સમાજદર્શનનો વિવેક

કિશોરચંદ્ર ઠાકર

‘તમને સાહિત્યમાં રસ હોય, ઠીક ઠીક પુસ્તકોનું વાચન કર્યું છે એવું માનતા હો અને તમને પુ લ, ના નામની ખબર ના હોય તો તમે મહારાષ્ટ્રીયન તો નથી જ પરંતુ હું તમને ગુજરાતી માનવા પણ તૈયાર નથી.’ પુ લ ના ગુજરાતી ભાષામાં અનુવાદ પામેલા પુસ્તકોની સંખ્યા બેચારની જ હશે. પરંતુ એ વાંચ્યા બાદ તમને મારાં આ કથનમાં અતિશયોક્તિ દેખાશે નહિ.

હાસ્યલેખક વિનોદ ભટ્ટે ક્યાંક એવું લખ્યાની સ્મૃતિ છે કે મહારાષ્ટ્રના હાસ્યલેખક પુ. લ. દેશપાંડેને ત્યાંની પ્રજાએ જેટલા લાડ લડાવ્યા છે તે પ્રમાણે ગુજરાતી પ્રજાએ જ્યોતી‌ન્દ્ર દવેની કદર કરી નથી. વિનોદ ભટ્ટના આ વિધાનમાં ગુજરાતીઓ માટે ફરિયાદના સૂર અને જ્યોતી‌ન્દ્ર દવે પ્રત્યે અહોભાવનું મિશ્રણ છે. અલબત્ત જ્યોતી‌ન્દ્ર દવે ગુજરાતી ભાષાના એક મોટા હાસ્યલેખક હતા એ બાબતે બેમત છે જ નહિ, ઉપરાંત મહારાષ્ટ્રની પ્રજાનાં પ્રમાણમાં ગુજરાતના લોકોનો સાહિત્ય પ્રત્યેનો ઓછો લગાવ પણ જાણીતો છે. બીજા ગુજરાતી લેખકોને જેમ ગુજરાતી પ્રજાએ જ્યોતી‌ન્દ્ર દવેને પણ ઓછા વાંચ્યા હશે. પરંતુ પુ લ ના નામથી જ વિશેષ ઓળખાતા એવા પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે(૧૯૧૯થી ૨૦૦૦)ની ઓળખ માત્ર હાસ્યલેખકની તરીકેની જ નથી. તેઓ હાસ્યકાર, નાટ્યકાર, પટકથાલેખક, ફિલ્મનિર્માતા, નાટકના તેમજ સંગીતના દિગ્દર્શક, પરફોર્મર, સામાજિક કાર્યકર, વક્તા અને અભિનેતા પણ હતા. એથી તો તેમને ચોસઠ કળાના જાણકાર કહેવાયા છે. મહારાષ્ટ્રની સામાન્ય પ્રજામાં તેમની ઓળખ હાસ્યલેખક કરતાં એક મોટા નાટ્યકાર, સંગીતકાર અને મિમિક્રી કલાકાર તરીકેની વિશેષ છે અને એ જ તેમની અસાધરણ લોકપ્રિયતાનું કારણ છે. પરંતુ અહીં આપણે પુ લનાં અરુણાબા જાડેજા દ્વારા અનુવાદિત એક પુસ્તક ‘પુલકિત’ના અને મુખ્યત્વે તેના આઝાદીનાં પચીસ વર્ષે લખાયેલા પ્રકરણ ‘એક ગાંધીટોપીનો પ્રવાસ’ મારફત પુ લને માત્ર સાહિત્યકાર અને ખાસ કરીને હાસ્યલેખક તરીકે જોવા છે.

પુ લ ની ખૂબી એ છે કે તમે એમનાં લખાણોને ગંભીર લેખ તરીકે વાંચવા જાઓ તો તમને હાસ્યલેખ વાંચતા હો તેમ લાગે અને જો હાસ્યલેખ સમજીને વાંચવાની શરૂઆત કરો તો તમને એ લખાણમાં ગંભીરતાનો અનુભવ થયા વિના રહેશે નહિ. તેમના લેખોમાં હાસ્ય સાધ્ય નથી પરંતુ ગંભીર બાબતો સમજાવવા માટેનું સાધન માત્ર છે એટલું જ નહિ તેમણે ઘણુંખરું લખ્યું છે પણ એક જાગૃત અને સંવેદનશીલ નાગરિક તરીકે સમાજને જોવાની દૃષ્ટિને કારણે.

