ગિરિમા ઘારેખાન

 રાજુ અને મોહિત બે ભાઈઓ હતા. રાજુ તેર વર્ષનો અને મોહિત આઠ વર્ષનો. એ લોકો એક નાના શહેરમાં રહેતા હતા. શાળામાં વેકેશન પડ્યું હતું. એમના ઘણા મિત્રો એમના મમ્મી-પપ્પા સાથે ફરવા ઉપડી ગયાં હતાં. કોઈ સીમલા ગયું હતું તો કોઈ ગોવા. કોઈ વળી યુરોપ કે અમેરિકા પણ ગયાં હતાં. રાજુ અને મોહિતને ઘરમાં કંટાળો આવતો હતો. રાજુ તો ક્યારેક એના મોબાઈલ ઉપર થોડી રમતો રમી લેતો. પણ નાનો મોહિત બહુ કંટાળતો હતો.

એક દિવસ ગામડે રહેતા એમના મામા એમને ઘેર આવ્યા. એમણે એમના ભાણીયાઓને કહ્યું, ‘ચાલો મારી સાથે ગામડે. ત્યાં ખેતરોમાં ફરો, સાંકળ સાતતાળી, મોઈ દંડો, નાગોળચું, જેવી દેશી રમતો રમો. આખો દિવસ ટી. વી. જોયા કરો છો એના કરતાં તમને ત્યાં બહુ મજા પડશે.’

રાજુ અને મોહિત તો મામાની સાથે પહોંચી ગયા એમના ગામડે. ત્યાં એમને નવા ભાઈબંધો પણ મળી  ગયાં. ખાસ કરીને મોહિતને તો એના આ નવા મિત્રો સાથે નવી નવી રમતો રમવામાં બહુ આનંદ આવતો. આંબલી પીપળીની રમતમાં ઝાડ ઉપર ચડીને પછી નીચે ભૂસકા મારવાનું એને બહુ ગમતું. મામાના ગામની બહારથી જ એક જંગલ ચાલુ થતું હતું. એટલે ત્યાં ઝાડ પણ બહુ હતાં.

હવે બન્યું એવું કે થોડા દિવસથી આ ગામમાં એક દીપડો પેધો પડ્યો હતો. એ રાત્રે ગામમાં આવતો અને કોઈની બકરી, કોઈનું ઘેટું, જે નાનું પ્રાણી એના હાથમાં આવે એને ઉઠાવી જતો. લોકો બહુ ડરી ગયાં હતાં. બધાંએ પોતપોતાના બાળકોને કહી દીધું હતું કે અંધારું થાય એ પહેલાં ઘરમાં આવી જવાનું.

એક દિવસ સાંજે મામા ખેતરેથી ઘેર આવ્યા ત્યારે મોહિત ઘરમાં ન હતો. રાજુ મામીને કામમાં મદદ કરતો હતો. મામાએ પૂછ્યું,

‘રાજુ, બેટા, મોહિત કેમ દેખાતો નથી ?’

‘મામા, એ બાજુવાળા કોકિલામાસીને ઘેર રમવા ગયો છે.’ રાજુએ જવાબ આપ્યો.

‘તો તો એમના ભરત સાથે રમતો હશે. હમણાં ઘેર આવી જશે.’

કહીને મામા નહાવા માટે ગયા. મામી ગાયોને દોહવા ગયાં. અંધારું થવા માંડ્યું હતું. હવે રાજુને મોહિતની ચિંતા થવા માંડી. મોહિત ક્યારેય કોઈને ઘેર આટલું બધું રમતો ન હતો. એ બાજુવાળા કોકિલા માસીને ઘેર પૂછવા ગયો. ત્યાં એમના દીકરા ભરતે થોડું ડરતાં ડરતાં જણાવ્યું કે એણે અને મોહિતે દોડવાની હરીફાઈ કરી હતી અને બંને જંગલ તરફ દોડ્યા હતા. પણ થોડા સમય પછી મોહિત બહુ આગળ નીકળી ગયો અને દેખાતો બંધ થઇ ગયો એટલે એ તો ઘેર પાછો આવી ગયો હતો.

હવે રાજુને મોહિતની ખૂબ ફિકર થઇ ગઈ. એનો ભાઈ જંગલમાં ભૂલો પડી ગયો હશે તો! ત્યાં એનો ભેટો દીપડા સાથે થઇ જશે તો ! એણે એના નાના ભાઈને શોધવા જવું જ જોઈએ અને હમણાં જ જવું જોઈએ.  એ તો મામાને જણાવવા પણ ન રહ્યો અને નીકળી પડ્યો જંગલ તરફ.

જંગલમાં ઘણા બધા વૃક્ષો હતાં એટલે અંધારું વધારે લાગતું હતું. પોતપોતાના માળામાં પાછા ફરી ગયેલા પંખીઓનો કલશોર સંભળાતો હતો. ઝાડીઓમાંથી તમરાંનો અવાજ આવતો હતો અને ચારે બાજુ આગિયા ઊડી રહ્યાં હતાં. રાજુને ડર તો લાગતો હતો પણ નાના ભાઈને યાદ કરીને એ હિંમત મેળવી લેતો હતો. એના ખીસામાં એનો મોબાઈલ હતો. એણે મોબાઈલ હાથમાં લઈને એની બેટરી ચાલુ કરી અને એના અજવાળામાં આગળ વધતો રહ્યો.

ત્યાં તો અચાનક નજીકની ઝાડીમાંથી દીપડાની ત્રાડ સંભળાઈ. રાજુ થથરી ગયો. હવે શું કરવું ? એ જો દોડવા માંડે તો પણ દીપડો એની ઝડપથી થોડી વારમાં જ એની નજીક આવી જાય. ત્યારે રાજુને એના મોબાઈલમાં રહેલી એક એપ યાદ આવી ગઈ. એના પપ્પાએ જંગલના પ્રાણીઓને બહુ નજીકથી જોવા માટે એ એપ ડાઉન લોડ કરી આપી હતી. એ ચાલુ કરે તો વાઘ, સિંહ, જેવા પ્રાણીઓ એમના સાચુકલા રંગ અને કદ સાથે સામે જ આવીને ઊભા રહ્યાં હોય એવું લાગતું.

દીપડાનો અવાજ હવે નજીક આવવા માંડ્યો હતો. રાજુએ મોબાઈલની પેલી એપ ચાલુ કરી. ત્યાં તો દીપડાની તગતગતી બે આંખો દેખાઈ. રાજુએ એપમાંથી વાઘને કાઢીને એની અને દીપડાની વચ્ચે   મૂકી દીધો. હવે સાચૂકલો લાગતો વાઘ દીપડા તરફ મોં ફાડીને ઊભો હતો અને ત્રાડ નાખી રહ્યો હતો. રાજુના હાથના હલાવવાથી એ ધીરે ધીરે દીપડા તરફ આગળ વધી રહ્યો હતો. એ જોઇને દીપડો તરત જ પાછો ફરી ગયો અને ઝાડીઓમાં ગૂમ થઇ ગયો. એ એપ ચાલુ જ રાખીને રાજુ ઘર તરફ વળ્યો. પણ ભાઈને એ શોધી ન શક્યો એટલે એને રડવું આવતું હતું.

ત્યાં તો અચાનક બાજુના એક ઝાડની ઉપરની ડાળીએથી અવાજ આવ્યો, ‘ભાઈ!’

રાજુએ ઉપર જોયું. ત્યાં ઝાડની બે ડાળીઓની વચ્ચે મોહિત બેઠેલો હતો. રાજુને જોઇને એણે લગભગ ઉપરથી ભૂસકો જ માર્યો. રાજુએ એને ઝીલી લીધો. રસ્તામાં મોહિતે એને જણાવ્યું,

‘ભાઈ, દોડવાની રેસમાં હું બહુ આગળ નીકળીને જંગલ સુધી પહોંચી ગયો હતો. અંધારું થવા માંડ્યું હતું. મને ઘેર પાછા ફરવાનો રસ્તો પણ યાદ આવતો ન હતો. એટલામાં મને દીપડાનો અવાજ સંભળાયો. એટલે હું ઝાડની ઊંચી ડાળી ઉપર ચડીને બેસી ગયો હતો. મને ખબર હતી કે તમે બધાં મને શોધવા આવશો જ.’

રાજુએ મોહિતના માથે હાથ ફેરવ્યો અને એનો હાથ પકડીને ઝડપથી ઘર તરફ ચાલવા માંડ્યો. ત્યાં તો એમને શોધવા નીકળેલા મામા અને એમના મિત્રો સામે મળી ગયાં. બધાએ એમની વાત સાંભળીને એમની બહાદુરી અને સમયસૂચકતાના બહુ વખાણ કર્યા. ખાસ કરીને મોબાઈલનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવા માટે રાજુને બહુ શાબાશી આપી.


https://www.androidauthority.com/google-3d-animals-1150271/

[ઉપર મોબાઈલ માં પ્રાણીઓ જોવા માટેની લીંક આપી છે.]


[બાલ આનંદ – ઓગસ્ટ ૨૦૨૪ ]


ગિરિમા ઘારેખાન | મો- +૯૧ ૮૯૮૦૨૦૫૯૦૯