ફિલ્મી ગીતોમાં વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

ગઈ કડીમાં આપણે ઢોલકનો પરિચય કર્યો. રસપ્રદ બાબત એ છે કે ઢોલક જેવી જ મૂળભૂત રચના ધરાવતાં અન્ય તાલવાદ્યો પણ છે. બહુ ઝીણી નજરે જોઈએ તો જ એ બધાં વચ્ચેનો તફાવત ખ્યાલ આવી શકે છે. આવાં અલગઅલગ તાલવાદ્યોના વાદનની શૈલી થોડાઘણા અંશે જુદી પડતી રહે છે. વળી દરેકના બોલ પણ જુદા પડતા હોય છે. આ કડીમાં આપણે તે પૈકીનાં ત્રણ – ઢોલકી, નાળ અને માદલ- વિશે વાત કરીએ.

ઢોલકી મોટા ભાગે મહારાષ્ટ્રના લાક્ષણિક લોકનૃત્ય લાવણી સાથે વગાડવામાં આવે છે. ઢોલક કરતાં કદમાં નાની અને પરિણામે વજનમાં હલકી હોવાથી તેને આસાનીથી બન્ને છેડે પાતળી દોરડી વડે બાંધી, ગળામાં પહેરી, કલાકારો નાચતા કૂદતા વગાડી શકે છે.

ઢોલકી

           ઢોલકી

ઢોલકીનું વાદન કેવું હોય તેનો અંદાજ આ ક્લીપ પરથી આવી શકશે.

નાળ અને ઢોલકી કદમાં અને દેખાવમાં લગભગ સરખાં હોય છે. કેટલાક વિસ્તારોમાં એક જ તાલવાદ્યને નાળઢોલ તરીકે ઓળખવામાં આવે છે. પણ જાણકારોના મત પ્રમાણે ઢોલકી કરતાં નાળનો દાંયા તરીકે ઓળખાતો ભાગ વધુ સાંકડો હોય છે. આમ હોવાથી તે બાજુએ વગાડવાથી નિષ્પન્ન થતો ધ્વનિ સરખામણીએ તીવ્ર હોય છે.

નાળ

નાળનો વ્યાપક ઉપયોગ પંજાબી લોકનૃત્યો સાથે થતો હોય છે. નાળના અવાજનો કંઈક અંદાજ આ વિડીઓ ક્લીપમાં આવી શકશે.

https://www.youtube.com/watch?v=RlnkOo3oUIQ

માદલ દેખાવે ઢોલકીનું જ નાનું સ્વરૂપ હોય તેમ જણાય છે. જો કે તેના બોલ અને વાદનની શૈલી ખાસ્સાં અલગ પડે છે. નેપાળ અને આસપાસના વિસ્તારોમાં નાળ એક લોકવાદ્ય તરીકે ખુબ જ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે. ફિલ્મી વાદ્યવૃંદમાં માદલને સ્થાન આપવાનું શ્રેય રાહુલદેવ બર્મન અને તેમના સહાયક મનોહારી સિંહને જાય છે. રણજીત ગઝમેર નામના એક યુવાન માદલવાદકને તેઓ કલકત્તાથી મુંબઈની ફિલ્મી દુનિયામાં લઈ આવ્યા. આ નાનકડા વાદ્ય થકી કેટલાંયે ફિલ્મી ગીતો સાથે તાલના વિશિષ્ટ પ્રયોગો થયા છે.

માદલ

માદલવાદનની આ ક્લીપ થકી તેના અવાજનો ખ્યાલ આવી શકશે.

https://www.youtube.com/watch?v=7O1EWGNyynQ

ઉલ્લેખનીય છે કે આ ત્રણમાંથી એકેય વાદ્ય સ્વતંત્ર રીતે શાસ્ત્રીય પદ્ધતિએ તાલ વગાડવા માટે અથવા તો શાસ્ત્રીય વાદન/ગાયન સાથે તાલ પૂરાવવા માટે ઉપયોગે નથી લેવાતું.

હવે કેટલાંક ફિલ્મી ગીતો સાંભળીએ, જેમાં આ પ્રકારનાં તાલવાદ્યોનો ઉપયોગ થયો હોય. નોંધનીય છે કે ફિલ્મી વાદ્યવૃંદોમાં એક કરતાં વધારે પ્રકારનાં તાલવાદ્યો ઉપયોગે લેવાતાં હોય છે. આથી કોઈ ગીતમાં ચોક્કસ એક તાલવાદ્યનો અવાજ સંપૂર્ણપણે અલગ પાડી શકાય એવું ક્યારેક જ બનતું હોય છે.

૧૯૪૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ મહલ માટે સંગીતકાર ખેમચંદ પ્રકાશે તૈયાર કરેલાં ગીતો આજે પણ ભારે લોકચાહના ધરાવે છે. તેમાંનું એક ગીત ‘એક તીર ચલા દીલ પર મેરે’ સાંભળીએ. ગાયકીની સાથે તાલ પૂરાવતાં તાલવાદ્યોમાં નાળની ચાટીનો તીવ્ર અવાજ પારખી શકાય છે.

