કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
આપણને કોઇ પ્રશ્ન કરે કે “તમે ખેત ઉત્પાદિત માલની ગુણવત્તા વિશે વધુ કાળજી રાખો કે માલના મણિકા વધુ મળે એ બાબતે ? ” મોટા ભાગના ખેડૂતો તરફથી તુરતમાં જ મળનારો જવાબ હશે- “ ગુણવત્તા બુણવત્તા કોરાણે મૂકી, વધુ ખનખનિયાં જોઇતાં હોય તો માલનો જથ્થો વધારવા તરફ પહેલું ધ્યાન આપવું પડે !”
પણ હવે એવું નથી રહ્યું. પહેલાં માલની ગુણવત્તા તરફ ઓછું ધ્યાન અપાયે ચાલતું હતું. પણ હવે જ્યારે ગ્રાહક માલની ગુણવત્તા [ક્વોલીટી] તરફ વિશેષ ધ્યાન દેવા લાગ્યો છે ત્યારે, માલનો માત્ર જથ્થો [કવોન્ટીટી] વધુ નાણાં નથી અપાવતો. હા, જથ્થો વધુ મળે તેવું આપણું લક્ષ અવશ્ય હોય પણ સાથોસાથ પેલા ડોક્ટરે કર્યા જેવું “ઓપરેશન સફળ પણ દર્દીનું મૃત્યું ” એવું ન થઈ જાય તેય જોવું જોઇશેને ? ક્વોન્ટીટીથીયે વિશેષ ક્વોલિટી પર ધ્યાન આપવાનો તકાદો નવી વૈશ્વિક બજારની સ્પર્ધાએ ઊભો કર્યો છે. એટલે એ બાબત ધ્યાન નહીં અપાય તો ભારતનો ખેડૂત ફેંકાઈ જવાનો.
દાણા અને ફળનું કદ ; અરે ! આપણી પરંપરાગત ચાલુ બજારની રૂખ તપાસો ! દા. ત. ફળોમાં બોર લો. ઉમરાન અને ગોલા બન્ને જાતોનાં ઝાડવાં પર મોટાં અને નાનાં એમ બે પ્રકારનાં બોર મળતાં જોશો. એક પૂરા કદના મૂઠી મૂઠી જેવડાં મોટાં અને બીજા નાનાં – છબ્બા-પાંચિકા ઘાટના ચમેલી બોર. ઝાડવા પરથી સંખ્યાની દ્રષ્ટિએ ચમેલી બોર મળે ઘણાં, કદાચ મોટાની સરખામણીએ વજનમાં પણ બમણાં ! પણ મોટાં બોરની સરખામણીએ ફળો વિણવાની મજૂરી લાગે ત્રણગણી વધારે અને બજારમાં વેચવા જતાં ભાવ મળે મોટાની સરખામણીએ ૬૦ ટકા જ ! [૪૦ % ઓછા ] એવો બે બાજુનો માર એકલા જથ્થાને વળગવા જઈએ તો પડે !
દાડમનું પણ આવું જ. મોટાં દાડમ ૫ કીલોમાં ૮ થી ૧૦ નંગ આવે, જ્યારે નાનાં આવે ૨૦-૨૫. પણ બન્ને વચ્ચે ફરક ભાજી અને ખાજાનો ! બેય વાના ટકે શેર વેચવા હોય તો કોઇ ગંડુરાજાની નગરી ગોતવી પડે. પણ ત્યાંની ખબર છે ને-શોધી ચડાવે શુળીએ જાડા નરને જોઈ !
મગ, ચણા, વાલ જેવા કઠોળ કે જીરૂ-વરિયાળી-રાઇ-ધાણા જેવા મસાલામાં નાનાની સરખામણીએ મોટા કદનો દાણો સમજણા ગ્રાહકની નજરે પહેલી પસંદગી પામે છે.બાજરા, ઘઉં અને જુવારને દળી, તેનો લોટ કરીને ખવાય છે. ત્યાં દાણો ઝીણો હોય કે મોટો, લોટમાં એ દેખાય ખરું ? છતાં મોટા દાણાવાળું અનાજ સવાયા-દોઢા ભાવ આપીને કેમ ખરીદાય છે ? દાણાની ગુણવત્તા લોટમાં ઉતરે. એટલે આપણું ઉત્પાદન માત્ર એકલું વજનમાં વધુ હોય એટલું પૂરતું નથી. પણ કદમાં મોટું અને તેજવાળું આકર્ષક હોય, એ પણ એટલું જ મહત્વનું બની રહે છે.
