આલેખનઃ રાજુલ કૌશિક
સવારે ઉઠીએ ત્યારે આપણે આંખ સામે કરસંપુટ રાખીને મનોમન પ્રાર્થના કરીએ છીએ…
“કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી |
કરમુલે તુ ગોવિંદ: પ્રભાતે કરદર્શનમ્.
પણ, એ કરસંપુટને વળોટીને જ્યારે નજર સામે ફેલાયેલું અચરજ દેખાય ત્યારે એ સવાર કેટલી સુંદર બની જાય!
બસ બરાબર આજે એવું જ થયું. આજની ઉઘડતી સવાર કલ્પનાની પરે કહી શકાય એવી હતી. આમ તો આ શિયાળાના દિવસોમાં સૂર્યનારાયણ પણ જરા મોડા જ ઊઠે. કદાચ એમને પણ આ આખી રાતની ટાઢી ચાદર ખસેડીને આપણી જેમ બહાર નીકળવાનું મન નહીં થતું હોય, પણ જ્યારે એમણે જરા અમસ્તું ડોકિયું કર્યું તો જાણે રાતુંચોળ કંકુ ખર્યું હોય એમ આખું ગગન ઝળહળ ઝળહળ…
પૂર્વાકાશમાં તો જાણે બ્રહ્મે પાથરેલા ચંદરવાને ઉજાળવા કંકુ છાંટણા થયા કે જગતજનનીએ આ જગતને નવી પ્રભાતના પ્રારંભના એંધાણ આપતા અજવાસ પાથર્યા?
એ જોઈને મનમાં મંદિર સર્જાયું, કાનમાં ઘંટારવ ગાજ્યો, દિલમાં દીવડો ઝળહળ્યો અને હૈયેથી હોઠ સુધી અવિનાશભાઈના શબ્દો સર્યા..
‘માડી તારું કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો..
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.’
‘માડી તારું કંકુ’ માત્ર એક ગરબો જ નથી, પણ એક ચિરસ્મરણી ભક્તિરચના છે એટલે આજે પણ પ્રભાતના સમયે જગતજનનીના ભાલેથી ખરેલાં કંકુથી લાલચટક બન્યું હોય એવું આકાશ જોઈને અવિનાશ વ્યાસ યાદ આવે.
દરેક એક વ્યક્તિની એવી આભા હોય જેના વિશે વિચારીએ તો પણ એ આભા આપણા સુધી પ્રસર્યા વગર રહે જ નહીં. “માડી તારું કંકુ” જેવી આટલી હૃદયના તળ સુધી સ્પર્શતી રચનાની સાથે એના રચયિતા અવિનાશ વ્યાસના વ્યક્તિત્વની આભા મન પર ઉપસ્યા વગર રહે ખરી? ગીતકારના ભાવ કે ભક્તિ આપણા સુધી પહોંચ્યા વગર રહે ખરા? આજે પણ અનેક સ્વરકારો-ગાયકો તેમના સૂર-તાલ થકી ગુજરાતી સંગીતને આગળ લાવી રહ્યા છે, પણ જો એ દીવડાની જયોત વધુ તેજ, વધુ ઝગમગતી કોઈએ કરી હોય તો તે છે અવિનાશ વ્યાસ.
સાંભળ્યું છે કે અવિનાશ વ્યાસ માતાજીના પરમ ભક્ત હતા. એમણે રચેલા માતાજીના ગરબા પણ એમની પરમ ભક્તિને લઈને જ સ્ફૂર્યા હશે. આમ જોઈએ તો ગરબો એટલે કે ગર્ભદીપ એ આપણી સંસ્કૃતિનું મંગળ પ્રતીક છે. પરંપરાગત ગરબાને શાસ્ત્રીય સ્પર્શ આપવાનું અને કેટલાંક અર્વાચીન ગરબાનું સર્જન કરવાનું શ્રેય ગીતકાર-સંગીતકાર અવિનાશ વ્યાસને જાય છે. ગુજરાતી ગરબાને લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનોખું છે. ગરબા વિશે અવિનાશ વ્યાસના વિચારો-ભાવના અત્યંત સ્પષ્ટ હતા.
