આ પહેલાં આપણે શ્રી અશોક વિદ્વાંસની પહેલી ઇનિંગ્સના લગ્ન – ભાવનગર – અને વડોદરાના તબક્કાથી અવગત થયાં
હવે આગળ….

સેકન્ડ ઇનીંગ્સ

ભારતથી અમેરિકા સ્થળાંતર કરવા માટે શું તૈયારી કરવી જોઇએ એનો મને બહુ ઓછો ખ્યાલ હતો.  એ અંગે જાતઅનુભવ વગર જ સલાહ આપનારા ઘણાં હતા.  અમેરિકાથી બે મિત્રોએ એ દિવસોમાં મને લખેલા પત્રોનો ઉલ્લેખ કરવો જરૂરી છે.  ભરત કામદારે ઉમળકાભર્યું સ્વાગત કરતાં લખ્યું કે “અહીં અત્યારે મંદીનું વાતાવરણ છે પણ તું ચિંતા કર્યા વગર ચાલ્યો આવ.  કાંઇપણ થશે તો હું બેઠો છું.”  પછી ત્રણ જ વર્ષમાં સમય આવ્યો અને ભરતે પોતાનું વેણ અક્ષરશઃ પાળ્યું.  બીજો પત્ર ઉમેશ ધોળકીયાએ લખ્યો જેમાં એમણે સમગ્ર પરિસ્થિતિનું સચોટ વિશ્લેષણ કરી અમેરિકા આવવાના ફાયદા અને તોટા સ્પષ્ટ કરી બતાવ્યા.  અમેરિકા આવવાનો નિર્ણય આખરે શૈલાએ અને મારે જ લેવાનો હતો, પણ એમાં આ પત્રોએ ઘણી મદદ કરી.

૧૭ જુલાઈ ૧૯૮૩ની સાંજે ફિલાડેલ્ફિઆના હવાઈ મથકે ઉતરી હું અમેરિકા આવ્યો ત્યારે એક આંખ ઉઘાડનારી ઘટના બની.  મારા સામાનમાં એક સૂટ-કેસ અને એક પતરાની ટ્રંક, બે દાગીના હતા.  જે કસ્ટમ અધિકારીએ મારો સામાન તપાસ્યો એ બહુ સરસ માણસ હતો.  મારી કાયા સામે જોઇ મારી ભારે ટ્રંક એણે જ ઊંચકીને બેન્ચ પર મૂકી.  વાતચીતમાં એણે જાણ્યું કે હું ’ઇમિગ્રંટ’ તરીકે અમેરિકામાં કાયમ રહેવા આવ્યો છું એટલે મારા વ્યવસાય વિષે પૂછ્યું.  મેં જ્યારે કહ્યું કે હું મિકૅનિકલ એન્જિનીઅર છું ત્યારે મારી ટ્રંક તરફ આંગળી કરી સાવ સહજતાથી પૂછ્યું કે એ ટ્રંક મેં જાતે બનાવી છે?  મેં ચોંકીને ’ના’ કહ્યું, પણ ત્યારે મારા મગજમાં વીજળી ઝબૂકી કે અમેરિકામાં એન્જિનીઅરને કેવળ સૈદ્ધાંતિક જ્ઞાન જ નથી હોતું પણ એ ખાસ્સો ’હૅન્ડ્સ ઑન’ પણ હોય છે.  તરત જ અહીં ભવિષ્ય માટે મારે શી સજ્જતા કેળવવાની છે એનો મને ખ્યાલ આવી ગયો!

મને લેવા આવેલા શિશિરભાઈ મને જોઈને ભેટી પડ્યા ત્યારે એમની આંખોમાં જે ચમક આવી’તી એ આજે પણ મને યાદ છે.  અમે ઘેર પહોંચ્યા ને બારણામાં જ ઇલાભાભીએ પોંખીને હેતથી મારું સ્વાગત કર્યું.  સત્તર વર્ષનો મૌલિન અને પાંચ વર્ષની એમીના મોં પર આનંદ અને કુતૂહલ હતાં.  જમવામાં ભાભીએ ખાસ રસ-પુરી બનાવેલા. ચોવીસ કલાકના પ્રવાસ પછી રાત્રે હું ઘસઘસાટ ઊંઘી ગયો.  ભાભીની ઓળખાણથી મને એક નોકરી મળી ગઈ; અને શિશિરભાઈની મદદથી મેં ’ડ્રાઈવર્સ લાયસન્સ’, ’સોશિયલ સીક્યોરીટી કાર્ડ’ પણ મેળવી લીધાં.  શિશિરભાઈના સ્વભાવની બે વાત અહીં નોંધવી જરૂરી છે.  એક, તેઓ ખૂબ પ્રેમાળ વડીલ છે, બીજું, તેઓ કદી ગુસ્સે થતા જ નથી.  ગુસ્સા અંગે એમણે મને કહેલું આ વાક્ય સહુએ યાદ રાખવા જેવું છે: “Ashok, when one is right there is no need to lose temper, and when one is wrong one cannot afford to lose temper.”

