પ્રીતિ શાહ-સેનગુપ્તા
રવિવારની વહેલી સવારે જૂથનાં પાંચ જણ અમેરિકા પાછાં જવા નીકળી ગયાં. હવે અમે નવ જણ રહ્યાં. પહેલેથી જ એ બધાંની ઇચ્છા હતી, કે નદીઓ પછી, ગયાનાનું જે બીજું જાણીતું પાસું છે તે, એટલેકે ત્યાંનાં જંગલો જોવા પણ જવું જ છે. એ માટેની ટૂર શોધવાનું કામ મને સોંપવામાં આવેલું. ન્યૂયૉર્કથી જ મેં કેટલીક સ્થાનિક ટૂર-કંપનીઓ સાથે ઇ-મેલો કરીને માહિતી મેળવેલી.
માહિતી મળે એટલે જૂથને જણાવવાનું. બધાં પસંદ કરે પછી જ બૂકિન્ગ કરાવી શકાય. કોઈને ખૂબ મોંઘી ટૂર નહતી જોઈતી; મચ્છરોવાળાં જંગલોમાં નહતું જવું; સૂવા માટે પથારીને બદલે, બહાર ઝુલા જ હોય તેવી જગ્યાએ રાત નહતી ગાળવી. ઉપરાંત, પસંદ પડે તેવી ટૂર દરરોજ હોય નહીં.
છેવટે, ઘણી ઇ-મેલોની આપ-લે કર્યા પછી, એક સ્થાનિક કંપની સાથે, મેં ગયાનાના મધ્ય પ્રદેશમાં રહેલાં વર્ષા-વન અને એક જળપ્રપાતને જોવા જવા માટેની ટૂર નક્કી કરી. તેર જ જણ માય તેવું, નાનકડું સેસ્ના પ્લેન લેવાનું હતું. તે માટેના નાના લોકલ ઍરપૉર્ટ જવાની ટૅક્સીના પણ ઘણા પૈસા આપવા પડ્યા. એટલેકે સ્થાનિક ટૅક્સીવાળાઓએ અમને છેતર્યાં!
બધાંની ટિકિટો અને પાસપૉર્ટ તપાસ્યા પછી અમારે એક કલાક બેસી રહેવું પડ્યું. પ્લેન બહારથી તો નાનું હતું જ, પણ અંદરથી વધારે સંકડાશ હતી એમાં. ખડખડ કરતું ઊપડ્યું પછી, નીચે પથરાયેલી ભૂમિ જોવામાં સંકડાશનો ભાવ ભુલાઈ ગયો.
આ વિહંગાવલોકનમાં, સૌથી પહેલાં તો, જ્યૉર્જ ટાઉન શહેર વ્યવસ્થિત સરસ ગોઠવાયેલું દેખાયું. સમાંતર જતી ગલીઓ, ને જોડાજોડ બનેલાં નાનાં ઘરનું દૃશ્ય બહુ પોતીકું લાગ્યું. પછી મેં નોંધ્યું, કે દરિયા પાસે જતા રસ્તા પર ખૂબ મોટાં ઘર હતાં. એ બધાંનાં, ફરતે ઊંચી દીવાલવાળાં, મોટાં કમ્પાઉન્ડમાં પ્રાઇવેટ સ્વિમીન્ગ પુલ અને બગીચા પણ હતા. “છે અને નથી”નો ભેદ સાથોસાથ દેખાયો, આમ ઉપરથી.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
શહેરના દરિયા પરના આખા ભાગમાં ઊંચી દીવાલ બાંધેલી છે. રસ્તા પરથી દરિયો દેખાય પણ નહીં. જોકે, દીવાલ પર ચાલી શકાય તેટલી એ પહોળી હોય છે, તે હવે દેખાયું. જ્યાં શહેરનો ખૂણો પડે છે ત્યાં, હવે મેં હોટેલ પગાસસનું મકાન ઓળખ્યું, અને આસપાસમાં બીજાં પણ બાંધકામ જોયાં.
અને દરિયો? આ હતો કાદવના રંગના પાણીવાળો ઍટલાન્ટીક મહાસાગર. ઓટનો સમય હતો, અને કિનારે કિનારે, પીળી માટી જેવા રંગના કાદવના પોપડા થઈ ગયેલા હતા. જોવું પણ ના ગમે.
ગયાનામાં ભાગ્યે જ એકાદ જગ્યાએ સારો સાગર-કિનારો છે. ઘણા ટાપુ-દેશોની પણ આ જ અવસ્થા હોય છે. સારા સાગર-કિનારા ના હોય તે જગ્યાઓ, સહેલાણીઓમાં પ્રવાસભોગ્ય ગણાતી નથી હોતી.