અવિનાશ વ્યાસ ગરબાને અનુલક્ષીને કહેતા કે ‘ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલાવેલી છે.’ વળી સહેજ આગળ વધીને કહેતા કે ‘ગરબાને થોડું ઘણું નૃત્ય સાથેય અડપલું કરવા દઈએ, પણ ગરબાનું ‘વ્યક્તિત્વ’ કોઈ પણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ન જોઈએ.’ આમ જોઈએ તો ગરબા ગાવાની-ગવડાવવાની-સાંભળવાની આ ભવ્ય પરંપરાને અવિનાશભાઈએ સાર્થક કરી છે. ગુજરાતીઓનો અવાજ અને અંદાજ, રણકાર-ઝણકાર, લય-તાલ બધું જ એ એમની રચનામાં પીરસતા.
અવિનાશભાઈના ગરબા સંગ્રહ ‘વર્તુળ’ના આમુખમાં તેમણે લખ્યું છે કે ‘વર્તુળનો અર્થ માત્ર ગોળાકાર સુધી સીમિત નથી. તેનું પણ એક વ્યાકરણ છે. ગરબાની નૃત્યરચના વર્તુળ તો ખરી જ પણ એનાથી ય ઉપર ગરબાના શબ્દોનું, ગરબાનાં કાવ્યોનું, ગરબાના શણગાર તથા ગરબાનાં ગીત સંગીતનું, તાલનું, તાળીઓનું પણ એક વિશિષ્ટ વર્તુળ હોય છે.’
કેટલાકને પ્રશ્ન થાય કે, ગરબામાં રાધા-કૃષ્ણ, મીરાં આવે? તો એનો જવાબ અવિનાશ વ્યાસ પાસે છે, જેમાં ગરબો કહે છે કે, આકાશને ખોળે હું જન્મ્યો, જગદંબાએ હાલરડું ગાયું, દૂધગંગાએ દૂધ પીવડાવ્યું અને સ્વર્ગના અધિકારી શ્રીકૃષ્ણએ મને રાસ રમતાં શીખવ્યું. આથી ગરબાનું સ્વરૂપ કોઈ પણ હોઈ શકે. ફક્ત એમાં ગરબાનો ઠેકો, લય અને તાલનું સંયોજન સુંદર રીતે થયું હોવું જોઈએ.
ગરબાની સાથે ચાચરના ચોકનો તો જાણે સનાતન સંબંધ. પહેલાં ક્યાં આવા ડી.જે. કે ધાંધલિયા સંગીત હતા? ત્યારે તો ચાચરના ચોકમાં માતાજીની છબી ગોઠવાય, અખંડ દીવો પ્રગટાવાય અને આરતી સાથે ગરબાનો ઉપાડ થાય ને પછી તો રમઝટ જામે.
અવિનાશભાઈએ પારંપારિક લોકધૂનમાં શાસ્ત્રીય સ્વરો ઉમેરી તથા મૂળ સંસ્કૃતિને અકબંધ રાખીને ખૂબ સુંદર ગરબા રચ્યાં. એમણે લખેલા ગરબામાં ત્રણ ગરબા “માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો”, “હવે મંદિરનાં બારણાં ઉઘાડો” તેમજ “માડી તારા મંદિરીયે ઘંટારવ થાય” તો લોકપ્રિયતાની સીમા વટાવી ચૂક્યાં છે.
સમગ્ર ગુજરાતીઓનું રાષ્ટ્રગીત જેમ ‘આંખનો અફીણી’ છે એમ કહેવાય છે કે નાગરોનું રાષ્ટ્રગીત ‘માડી તારું કંકુ ખર્યું’ ગીત છે.
અવિનાશ વ્યાસનો દર વર્ષે અંબાજી દર્શને જવાનો નિયમ હતો. માતાજીની સન્મુખ ઊભા હોય, દર્શન કરતાં જાય, આંખમાંથી આંસુનો અભિષેક વહેતો જાય ને ગીતની રચના થતી જાય. મૂળે અવિનાશ વ્યાસ પ્રકૃતિથી અત્યંત સૌમ્ય અને સહૃદયી. અવિનાશ વ્યાસને ઓળખતી એમની સમવયસ્ક પેઢીની વ્યક્તિઓ જ્યારે અવિનાશ વ્યાસ વિશે વાત કરે ત્યારે એમની વાતોમાંથી એમનું એક ચિત્ર તૈયાર થાય. અવિનાશ વ્યાસને અત્યંત નજીકથી ઓળખતા પત્રકાર સ્વ.શશિકાંત નાણાવટી કહેતા કે “અવિનાશભાઈ સ્વભાવે અત્યંત મૃદુ અને ઋજુ હૃદયના હતા, કોઈ પણ વસ્તુ એમને સ્પર્શે એટલે એમની આંખમાં આંસુ આવી જતા.”
