પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન પરંપરા વિશે જેટલું લખીએ તેટલું ઓછું પડે. આ દીર્ઘ લેખામાળાના સમાપનમાં સનાતન પરંપરાઓનું ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન તેમને સમજવામાં મદદરૂપ બની શકશે.
ગતાંકમાં આપણે વૈદિક અને શ્રમણ પરંપરાઓ વિશે વાત કરી હતી. હએ આગળ …..
શ્રમણ પરંપરાના પ્રભાવનાં અતિક્રમણને ખાળવાના વળતા પ્રહાર રૂપે હિંદુ ધર્મને સનાનત પરંપરાના અગ્રીમ ધર્મ બનાવવા માટે વ્યાસ પરિવારના વંશજો, સુતો અને માગધોએ નેતાગીરી સંભાળી. તેઓએ આ અભિયાનને સફળ બનાવવા નીચે મુજબનાં પગલાં લીધાંઃ
૧) ભારતીય સમાજમાં બૌદ્ધ ધર્મની જાતક કથાઓ દ્વારા બોધિસત્વના ચમત્કારપૂર્ણ વ્યાખાનો અને જૈન પરંપરાની મહાન ગાથાઓની સામે રામાયણ અને મહાભારતનું પુનઃસંસ્કરણ કરાયું
આ સમય ગાળો ઇસ્વીની ત્રીજી સદી પૂર્વેનો અને ઇસવીની બીજી સદીના ૫૦૦ વર્ષનો હતો. રામ અને શ્રીકૃષ્ણને વિષ્ણુના અવતારો રૂપે રજૂ કરાયા. પ્રથમ સ્વયંભૂ મનુથી વૈવસ્ત મનુ સુધીમા થયેલા ૪૫ પ્રજાપતિઓના ઇતિહાસને પુરાણકથાઓનાં નવાં સ્વરૂપોમાં સ્થાન આપવામાં આવ્યું. ભૃગુ, અત્રિ, વિશ્વામિત્ર, વસિષ્ઠ અને અરૂંધતી જેવા ઋષિઓને પણ જીવન કવનમાં વણી લેવામાં આવ્યા.
સૂર્ય ચંદ્ર વંશના રાજા અમરિષ, હરિશ્ચન્દ્ર, નળ – દમયંતી અને ઉર્વશી, રાજા ભગીરથ, દશરથ, શાંતનુ ગંગા જેવી અનેક વ્યક્તિઓની પ્રૌરાણિક કથાઓને અદ્વિતિય રીતે રજૂ કરવામાં આવી. શ્રમણ પરંપરાનાં કઠિન આદર્શો, ત્યાગ, તપ અને નિર્વાણ જેવાં જીવનને નકારતાં પરિબળોની જગ્યાએ યોગમાર્ગ જેવી સકારાત્મક જીવન જીવવાની અદ્ભૂત પદ્ધતિઓ વિકસાવાઈ.
શ્રમણ પરંપરાએ સ્તૂપો, ચૈત્યો, વિહારો અને ગૂફા સ્થાપત્યોથી ભારતભૂમિને સંપૂર્ણપણે આચ્છાદિત કરી દીધી હતી. તેને સામે પ્રથમ તો હિંદુ ઉદ્ધારકોએ યજ્ઞોની વેદીઓનૉ બદલે મંદિરો, પ્રાસાદો અને અજંત ઈલોરામાં પણ પોતાના ગૂફાસ્થાપત્યો કાયમ કર્યાં. આપણી મંદિર પરંપરા માટે ખાસ કામિકા આગમ અને અનેક વિષ્ણુ આગમોની રચના કરવામાં આવી. તેમાં મૂર્તિકળા, મદિરમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠાને સમજાવાયાં. સ્તૂપોની સામે શિવલિંગો બાંધવામાં આવ્યાં. એટલે બૌદ્ધોનો આપણા સામેનો આક્ષેપ છે કે હિંદુઓએ અમારા પર છૂપો પ્રહાર કર્યો છે.
એ લોકોનું એમ પણ કહેવું છે કે હિંદુઓ મુસ્લિમો દ્વારા ધ્વસ્ત થયેલ મંદિઓ પર પોતાના હક્ક માગે છે ત્યારે તેમાંના કેટલાક ધાર્મિક સ્થાપત્યો પર બૌદ્ધોના હક્કનો પણ સ્વીકાર થવો જોઈએ. વળી, હિંદુઓએ જ્યારે મંદિરો બાંધ્યાં ત્યારે એ મંદિરો પર પ્રાચીન ઇજિપ્ત, સુમર, બેબિલોન અને પર્શિયાના સ્થાપત્યોની પણ અસર વર્તાય છે.
૨) હિંદુ પરંપરાએ બીજું પગલું ઈં-દ્ર, અગ્નિ,સોમ, સિનીવાલી અને કુહુ જેવા વૈદિક કાળમાં પુજાતા દેવોને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, સૂર્ય અને આદ્યાશક્તિ એવાં પંચદેવોને સ્થાન આપ્યું. પછીથી બ્રહ્માનું સ્થાન ગૌણ બન્યું અને ગણપતિને સ્થાન મળ્યું. હનુમાનજી અને નવગ્રહો પણ ભારતીય પ્રજાના મૂળ દેવો બનવા લાગ્યા. તેમનાં મંદિરો બંધાયાં ઉપરાંત તેમનાં નામો મંત્રોમાં પણ આરાધ્ય ગણાવા લાગ્યાં. આદ્યાશક્તિનાં ૫૧ શક્તિપીઠો સામે બૌદ્ધોના ચોર્યાસી હજાર સ્મારકો હવે નિર્જીવ ભાસવા લાગ્યાંંઆતાજીના સ્વરૂપોમાં દુર્ગા, મહાકાળી અને દસ મહાવિદ્યાઓમાં આ શક્તિપ્પીઠોનો સમાવેશ થયો. અહીં તેઓની સ્થાપના યંત્રોનાં રૂપે કરવામાં આવી. મહામંત્રોની સાથે આ આદ્યાશક્તિના બીજમંત્રોનો પણ હવે વિકસી રહેલા હિંદુ સમાજે સ્વીકાર કર્યો.
૩) બૌદ્ધ ધર્મના વજ્રયાન તંત્રનો પ્રતિકાર કરવા માટે શિવ-શક્તિ અને વિષ્ણુ-લક્ષ્મીના તંત્રોનું પુનઃલેખન કરવામાં આવ્યું. ઉદાહરણ તરીકે, ભૈરવનિર્વાણ તંત્રની રચના કરવામાં આવી. તેમાં શિવના મુખેથી પાર્વતીને જુદી જુદી ૧૧૨ તાંત્રિક વિધિઓની સમજ આપવામાં આવી. પરિણામે, વજ્રયાન તંત્રને આપણી પ્રજાએ જાકારો આપ્યો. પરંતુ આ પ્રક્રિયામાં આપણે બે ધુરંધર બૌદ્ધ ગુરુઓને ગુમાવવા પડ્યા. તેનો ફાયદો ચીન, જાપાન, કોરિયા અને મધ્ય એશિયાના દેશોને થયો.
તાંત્રિક ગુરુઓ પૈકી પહેલા ધર્મસંભવ ચીન ગયા. ત્યાં તેમણે ચેન તાઈ ચી ધ્યાન પદ્ધતિ વિકસાવી, જેને જાપાને ઝેન તરીકે રજૂ કરી. ધર્મસંભવે ચીનના લોકોમાં ધાર્મિક કરતાં વ્યવાહારિક વૃતિ જોઇને કરાટે જેવી લડાયક કળાઓ દ્વારા શારીરિક અને માનસિક રીતે કુશળ બૌદ્ધ ભિક્ષુઓને તૈયાર કર્યા.
ચીનમાં કન્ફ્યુશિયસ નામના મહાન આચાર્ય થઈ ગયા. સામાજિક અને ધાર્મિક વ્યવસ્થા કઈ રીતે ચીની પ્રજાનું ભલું કરી શકે તે માટે તેમણે સરળ સિદ્ધાંતો આપ્યા. અતિશય ધર્મવાદને બદલે ચીની પ્રજાને ઉદ્યોગો અને જીવનોપયોગી કાર્યોમાં કૌશલ્ય મળ્યું. તે માટે અનેક માર્ગો સૂચવીને તેમણે પ્રજાને તૈયાર કરી.. ધર્મસંભવે ચીની પ્રજાની આ કાર્યકુશળતામાં વધારો થાય તે માટે તેમાં નવા સિદ્ધાંતો આપી પ્રાણ પૂર્યા. ચીનની સંસ્કૃતિના પ્રભાવ હેઠળ જાપાન, કોરિયા અને તાઈવાનની પ્રજાઓ પણ હતી. તેથી ૧૮મી અને ૧૯મી સદીમાં યુરોપની પ્રજાઓએ પોતાની સાયન્સ અને ટેક્નૉલોજી આધારિત ઔદ્યોગિક પરંપરાને લઈને આ ચાર દેશો પર આધિપત્ય જમાવ્યું. આ દેશોએ તેના પ્રત્યુત્તરમાં પોતાની કાર્યકુશળતાના બળે પશ્ચિમના જ્ઞાન વિજ્ઞાન અને ઔદ્યોગિક પાસાંને આત્મસાત કર્યાં. પરિણામે ૨૦મી અને ૨૧મી સદીમાં, પહેલાં જાપાને, અને હવે કોરિયા અને ચીને, પશ્ચિમને પડકાર ફેંક્યો છે. આજે ચીન ઔદ્યોગિક અને નાણાકીય સ્તરે બીજા ક્રમની વૈશ્વિક મહાસતા બની ગઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે આના પાયામાં ધર્મસંભવે પ્રાચીન સમયમાં ચીનનો જે ઉદ્ધાર કર્યો તેનો ફાળો વિશેષ છે.
બીજા બૌદ્ધિક તાંત્રિક પદ્મસંભવ હતા. હિંદુ ધર્મના પ્રતિકારનો પડકાર ઝીલવાને બદલે તેમણે વજ્ર્યાન તંત્રમાર્ગને વિદેશમાં પઈ જવાનું પસંદ કર્યું. આનો સીધો લાભ તિબેટને મળ્યો. તિબેટમાં એ સમયે કાળા જાદુ અને પ્રેતવિદ્યા આધારિત બોન ધર્મ વિદ્યમાન હતો. પદ્મસંભવે બૌદ્ધ ધર્મનાં સારાં પાસાંઓ પર ભાર મુકીને તિબેટના વજ્રયાન તંત્રને પ્રસ્થાપિત કર્યું. તેની નેતાગીરી લામાઓને સોંપવામાં આવી. ઇ. સ. ૧૯૫૦માં ચીને જ્યારે તિબેટ પર આક્રમણ કર્યું ત્યારે ઘણા તિબેટીઓ તાંત્રિક સાધુઓ હતા. એ લોકો પહેલાં ભારતમાં અને પછી અમેરિકા અને યુરોપમાં સ્થાયી થયા. વિદેશમાં આજે જે બૌદ્ધ પરંપરા વિકસી રહી છે તેનું શ્રેય પદ્મસંભવને જાય છે.
૪) અત્યાર સુધી ભારતીય સમાજ માટે ધર્મસૂત્રો અને મનુસ્મૃતિ જેવા ગ્રંથો લખાયા હતા. આ ગ્રંથોમાં ભારતીય સમાજના જીવન વ્યવહાર પર એટલાં બધાં બંધનો હતાં કે આખી સમાજવ્યવસ્થા જ ખોરવાઈ ગઈ. હિંદુ ધર્મના સુધારકોએ હવે આ નિયમોને વધારે વ્યાવહારિક બનાવતા ‘નિર્ણયસાગર’ અને ‘નિર્ણયસિંધુ’ ની રચના કરી. જે વર્ણસંકર પ્રજા હતી તેને પણ હિંદુ સમાજમાં સ્થાન આપવામાં આવ્યું.
૫) બૌદ્ધ પરંપરાના શુન્યવાદ અને જૈન પરંપરાના ક્ષણભંગુરવાદને પડકાર આપવા દક્ષિણ ભારતના આચાર્યોમાં સંકરાચાર્ય, રામાનુજ, માધવાચાર્ય અને નિંબાર્ક હતા. આ મહાજ્ઞાનીઓએ વેદાંતને ફરીથી ઉચ્ચ સ્થાન આપ્યું. આપણને, તેમજ વિશ્વને. અદ્વૈતવાદ, દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ અને અચિંત્યાભેદવાદના સિદ્ધાંતોની ભેટ મળી. આ પ્રકાંડ તત્વજ્ઞાન પરંપરાએ શ્રમણવાદના તત્વજ્ઞાનનો સંપૂર્ણ પરાજય કર્યો.
૬) મહાયાન બૌદ્ધ પરંપરામાં અને જૈન પરંપરામાં મૂર્તિ પૂજા અને તેની ભક્તિનો પ્રારંભ થયો હતો. એટલે તેનો પ્રતિકાર કરવા માટે હિંદુઓએ નારદ ભક્તિસૂત્ર અને શાંડિલ્ય ભક્તિસૂત્રને નવું સ્વરૂપ આપ્યું. પુરાણ ગ્રંથોમાં પણ શિવ, શક્તિ, વિષ્ણુ, સૂર્ય અને અન્ય અનેક દેવીઓની પૂજા-અર્ચના વિધિમાં પુનઃપ્રવેશ કરાવવામાં આવ્યો.દક્ષિણ ભારતના નયનાર અને આલ્વાર સંતોએ શિવ અને વિષ્ણુના અનેક ભજન-કિર્તન તેમની ભાષામાં લખ્યાં. સમગ્ર દક્ષિણ ભારતમાં આ બે દેવો અને પાર્વતીનાં અનેક મંદિરો બંધાયાં.
