તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
થોડાં અઠવાડિયાં પર જાણ્યું કે મહાશ્વેતાદેવી કૃત ‘અરણ્યનો અધિકાર’ ચાર દાયકાથીયે વધુ અંતરાલ પછી ગુજરાતમાં પુનઃ સુલભ થયું છે. આનું નામ જોગાનુજોગ: ‘અરણ્યનો અધિકાર’ના નાયક બિરસા મુંડાની સાર્ધ શતાબ્દીનો માહોલ છે. ૧૮૭૫ના નવેમ્બરમાં એ જન્મ્યા અને ૧૯૦૦ના જૂનમાં આખા ૨૫ વરસનું યશસ્વી આયુષ્ય વીતાવી એ વીરમૃત્યુને વર્યા: આદિવાસી ઓળખ અને અધિકારનો અલખ જગવીને. ૧૭૫૭, ૧૮૫૭, ૧૯૪૭ એવા મેગા નેરેટિવમાં અને મોટી દઈત સામસામી જમાવટોના ઇતિહાસલેખનમાં આપણે ઝારખંડના બિરસા કે ઓખા પંથકના માણેક આસપાસની વીરગાથાઓ વિસારે પાડીને ચાલીએ છીએ.
જોકે હવે સદભાગ્યે કથિતપણે છેવાડાનાં પાત્રો અને એમની કારકિર્દી આપણી સામે આવી રહી છે. આ વાત શક્ય બની તેમાં ઇતિહાસના અભ્યાસીઓનો, ચાલુ રાજકારણથી ઊંચે ઊઠી શકતા જાહેર જીવનના જણનો આપણે પાડ માનવો જોઈએ અને મહાશ્વેતાદેવી જેવા સર્જકોનો પણ, જેમણે અપરિચિતોને ઓળખી બતાવ્યા… અને હવે, આરંભે કીધેલ જોગાનુજોગ બાબતે લગાર ફોડ પાડું? આ મહાશ્વેતાદેવીનું શતાબ્દી વર્ષ પણ છે (જાન્યુઆરી ૧૪, ૧૯૨૬ : જુલાઈ ૨૮, ૨૦૨૬).

સર્જક મહાશ્વેતાદેવીની એક મોટી સેવા એમણે આપણને આદિવાસીઓથી માંડી કથિત ડીએનટી જાતિઓ સહિત અણપ્રીછ્યા તબકાને ઓળખતા ને ચાહતા કર્યા એ લેખાશે. મહાનગરોમાં ઘોલકાતી જિંદગી બસર કરતા ચાલવાસી હોય કે કોલસાની ખાણોમાં રવરવતા શ્રમજીવી, એમના જીવન પરિચય પોતાની પ્રતિબદ્ધ કલમચર્યાએ કરાવતા પિતા મનીષ ઘટક (હાજી, એ જ ઘરાણું, જે જમાતજુદેરા ફિલ્મકાર ઋત્વિક ઘટકનું પણ) અને પર્લ બર્કને બાંગલાવગાં કરતી માતા ધરિત્રીદેવીનું આ સંતાન- એટલે મુખ્ય પ્રવાહની બહાર જવાની ને હાંસિયાજીવી સમુદાયો સાથે કથિત મુખ્ય પ્રવાહને મુખોમુખ કરવાની એને ક્યાંથી નવાઈ હોય.
બને કે મોટા ભાગના ગુજરાતને મહાશ્વેતાદેવીનો પ્રારંભિક પરિચય કદાચ ‘રુદાલી’ જેવી ફિલ્મથી થયો હોય. મારી પ્રારંભિક સાંભરણ જેમ એમના થકી બંધાયેલા મુંડા-માયાની છે તેમ ‘હજાર ચુરાશીર મા’ વિશે સુરેશ જોષીએ વન્સ અપોન અ ટાઇમ સાપ્તાહિક કોલમમાં આલેખવા માંડેલી પરિચયમાળાની છે. સુરેશભાઈની કોલમકારીના એ ગાળામાં જ આપણા બે, ‘રહેને કો ઘર નહીં: ઔર સારા જહાં હમારા’ જેવી જિંદગી બસર કરતા એમએલ મિત્રો અશ્વિન ને કર્દમ પાસેથી જાણવા મળેલું કે નિઃસ્પૃહા દેસાઈ એક હજાર ચોરાસીની માને ગુજરાતમાં અવતારી રહ્યાં છે.
