ફિર દેખો યારોં

બીરેન કોઠારી

આપણી પૃથ્વી પર અનેકવિધ જીવો વસે છે, જેમાંના ઘણાબધા વિશે આપણને જાણ સુધ્ધાં નથી. આમ છતાં, જાણ્યેઅજાણ્યે, અને ઘણું ખરું તો જાણીબુઝીને આપણાં કરતૂતો દ્વારા આપણે એ જીવોને પૂરતા પ્રમાણમાં નુકસાન પહોંચાડીએ છીએ. ક્યારેક આખેઆખી પ્રજાતિ પર તેના અસ્તિત્વનું જોખમ તોળાવા લાગે છે, તો ક્યારેક કોઈક પ્રજાતિના જીવોની સંખ્યા અપ્રમાણસર રીતે વધી જાય છે. નુકસાન બન્ને રીતે થાય છે.

દરિયાઈ તસવીરકળાના ફ્રેન્‍ચ નિષ્ણાત અને અભ્યાસી સર્જ મેલીશન એકાદ દાયકાથી હિંદ મહાસાગરમાં આવેલા માયોટ ટાપુ પર વસે છે. આ ટાપુ તેનાં પરવાળાનાં ખડકોથી જાણીતો છે. સર્જ અહીંના યુવાનોને આ પ્રાકૃતિક સંપદાના રક્ષણની કેળવણી પણ આપે છે. ઊપરાંત આ બાબતે તેઓ વિવિધ સ્થાને લખતા પણ રહે છે.

માયોટ ટાપુ પરના દરિયામાં ડૂબકીઓ લગાવવા દરમિયાન માયોટે એક વિશિષ્ટ પ્રકારની માછલીની હાજરી નોંધી. લાયન ફીશ તરીકે ઓળખાતી આ માછલી શરીર પર ચટાપટા ધરાવે છે. તેની ઝાલરનો આકાર પંખા જેવો હોય છે, અને તે ઝેરી ડંખ ધરાવે છે. મોટે ભાગે કોઈક ખડક પર કે સ્થિર પાણી હોય એવી જગ્યાએ તે પડી રહે છે. દેખાવ જાણે કે પરીકથામાં આવતી સૃષ્ટિના કોઈ પાત્ર જેવો. પણ આ પ્રકારની માછલીની ઉપસ્થિતિ, તેમજ તેની સતત વધતી જતી સંખ્યા એક પ્રકારના નૈસર્ગિક અસંતુલનનું સૂચક છે. ઈન્ડો પેસિફિક ક્ષેત્રનું આ પ્રાણી માયોટના ઉષ્ણકટિબંધવાળા પાણીમાં દેખા દે એ ચિંતાજનક છે. જીવલેણ ડંખ, વીજળીક ઝડપ અને પરવાળાંની નાનકડી માછલીઓને હડપ કરી જતી તેની અમર્યાદ ભૂખને કારણે તે પરવાળાંની અતિ નાજુક ગણાતી પર્યાવરણપ્રણાલિનો નાશ કરે છે. એનું કારણ એ કે આ માછલી અન્ય કોઈ જીવનો ખોરાક નથી. તેને કારણે એની વસતિ ઝડપભેર વધે છે અને પરવાળાંનાં સમીકરણોને તે બદલતી રહે છે. તે એટલી ખાઉધરી છે કે પોતાના શરીરના વજન જેટલો શિકાર રોજેરોજ ઝાપટી જાય છે. અને તે એટલી ઉત્પાદનશીલ છે કે એક માદા પ્રતિ વર્ષ વીસ લાખ ઈંડાં મૂકે છે. આમ, અમર્યાદ ભૂખ અને ઝડપી પ્રજનનના સંયોજનને કારણે લાયન ફીશ દરિયાઈ જૈવવિવિધતા માટે ખતરારૂપ બની રહી છે.

Lionfish in Mayot – Photo Serge Melesan
સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

એના પ્રભાવનું પ્રમાણ નવાઈ પમાડે એવું છે. એટલાન્‍ટિકના પરવાળામાં રહેતી એક જ લાયન ફીશ થોડાં સપ્તાહમાં જ ત્યાંની સ્થાનિક માછલીની ૭૯ ટકા જેટલી સંખ્યાને ભરખી શકે છે. બહામા ટાપુઓમાં લાયન ફીશના આક્રમણ પછી સ્થાનિક પ્રજાતિઓનું પ્રમાણ ૯૫ ટકા જેટલું ઓછું થઈ ગયું. લાયન ફીશનો સપાટો કેવો હશે એ કલ્પના જ કરવી રહી.