અમેરિકા આવવાનો નિર્ણય કર્યો ત્યારે અમે વિચાર કરીને ઠરાવ્યું કે પહેલાં મારે એકલાએ જવું અને છએક મહિના પછી શૈલા અને રણજિત જોડાય.  શિશિરભાઈ ન્યુ જર્સીમાં રહેતા હતા અને શરૂમાં ચારપાંચ મહિના હું એમને ત્યાં જ રહ્યો.  પોતાના ઘર સિવાય અન્યના ઘરે રહેવા માટે માણસે મનથી તૈયારી કરવી પડે છે એ વાત મને સમજાઈ.  શૈલા-રણજિત આવે એ પહેલાં મેં સ્વતંત્ર ઍપાર્ટમૅન્ટ મેળવી લીધું, એ બંને આવ્યાં અને અમે સાવ નજીવા રાચ સાથે અમેરિકામાં અમારું પોતાનું પહેલું ઘર શરૂ કર્યું.  પહેલાં બે વર્ષ બહુ આકરાં ગયાં.  વડોદરાનું કેવું સરસ જીવન છોડી અમે અહીં આવી ભરાણાં છીએ, એવો નિરાશામય વિચાર મને ઘણીવાર અસ્વસ્થ કરી મૂકતો, અને હું શૈલા અને રણજિતને પણ બેચેન બનાવી દેતો.  અમે રહેતા’તા એ જ ગામમાં એક ફૅક્ટરીમાં મને ’ડ્રાફ્ટ્સમૅન’ તરીકે નોકરી મળી હતી, પણ ખૂબ પ્રયત્ન છતાં શૈલાને ત્યાં કશું જ કામ ન મળ્યું.  હું અને રણજિત કામ પર અને નિશાળમાં હોઇએ ત્યારે આખો દિવસ કામ વગર, કેવળ “આપણે માટે પાછા જવાનો વિકલ્પ બંધ છે” એવા દ્રઢ નિર્ણયને લીધે જ શૈલા બધું સહન કરતી રહી.  ’તપ’ શબ્દના અર્થનો વિસ્તાર કરીએ તો શૈલા ત્યારે તપ કરતી હતી.  એ દિવસોમાં મીના દેવધર, ભરત કામદાર, અને ઉમેશ તથા કલ્પનાબેન ધોળકીયા જેવા મિત્રોએ વખતોવખત ઉત્તેજન અને સધિયારો આપ્યાં જે અમને આકરા સમયમાં ટકી રહેવામાં ખૂબ મદદરૂપ થયાં.

૨જી ડિસેમ્બર ૧૯૮૪ની સાંજે સમાચાર આવ્યા કે દાદાનું અમદાવાદમાં અવસાન થયું છે.  એમની ઉંમર એંશી ઉપર હતી એટલે એમાં આશ્ચર્યકારક તો કશું ન હતું છતાં હું હતપ્રભ થઈ ગયો.  એમના અંતિમ દિવસો કેવા ગયા હશે?  અંત વેદનામય હશે કે તેઓ સ્વસ્થતાથી ’ગયા’ હશે?  આખરના મહિનાઓમાં પણ તેઓ સ્વમાન સાથે જીવ્યા હશેને?  વગેરે પ્રશ્નોના ઉત્તર મને આજ સુધી નથી મળ્યા, અને કદી મળશે પણ નહીં.  જિંદગીમાં મેં પાછું ન લઈ શકાય એવું એક કદમ ભર્યું હતું.  હવે આગળ ચાલ્યા કરવું એ જ એક વિકલ્પ હતો.  જાત સાથે થોડી સમજાવટ કરી મેં એ વિકલ્પ અપનાવ્યો.

એ ગામમાં બે વર્ષ કાઢી અમે ન્યુ-જર્સીના ’પ્રિન્સ્ટન’ ભાગમાં ’પ્લેન્સબરો’ નામના ગામમાં, મિત્ર સમુદાય વચ્ચે રહેવાં ગયાં.  ત્યાં અમને બંનેને સરસ નોકરી મળી ને તત્કાલ અમારા જીવનમાં સ્થિરતા આવી.  અમેરિકામાં શિક્ષણની સગવડ પર કેટલું ધ્યાન આપવામાં આવે છે એનો અમને આ પહેલાં જ ખ્યાલ આવી ગયો હતો.  રણજિત સહેલાઈથી અમારા ગામની સ્કૂલમાં દાખલ થયો.  હવે અમારે બંનેને નોકરી પર જવાનું શરૂ થયું એટલે બીજી કારની જરૂર ઊભી થઈ અને અમે પહેલી નવી કાર ખરીદી.  એ પછી ’અમેરિકન ડ્રીમ’ એટલે કે પોતાનું ઘર હોવું એ અમારી જરૂરિયાત બની, અને અમને આ દેશમાં ત્રણ વર્ષ થવા પહેલાં અમે એ સપનું પણ સાધ્યું.   બસ, એ પછી અમે કદી પાછું વળીને જોયું નથી.   ઘર લીધું ત્યારની આ વાત છે.  અમારા બંનેની આવક ઘરનો હપ્તો સહેલાઇથી ભરી શકીએ એટલી હતી, પણ ઘર લેવા માટેનું ’ડાઉન પેમૅ’ન્ટ’ કરી શકીએ એટલી અમારી બચત ન હતી.  એ સમયે ભરત કામદાર અમારી પડખે ઊભો રહ્યો અને સામેથી ફોન કરી એ માટે પૈસા મોકલી આપ્યા. આમ ભરતની મદદથી અમેરિકામાં અમે પહેલીવાર ઘરમાલિક બન્યાં.

ધીમે ધીમે અમને અમેરિકામાં પાંચ વર્ષ થયાં.  અમારા લગ્ન પહેલાં ભારતમાં જ શૈલાએ ’સ્ટૅટિસ્ટિક્સ’માં એમ. એસસી. કર્યું હતું.  અહીં એણે ’કમ્પ્યુટર સાયન્સ’માં એમ.એસ. કર્યું.  આ દેશમાં આવી વસેલા બધા જ પરદેશીઓ કરે છે એ પ્રમાણે એણે પણ કામની સાથે સાથે જ એ ડીગ્રી મેળવી.  એથી એને વધુ સારી નોકરી મળી, બધી રીતે અમારી ’મોકળાશ’ વધી, ઘણી બધી નવી ઓળખાણ થઈ અને અમે અહીંના મરાઠી તેમ જ ગુજરાતી, બંને સમાજમાં સ્થાન મેળવ્યું.  વ્યાવસાયિક ક્ષેત્રે શૈલાની પ્રગતિ ચાલુ રહી, અને છેલ્લા દસેક વર્ષ  એણે ’કન્સલ્ટન્ટ’ તરીકે સ્વતંત્રપણે કામ કર્યું.  દરમિયાન, મેં બધાં જ વર્ષ એક જ નોકરી કરી.  રોજ ટ્રેનમાં ’કમ્યુટ’ કરતાં મળતો સમય મેં અંગ્રેજી, ગુજરાતી, અને મરાઠી પુસ્તકો વાંચવામાં પસાર કર્યો.  નવલકથા કે વાર્તા-માસિક ન વાંચતા એ સમયમાં મેં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, તથા સામ્યવાદ અને મૂડીવાદને લગતાં પુસ્તકો વાંચ્યાં.  એ બધું જ સમજાયું એમ તો હું ન કહી શકું પણ થોડુંક સમજાયું અને ન સમજાયું એમાંથી પણ આનંદ ખૂબ મળ્યો.

