અમદાવાદ – કૉલેજ – અને આગળ
એ સમયમાં અમદાવાદ ગુજરાતનું પાટનગર અને ખૂબ ધીકતું મહાનગર હતું. સોનગઢ જેવાં નાનકડાં ગામડાંની સરખામણીમાં તો એ અતિશય મોટું હતું. દાદાએ (મારા કાકા શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ) નવરંગપુરામાં મોટો બંગલો બંધાવ્યો હતો. સોનગઢમાં અમે બધે ચાલીને જ જતા, મારા પહેલાં અમદાવાદ આવેલા મારા બંને મોટાભાઈઓ બધે સાઈકલ પર ફરતા. સોનગઢમાં મારી પાસે પગરખાંની માત્ર એક જોડી હતી, અહીં બધા પાસે ’શૂઝ’ અને ચંપલ બંને હતાં. સોનગઢમાં મારી પાસે બે કે ત્રણ ભૂરી ચડ્ડી અને ત્રણ કે ચાર સફેદ શર્ટ હતા. અહીં બધા પાસે પેન્ટ-શર્ટની અનેક જોડ, ઉપરાંત પણ ઘણાં કપડાં હતાં. અમદાવાદ મારા માટે અનેક રીતે મોટું હતું!
દાદાનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. ત્યાંની પ્રસિદ્ધ ’શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર’ હાઈસ્કૂલમાં વીસ વર્ષથી તેઓ ભૂગોળ-ઇતિહાસ-સમાજશાસ્ત્ર વિષયો શીખવતા હતા. એક આદર્શ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં તેઓ આદરણીય અને સાથે-સાથે જ પ્રિય હતા. અમે અમદાવાદ ગયાં અને એક જ અઠવાડિયામાં જ્યારે એક રવિવારે સવારે મુરબ્બી શ્રી ઝીણાભાઈ (સ્નેહરશ્મિ) દેસાઈની સાથે મુ. શ્રી ઉમાશંકરભાઈ જોશી તેમને અને ભાઉને મળવા આવ્યા ત્યારે મને એ હકીકતનું ભાન થયું કે અમદાવાદના ભદ્ર સમાજમાં તેઓ કેવા પ્રતિષ્ઠિત હતા એમની ઉત્સાહભરી વાતોથી મારા ધ્યાનમાં આવ્યું કે મીઠાનાં સત્યાગ્રહ વખતે દાદા અને ઉમાશંકરભાઈ જેલમાં ચક્કી પીસવામાં સાથી હતા! કલાકેક વાતો કર્યા પછી ચારે જણા ઝીણાભાઈની ગાડીમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીને મળવા ગયા. વળી એ પછીની એક સાંજે ’આર. આર. શેઠ’વાળા શ્રી ભગતભાઈ (હા, મારો ગુરુકુળનો સહપાઠી ભગત) એ સમયના ગુજરાતીના પ્રખ્યાત વાર્તાકાર શ્રી ઇશ્વર પેટલીકરને લઈ ભાઉને મળવા આવ્યા. પછી તો જેને ’જ્ઞાન-ચર્ચા’ કહી શકાય એવી વાતો અમારા જ ઘરમાં મને અવારનવાર સાંભળવા મળી. ’ટાઇમ્સ ઑફ ઇન્ડીયા’ તો રોજ, અને ક્યારેક ’લંડન ટાઇમ્સ’ પણ મને અમારા ઘરમાં જોવાની ટેવ પડી. અચાનક હું ખાબોચિયામાંથી મોટા સરોવરમાં આવી ગયો હતો. એ દિવસોમામ દાદા ગુજરાતના અને ભારતના ઍટલાસ માટે નકશા તૈયાર કરવામાં વ્યસ્ત હતા. એ જ સમયમાં ચીને ભારત પર આક્રમણ કર્યું અને અમદાવાદમાં અનેક જગ્યાએ એ ઘટના અંગે દાદાએ દીર્ઘ વ્યાખ્યાન આપ્યા. ૧૯૬૩માં દાદા નિવૃત્ત થયા એ સમયે ઝીણાભાઇએ, ત્યારના ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતાએ દાદા વિષે, તેમ જ દાદાએ પોતે શિક્ષકની નિષ્ઠા વિષે આપેલાં વક્તવ્ય અતિશય મનનીય હતાં. પછીના પાંચ વર્ષ હું દાદાના સાંનિધ્યમાં રહ્યો એને કારણે મારા ચારિત્ર્યને એક વધુ ઉજળો વળાંક મળ્યો.
જૂન મહિનાની શરૂઆતમાં અમારું એસ.એસ.સી.નું પરિણામ જાહેર થયું અને હું સરસ માર્ક્સ સાથે પાસ થયો. વડીલોની સલાહ પ્રમાણે મારે આગળ સાયન્સ અને પછી ઍન્જિનીઅરીંગ કૉલેજમાં ભણવું એમ નક્કી થયું, અને હું એમ. જી. સાયન્સ ઇન્સ્ટીટ્યુટમાં દાખલ થયો. મારે સાયન્સ વિદ્યાશાખામાં ભણવું અને ઍન્જિનીઅર બનવું; કે ’આર્ટ્સ’ કૉલેજમાં જઈ અંગ્રેજી-સાહિત્ય, અર્થશાસ્ત્ર, કે તર્કશાસ્ત્રનો અભ્યાસ કરવો? એ ખરેખર તો મારા ભવિષ્યનો માર્ગ નક્કી કરવાની વાત હતી. પણ વક્રોક્તિ એ હતી કે આવો અગત્યનો નિર્ણય લેવા માટે મારી પાસે બહુ જૂજવી માહિતી હતી મને લાગે છે એ દિવસોમાં આમ જ થતું હતું. જેનાં ભવિષ્યનો સવાલ હોય – પછી એ અભ્યાસ અને કારકીર્દી પસંદ કરવાની વાત હોય કે લગ્નસાથીની પસંદગી કરવાની હોય – એ વ્યક્તિને ભાગ્યે જ નિશ્ચિત મત હતો. આપણી સમાજવ્યવસ્થા એવી હતી કે કિશોરવયમાં વ્યક્તિ પોતા વિષે કોઇ મહત્વનો નિર્ણય લઈ શકે એવી તાલીમ એને ભાગ્યે જ મળતી. એવો નિર્ણય કોઇ લે અને એ ખોટો નીવડે તો એને બદલી કે સુધારી શકાય એવી સવલત પણ ન હતી. આવા સંદર્ભમાં વ્યક્તિસ્વાતંત્ર્ય એટલે શું એ અમેરિકા આવ્યો પછી જ મને સમજાયું. ખેર, હું સાયન્સ કૉલેજમાં દાખલ થયો. પહેલે જ દિવસે હું જે બેન્ચ પર બેઠો હતો ત્યાં જ મારી બાજુમાં એક ગોરો, રૂપાળો, અને નિખાલસ સ્મિત ધરાવતો યુવાન આવીને બેઠો. અમે એકબીજાનાં નામ પૂછ્યાં અને તે દિવસે મારી ’ભરત કામદાર’ સાથે ઓળખાણ થઈ. આજે એ વાતને ૬૦ ઉપર વર્ષ વીતી ગયાં છે અને અમે બંને ’દાદા’ બન્યા છીએ. તે દિવસથી આજ સુધી ભરત ઉર્ફે ’નાનુ’ મારો જીગરજાન મિત્ર રહ્યો છે. સાયન્સ કૉલેજમાં પણ મારો અભ્યાસ સરળતાથી અને સફળતા સાથે થયો, પરિણામે બે વર્ષ પછી મને અમદાવાદની (ત્યારે) એકમાત્ર એન્જિનીઅરીંગ કૉલેજમાં, મારી પસંદગીના ’મિકૅનિકલ’ વિભાગમાં સહેલાઈથી પ્રવેશ મળ્યો. ખાસ વાત એટલે આ વખતે એ મારી પસંદગી હતી. કિશોરવય વટાવી હવે હું યુવાન થયો હતો.
એન્જિનીઅરીંગ કૉલેજના ત્રણ વર્ષ પણ સરસ પસાર થયા. બીજા વર્ષની અમારી પરીક્ષાનું પરિણામ ખૂબ કડક આવ્યું અને માત્ર ૧૧% વિદ્યાર્થીઓ જ પાસ થયા. એ ૧૧%માં હું પણ હતો એ મારે મન આનંદ અને અભિમાનની વાત હતી. નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ હડતાળ પાડી. આખરે સત્તાધારીઓએ પરિણામ બદલી વધુ વિદ્યાર્થીઓને ’પાસ’ જાહેર કર્યા અને અમારું નવું સત્ર શરૂ થયું! પણ હવે અમે બધા જ પુખ્ત થયા હતા અને અમારા મિત્ર વર્તુળમાં ’આ હડતાળ યોગ્ય હતી કે અયોગ્ય?’ એ પ્રશ્ન પર ઘણી ચર્ચા થયેલી. મહત્ત્વના પ્રશ્નનો સર્વાંગી વિચાર કરવા અમે હવે તૈયાર થયા હતા. એ સમય દરમિયાન શિશિરભાઈ અને ઇલાભાભીએ પ્રેમલગ્ન કરવાનો નિર્ણય જાહેર કર્યો. એ આંતરજાતીય લગ્ન હતું અને અમારા ઘરમાં એની ચર્ચા થઈ. એ વિષે મેં જ્યારે આઈને પૂછ્યું કે એમનો શું મત છે? ત્યારે એક સરળ સ્વભાવની પ્રેમાળ માતા જ આપી શકે એવો એમનો જવાબ હતો, “મારો શિશિર સુખી તો હું સુખી.” ખૂબ ધામધૂમથી એ લગ્ન ઉજવવામાં આવ્યાં. એ જ વર્ષે ભરતભાઈ ’ગ્રેજ્યુએટ’ થયા અને બૅંકમાં કામે લાગ્યા. બીજી બાજુ એ દિવસોમાં જ ભાઉને ’માઈલ્ડ હાર્ટ ઍટૅક’ આવી ગયો, પણ એમાંથી તેઓ ઝટ સાજા થયા અને અગાઉના જ મનોબળ સાથે પાછું પોતાનું અનુવાદનું કામ કરવા માંડ્યા. આ બધા સાથે ૧૯૬૫ના જુન મહિનામાં હું બી.ઈ. મિકૅનિકલ થયો. જિંદગીનો એક અગત્યનો તબક્કો મેં ગાંઠ્યો હતો. પોતાના પગપર ઊભો રહેવા હવે હું સજ્જ થયો હતો અને તત્પર હતો.
જીવનમાં મિત્રોની બાબતમાં હું ખૂબ નસીબદાર રહ્યો છું. દરેક તબક્કે મને હોંશિયાર, પ્રામાણિક અને હિતેચ્છુ મિત્રો સતત મળતા રહ્યા છે. અમે ત્રણે શાળામાં હતા ત્યારથી જ રીટા અને દેવરાજ મારા ઘનિષ્ટ મિત્ર થયા હતા. ઍન્જિનીઅરીંગના અભ્યાસ દરમિયાન મને ભરત કામદારમાં એવો જ આજન્મ-મિત્ર મળ્યો. એની અને પંકજ કોઠારીની મૈત્રી થઈ એ મારા જીવનની મોટી મૂડી છે.
૧૯૬૦ના દાયકામાં પોતાની પસંદગીના ક્ષેત્રમાં સારા માર્ક્સ સાથે સ્નાતકની ડીગ્રી મેળવનારા યુવાનો અને યુવતીઓ જો આર્થિક રીતે પરવડતું હોય તો વધુ અભ્યાસ અને પ્રગતિ માટે અમેરિકા જતાં. મારી બાબતમાં દાદા કે ભાઉના પૈસા ન વાપરતાં એમ કરવું લગભગ અશક્ય હતું, અને એમની પાસે પૈસા માગવાની મારી ઇચ્છા ન હતી. એટલે ઍન્જિનીઅર થયા પછી તરત ભારતમાં જ કામે લાગવું એમ મેં ઠરાવ્યું; અને સાથે એમ પણ ઠરાવ્યું કે અમદાવાદમાં દાદાની ઘણી ઓળખાણ હોવા છતાં બને ત્યાં સુધી નોકરી મારા પોતાના પ્રયત્ન વડે જ મેળવવી અને હવે ઘરમાંથી બહાર નીકળી સ્વતંત્ર જીવન શરૂ કરવું. હું સંતોષપૂર્વક કહી શકુ છું કે એ પછી મેં જે જે નોકરી મેળવી એ બધી મારા પ્રયત્નોથી જ મેળવી.
૧૯૬૫માં બી.ઈ. થયો ને મેં વડોદરામાં એક સ્ટીલ રોલિંગ મિલમાં પહેલી નોકરી મેળવી. એ કંપનીના માલિક સરદારજી હતા એટલે ત્યાં કામ કરનારા મોટાભાગના માણસો પણ સરદારજી હતા. ત્યાં એક ગુરુદ્વારા હતું જ્યાં રોજ સવારે ’કડા પ્રશાદ’ એટલે ભરપુર ઘીમાં બનાવેલો શીરો મળતો. દિવસ શરૂ કરવાની આ પ્રથા મને બહુ ગમી! જ્યાં ૩૦૦ માણસો કામ કરતા હતા એ મિલમાં એકમાત્ર હું જ ’ભણેલો’ ઍન્જિનીઅર હતો. ત્યાં મને ૧) અન્યની મદદ સિવાય મહત્વની ટૅકનિકલ બાબતોના નિર્ણય કેમ લેવા તે: ૨) સરદાર કોમની શિસ્ત અને મહેનતુપણું; તથા ૩) શીખ ધર્મની થોડી માહિતી; એમ ત્રણ નવી વાતો શીખવા મળી. વડોદરામાં મને એક વધુ ’અચ્છો’ મિત્ર જનાર્દન ઉર્ફે જે. સી. શુક્લ મળ્યો એની પાસેથી મને ઘણું બધું મળ્યા જ કર્યું છે. એ ચાર વર્ષ દરમિયાન ’યંગસ્ટર્સ કૉર્નર’ નામની, મારા જેવા તરુણોની એક સંસ્થાનો હું સક્રિય સભ્ય હતો. એ સમયમાં શ્રી ભોગીલાલ ગાંધી નામના એક પ્રેમાળ અને માત્ર વયોવૃદ્ધ જ નહીં પણ સાચા અર્થમાં જ્ઞાનવૃદ્ધ વડીલ સાથે મારે ઓળખાણ થઈ. એમની પાસેથી ’સમાજવાદ’ તથા ’સામ્યવાદ’ વિચારધારાના મૂળ સિદ્ધાંત તથા સામ્યવાદનાં ભયસ્થાન વિષે હું ઠીક-ઠીક માહિતગાર થયો. વડોદરાના એ ચાર વર્ષ ખૂબ સરસ પસાર થયા. પણ પછી મને ખ્યાલ આવ્યો કે સરદારજીની રોલિંગ મીલમાં મારા માટે વધુ પ્રગતિની શક્યતા ન હતી.
વડોદરા છોડી હું દૂર દુર્ગાપુર, ’વેસ્ટ બેંગાલ’માં એક ખૂબ મોટા સ્ટીલ પ્લાંટમાં જોડાયો. કાચી ધાતુ (ખનિજ) શુદ્ધ કરી એમાંથી લોખંડ (પોલાદ) અને પછી એમાંથી માણસને ઉપયોગી વસ્તુઓ બનાવવાની એ એક અતિવિશાળ ફૅક્ટરી હતી. ત્યાં ૩૦,૦૦૦ માણસો કામ કરતા હતા અને એમાં મારાથી ખૂબ વધારે ભણેલા અને અતિશય હોશિયાર અસંખ્ય ઍન્જિનીઅર હતા. સ્ટીલ ટૅક્નોલોજીનું એ ’મક્કા’ હતું. એ ક્ષેત્રનું જ્ઞાન મેળવવા માટે એ અમૂલ્ય તક હતી અને મેં ઉત્સાહથી એનો પૂરો લાભ લીધો. ખૂબ ગરમ કરવાથી લોખંડ પણ પીગળીને પ્રવાહી બને છે એ ત્યાં મેં પહેલીવાર જોયું. ત્યાંના મારા ઉપરી અમિતવ દાસગુપ્તા એક અદ્ભૂત માણસ હતા. માત્ર કામ અંગેની જ વાતો નહીં પણ એમના પાસેથી જે ’માણસાઈ’ના પાઠ હું શીખ્યો એ બદ્દલ આજે પણ મને તેઓ યાદ છે. માણસ જિંદગીમાં ક્યાં-ક્યાંથી કેટલું બધું શીખતો હોય છે! દુર્ગાપુરમાં રહેવાના મને ઘણાં લાભ મળ્યા. દૂધ ફાડીને બનાવેલી બંગાળી મીઠાઈની મજા ચાખવા મળી. હું બંગાળી ભાષા બોલતાં અને લખતાં શીખ્યો, બંગાળી છાપાં વાંચતો અને બંગાળી ફિલ્મ જોતો થયો. ત્યારે જોયેલી સત્યજીત રેની ’પ્રોતિદોંદી’ અને ’ચારુલતા’ ફિલ્મ મને આજે પણ યાદ છે. મૃણાલ સેન અને બાસુ ભટ્ટાચાર્ય જેવા નામાંકિત દિગ્દર્શકોએ સર્જેલી ફિલ્મ પણ એ દિવસોમાં જ જોઇ. એકવાર અમે મિત્રો ટેક્સી કરી શાંતિનિકેતનની એક દિવસની મુલાકાતે પણ જઈ આવ્યા. જો કે તીર્થક્ષેત્ર કહી શકાય એવી જગ્યાની માત્ર એક દિવસની મુલાકાત તો શું ન્યાય આપી શકે? પણ દુર્ગાપુર નિવાસ દરમિયાન બંગાળી સંસ્કૃતિનો ભલે ટૂંકો, પણ પરિચય કરી લેવાની તક મળી એનો આનંદ છે.
આ વર્ષોમાં અમારા કુટુંબમાં ત્રણ-ચાર વાત બની. ભરતભાઈ અને નીલાભાભીનાં, તથા શોભાબેન અને શશિકાન્તનાં સમયાનુસાર લગ્ન થયાં; અને શિશિરભાઈ તથા ભાભી બે વર્ષના મૌલિનને લઈ ૧૯૬૮માં કાયમ માટે અમેરિકા ગયાં.
દુર્ગાપુરમાં હતો ત્યારે જ મારા જીવનમાં એક નવું સુંદર, સુખકારી પ્રકરણ શરૂ થવાનું હતું.
ક્રમશઃ