આ માછલીઓના નિવાસસ્થાન એવા હિંદ મહાસાગરના વિગતવાર આંકડા ઊપલબ્ધ નથી, પણ માયોટના મરજીવાઓ અને વિજ્ઞાનીઓ તેના પ્રમાણમાં થઈ રહેલી દેખીતી વૃદ્ધિ બાબતે એકમત છે.

માયોટની ખાડીમાં સામાન્ય રીતે એન્‍થિઆ નામના જીવડાની પ્રજાતિ વધુ જોવા મળે છે, પણ હવે લાયન ફીશ તેના કરતાંય વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ બાબત સામાન્ય ન કહી શકાય. પરવાળાંને લાગતો ઘસારો અને દરિયાઈ જળના વધી રહેલા તાપમાનને કારણે પરવાળાંનાં બંધારણ નબળાં પડ્યાં છે, જેને કારણે લાયન ફીશને ફાવતું જડે એવું વાતાવરણ પેદા થાય છે. એક સમયે જવલ્લે જોવા મળતી આ માછલી હવે મૃત:પ્રાય થઈ રહેલાં પરવાળાંના ખડકોની તિરાડોમાં વ્યાપક પ્રમાણમાં વસવા લાગી છે.

એક સમયે તેમનો સામનો કરતી પરવાળાંની માછલીઓ પોતે જ હવે બદલાયેલી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહી છે. જૈવપ્રણાલિ જેમ નબળી, એમ લાયનફીશની તરફેણના સંજોગો બળવત્તર. વર્તમાન યુગમાં વિવિધ માનવીય ગતિવિધિઓ ભૌગોલિક પ્રણાલિને આકાર આપી રહી છે. આવા વિશિષ્ટ યુગની વિશેષ શિકારી એટલે લાયન ફીશ. એટલે કે અતિ નાજુક જૈવપ્રણાલિઓ સાવ પડી ભાંગે ત્યારે લાયન ફીશ જેવી પ્રજાતિ વકરવા લાગે.

એક સમયે કેવળ હિંદ મહાસાગર અને પશ્ચિમ પેસિફિક સમુદ્ર પૂરતી મર્યાદિત લાયન ફીશ આ નવાં સ્થાને બે મુખ્ય માર્ગે આવી છે. એક તો એક્વેરિયમના વ્યાપાર થકી અને બીજી સમુદ્રી માર્ગો થકી. અમેરિકામાં કાં આકસ્મિકતાથી કે ઈરાદાપૂર્વક છોડી મૂકાયેલી લાયન ફીશે કેરિબીયન અને એટલા‍ન્‍ટિકના સમુદ્રતટો પર આક્રમણ શરૂ કર્યું છે. તો ભૂમધ્ય સમુદ્રમાં તે સુએઝ નહેરના માર્ગે આવી છે. અગાઉ જે સ્થળે એ નહોતી ત્યાં તેમણે ગરમ પાણીનો લાભ લઈને નવાં સ્થળોએ અડ્ડો જમાવવા માંડ્યો છે. તેમનો શિકાર કરનાર કોઈ ન હોવાથી, તેમજ સમુદ્રજળનું તાપમાન સતત વધતું રહેવાને કારણે તેમની સંખ્યા ઝડપભેર વધી રહી છે.

ઘણે બધે ઠેકાણે ‘લાયનફીશ ડર્બી’ યોજાય છે, જેમાં મરજીવાઓ પરવાળાંના ખડકો પરથી લાયનફીશને હટાવે છે, તો દરિયાઈ આહાર તરીકે પણ તેને પ્રોત્સાહન આપવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આમ, પહેલાં તેના સૌંદર્યથી અભિભૂત થવાનું, પછી તેને બેકાબૂ બનવા દેવાની, અને છેવટે નિયંત્રણના બહાને તેનું નિકંદન કાઢવાનાં પગલાં ભરવાનાં. આવો ક્રમ કેવળ લાયન ફીશ માટે જ નહીં, અનેક જીવો માટે માનવ દ્વારા બનાવાયેલા નિયમ સમો બની રહ્યો છે.

લાયન ફીશનું ઉદાહરણ વધુ એક વાર એ હકીકત નીચે ઘેરી લીટી દોરે છે કે માનવજાત થકી જે કંઈ પણ અસંતુલન સર્જાશે તે છેવટે એક મોટી જૈવપર્યાવરણની કટોકટી તરફ દોરી જશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૯ – ૨– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી