જીવનની ખાટી મીઠી

નીલમ  હરીશ દોશી

 

પહેલી દીકરીનો જન્મ થયો ત્યારે અનંતભાઇ અને ધરાબેને અંતરના વહાલથી દીકરીને પોંખી હતી. એ પછી બે વરસે પુત્ર ફેનિલ આવ્યો અને એક પૂર્ણ કુટુંબની વ્યાખ્યા પૂરી થઇ.

વિધિ કે ફેનિલ ભાઇ બહેનના ઉછેરમાં કોઇ ભેદભાવ તેમણે નહોતો રાખ્યો. બલ્કે વિધિ તો કાલ સવારે પારકી બનીને ઉડી જશે..એવા વિચારે વધારે લાડથી રાખી હતી.

નસીબજોગે દીકરા કરતા દીકરી ભણવામાં વધારે હોંશિયાર નીકળી. થોડી ઘણી આર્થિક તકલીફ વેઠીને પણ  સારા માર્કસ આવવાથી અનંતભાઇએ દીકરીને મેડીકલમાં મોકલી. દીકરો ગ્રેજયુએટથી આગળ વધી ન શકયો. ભણવામાં તેને ખાસ રસ ન જ જાગ્યો. વિધિ ડોકટર બની અને ફેનિલને એક બેંકમાં કલાર્ક તરીકે નોકરી મળી ગઇ.બંને ભાઇ બહેનના લગ્ન કરી  માતાપિતાએ હાશકારો અનુભવ્યો. સંસારની બધી જવાબદારીઓ હવે પૂરી થઇ હતી. સદનસીબે વહુ પણ સારી મળી હતી. ખાસ કોઇ તકલીફ નહોતી. બહું પૈસા નહોતા પણ રોજિંદો જીવનનિર્વાહ ચાલી જતો હતો.  પુત્રી વિધિ હવે લાખોમાં ખેલતી હતી. તેનો પતિ પણ ડોકટર હતો અને બંનેની પ્રેકટીસ સરસ ચાલતી હતી. તેના પતિ ઉમંગનો સ્વભાવ પણ ખૂબ સારો હતો. દીકરીનું સુખ જોઇ માતા પિતા હરખાતા રહેતા હતા.

ફેનિલના દીકરાને જનોઇ આપવાની હતી. તેથી વિધિ પિયર આવી હતી. આમ તો તે ખાસ આવતી નહીં..આવે ત્યારે પણ એક દિવસથી વધારે રોકાતી નહીં. શ્રીમંત પુત્રીને હવે અહીં થોડા અગવડવાળા ઘરમાં ફાવતું નથી.  માતા સમજી જતી. પરંતુ શું બોલે ? અને વિધિ તો કહેતી રહેતી., ’ ફેનિલ, આવા ઉનાળામાં તમે બધા રહો છો કેમ ? માણસ એકાદ એ.સી. તો વસાવી લે.’

ફેનિલ કશું બોલતો નહીં. વિધિ ભૂલી જતી કે પોતે પણ આ ઘરમાં જ મોટી થઇ છે. અને ભાઇની સામાન્ય નોકરી,માતા પિતાની જવાબદારી આ બધામાં એ.સી. કે એવી કોઇ સગવડ તેને પોસાય તેમ નથી. બહેન આ બધું જાણતી જ હતી. અને છતાં ભાઇના ઘરમાં પોતાને કઇ ક ઇ અગવડ પડે છે અને ભાઇના ઘરમાં શું નથી..એ એક કે બીજી રીતે  બતાવતી રહેતી.  વિધિની વાત કોઇને ગમતી તો નહીં..પરંતુ દીકરી બે દિવસ આવી છે એમાં એને કયાં કહેવું ? એવા વિચારે બધા મૌન રહીને સાંભળી લેતા.

વિધિ આવે એટલે ઘરમાં ટેંશન વધી જાય. તેની પુત્રીને અમુક વસ્તુ જ ગમે અને અમુક વસ્તુ જ ભાવે..એ બધાનું ધ્યાન રાખવામાં જો જરાક પણ ચૂક થાય તો ભાભીનું આવી જ બને. એક બે દિવસ પણ મારી દીકરીને તમારાથી નથી સરખી રીતે નથી સાચવી શકાતી ?ભાભી સારી હતી..તેથી સાંભળી લેતી. મનમાં ગુસ્સો તો બહું આવતો. પણ ચૂપ રહેતી. વિધિ આવે એટલે ઘરનું બજેટ પણ ડામાડોળ થઇ જાય.’ જો, ફેનિલ, મારા ઘર પ્રમાણે તારે વહેવાર કરવાનો..તારું ખરાબ ન લાગે એટલે કહું છું.  બાકી મને કંઇ તારા પૈસાની પડી નથી. મારે કોઇ જરૂર નથી. પણ મારો ભાઇ સાધારણ છે એવું કોઇ કહી જાય એ મને ન ગમે. અને બહેનનો વહેવાર સાચવવા ભાઇને કયારેક કોઇ પાસેથી ઉધાર પૈસા પણ લેવા પડતા. વિધિ આવે ત્યારે ભાઇના દીકરા માટે મોંઘા કપડાં ને મોંઘી વસ્તુઓ અચૂક લાવે. પણ પછી કહેવાનું ન ચૂકે ‘ મારે તો હજુ ઘણું લાવવું હતું. પણ પછી પાછું વાળવામાં ભાઇ બિચારો તણાઇ જાય ને ? બહેનનું રાખીને બેસી તો ન રહેવાય. નકામું તમારે બમણું કરીને આપવું પડે. એટલે હું જ વધારે નથી લાવતી.’

આ વખતે તો જનોઇનો પ્રસંગ હતો. વિધિ ભાઇના દીકરા માટે સોનાનો ચેન લાવી હતી. ફેનિલ ગભરાયો. હવે બહેનને પોતે પાછું કેવી રીતે વાળી શકશે ? તે મા સામે જોઇ રહ્યો. મા દીકરાની મૂંઝવણ સમજી ગઇ. તેણે ધીમેથી પુત્રીને કહ્યું. ’ વિધિ, તું ભત્રીજા માટે હોંશથી લાવી એ સારું કર્યું. પણ બેટા, તારે અમારા ઘર પ્રમાણે જ લાવવું..તારા ઘર પ્રમાણે નહીં. અમારાથી તારા ઘરના મોટા વહેવાર નહીં સચવાય. દીકરી, તું ડોકટર બની છે. તારો ભાઇ એક કલાર્ક છે. એ યાદ રાખજે.

ફેનિલ, વિધિનો ચેન પાછો આપી દે. વિધિ, શુકનનો સવા રૂપિયો ભત્રીજાને પ્રેમથી આપી દેશે. અમારે તો પ્રેમની જ કીમત છે. ‘ ફેનિલે ચેન બહેનના હાથમાં લંબાવ્યો. વિધિ શું બોલે ?


નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે