અમેરીકામાં વસતા ગુજરાતી લેખકોમાં અગ્રગણ્ય એવા શ્રી અશોક વિદ્વાંસનો જન્મ વડોદરામાં(૧૯૪૩) અને બાળપણ સોનગઢમાં વીત્યું છે.એમના પિતા ગોપાળરાવ સિદ્ધહસ્ત લેખક હતા. શૈશવકાળથી જ એમને સાહિત્યમય વાતાવરણનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

અમદાવાદમાં અભ્યાસ કરી મિકેનિકલ એન્જિનીયરની ડીગ્રી મેળવી ભારતના વિવિધ શહેરોમાં માર્કેટીંગ એન્જિનીયરની સફળ કારકીર્દી સુધી પહોંચ્યા.

૧૯૮૩માં અમેરિકા આવ્યા પછી સિદ્ધિના જે સોપાનો સર કર્યા તેમાં તેમના પત્ની શૈલાનો અમૂલ્ય ફાળો છે.

વ્યવસાય સાથે સાહિત્ય સર્જનની પ્રવૃતિ પણ તેઓ કરતા રહ્યા. માતૃભાષા મરાઠી સાથે ગુજરાતી અને અંગ્રેજી તો ખરી જ પણ બંગાળી ભાષાનો પણ એમણે અભ્યાસ કર્યો છે.

લાંબા સમયથી અમેરીકાથી પ્રગટ થતા ત્રૈમાસિક સામયિક ‘ગુર્જરી ડાયજેસ્ટ’ની પ્રગતિમાં એમનો સહયોગ નોંધપાત્ર છે. મૌલિક વાર્તાઓ, મનનીય લેખો અને કુશાગ્ર વિવેચક બુદ્ધિથી એમણે ઉમદા સાહિત્યસર્જન કર્યું છે.

હાલ તેઓ ન્યૂજર્સીમાં નિવૃત જીવન ગાળે છે. પ્રવાસના શોખને કારણે અમેરિકાના મોટાભાગના રાજ્યોમાં તેઓ ફર્યા છે.

Email: ashok@vidwans.com


પ્રસ્તાવના

મુખ્યત્વે તો આ મારી વાત છે.  પણ પાછલાં પચાસ વર્ષમાં મારી જિંદગીમાં જે કાંઈ બન્યું છે એમાં મારી પત્ની શૈલા સંપૂર્ણપણે ભાગીદાર રહી છે.  મારી જિંદગીમાં જે કાંઈ સારું, શુભ બન્યું છે એમાં નિઃશંક મારા કરતાં શૈલાનો ફાળો વધુ, અને વધુ મહત્વનો રહ્યો છે.  એટલે આ મારી વાત ક્યારેક કેવળ ’મારી’ છે તો ઘણીવાર એ ’અમારી’ છે.

કોઇ વ્યક્તિની આત્મકથા એ માત્ર એના જીવનની તવારીખ – જીવનના બનાવોની ઘટમાળ – હોય એટલું પૂરતું નથી.  એ તવારીખ તો હોય જ, પણ સાથે-સાથે એમાંથી કથા-નાયકનાં વ્યક્તિત્વનો વિકાસ કરનારાં કયાં પરિબળો હતાં, અથવા એના વિકાસને રૂંધનારાં કારણો શું હતાં, એ અંગેની હકીકતો પણ ઉજાગર થવી જોઇએ.  માણસની જિંદગીનું પરમ ધ્યેય છે સુખી થવું; “Pursuit of Happiness”.  તેથી પ્રત્યેક વ્યક્તિની જિંદગીની કથા એટલે સુખી થવા માટે એણે કરેલા પ્રયત્નોની વાત.  મારી વાતમાંથી વાંચનારને આવું કાંઇક સાંપડે તો હું મારો પ્રયત્ન લેખે લાગ્યો માનીશ.

ભારત છોડી અમેરિકા આવી વસવાટ કર્યાને મને હવે લગભગ ૪૦ વર્ષ થશે, અને એ પહેલાંના ૩૮ વર્ષ ભારતમાં. આમ તાર્કિક રીતે કહીએ તો હું ભારત કરતાં અમેરિકામાં વધુ રહ્યો છું.  વળી શૈશવના પાંચેક વર્ષ છોડી દઈએ, તો એમ ચોક્કસ કહી શકાય કે આયુષ્યનો મોટો ભાગ મેં અમેરિકામાં ગાળ્યો છે.  પણ સાથે જ મારી બાબતમાં એ હકીકત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે મિકૅનિકલ ઍન્જિનીઅર થયા પછી મેં સત્તર વર્ષ ભારતમાં જવાબદારીપૂર્વક કામ કર્યું છે.  ભારતથી અહીં આવી વસવાટ કરનારાં મારી પેઢીનાં મોટાભાગનાં સભ્યો વિદ્યાભ્યાસ પૂરો કરી તરત જ અહીં આવી વસ્યાં છે.  પરિણામે આ બાબતમાં એ બહુમતી-સભ્યો કરતાં મારું અમેરિકા-આગમન મોડું અને જુદી પરિસ્થિતિમાં થયું છે.  એક વધુ સ્પષ્ટતા: અમેરિકામાં આવ્યા પછી મેં આગળ અભ્યાસ નથી કર્યો.  પરિણામે અહીંના મહાવિદ્યાલયમાં ભણવાનો લ્હાવો, અને એમ કરતાં અહીંના સમાજની વધુ પ્રત્યક્ષ ઓળખ; એ બંને વાતથી હું વંચિત રહ્યો છું.