‘પુલકિત’ના અનુવાદની પ્રસ્તાવનામાં અરુણાબા જાડેજાએ લખ્યું છે,

“પુ લનાં સાહિત્યમાં જોવા મળતો શિરમોર સમો તો છે એમનો જાગ્રત સામાજિક દૃષ્ટિકોણ. જોવાનું તો એ છે કે લોકોને હસાવનારા આ લેખક સાહિત્યની સાંકળ વિષે અતિ ગંભીરતાથી સમજાવે છે. અને એ જ મુદ્દો વાચકને વિચાર કરતો કરી મૂકે છે. ભલે ને એમની બોલબાલા હાસ્યલેખક તરીકેની થઈ હોય. પણ ખાસ તો એમની સામાજિક સંપ્રજ્ઞતાએ મહારાષ્ટ્રીયનોને આકર્ષ્યા. પ. પૂ. શ્રી સાને ગુરુજીના સંસ્કારોને લીધે એમનામાં સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા આવી હતી.”

તેમનું સાહિત્યસર્જન વિશાળ છે. પરંતુ તેમનાં ગુજરાતીમાં આનુવાદિત થયેલા માત્ર બે પુસ્તકો વાંચવાથી જ તેમની પ્રતિભાના દર્શન થયા વિના રહેશે નહિ. એ બે પુસ્તકો છે અરુણાબા જાડેજા સંપાદિત ‘પુલકિત’ અને બીજું શકુંતલા મહેતા દ્વારા સંપાદિત ‘ભાત ભાતકે લોગ’. પુલકિતમાં વિષયોનું વૈવિધ્ય છે જ્યારે ‘ભાત ભાત કે લોગ’ વ્યક્તિ ચિત્રો છે. એ બન્ને ઠેકાણે હાજર છે ‘ચિતળે માસ્તર’ જેને વાંચ્યા પછી તેનું બન્ને પુસ્તકોમાં હો‌વું અકારણ નહિ લાગે.

પુ લના  વિદ્વાન નાનાજી શ્રી વામન મંગેશ દુભાષી ગાંધીભક્ત હતા અને તેમનાં પત્ની સુનીતાબાઈ રાષ્ટ્ર સેવા દળમાંથી આવેલાં. એથી દેશભક્તિ અને ગાંધીજીના વિચારો તો ઘરમાં જ હાજર હતા. તેમનાં ખાનપાન અને રહેણીમાં ક્યાંય ગાંધીજી દૃષ્ટિગોચર થતા નહિ, તો પણ ગાંધીજીને તેમણે ભલભલા ગાંધીવાદીઓ કરતા વિશેષ આત્મસાત કર્યા હતા. પોતે ગાંધીજી સાથે કઈ રીતે જોડાયા તે બાબતે તેમણે એક આખું પ્રકરણ ‘પુલકિત’માં લખ્યું છે જેનું શીર્ષક છે “જ્યારે મારો નાતો એક સૂર્ય સાથે જોડાયો હતો.”!

‘એક ગાંધીટોપીનો પ્રવાસ’ માં ગાંધીટોપી એ ગાંધીજીનાં મૂલ્યો કે સિધ્ધાંતોનું પ્રતીક છે. આઝાદીના આંદોલન દરમિયાન શરૂ થયેલો આ ટોપીનો પ્રવાસ આઝાદી પછી અધ:પતન પામીને ક્યાં પહોંચ્યો તેનું વર્ણન વાંચતા હોઇએ ત્યારે ગાંધીમુલ્યોનો હ્રાસ થવાની પ્રક્રિયા જાણે ચલચિત્રમાં જોતા હોય તેમ લાગે છે.