પ્લેન દરિયાથી દૂર વળી ગયું, અને નીચે હતી દરિયાઇ-પહોળા પટવાળી ઍસૅકીબો નદી. એની સાથે સાથે હજી જિયોનો પથરાટ નજરે પડતો હતો. કિનારા પર, કેટલીક જગ્યાએ નાની-મોટી હોડીઓ માટે ડક્કા થયેલા હતા. ક્યાંક, પકડેલી બહુસંખ્ય માછલીઓનો કાર્ગો જઈ રહ્યો હતો.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
નદીના પટમાં કેટલા બધા ટાપુ બનેલા હતા. એકદમ ઘેરા લીલા, ગાઢ જંગલોથી ભરેલા. પણ પટ એટલો પહોળો, કે એક્કેય ટાપુ વચમાં ના પડે, ને નદી સાંકડી થતી યે ના લાગે. જમીન પર સળંગ, સતત જંગલ હતાં. જાણે એક પણ કટકો ના થતો હોય તેવી જાજમ. ને ઉપરથી તો એક સરખી સપાટ લાગે.

અમે આઠ હજાર ફીટની ઊંચાઈ પર જતાં હતાં. ક્યારેક વાદળોની ઉપર, ક્યારેક વાદળોની પાસે થઈને. સફેદ વાદળો, જાણે પીંજેલું રૂ, અને છૂટાં સ્તરોમાં બનેલાં હોય. સૂર્ય તો હતો જ, અને પ્રકાશ જંગલોની જાજમ પર સરસ પડતો હતો, પણ ફોટા લઈએ તો ઝાંખા આવતા હતા. એ પછી તો, દસ હજાર ફીટથી યે ઉપર ચડેલું આ નાનકડું વ્યોમ-યાન!
આ તો જાણે જાદુઈ ઉડ્ડયન હતું. ભૂમિ અને અવકાશની વચ્ચે ઊડતું નાનકડું આ સેસ્ના, તે જાણે સાવ હલકું એક પીછું હતું. સદ્ભાગ્યે, સાવ ફંગોળાઈ જઈએ એવી હવા નહતી.
નીચે એક નદી જતી હતી – સાવ પાતળી અને વારંવાર વળાંક લેતી. ચમકતો હતો એનો પ્રવાહ. પછી તો એવી બીજી કેટલીક નદીઓ પણ દેખાઈ. બધી એવી જ પાતળી અને વળ ખાતી. જાણે અળપસળપ જતા સર્પ, કે અસ્તવ્યસ્ત પડેલી ઘણી બો-પટ્ટીઓ.
ક્યારેક નદીઓને કોઈ કોઈ કિનારે સફેદ-સફેદ કશું પડેલું દેખાતું હતું. મીઠું તો ના હોય, તો બૉક્સાઇટ હશે? પછીથી પાઇલૉટને પૂછેલું. એમણે તો કહેલું, રેતી છે, પણ અમારા માનવામાં આવ્યું નહતું. એ બધે ઘણા પથ્થર હતા. તો રેતી આવે ક્યાંથી?
જોતજોતાંમાં ભૂમિનો દેખાવ બદલાઈ ગયો. ચોતરફ ટેકરીઓ દેખાઈ. ખૂબ પાસે પાસે. પછી પહાડો, અને પર્વતમાળાઓ, અને મેદાનો, અને પહોળી ખીણો, અને ઝડપી વહેણવાળાં ઝરણ. જાદુ જ ને વળી. કેટલાં રૂપ બદલતી હતી કુદરત.
બધું જ વનસ્પતિથી ભરેલું તો ખરું જ. સેસ્ના કદાચ વધારે નીચું જવા માંડ્યું હશે, કારણકે વૃક્શોના આકાર જોઈ શકાતા હતા. એમનાં થડ અને પાંદડાં નરી આંખે જુદાં પાડી શકાતાં હતાં. ક્યાંક નદીઓ જાણે સંતાયેલી હોય તેવી હતી. એકદમ સ્તબ્ધ અને ગતિહીન લાગતાં એમનાં વહેણ જંગલને જાણે ચીરતાં ના હોય.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી
અચાનક દેખાઈ એક જરાક મોટી નદી. એ જ હતી પોટારો. એનું થોડું વધારે વ્યક્તિત્વ હતું. એ પહોળી હતી, એનો પ્રવાહ પથ્થરો સાથે અથડાતો જતો હતો, અને ક્યાંક ધોધ થઈને પડતો પણ હતો. ગાઢ જંગલોમાં છુપાયેલો, એકલવાયો, અને પ્રચંડ એવો એ ધોધ અમને આકાશમાંથી જોવા મળ્યો.
અલપઝલપ, ‘એ દેખાય, એ જોયો’ થઈ ગયું. એ જ હતો કાઇએટ્યર મહા-જળપ્રપાત. એની ઘણી નજીક હજી તો અમે જવાનાં હતાં. પણ મનમાં થાય, કે કલાકના આ ઉડ્ડયન દરમ્યાન કેવી અજીબ નિસર્ગ-લીલા જોવા મળી હતી.
ક્રમશઃ
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

Very interesting tour.
LikeLike