અમેરિકા-વસવાટના પાંચ વર્ષ પૂરાં થયાં કે તરત જ શૈલાએ અહીંની ’સીટીઝનશીપ’ મેળવી અને પોતાનાં બાને બે મહિના ફરવા અહીં બોલાવ્યાં.  દર બે વર્ષે બાને મળવા શૈલા ભારત આંટો મારી આવતી હતી તો રણજિત પણ ઉનાળાની રજામાં ભારતની મુલાકાતે જતો.  આથી ભારતમાં રહેલાં સગાં અને મિત્રો સાથે અમારો ઘનિષ્ટ સંપર્ક, અને પરિણામે ભારત જવાનું આકર્ષણ, કાયમ રહ્યાં.  નિવૃત્તિનાં વર્ષોમાં અમને આ સંબંધોનો ખૂબ લાભ મળ્યો છે.

૧૯૮૭-૮૮માં ન્યુજર્સીના મરાઠી સમુદાયે “अलीबाबाची हीच गुहा” નામનું સંગીતનાટ્ય તૈયાર કર્યું જેમાં રણજિતને એક નાની ભૂમિકા કરવાની તક મળી.  એનાં અમેરિકામાં ચાર અને ભારતમાં દસ ’શો’ થયા.  ચારેક મહિના એ પ્રવૃત્તિમાં ૩૫-૪૦ લોકો સાથે રહેવાથી ૧૩-૧૪ વર્ષનો અંતર્મુખ સ્વભાવનો રણજિત જાણે પોતાની બખોલમાંથી બહાર નીકળી આવ્યો હોય એમ મોકળો અને ’બોલકણો’ થઈ ગયો.  અમારે મન એણે ’અલીબાબાની ગુફા’માંથી બહાર નીકળવાનો પોતાનો રસ્તો શોધી કાઢ્યો હતો!

એ જ સમયમાં ત્રણેક મહિના મને એક ન કળાય એવી માંદગી આવી ગઈ.  એક દિવસ અચાનક મારા ડાબા ઘૂંટણની નીચેના ભાગની સંવેદના જતી રહી.  શૉવરમાં પગ પર પડતું પાણી ગરમ છે કે ઠંડું એ સમજાતું ન હતું.  તપાસમાં જણાયું કે મારા કરોડરજ્જુ પર કશુંક લીશ્ઝન (Lesion) હતું.  આખરે દવા-સારવાર પછી હું એમાંથી પૂરો બહાર આવ્યો અને પાછો કામે લાગ્યો.  પરંતુ એ દરમિયાન હું કદાચ કાયમ માટે પરાધીન થઈ જાઉં એવી શક્યતા ડોકિયું કરી ગઈ, અને પછીના થોડાં વર્ષ સુધી એ તલવાર મારા માથા પર લટકતી હોય એવા માનસિક ભાર નીચે હું રહ્યો.

અમેરિકામાં મેં પહેલા જે બે બૉસના હાથ નીચે કામ કર્યું એ બંને પૂરેપૂરા ’પ્રોફેશનલ’ હતા.  બંનેને ખબર હતી કે હું અહીં નવો છું અને એમણે મને એ રીતે સ્વીકારીને કામ સોંપ્યું, અને લીધું.  જ્યાં ક્યાંક મારી ભૂલ થઈ ત્યાં તેમણે એની જવાબદારી પોતાના માથે લીધી પણ જ્યાં મેં કાંઈક સારું કામ કર્યું ત્યાં એનો બધો યશ મને આપ્યો.  એમાંના એક પાસેથી અમેરિકાના ઇતિહાસ વિષે, ને એથીયે વધુ અગત્યનું એટલે ’અમેરિકન કૉર્પોરેટ કલ્ચર’ વિષે મને ઘણું જાણવા મળ્યું.  એકંદર મેં ૨૩ વર્ષ નોકરી કરી એમાં બીજા બે એવા જ ઉમદા બૉસ મને મળ્યા.  પણ એ સાથે જ એક ’સાધારણ’, અને એક બિલકુલ ’ખડ્ડુસ’, સ્વાર્થી અને ટૂંકી બુદ્ધિના બૉસ નીચે પણ મેં કામ કર્યું.  આ બધું અનુભવ્યા પછી હું એવા તારણ પર આવ્યો છું કે જે બૉસ પોતે કામ બરાબર જાણતો હોય, પોતાનાં જ્ઞાન અને આવડત પર જેને પૂરો વિશ્વાસ હોય, એ જ પોતાના હાથ નીચેના માણસથી નિશ્ચિંત રહી શકે છે.  જે બૉસ પોતે જ કાચો અને ઉણો હોય એ પોતાના મદદનીશથી કાયમ ડરતો હોય છે ને તેથી જ સતત મદદનીશને દબાવી રાખવા પ્રયત્નશીલ હોય છે.  આ હકીકત માત્ર અમેરિકન બૉસને જ લાગુ પડે છે એવું નથી, આ બંને પ્રકારના બૉસ, મેં ભારતમાં પણ જોયેલી અને અનુભવેલી વસ્તુસ્થિતિ છે.