આમ, અમેરિકા આવવા પહેલાં જવાબદારીપૂર્વક કામ કરનાર સ્વતંત્ર ભારતના એક નાગરિક તરીકે મેં ભારતીય જીવન અનુભવ્યું છે.  અમારાં લગ્ન પછી અમે બાર વર્ષ ભારતમાં રહ્યાં અને નોકરી કરી. આનો મને અમેરિકાનિવાસમાં સતત ફાયદો થયો છે.  આમ ભારતમાં લગભગ અડધી જિંદગી વીતાવી બાકીની અડધી માટે હું અમેરિકા આવ્યો છું.  આથી જ, ’ટેસ્ટ મૅચ ક્રિકેટ’ની પરિભાષા વાપરી મેં મારી વાતને “સેકન્ડ ઇનીંગ્સ” નામ આપ્યું છે.

 

સોનગઢનાં વર્ષો

મારો જન્મ ૧૯૪૩ના નવેમ્બરની ૫મી તારીખે વડોદરામાં.  ત્યારે ’ભાઉ’ એટલે મારા પિતાજી (શ્રી ગોપાળરાવ ગ. વિદ્વાંસ) ત્યાં નોકરી કરતા હતા.  ઘરમાં અમે સહુ તેમને ’ભાઉ’ કહી બોલાવતાં; એ જ રીતે મરાઠી રિવાજ પ્રમાણે મારાં બા (સુમતિબેન)ને અમે ’આઈ’ કહેતાં અને હવે પછી તેઓ બંનેનો ઉલ્લેખ હું એ સંબોધનો વાપરીને કરીશ.  અમારાં કુટુંબમાં એ સમયે મારાથી મોટા ત્રણ ભાઈઓ (આનંદભાઈ, શિશિરભાઈ અને ભરતભાઈ) અને એક માત્ર નાની બેન શોભાબેન, હતાં.  પણ એ ઉપરાંત મારા કાકા શ્રી ભાસ્કરરાવ વિદ્વાંસ (જેમને ઘરમાં સહુ ’દાદા’ કહી સંબોધતા) પણ અમારાં કુટુંબનાં એક અવિભાજ્ય અને સહુથી વધુ મહત્વના સભ્ય હતા.  સારી-નરસી બધી પરિસ્થિતિમાં ’દાદા’ અમારાં કુટુંબનો આધાર હતા અને અમારાં સહુ પર એમના અગણિત ઉપકાર છે.

વડોદરાની ઝાઝી વાતો મને યાદ નથી.   એકવાર શિશિરભાઈ મને ખભે બેસાડી દોડતા’તા અને પડી ગયા.  ત્યારે મારા કરતાં એમને જ વધુ વાગ્યું હતું, તેમ છતાં હું જ વધારે રડતો’તો!  એકવાર હું રસ્તાપર રમતો હતો અને દોડાદોડીમાં એક કારની નીચે ’લગભગ’ આવી ગયો, પણ બચી ગયો; એવા એકાદ-બે પ્રસંગ હજી સાંભરે છે.  એ વર્ષોમાં ભાઉ અમને સહુને હાલરડા તરીકે શ્રીમદ્‍ ભાગવતમાં આવતી, (इति मतिरूपकल्पिता वितृष्णा …….. ) એ શબ્દોથી શરૂ થતી ’ભીષ્મસ્તુતિ’ મીઠા, લયબદ્ધ સ્વરે ગાઈ સંભળાવતા. આજે અનેક દસકા પછી પણ એ સ્તુતિ અને ભાઉનું ગાન, મારાં સુખદ સ્મરણોમાંનું એક છે.  જે ખાનગી પ્રકાશન સંસ્થા (આર. આર. શેઠની કંપની)માં ભાઉ વડોદરામાં કામ કરતા હતા એનું કામ ત્યાંથી સૌરાષ્ટ્રમાં ભાવનગર પાસેના સોનગઢ નામના એક નાનકડા ગામડામાં ફેરવવાનું નક્કી થયું.  એ સાથે અમારું કુટુંબ વડોદરા છોડી સોનગઢનું રહેવાસી બન્યું.  ૧૯૪૮થી એપ્રિલ ૧૯૬૦ સુધીના ૧૧-૧૨ વર્ષ અમે ત્યાં જ રહ્યાં અને હું એસ.એસ.સી. થયો પછી મારા કૉલેજના અભ્યાસ માટે અમે અમદાવાદ રહેવા ગયાં.  આજે જ્યારે સિત્તેર વર્ષ પછી સોનગઢનાં એ વર્ષોનો વિચાર કરું છું ત્યારે સમજાય છે કે મારાં જીવનમૂલ્યો ઘડવામાં વિદ્યાર્થીકાળનાં એ વર્ષોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે.

અમે સોનગઢ ગયાં અને તરત જ હું એ ગામની ’ગુરુકુળ હાઈસ્કૂલ’ નામની નિશાળમાં દાખલ થયો અને ત્યાંથી જ ૧૯૬૦માં એસ.એસ.સી. પાસ થયો.  એ શાળાનાં, ત્યાં થયેલા અનેક મિત્રોનાં, નિષ્ઠાપૂર્વક શિક્ષણના કામને વરેલા ત્યાંના શિક્ષકોનાં, અભ્યાસની સાથે અનુભવેલી અનેક વિવિધ પ્રવૃત્તિઓનાં, એમ અસંખ્ય મીઠાં સ્મરણો આજે પણ મારા મનમાં તાજાં છે.  આજે પણ પ્રત્યેક ભારત-મુલાકાત દરમિયાન શૈલા અને હું અચૂક ગુરુકુળ જઈ ત્યાંના શિક્ષકો સાથે હળીમળી એમની વાતો સાંભળીએ છીએ અને એમના પ્રશ્નો હલ કરવામાં શક્ય તેટલા સહભાગી બનીએ છીએ.  પહેલા ધોરણથી ૧૧મી સુધી એક જ વર્ગમાં મારી સાથે ભણેલા છ મિત્રો (ભગત શેઠ, ઘનશ્યામ ખસિયા, ચંદ્રકાન્ત મહેતા, શશિકાન્ત પારેખ, બળવંત દેસાઈ, અને શામજી વાણિયા)નાં નામ અને ચહેરા આજે પણ મને સ્પષ્ટ યાદ છે.  આમાં શામજી હરિજન હતો છતાં વર્ગમાં અમારી સાથે જ બેસતો!  આશ્ચર્ય એ વાતનું છે કે એ સમયનું સોનગઢ તો આજથીયે વધુ રૂઢિચુસ્ત ગામડું હોવા છતાં માત્ર શામજી જ નહીં શાળાના અન્ય વર્ગોમાં બીજા પણ હરિજન વિદ્યાર્થી હતા અને એ બધા પોતપોતાના વર્ગમાં બીજા ’સવર્ણ’ છોકરાઓ સાથે જ બેસતા!!  અમારી શાળાનું સંચાલન વડોદરા સ્થિત ’આર્યસમાજ ટ્રસ્ટ’ને હસ્તક હતું.  આજે એમ લાગે છે કે ધર્મ અને રીતિરિવાજ પરત્વે એનું વલણ હિંદુ ધર્મની અન્ય પેટાશાખાઓ જેટલું સંકુચિત નહીં હોય એટલે જ આ શક્ય બન્યું હશે.  ગુરુકુળમાં ખૂબ મોટી સંખ્યામાં આદરણીય શિક્ષકો હતા અને એમણે સહુએ મારું તથા અન્ય સેંકડો વિદ્યાર્થીઓનું જીવન સમૃદ્ધ બનાવવા પોતાનું આખું આયુષ્ય શિક્ષણ અને કેળવણીના ઉમદા ધ્યેય પાછળ ખર્ચી નાખ્યું.  વળી, એ બધું એમણે એટલી સહજતાથી કર્યું જાણે એ જ એમનો ધર્મ હતો, એમનું કર્તવ્ય હતું.  માણસ જેટલું પ્રત્યક્ષ ઉદાહરણથી શીખે છે એટલું શિખામણથી નથી શીખતો.  આજે વર્ષો પછી મને મારા વર્તનમાં ક્યાંક-ક્યારેક એ ગુરુજનોમાં જે જોયેલું એનું પ્રતિબિંબ દેખાય છે.  કેમ બેસવું, કેમ ચાલવું, અક્ષર શી રીતે સુધારવા, એવી નાની વાતોથી શરૂ કરી કોઇ કઠિન પ્રશ્ન આવે તો એનો ઉકેલ શી રીતે વિચારવો, લાંબી મુસાફરી માટે શી તૈયારી કરવી, વડીલો સાથે મતભેદ થાય તો શું કરવું?  ભાષા, ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ-ભૂગોળ ભણાવવા સાથે જ, સાર્થ અને સફળ જીવન જીવવાના આવા અનેક પાઠ એમણે અમને શીખવ્યા.

એ સમયમાં સોનગઢ સાવ નાનકડું ગામડું હતું અને આજે પણ લગભગ એવું જ રહ્યું છે.  હું શાળાના છેલ્લા વર્ષમાં આવ્યો ત્યાં સુધી એ ગામમાં વીજળી નહોતી.  સૂરજ આથમે પછી ઘરનાં બધાં કામ ફાનસના અજવાળે જ થતાં.  આઈની રસોઇ, ભાઉનું મરાઠી પુસ્તકોના અનુવાદ કરવાનું કામ, અને અમારો બધાનો અભ્યાસ, આ બધી પ્રવૃત્તિ ફાનસના અજવાળે જ થતી.  આઈ રોજ બપોરે ફાનસના કાચ (ફોટા) રાખથી ઘસીને ઉજળા કરતા જેથી રાતે એમાંથી ચોખ્ખું અજવાળું મળે.  અમે ગરીબ ન હતા, પણ એ સમયમાં બધાનાં જ ઘરમાં સુવિધા કે સગવડ વધે એવાં સાધન બહુ ઓછા હતાં.  ત્યાંનો વેપારીવર્ગ જતો કરીએ તો કદાચ આખા ગામમાં ભાઉનો મહિને ૨૫૦ રૂપિયા પગાર સહુથી વધારે હશે.  છતાં અમારા ઘરમાં ચાવી આપવાથી ચાલતું ઘડિયાળ અને રસોઇ માટેનો કૅરોસીન-સ્ટવ, એ બે જ ’મિકૅનિકલ’ સાધન હતાં!  અમારા કે ગામમાં બીજા કોઇના ઘરોની ભીંત પર લક્ષ્મી, ગણપતિ, કે એવા જ કોઇ ભગવાનના ચિત્રવાળા કૅલેન્ડર સિવાય શોભાની બીજી કોઇ જ ચીજ જોયાનું મને યાદ નથી.  અન્યોન્ય પર વિશ્વાસ એ ત્યાંની બહુ મોટી મૂડી હતી.  ઘરનાં મુખ્ય બારણાંને અંદરથી બંધ કરવા સાંકળ તો હતી પણ એ માત્ર રાત્રે જ વસાતી.  દિવસ આખો માત્ર અંદરથી તેમ જ બહારથી પણ બારણું ઉઘાડી કે બંધ કરી શકાય એવો ’આગળિયો’ જ ઘરનું રક્ષણ કરતો.  બાર વર્ષનાં અમારા વસવાટ દરમિયાન, અમે બહારગામ જઈએ ત્યારે જ ઘરને તાળું મરાતું; બાકી કાયમ રામ ભરોંસે!