૧૯૪૯ની સાલની  ફિલ્મ રીમઝીમમાં પણ ખેમચંદ પ્રકાશનું જ સ્વરનિયોજન હતું. આ ફિલ્મનું ગીત ‘ના તુમ આયે ના નીંદ આયી’ પણ નાળના તાલથી સજાવાયેલું છે.

ફિલ્મ આવારા (૧૯૫૧)ના સ્વપ્નગીતના બીજા ભાગ ‘ઘર આયા મેરા પરદેસી’ના રેકોર્ડીંગ સમયે રાજ કપૂર અને સંગીતકાર જોડી શંકર-જયકિશન તાલવાદંનથી સંતુષ્ટ નહોતા. આ સમયે આખરી ઉપાય તરીકે સહાયક સંગીતકાર દત્તારામે લાલા ભાઉ નામેરી એક સાવ અજાણ્યા ઢોલકીવાદકને તેડાવ્યા. તે કલાકારે પોતાના કસબ વડે ગીતમાં જાન ભરી દીધો. ગીત સાંભળતાં જ ઢોલકીના બોલ સ્પષ્ટ તરી આવે છે.

ફિલ્મ દાગ (૧૯૫૨)ના ગીત ‘દેખો આયા કૈસા જમાના’ સાથે ઢોલકીનો પ્રયોગ માણી શકાય છે. સંગીત શંકર-જયકિશને તૈયાર કર્યું હતું.

https://www.youtube.com/watch?v=Sf6dbWkCEHg&list=RDSf6dbWkCEHg&start_radio=1

હવે માણીએ ૧૯૭૧ની ફિલ્મ હરે રામા હરે ક્રિશ્નાનાં બે ગીતો, જેના વાદ્યવૃંદમાં માદલનો પ્રયોગ પહેલી વાર થયો. પહેલાં સાંભળીએ ‘કાંચી રે કાંચી રે’. નેપાળી પૃષ્ઠભૂમી પર ફિલ્માવાયેલા આ ગીત સાથે માદલના બોલ બરાબર તાલ મિલાવે છે. અગાઉ જણાવ્યું તેમ આ ગીતના વાદ્યવૃંદમાં રણજીત ગઝમેરે પહેલી વાર માદલ વગાડ્યું અને તેમની કાયમી ઓળખાણ કાંચા તરીકે જ બની રહી. વળી તેઓ રાહુલાદેવની ટીમના કાયમી સભ્ય બની રહ્યા.

આ જ ફિલ્મના અન્ય એક ગીત ‘ગલીયોં મેં ઘૂમો, સડકોં પે ઝૂમો’ સાથે પણ ઢોલકી અને માદલના બોલ સંભળાતા રહે છે.

 ફિલ્મ દો ફૂલ (૧૯૭૩)ના ગીત ‘મુથુકોડી કંવારી હડા’ સાથે માદલના બોલ આસાનીથી પારખી શકાય છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે.

૧૯૭૩ની જ ફિલ્મ દાગ માટે ગીતો લક્ષ્મીકાંત-પ્યારેલાલે તૈયાર કર્યાં હતાં. તેનું ગીત ‘મૈં તો યાર મનાના ની’ માણીએ. પરદા ઉપર કલાકારો ઢોલ વગાડતા દેખાય છે, પણ ઢોલકીના ખુબ જ પ્રભાવક બોલ કાને પડતા રહે છે

ફિલ્મ ઈમાન (૧૯૭૪)નું ગીત ‘કૈસે મીટ્ટી કે માધવ સે પાલા પડા હૈ’ સાંભળીએ. તાલવાદ્ય તરીકે ઢોલકી અને માદલના બોલ સાંભળી શકાય છે. સંગીત રાહુલદેવ બર્મનનું છે.

https://www.youtube.com/watch?v=susUIXy5bUA&list=RDsusUIXy5bUA&start_radio=1

૧૯૭૮ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ઘરનું એક ગીત ‘તેરે બિના જીયા જાયે ના’ માણીએ. રાહુલદેવ બર્મનના સ્વરનિયોજનમાં તૈયાર થયેલા આ ગીત સાથે માદલનો પ્રયોગ ખુબ જ કર્ણપ્રિય બની રહે છે.

https://www.youtube.com/watch?v=-W3hN8dgAy4&list=RD-W3hN8dgAy4&start_radio=1

આ કડીની આખરમાં માદલના બોલ વડે સજાવાયેલું ૧૯૮૧ની ફિલ્મ ઝમાને કો દીખાના હૈનું ગીત ‘હોગા તુમ સે પ્યારા કૌન’ સાંભળીએ. સંગીત રાહુલદેવ બર્મનનું છે.

આવતી કડીમાં નવાં ગીતો સાથે મળીશું.


નોંધ :

૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


સંપર્ક સૂત્રો :

શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com