ઑફિસમાં, રોજ ટ્રેનમાં જતાં-આવતાં, પડોશમાં, અમારી ’સૉક્રેટીસ ક્લબ’માં, કાળા અને ગોરા બંને પ્રકારના અમેરિકનોને નિહાળ્યા પછી મેં કેટલાંક અવલોકન તારવ્યાં છે.  એની થોડી વાતો અહીં નોંધવી યોગ્ય લાગે છે.

ઉપરના બધા સંદર્ભમાં મેં નિહાળ્યું છે કે અમેરિકન સમાજનો ઘટક ’વ્યક્તિ’ છે.  આથી વેગળું, ભારતીય સમાજનો ઘટક ’કુટુંબ’ છે.  ભારતથી અહીં આવી વસેલા આપણસહુ માટે આ ખૂબ મહત્ત્વનો અને સમજવો જરૂરી ફરક છે.  અહીં વ્યક્તિની વિચાર કરવાની દિશા અને એનાં નિર્ણયો મુખ્યત્વે પોતાને કેંદ્રમાં રાખીને લેવાતાં હોય છે, એ જ એની તાસીર છે.  ભારતમાં આપણે એ નિર્ણયો સમગ્ર કુટુંબ, અને ક્યારેક તો આખા સમાજને લક્ષમાં રાખીને લઈએ છીએ.  અહીંના વાતાવરણમાં ઉછરેલાં આપણાં બાળકોના નિર્ણય ક્યારેક આપણને સમજાતાં નથી, અગર અકળાવે છે એનું એક કારણ એમની વિચાર કરવાની આ જુદી ભૂમિકા છે.  આપણે, પહેલી પેઢીના સભ્યો આ હકીકત સમજીને સ્વીકારીએ તો બે પેઢી વચ્ચેનો તણાવ થોડોક નિવારી શકીશું.

બીજી બે ખાસ વાત પણ અમેરિકનોના સ્વભાવ વિષે મારા ધ્યાનમાં આવી છે.  પહેલી, તેઓ કોઇપણ કામને હલકું નથી સમજતા.  આપણે ભારતીયો હાથે કરવાનાં, મહેનતનાં કામને ઉતરતાં માનીએ છીએ, ત્યાં સુધી કે સુથારીકામ, લુહારીકામ, કડિયાકામ, જેવાં હાથે કરવાનાં કામની આવડત માટે આપણાં શાસ્ત્રોમાં ’અવિદ્યા’ શબ્દ છે અને કેવળ બ્રહ્મજ્ઞાનને લગતી વાતોને જ શાસ્ત્રોમાં ’વિદ્યા’ કહ્યું છે.  આ વિચારધારાને લીધે જ આપણો સમાજ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરવામાં પશ્ચિમના દેશો કરતાં પછાત રહી ગયો.  અહીંની ઑફિસોમાં કામ કરતાં આપણે સહુએ જોયું છે કે મોટો અધિકારી પણ નાનાં-નાનાં કામ જાતે જ કરે છે.  અમેરિકાની ભૌતિક સમૃદ્ધિનાં અનેક કારણ છે, પણ પૂર્વજોએ કરેલી પાછલા ત્રણસો વર્ષની તનતોડ મહેનત એમાંનું મુખ્ય છે એ નિર્વિવાદ છે.  વક્રોક્તિ તો એ છે કે આ દેશમાં લાંબો સમય રહ્યા પછી આપણે આવાં મહેનતનાં કામનું મહત્વ સ્વીકારીએ છીએ પણ જ્યારે ભારતની મુલાકાતે જઈએ છીએ ત્યારે પાછો આપણો પેલો ’અસ્સલ સ્વભાવ’ ઉપર આવી જાય છે ને આપણે આપણી સૂટકેસ ઉંચકતાં પણ ખચકાઈએ છીએ!

અમેરિકનોના સ્વભાવની બીજી ખાસિયત એમની નિખાલસતા છે.  સામાન્ય રીતે કોઇ વાત વિષે પોતાનો અભિપ્રાય તેઓ નિઃસંકોચપણે, કશી ઔપચારિકતામાં અટવાયા સિવાય આપે છે.  એમાં સામેની વ્યક્તિનાં માન કે મોભાને તેઓ બિનજરૂરી મહત્વ નથી આપતા.  આને લીધે અહીંનું સમાજજીવન કશાપણ આડંબર વિનાનું થયું છે.  ખેદની વાત છે કે આ બાબતે આપણું વર્તન ક્યારેક દંભી લાગે એટલું ઔપચારિક હોય છે.

”અમેરિકનો લાગણીશીલ છે, ઓછા છે, કે નથી?’ એ સવાલ ઘણીવાર ઊભો થાય છે.  મને લાગે છે તેઓ લાગણીશીલ છે, માત્ર એમની વ્યક્ત કરવાની રીત જુદી હોય છે.  મારા એક મિત્ર ત્રણેક વર્ષથી ’અલઝાઈમર’થી બીમાર છે અને સાવ પરવશ અવસ્થામાં છે.  એમના અમેરિકન જમાઈ દર ત્રણ દિવસે એમની દાઢી કરી આપે છે!  આને એમની શ્વસુર પ્રત્યેની લાગણી નહીં તો બીજું શું કહેવું?   સાત-આઠ વર્ષ પહેલાં શિયાળામાં અમે ભારતથી પાછા આવવાના હતાં એના આગલે દિવસે જ અહીં ૮”-૧૦” સ્નો પડ્યો.  શૈલાએ અમારી પડોશણને ફોન કરી અમારું ’યાર્ડ-વર્ક’ કરનાર માણસ પાસે સ્નો સાફ કરાવી લેવા વિનંતી કરી.  જવાબમાં એણે કહ્યું, “તું ચિંતા ન કરતી, મારા દીકરાએ તારો ’ડ્રાઈવ-વે’ સવારે જ સાફ કરી નાખ્ય઼ો છે.”  શૈલા શું બોલે? આવા અમેરિકામાં આવી રહેવાનું કોને ન ગમે?  પણ વતનથી દૂર જઈ વસનારાં સહુની જેમ અમને પણ વતન-ઝુરાપો, શરૂમાં અતિશય અને હવે ઓછો, પણ સાલે છે જરૂર.  અહીં આવ્યા પછી થોડાં વર્ષ પછીની ભારત મુલાકાતમાં એક મિત્રે પૂછ્યું,  “તમને ભારત ઘર લાગે કે અમેરિકા?”  એકપણ મટકું માર્યા વિના અમે કહ્યું, “ભારત”.  પરંતુ ધીમેધીમે એ લાગણી ક્યારે બદલાઈ એ ખબર નથી, પણ આજે હવે દુનિયામાં ગમે ત્યાં ફરીને પાછા જ્યારે ’નુઅર્ક’ના લીબર્ટી એરપોર્ટ પર ઉતરીએ ત્યારે “હાશ, ઘરે આવ્યા!” એવી લાગણી જરૂર થાય છે.  ખરે જ, માયામાં માણસનું મન કેવું અટવાઈ જતું હોય છે!