સોનગઢમાં મેં જોયું અને અનુભવ્યું કે ગ્રામીણ સમાજને એક આગવી આચારસંહિતા અને મૂલ્ય-પ્રણાલી હોય છે: જેમ કે દરેક જણ એકબીજાને ઓળખે.  લોહીના સંબંધથી આપણા વડીલ ન હોય એ પણ આપણને દબડાવી કે ઠપકો આપી શકે; અને એ જ રીતે મુશ્કેલીમાં આપણને મદદ પણ કરે.  ઋણાનુબંધ એવો કે દરેક વ્યક્તિનો અન્ય સહુ પર વિશિષ્ટ હક્ક અને એવી જ અન્ય સહુ પ્રત્યેની ફરજ.  આપણા પિતાજીને જે લોકો ’ભાઈ’ કહી સંબોધતા હોય એ સહુ આપણા કાકા કે ફોઇ.  જે જુવાનિયા કૉલેજમાં ભણવા ગામ છોડી ભાવનગર, અમદાવાદ કે મુંબઈ ગયા હોય એ વેકેશનમાં પાછા આવે ત્યારે જે વડીલ મળે એને નીચે નમીને પગે લાગે.  બહારગામથી ગામ પાછા ફરનારા ભેટ માટેની વસ્તુ ભાગ્યે જ લાવે, પણ સાચા હેતનું મોટું પોટલું જરૂર બાંધી લાવે.  અમારાં કુટુંબ જેવાં બહારથી આવી વસેલાં દસ વર્ષ રહ્યા પછી પણ ’બહારનાં’ જ ગણાય.  ’ગામનો માણસ’ હોય એનું તો ગામમાં ઘર અને સીમમાં ખેતર હોય!  જ્ઞાતિનાં અને ચાતુરવર્ણનાં નિયમો અને બંધનોનું સરકારી કાયદા કે દંડસંહિતાથી પણ વધુ વર્ચસ્વ.

એ સમયમાં તો ચોક્કસ, અને કદાચ આજે પણ, ગામડામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી અંધશ્રદ્ધા અને વહેમનું સામ્રાજ્ય જોરદાર છે.  અમારા પડોશી સોનગઢની એક જાણીતી શિક્ષણ સંસ્થાના મુખ્ય કાર્યકર હતા.  પરંતુ એકવાર એમને ઘેર કોઇ કારણસર ગામનો ભૂવો ’બેસાડેલો’.  એ ભૂવો ધૂણતો હતો ત્યારે લોકોએ એને ઘણાં વિચિત્ર સવાલ પૂછેલા અને એ બધાના એણે એથીયે વધુ બેહૂદા જવાબ આપેલા.  દીકરો અવતરે એ માટે ભૂવાએ એક બહેનને ટોપરાની બાધા રાખવાની સલાહ આપેલી!  એ બધું આજે યાદ કરૂં છું ત્યારે મને એ સમગ્ર સમાજ પ્રત્યે હમદર્દીની લાગણી થાય છે.

ભાઉ જ્યાં કામ કરતા ત્યાં આર. આર. શેઠની કંપનીનો ’પ્રિંટીંગ પ્રેસ’ હતો અને એ જગ્યા ’પ્રેસ’ તરીકે ઓળખાતી.  પુસ્તકો છાપવાનું કામ ત્યાં સતત ચાલતું અને ત્યાં જ પુસ્તકોનું ઘણું મોટું ’ગોડાઉન’ પણ હતું.  બાળ, કિશોર અને યુવા વયના સહુને વાંચવા ગમે એવાં અસંખ્ય પુસ્તકો ત્યાં હતાં.  ત્યાં બેસીને મેં શ્રી ગિજુભાઈ બધેકાનાં બધાં જ પુસ્તકો; ઍડગર રાઈઝ બરોની ટારઝનની દીર્ઘ કથાનું ગુજરાતી ભાષાંતર; ’સાહસિકોની સૃષ્ટિ’, ’પાતાળ પ્રવેશ’, ’ખજાનાની શોધમાં’, ’એંશી દિવસમાં પૃથ્વી પ્રદક્ષિણા’, જેવાં જુલ વર્નનાં પુસ્તકોનાં અનુવાદ, ’ગોળીબારની મુસાફરી’, એવું-એવું ઉમદા કિશોર સાહિત્ય; તેમ જ શ્રી ર. વ. દેસાઈ, ક. મા. મુનશી, વિ. સ. ખાંડેકર, ઝવેરચંદ મેઘાણી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જેવા મોટા ગજાના લેખકોની રસિક નવલકથાઓ, એવું અઢળક સાહિત્ય વાંચ્યું.  આ બધામાંથી મને ગુજરાતી ભાષા તથા સાહિત્ય પ્રત્યેનો પ્રેમ અને થોડીક કલ્પકતા મળ્યાં.  ભવિષ્યમાં હું પણ આમના જેવો મોટો લેખક થઇશ એવી અભિલાષા એ સમયે જાગી હોય તો નવાઈ નહીં.

’પ્રેસ’નું મકાન ’આર. આર. શેઠ’ના માલિક આદરણીય શ્રી ભુરાભાઈ શેઠની વિશાળ એવી ’ભગતવાડી’માં હતું.  વાડીમાં મોટો કુવો હતો અને એમાંથી કોસ વડે પાણી કાઢવામાં આવતું, એથી વાડી કાયમ શાકભાજી, રજકો, અને પપૈયાનાં ઝાડથી લીલીછમ રહેતી.  કોસ ચાલતો હોય ત્યારે એના થાળામાં નહાવાની અનેરી મજા પડતી  ત્યાં મિત્રો સાથે વીતાવેલા સમયનાં બહુ મીઠાં સ્મરણો આજે પણ તાજાં છે.   પોતાની વાડી કરતાં પણ ભુરાભાઈનું દિલ ઘણું વધારે વિશાળ હતું.  એ મહામના વડીલનાં પણ મને એવાં જ મીઠાં સ્મરણ છે.