પુ લનાં બાળપણના દિવસો તો દેશની ગુલામીના હતા એ સમયનું વર્ણન કરતા તેઓ લખે છે,

“ મારું બાળપણ વિલેપાર્લેમાં ગયું-એટલે મુંબઈને બીજે છેડે, સાહેબ કોલાબામાં કે મલબાર હિલ પર-આજકાલ ભારતના નવધનિકો અને પ્રધાનોનાં જ્યાં આલીશાન રહેઠાણો છે ત્યાં રહેતો. આથી એનાં દર્શન તો દુર્લભ જ! ના ના કહીએ તો સહેજે સેંકડો અંગ્રેજ સ્ત્રીપુરુષો શનિ-રવિમાં જુહૂના દરિયે નાહવા જતા, અમારા ગૌરાંગપ્રભુ અને ગૌરાંગનાદેવીઓનાં(ખાસા ઉઘાડા) દર્શન ત્યાં થતાં, પણ એય દૂરથી! કારણ કે સાહેબનો કુટુંબકબીલો જે પાણીમાં ઉતરતો ત્યાં ડુબકી મારવા જવાનું જિગર અમારામાં નહોતું. ટૂંકમાં સાહેબ છેટો જ હતો.”

“એમ તો અમને એમની કાંઇ ડાયરેકટ કનડગત નહોતી. મારા બાપુ એક દેશી કંપનીમાં હોવાથી ઘરમાં જેક્સન કે જો‌ન્સન સાહેબની વાતો જામતી નહિ. સદભાગ્યે અમારા કે પછી મોસાળનાં ખનદાનમાં પણ કોઇ રાયબહાદુર પાક્યો નહિ. આથી અમારા ઘરમાં સાહેબનો ફોટો કૃતજ્ઞતાપૂર્વક ટાંગેલો નહોતો. નાનપણમાં અંગ્રેજ સત્તાના જુલમ કરતા ગણિત, ભૂગોળ, વ્યાકરણ, કક્કો વગેરે શિખવાડનારા માસ્તરોનો જુલમ વધું હતો”

પુ લ જ્યારે બીજી અંગ્રેજીમાં આવ્યા ત્યારે ગાંધીજીની ચળવળ શરૂ થઈ ચૂકી હતી અને પછી તો ચોતરફ -ગાંધી- ગાંધી -ગાંધી જ સંભળાતુ, પણ દરેક વખતે ગાંધીજીના માનમાં જ નહિ ક્યારેક મજાકમાં અને ગુસ્સામાં પણ. જો કે પુ લનાં પરિવારમાં તો ગાંધીજી પ્રત્યે આદરભાવ જ હતો. પોતે ગાંધીજી સાથે જોડાયા (અલબત્ત માનસિક રીતે) તે અંગે લખે છે,

“ મારા આઠમાં વર્ષે માથા પરથી કાળી ટોપી ગઈ અને ગાંધીટોપી ચઢી. મેટ્રિક થતાં સુધી એનો મુકામ માથા પર હતો. અઠવાડિયે ક્યારેક તેને નાહવા મળતું. એમ તો આ ટોપી ડાહીડમરી! ધોઈને ગડી વાળીને સહેજસાજ થાબડો એટલે શિરોધાર્ય થતી. એ ટોપીની માફક ગાંધીજીએ અમારાં નનકડાં માથાનો કબજો લીધો હતો. પણ એમના રૂબરૂ દર્શન થયાં નહોતાં.”

પુ લ ને ગાંધીજીનાં પહેલવહેલાં દર્શન થયા મુંબઈમાં પશ્ચિમ પાર્લાનાં એક ચર્ચમાં યોજાયેલી એક સભામાં. તેમના નોંધ્યા મુજબ ગાંધીજીની કથનશૈલી કોઈપણ જાતના નાટકીય ઉતરચઢ વગરની હતી તો પણ તેઓ લખે છે કે તે દિવસે જેમ મારા પામર જીવનમાં ગાંધીજી પેઠા તેવા સેંકડોના જીવનમાંય ગજબની સહજતાથી પેઠા. પછીનાં કેટલાય વર્ષો ગાંધીમય થઈ રહ્યાં. અસંખ્યોના માથા પર ગાંધીટોપી દેખાવા લાગી હતી અને શરીર પર ખાદી ચઢી હતી. કાંતણકામના વર્ગો શરૂ થયા. ગાંધી સાથે જોડાયેલા લોકો પ્રમાણિકતાની મિસાલ બન્યા તે એટલે સુધી કે જેલમાં જતી વખતે પોતાનાં ઘરેણા કોઈને સોંપતી બહેનોને પૂછવામાં આવે કે તમને આમારા પર વિશ્વાસ કેમ આવે છે? તો બહેનો કારણ બતાવતા કહેતી કે તમે ખાદી પહેરેલી છે!, કોઇપણ સાધુસંત કરતા ખાદી પહેરેલો જણ જનમાનસમાં વધુ પવિત્ર હતો.