અલબત્ત, પરદેશને પોતાનું વતન બનાવનારાં બધાંની જેમ અમારાં માટે પણ આ એક ’પડીકે બાંધી જણસ’ છે.  અહીં આવી ઘણું પામ્યાં છીએ અને એની સામે ઘણું જતું કરવું પડ્યું છે.  વળી એ હિસાબ એવો છે કે એનાં જમા-ઉધાર પાસાં કરી આખર નફો થયો કે ખોટ ગઈ? એવું સરવૈયુ નથી કાઢી શકાતું.  એમાં તો પેલા હિંદી ગીતની માફક, “જો મિલ ગયા ઉસીકો મુક્કદર સમજ લિયા, જો ખો ગયા મૈં ઉસકો ભૂલાતા ચલા ગયા.” કહીને મનને મનાવી લેવાની જ વાત હોય છે.

અમારાં ’જૉબ’ સરસ ચાલતા હતા.  એકંદરે અમે ’ખાધેપીધે સુખી’ અને નિશ્ચિંત થયાં હતાં.  એટલે ધીમેધીમે આજુબાજુ નજર કરવાની ઇચ્છા થવા માંડી; અને જોયું તો ખ્યાલ આવ્યો કે આ દેશ માત્ર આર્થિક સંપત્તિ મેળવવા માટે જ ’લૅન્ડ ઑફ ઑપોર્ચુનિટિ’ છે એમ નથી.  અહીં તો મહેનત કરવાની તૈયારી હોય એવી દરેક વ્યક્તિ બધા જ પ્રકારની સિદ્ધિ પામી શકે છે.  બહુ સાદી વાત એટલે દેશવિદેશમાં પ્રવાસ.  અમે ડૉલરમાં કમાતાં થયાં અને તરત જોયું કે આખી દુનિયા ખરેખર આપણાં પગતળે કરવાનું સામર્થ્ય આપણને સાંપડ્યું છે.  ત્યારથી લગભગ પ્રત્યેક વર્ષે અમે પરદેશ-પ્રવાસ કરીએ છીએ, ને અમે જાણીએ છીએ કે એમાં કાંઇ મોટો વાઘ મારવાની વાત નથી; એમ કરવું બધાને સહજ પોસાય છે.

છતાં એ બધા પ્રવાસોમાં અમારાં મિત્ર જિજ્ઞેશ અને વર્ષાબેન સાથે અમે કરેલા બે પ્રવાસ વિશિષ્ટ છે.  એક એટલે ’ફેરબૅન્ક’ અલાસ્કાથી ’બૅરો’ અલાસ્કા સુધીનો કાચા રસ્તા પર આશરે ૮૦૦ માઈલનો મોટર પ્રવાસ, જેમાં અમે ’શિતવૃત્ત’ ઓળંગીને ’શિત કટિબંધ’માં પ્રવેશ્યાં અને ત્યાં જુન મહિનામાં ચોવીસ કલાક ન આથમનારો સૂર્ય દીઠો.  ઉત્તર અમેરિકાખંડને છેડે ’શિત મહાસાગર’માં પગ ઝબોળી આવ્યા.  આ પ્રવાસમાં ઘણું અવનવું જોયું, પણ એમાં ’આગળનો પેટ્રોલ પંપ ૨૧૩ માઈલ’ એવો નિર્દેશ કરતી રસ્તા પરની સૂચના સૌથી ચિત્ત-થરારક હતી  એ જ મિત્રયુગલ સાથે ૨૦૧૮માં વાહનમાર્ગે કરેલો ૧૧,૦૦૦ માઈલનો -અમેરિકાના પૂર્વ કિનારાથી પશ્ચિમ કિનારા સુધી અને વાપસ- પ્રવાસ પણ જિંદગીભર યાદ રહી જાય એવો છે.  એ પ્રવાસમાં અમે ૫૫ દિવસમાં આડાઅવળા ઘણું ફર્યાં અને આ દેશ કેટલો રળિયામણો છે, રસ્તા કેવા બધી સગવડથી સજ્જ છે, જોવાનાં સ્થળોની માહિતી કેવી સરળતાથી મળી રહે છે, અને લોકો કેવા મળતાવડા તથા મદદશીલ છે; એ બધું અનુભવ્યું.

પાછલા ૨૫-૩૦ વર્ષમાં અમેરિકામાં રહેવાનો મને એક મોટો ફાયદો એ થયો છે કે હું માત્ર વાચક જ ન રહેતા થોડું-થોડું લખતો થયો.  આ માટે હું બે વ્યક્તિ અને એક સંસ્થાનો ખૂબ-ખૂબ ઋણી છું.  એ બે વ્યક્તિ એટલે કિશોરભાઈ રાવળ અને કિશોરભાઈ દેસાઈ, તથા એક સંસ્થા એટલે આપણું ’ગુર્જરી’ ત્રૈમાસિક.  કિશોરભાઈ રાવળ જેટલા સરળ અને સજ્જન માણસો મેં જીવનમાં બહુ ઓછા જોયા છે.  “સામા માણસને પોતે ઉપકૃત થયો છે એવી લાગણી થવા દીધા સિવાય પણ એને મદદ કરી શકાય છે” એ તો કોઇ કિશોરભાઈ રાવળ પાસેથી જ શીખે!  સજ્જનતા, નિખાલસતા, અને સરળતામાં આ બે કિશોરમાં કોણ ચડે? એ નક્કી કરવું સક્ય નથી.  એ માટેનો ચાંદ આપવાનો હોય તો એ કરવતથી કાપીને આ બંને વચ્ચે અડધો-અડધો જ કરવો પડે.  કિશોરભાઈ દેસાઈએ ’ગુર્જરી’ ચલાવીને આપણામાંથી અધધધ કેટલા બધાને લખવાની પ્રેરણા આપી!  એમનો માતૃભાષાપ્રેમ અને ભલભલા કર્મયોગીને શરમાવે એવી નિરપેક્ષ વૃત્તિ, તથા હંસાબેન જેવાં ખરાં અર્થમાં સહધર્મચારિણી, આ ત્રિવેણી સંગમને લીધે જ આપણને આજે સતત ૩૫ વર્ષથી ’ગુર્જરી’ મળ્યા કર્યું છે.  ને કિશોરભાઈની સંપાદકના ધર્મ બદલની નિષ્ઠા વિષે તો શું કહેવું?  આ લખતાં કિશોરભાઈને એક વિનંતી કરવાનું મન થાય છે કે તેઓ “સંપાદકનો ધર્મ” વિષે એકાદ લેખ લખે.

અમેરિકામાં મને ગુજરાતી ભાષાનો મહાવરો કરવાની તક આપવા માટે હું ’ગુજરાતી લિટરરી ‘ઍકેડૅમી ઑફ નૉર્થ અમેરિકા’, હરનિશભાઈ જાની, આચાર્ય મધુસૂદનભાઈ, મધુ રાય, અને રામભાઈ ગઢવી; એ બધાનો પણ આભારી છું.  અમને બંનેને ઉમાશંકરભાઈ જોશી તથા મનુભાઈ પંચોળી જેવા મૂર્ધન્ય સાહિત્યકારોને સાંભળવાની તક ’ઍકૅડૅમી’ને લીધે જ મળી.  રામભાઈએ અધિવેશનમાં ’પઠન’ સત્રનું સંચાલન કરવાનું કામ મને સોંપ્યું તેથી લેખકોનાં સ્વાભિમાન, અભિમાન, અને મિથ્યાભિમાન સમજવાની સરસ તક મળી.

અમેરિકામાં અમારા માટે ગુજરાતી નાટકો તૈયાર કરી ભજવવાની વધુ એક પ્રવૃત્તિ કરવાનું શક્ય બન્યું.  ૧૯૮૭ થી ૧૯૯૫ના ગાળામાં મેં ચાર મરાઠી નાટકોનું ગુજરાતી કર્યું, અને અમે પંદરેક જેટલા મિત્રોએ ભેગાં થઈ એ બધાંને રંગભૂમિપર રજૂ કર્યાં.  એ પ્રવૃત્તિ કરતાં મને ’ટીમવર્ક’ તથા ’ટીમલીડરશીપ’ એટલે શું એ જાતઅનુભવથી શીખવા મળ્યું.  શૈલાએ દિગ્દર્શનના કામમાં તો મને સહાય કરી જ, પણ સાથે જ દરેક નાટકમાં અગત્યના પ્રવેશ ભજવ્યા અને પડદા પાછળનાં કામની મોટાભાગની જવાબદારી ઉપાડી.  એક વખત તો એણે પ્લેન્સબરો-ન્યુજર્સીથી હૅરિસબર્ગ-પેન્સીલવેનિયા સુધી નાટકનો સામાન ભરેલી ટ્રક સુદ્ધાં ચલાવી!  આ પ્રવૃત્તિને લીધે ઘણાં જૂના મિત્રો સાથેની અમારી મૈત્રી વધુ ઘનિષ્ટ બની.  આજે બે દાયકા પછી પણ એ મિત્રો સાથે નાટકનાં મીઠાં સ્મરણો અમે વાગોળીએ છીએ.  ખૂબ કામ પણ સાથે એટલો જ નિજાનંદ, એ મારે મન આ પ્રવૃત્તિની બહુ મોટી દેણગી હતી.

ઉત્તર અમેરિકામાં મરાઠીભાષિકોનાં જુદાં જુદાં ત્રણ મંડળ સાથે અમે સંકળાયેલાં છીએ.  એમાંનું પ્રથમ એટલે ન્યુજર્સી સ્થિત ’મરાઠી વિશ્વ’, બીજું સમસ્ત ઉત્તર અમેરિકાના મરાઠીભાષિકોને દર બે વર્ષે ભેગા કરનારું તથા વર્ષ દરમિયાન ભેગા રાખનારું ’બૃહન મહારાષ્ટ્ર મંડળ’, ત્રીજું મરાઠી લોકોને દાન કરવાની તક આપતું ’મહારાષ્ટ્ર ફાઉન્ડેશન’.  પોતાનાં ઉત્સાહી સ્વભાવ, કામ કરવાની સૂઝ તેમ જ ધગશ, અને રાત-બેરાત જાગીને કામ પાર પાડવાની ક્ષમતા તથા તૈયારી; આ બધા ગુણોને લીધે ૧૯૯૫થી ૨૦૦૮ સુધીમાં ક્રમશઃ શૈલા આ ત્રણે સંસ્થાની પ્રમુખ બની અને સફળ નીવડી.  એ સાથે જ શૈલા અનેક જગ્યાએ સ્વયંસેવક તરીકે પણ વ્યસ્ત રહી.  હવે બધેથી નિવૃત્ત થયા પછી પણ સ્વયંસેવક તરીકેનું એનું સમાજકાર્ય સતત ચાલે છે.  મારી ખાતરી છે કે શૈલા માટે આ બધું કરવું શક્ય બન્યું કારણ અમે અમેરિકામાં રહીએ છીએ.