વીસમી સદીના ગુજરાતના અગ્રિમ કેળવણીકાર આદરણીય શ્રી નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી બે ગ્રામ-શિક્ષણસંસ્થાઓ ’ગ્રામ દક્ષિણામૂર્તિ’ અને ’લોકભારતી’, સોનગઢની નજીકનાં ’આંબલા’ અને ’સણોસરા’ ગામમાં છે.  ભાઉના જીવનનાં શરૂનાં વર્ષો શ્રી નાનાભાઈ ભટ્ટ તથા શ્રી ગિજુભાઈ બધેકા સાથે વીતેલાં, અને આખર સુધી ભાઉને એ બંને પ્રત્યે અતિશય આદરભાવ હતો.  એટલે અમે સોનગઢ ગયાં ત્યારથી ભાઉની સાથે એ બંને સંસ્થાની મુલાકાત લેવાનો લહાવો મને પણ મળ્યા કર્યો.  ત્યારે એ સંસ્થાનું મહત્વ મને નહોતું સમજાયું, પણ એ પછીનાં વર્ષોમાં સમજાયું કે કોઇ પણ સમાજની પ્રગતિ સાધવા માટે પ્રજાની કેળવણી, અને એમાંયે ગામડાનાં લોકોનું સાક્ષરપણું ખૂબ મહત્વનાં છે.  પરિણામે આજે ૩૫-૪૦ વર્ષથી શૈલા અને હું એ બંને સંસ્થાઓ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલાં છીએ.  ભારતની મુલાકાત દરમિયાન એક-બે દિવસ એ સંસ્થાઓમાં ગાળીએ ત્યારે મનને જે સંતોષની લાગણી થાય છે એ શબ્દોમાં વ્યક્ત કરવી અઘરી છે.

ગુરુકુળમાં મારી પ્રગતિ નિયમિત અને સંતોષકારક હતી.  મને યાદ છે બીજા ધોરણની પરીક્ષામાં હું ૮મે નંબર પાસ થયો.  ભાઉ વઢ્યા તો નહીં પણ પોતાની પાસે બેસાડી મને અભ્યાસનું મહત્વ સમજાવ્યું.  આજુબાજુ રહેતા લોકોમાંથી કોણ ભણેલા છે અને કોણ નથી એ બતાવી એમનાં જીવનમાં શું વિશિષ્ટતા કે ઉણપ છે એ પણ બતાવ્યું.  ત્યારે મને ખબર ન હતી કે ભાઉ મદ્રાસ પાસેના અડિયાર ગામમાં ખુદ મૅડમ મૉન્ટેસોરિ પાસે શિક્ષણપ્રથાના પાઠ ભણ્યા હતા!  એ સમજાવટને પરિણામે ત્રીજા ધોરણમાં હું ૪થે નંબર અને ચોથા ધોરણમાં બીજે નંબર પાસ થયો.  ચોથા ધોરણ સુધી અમે પ્રાથમિક શાળામાં હતા ત્યાં સુધી બધા જ વિષય અમને એક જ શિક્ષક ભણાવતા.  પાંચમા ધોરણથી અમે શાળાની એ જ ઇમારતમાં માધ્યમિક શાળાનાં વિદ્યાર્થી બન્યા.  દરેક ’પિરીયડ’માં જુદાજુદા શિક્ષક આવી અમને અલગ-અલગ વિષય શીખવવા લાગ્યા.  હિંદી ભાષા, અને ગણિતના એક ભાગ તરીકે ભૂમિતિ, એ બે નવા વિષય શરૂ થયા.  વર્ષના અંતે પરીક્ષા આવી અને હું પહેલા નંબરે પાસ થયો!  ત્યારથી અગિયારમી (એસ.એસ.સી.) પાસ થયો ત્યાં સુધી મારું એ સ્થાન મેં કાયમ ટકાવી રાખ્યું.

પ્રાથમિકશાળા પૂરી કરી અમે માધ્યમિક શાળામાં આવ્યા ત્યારે આજુબાજુનાં જે ગામમાં આગળ ભણવાની સુવિધા નહોતી ત્યાંના વિદ્યાર્થીઓ પણ નવા ચહેરા સાથે પાંચમા ધોરણમાં અમારા સાથી બન્યા.  વર્ગમાં પહેલી જ વાર છોકરીઓ આવી.  એ ઉંમરે તો અમ સહુ મિત્રોના મનમાં બાળસહજ કુતૂહલથી વધુ એનું કશું મહત્વ ન હતું.  અમને ક્યાં ખબર હતી કે લગભગ એ ઉંમરમાં જ હૃદયમાં ક્યાંક અણકથ્યા સંવેદનો (Hormones)નો ઉદ્‍ભવ થતો હોય છે.  કમનસીબે માત્ર એ ઉંમરે જ નહીં, એ પછી ક્યારેય અમને એ અતિશય અગત્યના વિષયનું વિધીસર જ્ઞાન આપવાનું કોઇને સૂઝ્યું જ નહીં!  આ ને પરિણામે કેટલાક મિત્રોએ, અને કેટલાક અમારા હિતેચ્છુ નહીં એવા વડીલોએ, એ વિષય અંગે અમને જે સમજાવ્યું એને જ અમે સાચું માની બેઠા!  ખબર નહીં શી રીતે પણ આગળ ક્યારેક એ અજ્ઞાનમાંથી હું સાચી વાતો સમજતો થયો.  મને લાગે છે કે આજે હવે ’જાતીયજ્ઞાન’ આપણા સમાજમાં આવો ’આભડછેટ’નો વિષય નથી રહ્યો.

પાંચમા ધોરણથી વર્ગમાં, મને જેમાં ખૂબ રસ પડ્યો એવી એક પ્રવૃત્તિ શરૂ થઈ.  વિજ્ઞાનના શિક્ષક અમને અવનવા પ્રયોગો દ્વારા પ્રત્યક્ષ માહિતી અને જ્ઞાન આપવા માંડ્યા, તો ભૂગોળના શિક્ષક વર્ગમાં નકશા તથા પૃથ્વીનો ગોળો લાવી અમને ઈંગ્લેન્ડ કે જાપાન જેવા દેશ, તથા વિષુવવૃત્ત અને કર્કવૃત્ત ક્યાં આવેલા છે એ દેખાડવા લાગ્યા.  બસ, પછી તો અમારું કુતૂહલ અમને ક્યાંનું ક્યાં લઈ ચાલ્યું.  ડાહ્યાભાઈ કિકાણી, ઘનશ્યામભાઈ દેસાઈ, ભોથાભાઈ ખસિયા જેવા પ્રગત માનસના શિક્ષકોએ અમને પ્રશ્નો પૂછવા ઉત્તેજીત કર્યા અને કદીયે ટોક્યા નહીં.  ગામડાની એ શાળામાં મને આ બધું મળ્યું એ ખરેખર બહુ મોટો યોગાનુયોગ હતો.

અમારા ઘરની સામે એક ખુલ્લું, મોકળું મેદાન હતું.  ગામના લોકો એને પાદર કે ’પાદરડું’ કહેતા.  અમારા મિત્રોની ટોળી માટે એ મેદાન એટલે અમારું બીજું ઘર હતું.  લાકડાના પાટિયાનું બેટ અને રબરનો કે ગાભાનો બૉલ લઈ અમે ત્યાં ક્રિકેટ રમતા.  ગેડી-દડો, ગિલ્લી-દંડો (કે મોઇ-ડાંડિયો), લખોટી, નારગોલ, અને એવી અનેક રમતો હું ત્યાં શીખ્યો અને સોનગઢ છોડ્યું ત્યાં સુધી નિયમિતપણે રમ્યો.  રમત એટલે બે સામસામી પાર્ટી વચ્ચેની સ્પર્ધા અને હાર-જીત; અને એ બધા સાથે અટળપણે આવતી ખટપટ અને પૉલિટીક્સ.  બાળક મટી કિશોર બનતી વ્યક્તિને આ બધું ’વ્યવહારુ’ અને ’સમજદાર’ બનાવે છે; પણ સાથે જ બાળમાનસની નિર્દોષ લાક્ષણિકતા ધીમે-ધીમે અલોપ થતી જાય છે.  એ પાદરડામાં જ હું ગાળો બોલતાં, દેતાં અને ખાતાં શીખ્યો.  જાણ્યે-અજાણ્યે દરેક વ્યક્તિ પુખ્ત જીવનનાં આ વરવા રંગઢંગ દરેક ગામના આવા ’પાદરમાંથી’ શીખતી હોય છે.  અંગ્રેજ કવિ આલ્ફ્રેડ લૉર્ડ ટૅનિસનની એક કવિતાની લીટી છે: “Strife comes with manhood and waking with the Day.” મારો દિવસ જાણે ધીરે-ધીરે ઊગતો જતો હતો.

અપવાદરૂપે, જવલ્લે જ કોઇક એવા નસીબદાર વીરલા નીકળે છે કે જેમની નિર્દોષતા પુખ્ત વયે પણ એમનો સાથ નથી છોડતી કે જગતનું ’વહેવારુપણું’ એમને નથી વળગતું.  જગત એમને ’ઓલિયા’, ’અવ્યવહારુ’, કે ’મૂરખ’ સમજે છે.  કાશ હું એવા લોકોની ન્યાતમાં ભળી શક્યો હોત!

મારા પિતાજી અને કાકા (ભાઉ અને દાદા) બંને ચૂસ્ત ગાંધીવાદી હતા અને બંનેએ ૧૯૩૦ અને ’૩૨ના સત્યાગ્રહમાં ભાગ લીધેલો, જેલમાં ગયેલા, અને દાદાએ તો મીઠાના સત્યાગ્રહ સમયે પોલિસનો લાઠીમાર પણ ખાધો હતો.  અમારાં ઘરનાં વાતાવરણ પર, અને પરિણામે અમારાં બધાંના સંસ્કાર-ઘડતરમાં આ વિચારધારાની પ્રબળ અસર છે.  ભાઉ ’મેથેમૅટીશીઅન’ હતા.  પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી ગણિત વિષય સાથે તેઓ ગ્રૅજ્યુએટ થયા હતા.  ગુજરાતી અને મરાઠી ઉપરાંત સંસ્કૃત ભાષાપર પણ તેમનું સરસ પ્રભુત્વ હતું.  સોનગઢનાં શરૂઆતનાં વર્ષોમાં રોજ સવારે અમને ત્રણેને (ભરતભાઈ, શોભાબેન અને હું) વહેલાં ઉઠાડી તેઓ અમારી પાસે ગાંધીજીની ’આશ્રમ ભજનાવલી’ના શ્લોક બોલાવતા, એનો અર્થ સમજાવતા, અને ગોખાવતા.  હજી આજે પણ અનેક સંસ્કૃત સુભાષિત મને યાદ છે.  એ જ રીતે રોજ રાત્રે અમારી પાસે ’આંકના ઘડિયા’ પાઠ કરાવતા.  હું સાતમા ધોરણમાં આવ્યો પછી રોજ એમની નજીક બેસી તે દિવસનું ’Times Of India’ વાંચવાનું કામ અમારા નિત્યક્રમમાં ઉમેરાયું.  આમ બધી રીતે અમારો વિકાસ થાય એ માટે એ વર્ષોમાં ભાઉએ જે કર્યું એનો આગળના આયુષ્યમાં અમને ખૂબ લાભ થયો.  સોનગઢમાં ગાળેલાં એ વર્ષો એ મારો ’બ્રહ્મચર્યાશ્રમ’ કાળ હતો અને એ સમયમાં મેં ઘણું-ઘણું પ્રાપ્ત કર્યું, પણ બે અગત્યની બાબત તરફ મેં ધ્યાન ન આપ્યું.  એક એટલે મેં સારું શારીરિક સ્વાસ્થ્ય ન કેળવ્યું.  બીજું, પરીક્ષાના મૂલ્યાંકન પ્રમાણે વર્ગમાં સતત સફળ રહેવા છતાં મારું સ્વભાવગત શરમાળપણું – ક્ષોભ – હું ન છોડી શક્યો.  પરિણામે કાંઈક અંશે આત્મવિશ્વાસનો અભાવ રહ્યો.  આ બંને ઉણપનાં પરિણામ મેં આખી જિંદગી બરદાશ્ત કર્યાં.

એ સમયની જ એક વાત છે: એક સવારે ભાઉ ઑફિસે જવા નીકળ્યા અને એમણે જોયું કે અમારા ઓટલા પર ૧૨-૧૩ વર્ષનો એક છોકરો રડતો બેઠો હતો.  એમણે છોકરાને રડવાનું કારણ પૂછ્યું, રડતાં-રડતાં છોકરો બોલ્યો, “કાકા, હું પાંચવડા (નજીકનું ગામ)થી દળણું દળાવવા આવ્યો હતો, લોટ ભરીને પાછો જતો’તો ને લોટની થેલી ફાટી ગઈ.” કહી એણે ફાટેલી થેલી ભાઉને બતાવી.  ભાઉએ જોયું કે એક ગરીબ કુટુંબના રોટલા ધૂળમાં મળી જવાની શક્યતા હતી.  બૂમ મારી એમણે મને બહાર બોલાવ્યો અને ઘરમાંથી સોયદોરો તથા થીગડું મારવા માટે કાપડનો ટુકડો લાવવા કહ્યું.  પાંચ મિનિટમાં ભાઉએ એ છોકરાની થેલી લોટ ન ઢોળાય એ રીતે બરાબર સાંધી આપી, અને મને “આ છોકરાને એક ગોળનો ગાંગડો અને પીવાનું પાણી આપજે.” એમ સૂચના આપી ઑફિસ તરફ ચાલવા માંડ્યા.  ઘટના ખૂબ નાની હતી, પણ એ આખું ચિત્ર આજે પણ મારા સ્મૃતિપટ પર સ્પષ્ટ છે.

સાતમા-આઠમા ધોરણથી અમારા અબ્યાસક્રમમાં ઇંગ્લીશ, સંસ્કૃત, અને બીજ-ગણિત, એમ ત્રણ નવા વિષયો આવ્યા.  ’સામાન્ય વિજ્ઞાન’નો એક વિષય હવે અમે પદાર્થ-વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને જીવ-વિજ્ઞાન એમ ત્રણ ભાગમાં ભણવા માંડ્યા.  આ બધા વિષયોમાં હું બહુ સહેલાઈથી ’પ્રવીણ’ થતો ગયો.  મેટ્રિક સુધીના શિક્ષણનો મને કદી ભાર લાગ્યો જ નહીં, કે મેટ્રિકના વર્ષમાં પણ ક્યારેય રાત્રે દસ વાગ્યાથી વધુ સમય જાગીને મારે અભ્યાસ કરવાની જરૂર ન પડી.  શાળાનો અભ્યાસ મેં સહેલાઈથી પતાવ્યો એ ખરું, પરંતુ એ પછીનાં વર્ષોમાં ઘણીવાર એમ થયું કે અગિયારમા ધોરણમાં મેં વધુ મહેનત કરી હોત તો વધુ સારા માર્ક્સ મળ્યા હોત અને મારી નિશાળ કાયમ અભિમાન લઈ શકે એવું કશુંક કરીને શાળાનું થોડું ઋણ હું ફેડી શક્યો હોત.

સામાન્ય રીતે અબોલ, બોલે ત્યારે ધીમા પણ પ્રેમાળ અવાજે બોલનાર મારાં બા ઉર્ફે ’આઈ’ વિષે શું લખવું સમજાતું નથી.  આઈ ક્યારેય અમારામાંથી કોઇને પણ વઢ્યાં હોય એવું મને બિલકુલ યાદ નથી, પછી શિક્ષા કરવાની તો વાત જ ક્યાં રહી?  ઉલટાનો હું જ ક્યારેક રીસાઈને ’જા મારે નથી જમવું’ એવી હઠ કરું તો ’અશોક, બાપુ હવે જમીલે ને.’ એવી વિનવણી કરતાં.  અક્ષરશઃ તેઓ કાયમ અમારાં સુખે સુખી અને અમારાં દુઃખે દુઃખી થતાં.  મને નથી લાગતું એમને એમનું પોતાનું અન્ય કાંઈ સુખ હોય!  પ્રેસિડંટ લિંકનનું એક વાક્ય છે: “God cannot be everywhere, therefore He made mother.”  મારા માટે જિંદગીનો એક મોટો વસવસો એ છે કે આઈનાં સુખ માટે હું ખાસ કશું નથી કરી શક્યો.

