસ્તિત્વને જ નકારી કાઢવું. ‘તું ખરાબ છે… તું બેવફા છે… તું પાપીણી છે…’ એવા શબ્દો કરતાં પણ વધુ ખતરનાક શબ્દો આ છેઃ ‘તું મારા માટે કશું છે જ નહીં… તું વળી કોણ… મારે કંઈ કહેવું નથી… મારે કંઈ સાંભળવું નથી…’
માટે આ એકદમ નિર્દોષ લાગતું ગીત આમ જુઓ તો ભારે ખતરનાક છે, જે કહે છેઃ આદમી જો કહતા હૈ, આદમી જો સુનતા હૈ, ઝિંદગીભર વો સદાએં પીછા કરતી હૈ. માટે, છોડો પ્રેમ-બ્રેમ.
https://youtu.be/J4i7hGkR3g8?si=eS8p8MRVGe43mMtp
(ક્રમશઃ)
શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com