વિદેશી માલના બહિષ્કારની ચળવળમાં સામાન્ય માણસોના બલિદાનોની વાત પુ લ એક ઉદાહરણ આપીને કહે છે. બાબુ ગેનુ નામના એક મજૂરે વિદેશી માલ ભરેલી લોરી ‘ આગળ નહિ જવા દ‌ઉ’ એવા નિરધાર સાથે પોતાની જાતને એ લોરી નીચે કચડાવી મારી હતી.

એ સમયે ગાધીજીના વિરોધી સમુદાયની પુ લએ કરેલી વાતની નોંધ પણ લેવી રહી. બાબુ ગેનુનાં બલિદાન જેવા સેંકડો દાખલાઓ નજર સમક્ષ બનતા હોવાછતાં આ ચળવળ હવે ક્યાં પહોંચી છે તેનું ભાન ગાંધીજીના વિરોધમાં આ અંધ થયેલા લોકોને થતું ન હતું. પુ લ ના શબ્દોમાં કહીએ તો એમાં પ્રગતિશીલ(?) રાવબાહદુરોય ખરા! હિંદુત્વવાદીઓમાંના મોટા ભાગનાની તો ‘આપણે ટિળક સંપ્રદાયના છીએ’ એવી ગેરસમજ પણ હતી. કમ્યુનિસ્ટોનો જુદો ચૂલો હતો. પણ એમાંના ડાંગે, પાટકર , મિરજકર, રણદીવે જેવા નેતાઓએ પારાવાર ત્યાગ કર્યો હતો. ‘હિંદુમહાસભાના’ અનુયાયીઓમાં એમની તોલે આવે કોઈ નહોતો. હિંદુમહાસભાના અનુયાયીઓની સાદાઇ તો નોકરી-વ્યવસાયમાં માપસરના આર્થિક મળતરને કારણે હતી. ગાંધીજીની ચળવળનું સામર્થ્ય જ તેમનાં ધ્યાનમાં આવતું નહોતું. એમને તો ગાંધીજી બસ મુસલમાન તરફી જ લાગતા. ગોરા સાર્જન્ટ કે સોલ્જરિયાએ કરેલા અત્યાચારીનો નિષેધ કરવા કરતા મુસલમાન ગુંડાએ કરેલા બળાત્કાર વખતે એમની જીભ અને કલમને જોર ચઢતું!”

હિંદુત્વવાદીઓની બહાદુરી કેવી હતી તેનું વર્ણન ઉદાહરણ આપતા તેમણે લખ્યું છે, .

“મુંબઈમાં હુલ્લડો ફાટ્યાં હતાં. પાર્લામાં કોક બત્તીવાળો, કે કોક છત્રી સમારવાવાળો કે કાચવાળો વહોરો બાદ કરતાં મુસલમાનો સાથે પનારો પડતો નહિ. તોય ‘આત્મરક્ષણ’ માટે હિંદુઓના ચોકીપહેરા શરૂ થયા. બધા *ડોન ક્વિક્ઝોટના ભાઈઓ! રાતબેરાત લાઠીઓ ઠોકતાં ઠોકતાં અમથા ફર્યા કરવું. દુશ્મનો સામે લડવા માટે મોકાની જગ્યાએ મોરચો માંડવો પડે એમ કહીને પહેરો બંગલાની અગાશી થતો! અમારી મિત્રમંડળી એકાદો કાર્યક્રમ પતાવીને રાત્રે ઘરે પાછી ફરતી હતી. મોટેથી વાતોના તડાકા મારતા અમે જઈ રહ્યા હતા. એટલામાં અગાશી પરથી ‘હિંદુત્વરક્ષકો’ની બૂમ સંભળાઈ, શત્રુ કે મિત્ર? ’ અમે બરાડ્યા ‘શત્રુ’. હવે ઉપરવાળા ગૂંચવાયા હતા. ‘શત્રુ’ એવો જવાબ મળ્યો છે, હવે આગળ શું કરવું, બેચાર મિનિટ તો કિલ્લામાં સોપો પડી ગયો. અમે પાછા બરાડ્યા “શત્રુ’! ઉપરથી અવાજ આવ્યો, “જાવ …………”