ઉત્પાદનનો સ્વાદ : ઘણીવાર એવું બનતું હોય છે કે અનાજ, ફળ કે શાકભાજીના સ્વાદ અને સુગંધ એવાં હોય છે કે ખાનારને પરાણે વ્હાલાં લાગે ! કેરીમાં ‘કેસર’ એટલે જાત કેસર ભલેને હોય, પણ મણાર [ભાવનગર જિલ્લો] ની કેસર અને નવસારીની કેસરમાં સો અને છ નો ફેર હોય છે ભાઇ ! એવું જ રીંગણે રીંગણે ફેર, દાણે દાણે ફેર. એક બાજરાનો રોટલો ખાવાથી પણ ખ્યાલ ન આવે કે શું ખાઇએ છીએ ! જ્યારે બીજી જાત એવી હોય છે કે બાજુના ઘેર તાવડીમાં ચડતો હોય અને રોટલાની સુગંધ આપણા ઘેર આવે ! માલ એવો પકાવવો જોઇએ કે માણસ ખાતા કે ઉપયોગ કરતાં ન ધરાય ! હાઇબ્રીડ બાજરી ઉતરે વીઘે ૩૦ મણ અને દેશી બાજરો ઉતરે ૧૫ મણ. પણ ખાનાર ભાવ આપે હાઇબ્રીડની સરખામણીએ દેશીના ત્રણગણા વધુ ! આપણે શું કામ વધુ મણીકા લેવાનો આગ્રહ રાખવો ?
ઉત્પાદનની ચોખ્ખાઇ : આપણે એવું પણ ક્યાં નથી જોયું કે કપાસનો તોલ ચાલુ હોય અને ગાળે-ગોંખલેથી ઉંદરો દ્વારા નુકસાન પહોંચેલ ભડવાળો માલ ભળાય કે થડીના તળીએથી થોડી પીળી ટાંચવાળો કે ભેજવાળો, સહેજ શ્યામ પડી ગયેલો કપાસ ભળાય એટલે તોલાટ તોલ પડ્યો કરી, ભાવમાં કાપકૂપ કરવાની માથાકૂટ શરૂ કરી દે છે. આવું તો માર્કેટયાર્ડમાં પણ એક બે ને ત્રણથી વાહનમાં ભરેલ કપાસનો ભાવ નક્કી કર્યા પછી પણ વેપારી તળીએથી કીટી-કસ્તર કે ડોચકાંવાળો થોડો પણ માલ ભાળી જાય તો ભાવ તોડ્યા વિના તોલ આગળ ચાલુ કરતો નથી.
તમને પણ અનુભવ હશે, કે મગફળીનો તોલ ચાલુ હોય અને વેપારીની ઝીણી નજરમાં એકલ દાણાની શીંગ નજરે પડે તો કચવાતે મને જોખવાનું ચાલુ રાખે છે, પણ શીંગ સાથે થોડીકેય માટી ચોટેલી કે ભાંગલી-તૂટેલી કે સળેલી શીંગ, કે સાથે થોડી ડાંખળી કે થડિયાંના કટકા નજરે ચડી જાય તો વિફરે છે. ટકાવારી ગણીએ તો બે-પાંચ ટકાથી વધુ ખરાબ શીંગ,ડાંખળાં કે માટીનું વજન હોય નહીં ! પણ એ ૧૫ % કડદો કરવાનું નક્કી કરાવીને જ ખુડદો [ભેગો આપણોય } કરતા હોય છે. એટલે માત્ર વધુ વજન એજ આપણું લક્ષ નહીં રહેતાં, ચોખ્ખું પણ એટલું જ હોવું જરૂરી છે.
ઉત્પાદનની એક સમાનતા : પાકાં આમળાં કે બોરના પેકીંગનું મોઢું માર્કેટયાર્ડમાં દલાલ ખોલે કે તરત ખરીદનાર વેપારી ઝબ…..કરતો ને ખોબો ભરે છે. અને એમાં મોટાં ભેળાં જો થોડાકેય નાનાં ફળો ભાળી જાય, એટલે આવી જ બને આપણું ! બસ, “તમારો માલ આવો અધ-બે-હરો ને સાવ નબળો છે” કહી, બને તેટલા નીચા ભાવે પડાવી લેવાની પેરવી આદરે છે.