મુંબઈ ભગિની સમાજના કર્તા કલ્લોલીનીબેન હજરતના મતે ‘અવિનાશભાઈ અત્યંત પ્રેમાળ અને લાગણીશીલ સ્વભાવના હતા. માતાજી પરની અપાર શ્રદ્ધાને લઈને જ્યારે એમની સન્મુખ માતાજીને જોતાં ત્યારે અત્યંત ભાવવિભોર બની જતા. આવી ભાવવિભોર મનોસ્થિતિમાંથી જે રચાય એને તો માતાજીના આશિષ જ હોય અને એ રચના ચિરંજીવ બની જાય. માટે જ આજે અને આવતા અનેક વર્ષો સુધી અવિનાશ વ્યાસ અને એમના આટલા ભાવવાહી ગીત, ગરબા સૌને પણ ભાવવિભોર બનાવતા જ રહેશે.
રાસબિહારી દેસાઈ કહેતા, “તમે સંશોધન કરો, મારી ખાતરી છે કે, આપણી ભાષામાં ઉચ્ચકોટિના કે ગણનાપાત્ર કવિઓની રચના જેટલી-જેવી ગવાઈ છે, જેને ખરેખર કવિતા કહેવાય તેવી કૃતિઓ આપણે ત્યાં સ્વરબદ્ધ થઈ છે તેટલી બંગાળ-મહારાષ્ટ્રને બાદ કરતાં ભારતની અન્ય કોઈ ભાષામાં નથી થઈ.’
લિખિત ગુજરાતી કવિતાઓની જેમ, સ્વરબદ્ધ ગુજરાતી રચનાઓ પણ પાંચ સદી કરતાં વધારે સમયથી આપણી સંગીત તૃષા જ નહીં આપણી પરંપરા અને સંસ્કૃતિના ઉપવનને પોષી રહી છે. પ્રથમ સ્વરકાર કોણ? જવાબ છે, નરસિંહ મહેતા. ત્યારબાદ પ્રેમાનંદ અને અન્ય આખ્યાનકારો, માણભટ્ટોએ એ પરંપરાને જીવાડી.
ત્યારબાદ આવ્યું જૂની રંગભૂમિનું સંગીત અને આઝાદીની ચળવળની પ્રભાતફેરીઓ પરંતુ સંગીતના આ લોક ઢાળને આકાશવાણીએ ઘાટ આપ્યો, શ્રુતિ તથા સૌરાષ્ટ્ર્ની તેમજ શિવરંજની જેવી સંસ્થાઓએ તેનું પોત ઘડ્યું. સંખ્યામાં થોડા પરંતુ સર્જન-સમજમાં બહોળા કલાકારોએ જે કાવ્ય સંગીતની બારમાસી સરિતા વહાવી છે, એમનાં નામો ક્યારેય નહીં વિસરાય. ગુજરાતી કાવ્યસંગીતનું સંવર્ધન કરવામાં ત્રણ પેઢીનું પ્રદાન રહ્યું છે, તેમાં અવિનાશ વ્યાસનું નામ સદા વધારે ઊંચા સ્વરે જ લેવાશે. ગીત, ગઝલ, ગરબા, ભજન કોઈ પ્રકાર તેમણે બાકી રાખ્યો નથી. સંગીતચાહકો કહે છે તેમણે ગુજરાતને ગાતું કર્યું તે આજે પણ સાચું જ લાગે.
અવિનાશ વ્યાસે ગુજરાતને સંગીત અને કવિતાની ‘લોકપ્રિય’ અને ‘લોકશ્રવણીય’ વિરાસત આપી. સ્વર-સ્વરાંકનમાં, કંઠ-કામણમાં, અવાજ-અંદાજમાં, અવસર અને અસરમાં પણ…
‘રાખનાં રમકડાં’, ‘પાટણથી પટોળાં’,‘ઝૂકી પડ્યો ઊંચો હિમાલય’, ‘ઝમકેના ઝાંઝર’, ‘મારી વેણીમાં ચાર ચાર ફૂલ’ જેવી રચનાઓ આજે ૪૦ વર્ષના વહાણાં વાયા પછી પણ તાજી છે.
અવિનાશ વ્યાસની આ ભાવભક્તિસભર રચના સાંભળીએ ત્યારે આપોઆપ જગદંબાનાં ઉજ્જવળ ભાલેથી ખરતા કંકુનાં કણને ઝીલવા કરસંપુટ ધરી દેવાય છે.