“સ્વતંત્રતાના આટલા હવનકુંડો સળગેલા હોવા છતાં આ લોકો કોણ જાણે કયા ઐતિહાસિક જમાનાની અમથી યુદ્ધકલ્પ્નામાં મગ્ન હતા! બ્રિટિશરો વિરુદ્ધ હરફેય નહોતો. સઘળું બળ અને કળ નર્યું ગાંધીદ્વેષથી ભર્યું હતું. હિંદુમુસલમાનોનાં હુલ્લડોમાં અમારા કોંકણી રામલાઓ અને મિલમજૂરો ગુંડાઓના ટાલકા ફોડવા બહાર પડતા. સોડાવોટરની બાટલીઓની ‘ફ્રી ફાઈટ’માં સીધો ‘તું મારું માથું ફોડ કે હું તારું ફોડું’ એવો જ કાયદો હતો, પણ આ હિંદુધર્મ રક્ષકો માત્ર હવામાં લાઠી વીંઝીને દુશ્મનોના ટાલકાં ફોડવાનાં દિવાસવપ્નો જોતા હતા.”[1]

આ બધું ચાલતું હતું તેવામાં બીજું વિશ્વયુદ્ધ આવી પહોંચ્યું. દેશના એક વર્ગમાં હિટલર અંગ્રેજોનો કાંટો કાઢી નાખશે અને દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવીશું તો આઝાદી મળી જશે એવો ભ્રમ સેવાતો હતો. પરંતુ પુ લને યહુદીઓ પર ગુજારેલા ત્રાસને કારણે હિટલરનું વિજેતા બનવું પસંદ ન હતું. સામ્યવાદીઓએ યુદ્ધને તો પ્રજાયુદ્ધ છે તેમ કહીને અંગ્રેજોને સહકાર આપવાનું ઠરાવ્યું. હિંદુ મહાસભાને હિટલરે વપરેલા ‘આર્ય’ શબ્દ અને સ્વસ્તિકનું ચિહ્ન ભલે ઉંધુ હોય તો પણ હિટલર માટે અહોભાવ થયો. પરંતુ પુ લ ને આ બધામાં ગાંધીજી જ મહાન લાગ્યા કારણ કે તેમણે અંગ્રેજોને સાફ સાફ કહી દીધું કે અમારે તો આઝાદી જ ખપે. અમે સ્વતંત્ર નાગરિક તરીકે જ ફાસીવાદીઓની વિરુદ્ધમાં લડીશું.

અને છેવટે આઝાદી આવી અને પેલી ગાંધીટોપીનું શું થયું તે જાણીએ.

આઝાદી તો આવી પણ દેશના ભાગલા, તેને પગલે થયેલા ભયંકર હુલ્લડો, નિરાશ્રિતોના પ્રવાહો અને હિંદુમુસ્લિમ વચ્ચે પ્રવર્તતા કોમી વૈમનસ્ય વચ્ચે સરાકારી ઇમારતો પર ત્રિરંગો લહેરાવા લાગ્યો. વાઇસરોયની લોજમાં ધોતિયાવાળો ‘ગવર્નર જનરલ’ થઈને રહેતો. બીજી બાજુ જેમની સામે કરોડો ભારતવાસીઓએ આશાભરી મીંટ માડી હતી એ ગાંધીબાપુ ઘરબાર છોડીને નોઆખલીમાં હજારોનાં આંસુ લૂછવા માટે ફરી રહ્યા હતા અને પોતાના સાથીદારોને કહી રહ્યા હતા ‘સત્તાની ગાદી પર જશો નહિ.’ પરંતુ અહીં તો દેશમાં રાજ્યે રાજ્યે તેમના ગઈ કાલના નિષ્ઠાવાન અનુયાયીઓ માથે મોડ બાંધીને સત્તાને માયરે પોંખાવા માટે થનગની રહ્યા હતા. બ્રિટિશરોની આંખમાં ખૂંચનારી ગાંધીટોપીનો જે પ્રવાસ પહેલાં જેલ તરફ હતો એ હવે રાજમહેલ તરફ ફંટાયો હતો. જો ટોપી માથા પર હોય તો એક બીડી અમથી ફુંકવાનું ગજુ ચાલતું ન હતું એ ટોપી નીચેનું માથું સત્તાના મદમાં ઝૂમવા લાગ્યું.