રીંગણાં કે ભીંડાની પોટકી શાકપીઠમાં હરાજી અર્થે ખોલે અને અંદર જો થોડીકેય છાલ પાકટ થઇ ગયેલાં એકાદ-બે રીંગણાં કે ભીંડાની શીંગ ભલે ને થોડી અમસ્તી નજરે ચડી જાય, એટલે આખી પોટકીનું જ આવી બને ! દૂધીની ભારીમાં ઘરડી દૂધીનો વાંધો લે તે તો સમજાય, પણ વધુ પડતી કૂણી ભાળી જાય, તો તેનો પણ “કાળી પડી જાય” કહી વાંધો દેખાડે. અને સાવ નાખી દીધાના મૂલે માગણી કરે ! અરે, બજાર થોડા મંદ હોય અને દૂધી-રીંગણાંમાં થોડુકેય કહેવાપણું હોય, તો હરાજીમાં જવાને બદલે પોટકાં સીધાં ગાયોના મોઢે ઠલવવાના થાય, અને ચલાખા ખેંચી ઘરભેગા થવું પડે તે વધારામાં.
રસાયણ મુક્ત ઉત્પન્ન : આપણે ત્યાંથી નિકાસ કરીને પરદેશ મોકલેલ હજારો મણ તલ ભરેલી સ્ટીમરો અંદર ઝેરી રસાયણોની અસર માલુમ પડતાં, માલ ઉતાર્યા વિનાની એમનેએમ પાછી આવ્યાની નોંધ આપણા રેકર્ડમાં છે. અને હવે તો આંતરરાષ્ટ્રીય બજારો ખુલ્લા થતાં આપણી પેદાશોમાં કોઇપણ રસાયણકે ઝેરની અસર, તેમને વાંધાજનક હોય તેવા પ્રમાણથી વધુ જણાય, તો તેવું ઉત્પાદન દેખાવમાં ભલેને ખૂબ આકર્ષક અને કદમાં મોટું હોવા છતાં તે નાપાસ થાય છે.અરે ! હવે તો માલ ઉતાર્યા પછીની તેની ટકાઉ શક્તિ [કીપીંગ કેપેસીટી] તે કેટલો સમય બગડ્યા વિના એવીને એવી તાજગી ટકાવી શકે છે , તેનું પણ મૂલ્ય આંકવામાં આવી રહ્યું છે.
યોગ્ય પ્રક્રિયા : જો આ બધાનો વિચાર નહીં કરીએ તો કેમ ચાલશે ? છોડ કે ઝાડ પર તૈયાર થતા દાણા કે ફળ નાનાં હશે કે મોટાં, તંદુરસ્ત પાકશે કે સળેલાં, અરે ! ઝેરી અસરથી મુક્ત હશે કે ઝેરી અસરવાળાં, તેતો પાકની વાવણીથી માંડી લણણી સુધીના ગાળા દરમ્યાન તેને અપાયેલી માવજતો, તેની રોપણી વખતે વપરાયેલ બિયારણની જાત, અને કુદરત તરફથી હવામાનમાં થયેલા ફેરફાર પર આધારિત હોય છે. પણ તે તૈયાર થયા પછી તેને ગ્રાહક, વેપારી કે બજાર સુધી પહોંચાડતાં પહેલાં આપણે ખેડૂતો તેના પર કરવી જોઇતી ચોખ્ખાઇની, ગ્રેડીંગની અને પેકીંગની પ્રક્રિયાઓ કરવા માટે જવાબદાર છીએને ! તો એવું કરવાનું બાજુ પર રાખી વજન વધુ, [મણિકા] થોકબંધ માલ પકાવ્યાની ડંફાસ માર્યા કરીએ એટલે એકડા વિનાનાં એકલાં મીંડાં ગણવા જેવી વાત થઈ ગણાય.
તમે જ કહો !: આપણી કઈ આંખ ફૂટે તો દુ:ખ ન લાગે ? ખેડુતને મન ઉત્પાદનનો “જથ્થો” જમણી આંખ છે, તો તેની “ગુણવત્તા” ડાબી આંખ છે. ડાબી ફૂટે કે જમણી, ઉત્પાદન તો કાણિયું જ કહેવાશે ને ! વધુ જથ્થામાં ઉત્પાદન અને એય પાછું ગુણવત્તામાં અવ્વલ નંબરવાળું ઉત્પન્ન થાય ત્યારે જ તેની નજરે પોતાની અને સમાજની બન્નેની સમૃદ્ધિના દર્શન પામી શકે.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
