ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ટેક્નોલોજી બેધારી તલવાર હોય છે. તેનો ઊપયોગ ચમત્કારિક પરિણામ લાવી શકે છે, પણ તે યોગ્ય રીતે ન પ્રયોજાય તો તેનાથી થતું નુકસાન ભરપાઈ કરી ન શકાય એવું હોય છે. એનો અર્થ એ કે તેનો છેવટનો આધાર તે કોના હાથમાં છે એની પર છે.
કેમેરા અને બીજાં આધુનિક સાધનો થકી વન્ય જીવો વિશેની અનેક વિગતો જાણી શકાય છે, તેમ તેમની સમસ્યાઓ પણ પારખી શકાઈ છે. વન્ય જીવોની તસવીરો લેવાનો શોખ અનેક લોકોને હોય છે. અનેક કિસ્સામાં આવા શોખીનો દ્વારા કેટલીય દુર્લભ પ્રજાતિઓ વિશે જાણવા મળતું રહ્યું છે. પણ ઘણા કિસ્સામાં આવા શોખીનો અજાણતાંમાં કેવું નુકસાન કરી બેસે છે એનો નમૂનેદાર કિસ્સો પશ્ચિમ ઘાટનાં જંગલોમાં બન્યો છે.
વનોની પોતાની એક આગવી જૈવપ્રણાલિ હોય છે. તેમાં અનેક પ્રજાતિઓ એકમેક પર અવલંબિત હોય છે. અહીં કોઈ વૃક્ષ ધરાશાયી થઈ જાય તો એ જમીન પર જ પડ્યું રહે છે. એનું પણ આગવું મહત્ત્વ છે. પશ્ચિમ ઘાટના કેરળમાં આવેલા કેટલાક વિસ્તારમાં ‘ગેલેક્સી ફ્રોગ’ નામના દેડકાની પ્રજાતિ જોવા મળે છે, જેનું જીવવિજ્ઞાનનું નામ ‘મેલાનોબાટ્રેકસ ઈન્ડિકસ’ છે. નામ મુજબ જ તેમનો રંગ કાળો અને તેમાં તારા આકારનાં સફેદ ટપકાં હોય છે. આકાશગંગા જ જોઈ લો. આ પ્રકારના દેડકા મુખ્યત્વે જમીન પર આડા પડેલા થડની નીચે રહે છે અને વિકસે છે. તેની લંબાઈ બે સે.મી.થી લઈને સાડા ત્રણ સે.મી. સુધીની હોઈ શકે છે, અને તે નવસો મીટરની ઊંચાઈએ જોવા મળે છે. અમસ્તા પણ આ પ્રજાતિના દેડકા દુર્લભ અને તેથી જોખમગ્રસ્ત ગણાતા હતા.
પશ્ચિમ ઘાટના આ વિસ્તારમાં આવા સાત દેડકા હતા. એક સ્થળે આડા પડેલા પચીસેક થડની નીચે તે વસતા હતા. થોડા સમય અગાઉ સંશોધકોની એક ટીમને પોતાની તપાસમાં જણાયું કે આ પચીસે પચીસ થડ ઊલટાવાઈ ગયેલાં છે, આસપાસના વિસ્તારમાં ઊગેલી વનસ્પતિ ચગદાઈ ગઈ છે, અને પેલા સાતે દેડકા ગાયબ છે. વધુ તપાસમાં જાણવા મળ્યું કે તસવીરકારોનું એક જૂથ આવેલું, જેણે આ દેડકાંને શોધવા માટે પેલાં થડિયાં ઊથલાવ્યાં, વધુ તીવ્રતાવાળી ફ્લેશગનથી તસવીરો લીધી, તસવીરમાં સારી પૃષ્ઠભૂમિ મળે એટલા માટે તેમને બીજે ગોઠવ્યા, અને હાથમોજાં પહેર્યા વિના તેમણે આમ કર્યું. આને કારણે એ દેડકાંમાં નિર્જળીકરણ, તણાવ તેમજ રોગનું સંક્રમણ થઈ શકે. ચારથી છ તસવીરકારો એના એ જ દેડકાની તસવીરો લેતા રહયા અને આવું સતત ચચ્ચાર કલાક સુધી ચાલ્યું.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
અમેરિકન સંસ્થા ‘સોસાયટાસ યુરોપીઆ હર્પેટોલોજિકા’ (એસ.ઈ.એચ.)ના પ્રકાશન ‘હર્પેટોલોજી નોટ્સ’માં આ અહેવાલ પ્રકાશિત થતાં આ હકીકતની જાણ થઈ. આ અહેવાલના મુખ્ય લેખક કે.પી.રાજકુમાર છે. તેમણે આ બાબતે વધુ જણાવ્યું છે કે: ‘આ દુ:ખદ ઘટના, અનિયંત્રીતપણે કરવામાં આવતી ફોટોગ્રાફીનાં પરિણામો કેવાં આવી શકે એ હકીકતની ગંભીર ચેતવણી સમાન છે. પોતાના રંગ તેમજ દુર્લભતાને કારણે આ દેડકાંને ફોટોગ્રાફરો શોધતા હોય છે. પણ એ ધ્યાન રાખવું જોઈએ કે આ દેડકાની તસવીરો લેવા માટેના ઉત્સાહમાં એ જ તસવીરકારો દ્વારા તેમનું નિકંદન ન નીકળી જાય. એ પણ એક વક્રતા જ કહી શકાય કે તેની દુર્લભતાને કારણે કેમેરામાં તેમને ઝડપવાની હોડ તેમને દુર્લભ અને ભૂતકાળની ચીજ બનાવી રહી છે. તે હવે તસવીરોમાં જ જોઈ શકાશે.’