લોકશાહીમાં ‘મંત્રી’ નામના નવા નવાબનો જન્મ થયો. એ પણ જૂના નવાબોની જેવો તુક્કાબાજ. એનાથી નાની અમથી ટીકા પણ ખમાતી નહિ અને વેર વાળવાની વૃતિએ દેખા દીધી. ખુદ ગાંધીજીએ જ ઉદગારો કાઢ્યા, “ સત્તાનાં લોહીનો ચટાકો લાગતા શું થાય છે તેના દર્શન મને થયા છે.” પછી તો ગાંધીજીની હત્યા થઈ અને તેમની આંખની શરમ પણ ગઈ, ટોપીનો રસ્તો હવે સાફ થયો.

આઝાદી પહેલાં ગાંધી ટોપીએ સ્વપ્નાં તો સમાજવાદનાં આપ્યાં હતાં, પરંતુ આઝદી આવ્યા બાદ એક બાજુ પાંત્રીસ પાંત્રીસ માળની ઈમારતો ઊભી થ‌ઇ અને બીજી તરફ ઝૂંપડપટ્ટીઓ પણ વધતી ગઈ. નવા યુગમાં વૈજ્ઞાનિક અભિગમને બદલે આઝાદી પછી જન્મેલો યુવાનને વિજ્ઞાન વિભાગના પ્રમુખને સત્યસાંઈ બાબાની પાછળ દોડતા જુએ છે. હવે આપણે જ આપણું ભાવિ ઘડવાનું છે એમ કહીને સમાજવાદના જયઘોષ કરતા આગેવાનોને પ્રધાનપદા માટે ગણપતિબાબાની બાધા રાખતા ભાળે છે. ખુદ વડાપ્રધાન તિરુપતિના બાલાજીની કૃપા મેળવવા પહોંચી જાય છે.

કબ્બડી કે કુસ્તીથી માંડીને યુનિવર્સિટિઓ જેવા તમામ ક્ષેત્રોમાં રાજકારણીઓ ધૂસ મારવા લાગ્યા. વિષયની જાણકારી હોય કે ના હોય પરંતુ ‘પ્રધાનપદા’ને  ભાષણ ઠોકવાના પરવાના તરીકે ગણવામાં આવ્યું.

આ સિવાય પુ લ એ સમાજનાં દરેક ક્ષેત્રમાં નૈતિક પતનના પ્રતિક તરીકે ગાંધી ટોપીને જોઈ. સૌથી મોટી વિડંબના તેમને એ લાગી કે રાજકારણમાં બધું આવું જ હોય એમ સ્વીકારીને નાગરિકોને કોઠે પડી ગયું.

અંતમાં ગાંધીજીની ચળવળમાં ભાગ લઈ ચૂકેલા એક બુજર્ગ સાથેના નીચે પ્રમાણેના સંવાદ સાથે પુ લ પોતાની વાત પૂરી કરે છે.

એ બુજર્ગને પૂછ્યું “ છેલ્લાં પચીસ વર્ષોમાં સૌથી મોટું પરિવર્તન શેમાં થયેલું લાગે છે?”

“ગાંધીટોપીમાં”

“એ ક‌ઇ રીતે?”

“પહેલાં ગાંધીટોપી પહેરતી વખતે અંગ્રેજ સરકારની બીક લાગતી હતી. હવે આપણી જનતાની લાગે છે”


(આ લેખ અરુણાબા જાડેજા દ્વારા સંપાદિત પુસ્તક ’પુલકિત’ -‌પુ લ ના લેખોનો સંગ્રહ-ના આધારે લખાયો છે.)


[1] સ્પેનિશ નવલકથા ‘ડોન ક્વિક્ઝોટ’ નું પાત્ર. નવલકથાની વાર્તા તેના મુખ્ય પાત્ર ડોન ક્વિક્ઝોટ અને તેના નાઈટ (બ્રિટિશ ઇલ્કાબ knight) હોવાનો ડોળ કરતા દુ:સાહસોની આસપાસ ફરે છે.


શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.