ફિલ્મ તો તે પછી મોડેથી આવી, જયા ભાદુરીના અભિનયમાં, પણ મહાશ્વેતાદેવીએ માંડેલી આ વાર્તા ૧૯૭૪માં, જોગાનુજોગ જેપી આંદોલનના અરસામાં, પ્રગટ થઈ હતી. જોગાનુજોગ કહું છું તે એટલા માટે કે એનું વસ્તુયે એક જુદે છેડેથી ચાલેલ પરિવર્તન આંદોલનનું હતું. નક્સલ ચળવળની પૃષ્ઠભૂ પર, એમાં સામેલ પુત્રને પગલે નિર્ભ્રાંત-મુક્ત-પ્રવૃત્ત થતી માતાની આ દાસ્તાન છે. નક્સલ પુત્ર માર્યો ગયો છે. એક અણઓળખી લાશ નંબર એક હજાર ચોરાસી રૂપે પડ્યો છે. દકિયાનુસી બાપ એને ઓળખવા બાબતે ચહીને આઘા રહેવું પસંદ કરે છે. પણ સુજાતા (મા) એમ પાછી પડતી નથી. ભદ્રવર્ગી ગિન્ની (ગૃહિણી) જાણે કે પિતૃસત્તાક, પુરુષપ્રધાન ને સામન્તી એવી સમાજ – અને – શાસનપ્રથાથી ઊંચે ઊઠે છે.
સુજાતાનું પાત્ર વાંચતે વાંચતે ઊઘડતું આવતું હતું ત્યારે મને સાથોસાથ થઈ આવતું સ્મરણ મેક્સિમ ગોર્કીની ‘મધર’ (૧૯૦૬)નું અને ઇબ્સનની નોરા (‘ડોલ્સ હાઉસ’, ૧૮૭૯)નું હતું; અને હા, એમ તો, ઘરઆંગણે સત્યજીત રાયની ‘મહાનગર’ (૧૯૬૩)ની નાયિકા આરતી (માધવી મુખરજી)નુંયે. સત્યજીતની આરતી એક ભદ્રવર્ગી ગિન્ની છે, અને કુટુંબની આવકખોટ પૂરવા એ પહેલી વાર ઘરની બહાર કામે ચડે છે. મહિનો વીત્યે હાથમાં પગાર આવે છે, કડકડતી નોટોનો! એ પર્સમાં તો મૂકે છે, પણ હાય પેલી કડકડતી અનુભૂતિ… વારે વારે ‘ફેસિલિટી’માં જાય છે અને પેલી નોટોને હાથમાં લઈ પુનઃ પુનઃ રોમાંચ અનુભવે છે. એક અર્થમાં આ સ્મિત પણ મુક્તિનો સ્પંદ હતો. આવતી કાલે કદાચ એ ઇબ્સનની નોરા પેઠે બારણું ધડામ વાસી બહાર પણ નીકળી પડે.
પણ મને ‘મધર’ કેમ આકર્ષે છે, કહું? નિરક્ષર છે, કોઈ આઇડિયોલોજીનો કે વ્યાપક સમાજઘટનાનો અમથો પણ અહેસાસ નથી, કામદાર પુત્રનું સભાન થવું, ચળવળમાં જોડાવું, અને મદદ કરવા છૂપી પત્રિકાનું વિતરણ કરવું એમ મા બેપ્ટાઈઝ થતી જાય છે અને આંદોલન યુનિવર્સિટીની સ્નાતક પણ… ઘરખૂણાની રોજિંદી જિંદગીને બદલે એક નવઉઘાડની કહાણી — બિરસાની સાથે કહીએ તો ઉલગુલન અને ક્રાંતિકારી પરિવર્તન! zમહાશ્વેતાદેવીની સુજાતા, બને કે, ગોર્કીની અમ્મા પેઠે ખીલવા કરે.
લેનિન જેને ‘ઇન્ફન્ટાઈલ + એડવેન્ચરિઝમ’ તરીકે કદાચ ખપાવે એવી નક્સલ કુરબાની પિતાને ન સ્પર્શી પણ આ પ્રક્રિયા દરમિયાન માતાને સ્પર્શીયે જાય… નવજાતા સુજાતા, ક્યાં છો તું? સામાન્યપણે ડાબેરી રુઝાન સારુ જાણીતાં મહાશ્વેતાને ક્રાંતિનો જે વીંછી ડંખેલો એમાં સર્જક સહજ સહૃદયતાનેય કંઈક સ્થાન હતું. એટલે સ્તો નંદિગ્રામ ઘટના વખતે ડાબેરી સરકાર સામે પ્રતિકારમાં એ પહેલી હરોળના બૌદ્ધિક તરીકે બહાર આવી શક્યાં હતાં. શતાબ્દી વંદના સમેટતાં રૂડું સ્મરણ કે નારાયણ દેસાઈના નિમંત્ર્યાં એ સાહિત્ય પરિષદમાં અતિથિવિશેષ રૂપે સામેલ થયાં હતાં.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૪-૨-૨૦૨૬ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