દક્ષિણ ભારતના વલ્લભાચાર્યે ઉત્તર ભારતમાં પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનાં ૮૪ પીઠો સ્થાપ્યાં. આ પહેલાં દક્ષિણ ભારતના ભક્તિ માર્ગની અસર ઉત્તર ભારત પર થઈ હતી. તેમાં રામાનંદ સંતે આ ક્રાંતિનો સૂત્રપાત કર્યો. કબીર અને નાનકના તેઓ ગુરુ હતા. આ બન્નેએ ઈશ્વરની નિરંકાર સ્વરૂપે પૂજા-અર્ચના કરી. અનેક ભજન અને અરદાસ દ્વારા તેઓએ ફક્ત એક જ નિરંકારી પરમ સત્તાનાં ગુણગાન ગાયાં. અન્ય સંતોના દેવો આકાર સ્વરૂપે જ હતા. સંત તુલસીદાસે રામનાં ચરિત્રને આપણી સમક્ષ ભગવાન સ્વરૂપે મુક્યું. ચૈતન્ય મહાપ્રભુ, સુરદાસ, નરસિંહ મહેતા અને મીરાબાઈના આરાધ્ય દેવ શ્રીકૃષ્ણ હતા. આ સંતોએ અદ્ભૂત ભજનો અને કિર્તનો દ્વારા શ્રીકૃષ્ણની લીલા આપણને આપી ન્યાલ કરી દીધાં. ઓડિસાના પંચસખાઓએ ભગવાન જગન્નાથની ભક્તિને શીખરે પહોંચાડી. આ બધાંને પરિણામે આજે હિંદુ પરંપરામાં ફક્ત ભક્તિ માર્ગ અગ્રસ્થાન ભોગવે છે.
૭) આ બધું કરવાની સાથે સાથે, શ્રમણ પરંપરાને પરાસ્ત કરવાના અભિયાનમાં હિંદુ ધર્મના પુનરુદ્ધારકોએ કેટલીક બાંધછોડ કરવી પડી. ભારતમાં પહેલાં દરેક માટે ધર્મ, અર્થ અને કામ એમ ત્રણ પુરુષાર્થો હતા. શ્રમણ પરંપરાના સંસારત્યાગ અને નિર્વાણની વિચારધારાઓને ધ્યાનમાં લઈને હિંદુઓ માટે હવે ચોથો પુરુષાર્થ મોક્ષ (સંન્યાસ) બન્યો. કર્મવાદ, પૂર્વજન્મ અને પુનઃજન્મના સિદ્ધાંતોને પણ પ્રાધાન્ય આપવું પડ્યું. આમ હિંદુ ધર્મે શ્રમણ પરંપરાના નિવૃતિ માર્ગના સિદ્ધાંતો સ્વીકાર્યા. પરિણામે. ભારતીય સમાજમાં કોઈ કાર્ય કરવાની પ્રેરણા ન રહી.
ધર્મનો અતિરેક થવાથી વિશ્વકર્મામાં માનનારા આપણા લુહાર, સુતાર, ચર્મકાર, નાઈ જેવા ઉત્તમ કારીગરોને સમાજે પછાત ગણવા માંડ્યા. તેનું લાંબા ગાળાનું પરિણામ એ આવ્યું કે પશ્ચિમના વિજ્ઞાન, ટેક્નૉલોજી અને ઔદ્યોગિક કૌશલ્યના વિકાસને આપણે સ્વીકારી ન શક્યાં અને પાછળ રહી ગયાં. આઝાદી પછી ઉચ્ચ તકનીકી અને વિજ્ઞાનની આઈ આઈ ટી, આઈ આઈ એમ અને એવી અન્ય શિક્ષણ સંસ્થાઓના આયોજનપૂર્વક કરાયેલા વિકાસને કારણે નારાયણ મૂર્તિ, નંદન નિલકેણી, સત્યમ નડેલા, સુંધર પિછાઈ, જેવા ડીજિટલ ટેક્નોલોજીના કે અવકાશ વિજ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન કરી રહેલા અનેક વૈજ્ઞાનિકો કે ડૉ. સિદ્ધાર્થ મુખર્જી, ડૉ. અતુલ ગવાન્ડે જેવા આધુનિક તબીબી વિજ્ઞાનનાં ખ્યાત વ્યક્તિત્વોની એક નવી પેઢી ભારતીય સમાજની પરંપરાગત છબીની કાયાપલટ કરી રહી છે.
હવે પછીના મણકામાં લેખમાળામાં ઐતિહાસિક મૂલ્યાંકનના સંદર્ભમા હિંદુ ધર્મની વર્તમાન સ્થિતિનાં આલેખન વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