૨૦૦૫ની સાલમાં અમારાં કુટુંબમાં સોનાનો સૂરજ ઊગ્યો.  એ વર્ષની ૧૫મી ઑક્ટોબરે અમારો દીકરો રણજીત, અને આનંદ તથા સુવર્ણા જોશીની દીકરી સંજીવની લગ્નગ્રંથિથી જોડાયાં.  યોગાનુયોગ, એક વાત એ કે સંજીવની માત્ર મહારાષ્ટ્રીઅન જ નહીં પણ એમાંયે અમારી પેટા જ્ઞાતિની છે, અને આપણી દેશી ભાષામાં કહીએ તો ’દીવો લઈને શોધવા નીકળ્યા હોત તો પણ અમને આવી રૂપાળી અને ગુણવાન પુત્રવધૂ ન મળી હોત.’  અસ્તુ.  લગ્ન અમે ખૂબ ધામધૂમથી કર્યાં અને ૨૦૧૦માં અમારી પૌત્રી અનામિકા અને ૨૦૧૩માં પૌત્ર તાલીન,નાં જન્મ થયા.  એ સહુને કારણે આજે અમારું ઘર ભર્યું-ભર્યું અને પ્રફુલ્લિત છે.

૧૯૮૩ના ડિસેમ્બર મહિનામાં શૈલા અને રણજીત ભારતથી અહીં આવ્યાં.  એ પછી ૧૯૮૪માં પ્રથમવાર શૈલાએ અમારા ઘેર કૌટુંબિક દિવાળી ઉજવી.  ત્યારથી આજ સુધી દર વર્ષે સગાં અને મિત્રો મળી આશરે ૩૦-૩૫ જણાંની સાથે અમે આપણો એ તહેવાર, પૂરા ઉત્સાહથી ઉજવીએ છીએ.  અન્ય કોઇ બાબતમાં અમે હવે હિંદુ નથી રહ્યાં કે ઘરમાં કોઇ ભગવાનની પૂજા નથી કરતાં, પણ શૈલાએ હોંશેહોંશે સ્વીકારેલી આપણી એ પરંપરા અમે બરાબર પાળીએ છીએ.

આ બધી પ્રવૃત્તિ સાથે મારો વાચનનો શોખ પણ ખીલતો રહ્યો છે.  ગુજરાતી ઉપરાંત મેં ઘણાં મરાઠી પુસ્તકો પણ વાંચ્યાં છે, જેમાં અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનાં પુસ્તકો મુખ્ય છે.  જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા મને વધુ ’પોતાની’ લાગે છે, પણ મારે કબૂલ કરવું જોઇએ કે આજે ગુજરાતી કરતાં મરાઠી ભાષામાં વધુ મૌલિક, વધુ પ્રગલ્ભ, વિવિધ દિશા ખેડનારું, વધુ તાજા વિચાર રજૂ કરનારું સાહિત્ય લખાય છે.  કાવ્ય, નાટક, લલિત તેમ જ ગંભીર સાહિત્ય; બધા જ ક્ષેત્રમાં મરાઠીની મજલ મોટી છે.  મારા વાંચવાના શોખ અંગે એક વાતનો ખેદ છે કે મેં અંગ્રેજી સાહિત્ય ખૂબ જ થોડું વાંચ્યું છે.  પણ હવે તો “અબ પછતાતે હોત ક્યા જબ ચિડિયા ચૂગ ગઈ ખેત’ જેવી પરિસ્થિતિ છે.

છેલ્લાં ૨૦-૨૫ વર્ષમાં મેં થોડું આપણું પુરાતન સાહિત્ય વાંચવા પ્રયત્ન કર્યો છે.  એ વાંચતાં મારી વૈચારિક ભૂમિકામાં મહત્વનો બદલ એ થયો છે કે હું લગભગ નાસ્તિક, અથવા અજ્ઞેયવાદી, બન્યો છું.  માનવીના અસ્તિત્વ માટે મને આત્મા કે ઈશ્વરની જરૂર જણાતી નથી.  ઉલ,ટું, હું એમ માનતો થયો છું કે ઈશ્વરની કલ્પના કરીને માણસે માણસને ગૂંચવાડામાં નાખ્યો છે.  આવી માન્યતા દ્રઢ કરતા પહેલાં મેં ભગવદ્‍ગીતા પરનાં ત્રણ વિવરણ વાંચ્યાં.  ગીતામાં મોક્ષપ્રાપ્તિના જ્ઞાન, કર્મ અને ભક્તિ એવા મુખ્ય ત્રણ માર્ગ ચીંધ્યા છે.  આશરે આઠમી સદીમાં આદિ શંકરાચાર્યે જ્ઞાનમાર્ગ પર સંસ્કૃતમાં વિવરણ લખ્યું; પછી ૧૩મી સદીમાં મહારાષ્ટ્રમાં સંત જ્ઞાનેશ્વરે ભક્તિમાર્ગ પર, અને આજથી આશરે સવાસો વર્ષ પહેલાં બાળ ગંગાધર ટિળકે કર્મમાર્ગ પર વિવરણ લખ્યું.  મેં એ ત્રણે, અને  કઠોપનિષદ, ઈશાવાસ્યોપનિષદ, પ્રશ્નોપનિષદ, તથા માંડુક્યોપનિષદ, એમ ચાર ઉપનિષદ પણ વાંચ્યા છે.  આ બધું વાંચી એ વિષે વિચાર કર્યા પછી હું ઉપરના નિષ્કર્ષ પર આવ્યો છું.

જેમ જીવન એક મુસાફરી છે એમ જ માણસનું વૈચારિક ઘડતર પણ એક સતત ચાલતી મુસાફરી છે.  મારી એ મુસાફરી ધીમી ગતિએ, પરંતુ અટક્યા વગર અત્યારે તો ચાલી રહી છે.  હવે જે થોડો સમય મારા હાથમાં છે એમાં એ મુસાફરી મને ક્યા મુકામે લઈ જશે એ હું શાંત ચિત્તે જોયા કરું છું.

 

બસ હવે ઉતાર છે

૨૦૦૮ના ડિસેમ્બરમાં મેં કામ પરથી નિવૃત્તિ લીધી.  છતાં દિવસનો ઘણો સમય મને ગમતાં કામમાં વ્યસ્ત રહેવાનું મેં ચાલુ રાખ્યું.  નિવૃત્તિના પહેલા વર્ષમાં જ મેં ઋગ્‍વેદ સંહિતા વાંચી.  ઋગ્‍વેદ એ માત્ર આર્યોનો જ નહીં પણ સમસ્ત માનવજાતનો આદિ ગ્રંથ માનવામાં આવે છે.  અવારનવાર મેં એનો ઉલ્લેખ સાંભળેલો પણ વધુ કશી જ માહિતી ન હતી, એથી જિજ્ઞાસાથી પ્રેરાઈ મેં ઋગ્‍વેદ વાંચવાનું ઠરાવ્યું.  એમાં દસ મંડળ છે, પ્રત્યેક મંડળમાં અનેક સૂક્ત છે, અને પ્રત્યેક સૂક્તમાં અનેક ઋચા છે.  એમાં ઘણી જગ્યાએ ઉષઃકાલનું સુંદર વર્ણન છે.  ઇન્દ્ર, વરુણ, ઇત્યાદિ કુદરતી બળો-તત્વો એ સમયનાં આર્યોનાં આરાધ્ય દેવ છે.  સોમરસ અને સોમપાનને પણ ત્યાં સ્થાન છે.  એકંદરે મને ઋગ્‍વેદ વાંચતા આનંદ થયો.

એ સાથે જ મારું ઇતર વાચન ચાલુ રહ્યું છે.  ત્રણ વર્ષ પહેલાં મેં એક મરાઠી મિત્રે લખેલા ૪૫૦ પાનાંના પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો, અને એ સાથે જ એક મારો લઘુકથા સંગ્રહ પણ પ્રસિદ્ધ કર્યો.

૨૦૨૧માં શૈલા અને હું એક “૫૫+ કમ્યુનિટિ”માં રહેવા આવ્યાં એથી અમારી રહેણી થોડી બદલાઈ છે.  જીવનમાં સ્થિરતા અને સ્વસ્થતા વધ્યાં છે, પણ ગતિ ઘટી છે.  અત્યાર સુધીના જીવન અંગે એકંદરે સંતોષ છે.  બેએક વર્ષ અગાઉ આ મનઃસ્થિતિનું વર્ણન કરતું એક અછાંદસ કાવ્ય મેં લખ્યું હતું.  અત્યારની મારી વાત એમાં સારી રીતે રજૂ થઈ છે.  એટલે એ કાવ્ય સાથે મારી વાત હું અહીં પૂરી કરું છું.

બસ હવે ઉતાર છે.

ચઢાણ તો ચડી ગયો, ને મથાળાનો સપાટ પ્રદેશ પણ ઓળંગ્યો.
હવે તો બસ ઉતાર આરંભાયો છે.
’ચઢાણ’ કે ’ઉતાર’ પર મારો અધિકાર નથી.
સમયની સીડી પરનાં એ સહુ સોપાન છે.

ચઢાણ અઘરું, આકરું હતું,
છતાંયે ઝડપભેર હું વટાવી ગયો.
સપાટ મથાળે પણ ન થંભ્યો,
ને જિંદગીનાં બે સોપાન શીઘ્ર પછવાડી ગયો.
પણ હવે ઉતાર છે,
….. ને છતાં મારી ગતિ ધીમી થઈ છે.

વચ્ચે-વચ્ચે અટકીને ચાલું છું.
અટકું છું તો થાક ખાવા માટે,
પણ અટકીને આજુબાજુ નીરખું છું.
ને, અહાહાહા …… કેટલું બધું જોવાનું છે !
અધસૂકા બાવળીયે હોલાનો માળો છે,
ડાબે દૂર દેખાતો ગુલમહોર રૂપાળો છે,
થાક ખાવા બેઠો ’તો એ પથરો પણ સુંવાળો છે,
શિયાળાની સવારનો તડકો બહુ હૂંફાળો છે.

આવળના ફૂલ સંગે આંકડાની હાર છે,
’આવ આવ’ સાદ દેતી ડુંગરાની ધાર છે,
કદિ ન’તું કાને ધર્યું, એવું પંખીઓનું ગાન છે’
શબ્દ એના પકડી લેવા અધીરા મારા કાન છે.

ઘણાં સાથી છોડી ગયા, પણ દિલ ભરીને યાદ છે.
ઉતારમાં નિરાંત છે, પણ એની ક્યાં ફરિયાદ છે?
…… ફરિયાદ બસ આટલી છે –
ચઢાણની અધીરાઈમાં યે ઘડીક રોકાઈને,
નીરખી હોત આંખ ભરી, દુનિયા ધરાઈને,
તો ….

જોમ હતું અંગે ત્યારે હૈયું છલકાઈને,
વધાવી હોત જિંદગી, ગીત નવાં ગાઈને!


હવે પછી …. સરયૂ દિલીપ પરીખ ની મારી સફર…