રાજકુમારે વધુમાં કહેલું, ‘ફોટોગ્રાફીને યોગ્ય રીતે કરવામાં આવે તો તે સંરક્ષણકર્તાને વિવિધ પ્રાણીઓ ક્યાં રહે છે, શી રીતે વર્તે છે વગેરે બાબતો સમજવામાં મદદરૂપ બને છે. આવી તસવીરો એ અદ્ભુત પ્રજાતિઓ વિશે શીખવામાં પણ મદદ કરે છે. પણ બેજવાબદારીપૂર્વક કરાયેલી ફોટોગ્રાફી જોખમી બની શકે છે.’ ભારતના જીવવિજ્ઞાની ઝીશાન મિર્ઝાએ પશ્ચિમ ઘાટ વિસ્તારમાં સાઠ જેટલી નવી પ્રજાતિઓ શોધેલી છે. તેમણે કહ્યું, ‘કેટલીક પ્રજાતિઓનું નામકરણ થાય એ પહેલાં જ તે લુપ્ત થઈ જશે.’ મિર્ઝાના જણાવ્યા અનુસાર જૈવવિવિધતાનાં મુખ્ય સ્થળો પરનો ખતરો વધતી જતી માનવવવસતિ છે. આ ખતરા સાથે સંકળાયેલાં અન્ય તમામ પરિબળો માનવવસતિ સાથે જ સંકળાયેલાં છે. ચા અને કોફીના બગીચા માટે પશ્ચિમ ઘાટનાં જંગલોનું ખેતીલાયક જમીનમાં રૂપાંતર કરવામાં આવે છે. ગામની સીમા વિસ્તરતી રહી છે, જંગલોની વચ્ચેથી વાહનમાર્ગ બનાવવામાં આવે છે. પ્રવાસીઓને આકર્ષવા માટે પણ અવનવાં ગતકડાં કરવામાં આવે છે, જેમાં ઘોંઘાટ અને પ્રદૂષણ સિવાય કશું હોતું નથી. એમાં હવે ભળી છે ફોટોગ્રાફી, જેનો મૂળભૂત આશય શુભ હોવા છતાં તે ઘાતક નીવડી શકે છે.
હજી જેમની ઓળખ તો શું, જાણ થવી પણ બાકી છે એવી અનેક પ્રજાતિઓ આવા ઘટનાક્રમનો ભોગ બની હશે અને હજી બનતી રહેશે.
કુદરતે દરેકેદરેક પાસાંનો વિચાર કરેલો છે. પણ માનવે જ્યારથી કુદરતી ક્રમમાં દખલગીરી કરી એ પછી તેણે પોતાની સાથે સાથે અન્ય જીવોનો પણ વિનાશ નોંતર્યો છે. અસ્તન એટલે કે સસ્તન ન હોય એવી શ્રેણીના પ્રાણીઓનો રંગ એકદમ તેજસ્વી હોય છે, જે શિકારી પ્રાણીઓ માટે એક પ્રકારે ચેતવણી છે કે આ જીવ ખાદ્ય નથી. પણ કેમેરાની, સામાજિક નેટવાર્કિંગ માધ્યમ નામના પ્રાણીની ભૂખ અને વૃત્તિની જાણ કુદરતને શી રીતે હોય? એ ભૂખે જ ગેલેક્સી ફ્રોગ જેવી દુર્લભ પ્રજાતિનો ભોગ લીધો.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૫ – ૨– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી
