એકલો જાને રે..
નીલમ હરીશ દોશી
ગમતું તુ બેસવું, પણ લાગ્યું વસમું, કીધું મેં નાથ, હવે જાઉં ?
કાં ? એક બાજુમાં સુવાવડી વહુને સમજાવી રાબ જરા પાંઉ
ને સામી શેરીની મંદિરની ટેકવાળી આંધળી ડોશીને દોરું..
મુકુન્દરાય પારાશર્ય
પ્રિય દોસ્ત,
મને તારી એક વાત જરા પણ નથી ગમતી.તને ઘણી વાર સારી વાત, સારું કામ કરવાની ઇચ્છા જાગે છે. પણ થોડી વારમાં તું જાતે જ બહાનું શોધી કાઢે છે કે મારા એકલાથી શું વળવાનું ? હું એકલો એમાં શું ફરક કરી શકવાનો ? આવી કોઇ દલીલ જાત સાથે કરીને છટકબારી શોધી લે છે. અને પછી નિષ્ક્રિય બનીને બેસી જાય છે.દોસ્ત, તારી આ વાત સાથે હું જરા પણ સંમત નથી.
દોસ્ત, જરા શાંતિથી વિચાર. તારી જેમ દરેક વ્યક્તિ આવી દલીલ કરીને નિષ્ક્રિય બનીને બેસી રહે તો ? એક એક વ્યક્તિ મળીને જ સમાજનું નિર્માણ થાય છે ને ? દરેક વ્યક્તિ પોતાનું આંગણું સાફ કરી નાખે તો આખી શેરી આપોઆપ સાફ થઇ જાય ને ? દોસ્ત, અન્ય કોઇ શું કરે છે એની ચિંતા કર્યા સિવાય એટલીસ્ટ તું તારી જાતને તો પ્રામાણિક્તાથી સુધારી શકે ને ?
હું એકલો શુ કરી શકું એ બધી વાંઝણી વાતો છે. મનને છેતરવાની છટકબારીઓ છે.
ધૂળમાં આળોટીને એક ચપટી ધૂળ રામના સેતુબંધમાં ઠાલવતી ખિસકોલીની વાત તું કેવી ભાવથી કહેતો કે વાંચતો ફરે છે ? કે પછી જટાયુની વાતથી પણ તું કયાં અજાણ છે ? રાવણની શક્તિથી તે અજાણ નહોતો જ. પોતે હારવાનો જ હતો એની પણ તેને જાણ હતી. પરંતુ પોતાના દેખતા કોઇ સીતાજીને લઇ જાય એ તેને સ્વીકાર્ય નહોતું. અધર્મ સામે લડવું એ તેનો ધર્મ હતો, તેનું કર્તવ્ય હતું.પરિણામની પરવા કરવા તે નહોતો રોકાયો. દોસ્ત, સમજાય છે તને મારી વાત ? મારા એકલાથી કંઇ ન થઇ શકે.આવું વિચારીને તારા કર્તવ્યમાંથી છટકી ન શકાય.દોસ્ત્, તને, મારા પરમ સર્જનને એ ન શોભે.
તું તારા રોજિંદા જીવનમાં શકય તેટલી શુચિતા, પ્રામાણિકતા, કર્તવ્ય નિષ્ઠા લાવી શકે .રોક એકાદ નાનકડું પણ સારું કાર્ય તારે હાથે થાય એ જ મારો રાજીપો, એ જ મારી ઇચ્છા, એ જ મારી પૂજા. રોજ એકાદ વ્યક્તિને નિસ્વાર્થભાવે કોઇ નાનકડી મદદ તું ન કરી શકે ? કોઇ એકાદ અ ચહેરા પર તું નાનકડું સ્મિત ન લાવી શકે..? તારી પાસે મારી આટલી અપેક્ષા કંઇ વધારે પડતી કહેવાય ?
દોસ્ત, મારી આટલી આશા પણ પૂરી નહીં થાય ? મારી મૈત્રી માટે તું આટલું પણ ન કરી શકે ?
લિ. તારો મિત્ર ઇશ્વર..
પ્રાર્થના એટલે ઇશ્વર સાથે વાર્તાલાપ કરવાનો વાયરલેસ વ્યવહાર
જીવનનો હકાર.
ગ્રન્થિથી મુકત કરે તે સાચો ગ્રન્થ.
નીલમ હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે
