(૧)
દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું
થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી.
વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી
કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી.
નાઝ માંગરોલી
(૨)
આ દેશને માટે હિંસા એક વ્યાધિ થઈ ગઈ
ચાહી અમે નો’તી છતાં કેવી ઉપાધિ થઈ ગઈ
માર્યા – પછી બાળ્યા – પછી દાટ્યા – પછી ફૂલો ધર્યા
ચાલો થયું તે થઈ ગયું સુંદર સમાધિ થઈ ગઈ
શેખાદમ આબુવાલા
(૩)
આદમને આવ્યું સ્વપ્ન એવું: ગોડસે રડતો હતો
રડતો હતો ને મનમહીં એ કૈંક બબડતો હતો
નજદીક જઈને ધ્યાન આપી સાંભળ્યું તો છક થયો
કહેતો હતો: હે રામ! ગાંધી ક્યાં મને નડતો હતો?
શેખાદમ આબુવાલા
(૪)
ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
યુદ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.
નિર્મિશ ઠાકર