આ વર્ષો દરમિયાન એકવાર ભાઉ પક્ષઘાતની બિમારીમાં ઝડપાયા.  મારા મામા ત્યારે સોનગઢથી નજીક ભાવનગર રહેતા’તા.  તેઓ તરત જ આવી ભાઉને પોતાને ત્યાં લઈ ગયા, અને પછી દાદાની સલાહ મુજબ ભાઉને અમદાવાદ લઈ ગયા.  યોગ્ય સારવારથી ભાઉ પૂરા સાજા થઈ સોનગઢ પાછા આવ્યા.  એ માંદગીમાં ભાઉ કાયમ માટે પરવશ થઈ જાય એવી શક્યતા હતી.  એવું તો ન થયું પણ ગંભીર માંદગી, હોસ્પિટલ, દવા અને વિટામીન્સ, વગેરે અવનવી વાતોથી મારા કાન ટેવાયા.  એ પછી રોજ રાત્રે અમે ત્રણે ભાઈઓ ભાઉને પગે માલિશ કરતા એ યાદ છે.  કુટુંબની આર્થિક પરિસ્થિતિની વાતો પણ હવે મારા ધ્યાનમાં આવવા માંડી.  ઘરખર્ચનો હિસાબ ભાઉ કાયમ બહુ ચીવટપૂર્વક લખતા અને એ એમણે માંદગી પછી પણ ચાલુ રાખ્યું, પણ હવે એની કેટલીક વિગત તેઓ મને બતાવતા થયા.

ગુરુકુળની વાતોમાં એક અગત્યની નોંધ બાકી છે.  અનુક્રમે સાતમા અને આઠમા ધોરણમાં અમારા વર્ગમાં રીટા નામની છોકરી અને દેવરાજ નામનો છોકરો દાખલ થયાં.  એકાદ-બે વર્ષમાં આ બંને સાથે મારે મૈત્રી થઈ, અને અમે નવમા-દસમા ધોરણામાં આવ્યાં ત્યારે એ મૈત્રી ગાઢ બની.  એ સમયમાં કોઇ છોકરો કોઇ છોકરીને મળે, એની સાથે વાતો કરે, કે એ બંને વચ્ચે મૈત્રી થાય; એને સમાજ માત્ર એક જ દ્રષ્ટિથી મૂલવતો: “આ બંને વચ્ચે પ્રેમ છે, અને એવું કરી એ બંને પારંપરિક મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.”   સોનગઢના રૂઢિચુસ્ત સમાજને અમારી એવી મૈત્રી કબૂલ ન હતી.  એટલે સુધી કે વર્ગમાં, શાળામાં, અને ગામમાં મારા અને રીટાના નામે ટિખળ, કૂથલી અને ચણભણ શરૂ થયા.  પરિણામે મારું દસમીનું વર્ષ માનસિક તાણ અને ચિંતામાં ગયું.  સદ્‍ભાગ્યે એ બધું વધુ સમય ન ચાલ્યું.  પણ એ કપરા સમયમાં સતત મારી પડખે ઊભા રહી દેવરાજે મને ખૂબ સહારો આપ્યો.  એ દિવસોમાં ફરી એક વખત મને “કોના ઉપર વિશ્વાસ મૂકવો અને સ્વાર્થી તથા અવિશ્વાસુ કોણ થઈ શકે?” એ સમજવાનો પાઠ મળ્યો!  ૧૯૬૦માં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કરી અમે ત્રણે છૂટાં પડ્યાં, પણ આજે ૬૦ વર્ષ પછી પણ રીટા અને દેવરાજ મારાં નિકટતમ મિત્રો છે.  શાળા પછી દેવરાજ ભારત છોડી કેન્યા જઈ વસ્યો અને ખૂબ કમાયો.  ૧૯૯૫માં અમે કેન્યામાં એના મહેમાન બની ભરપુર મજા કરી હતી.  પચાસેક વર્ષથી રીટા અને એનાં પતિ શ્રીધર લૉસ એંજેલિસ પાસે રહે છે, અને અમે વખતોવખત મળીએ છીએ.  છેક પાંચમા ધોરણથી મને મળેલો એક ત્રીજો મિત્ર જીવરાજ સુતરિયા.  એની સાથેની દોસ્તી સોનગઢ છોડ્યા પછી, અને વધુ તો હું અમેરિકા આવ્યો પછી, ગાઢ થતી રહી છે.  ભારત જઈએ ત્યારે અમે અચૂક એની વાડી પર રહેવાનો મોકો ઝડપીએ છીએ.  એ જબરો ફિલોસૉફર છે.  દેવરાજ અને જીવરાજ બંને ઇતરવાચનના રસિયા હતા.  અમે નવમા-દસમા ધોરણમાં હતા ત્યારે જ જીવરાજે લિઓ ટોલ્સટોયનાં ’વૉર ઍન્ડ પીસ’ નું ગુજરાતી ભાષાંતર વાંચ્યું હતું, તો દેવરાજે ક. મા. મુનશીનું ’ગુજરાતનો નાથ’ અને ચુનીલાલ મડિયાનું ’લીલુડી ધરતી’ પુસ્તકો વાંચ્યાં હતાં.  એ બંને આ પુસ્તકોની વાતો કરતા.  એ દિવસોમાં હું વિ. સ. ખાંડેકર તથા ર. વ. દેસાઈનાં પુસ્તકો વાંચવામાં મશગૂલ હતો.

૧૯૫૯ના માર્ચ સુધી ગુરુકુળમાં સહશિક્ષણની પ્રથા હતી.  છોકરાઓ અને છોકરીઓ એક જ વર્ગમાં સાથે ભણતાં.  હા, સામાન્ય રીતે એવું થતું કે છોકરા-છોકરીઓ પરસ્પર સાથે ભાગ્યે જ બોલતાં.  છોકરીઓ વર્ગના એક ખૂણામાંની બેન્ચ પર બેસતી.  વર્ગમાં આવતાં-જતાં ભાગ્યે જ કોઇ છોકરી છોકરાઓ બેઠા હોય એ દિશામાં નજર પણ નાખતી.  ટૂંકમાં બંને પક્ષ, વર્ગમાં જાણે બીજા પક્ષની હાજરી છે જ નહીં એ પ્રમાણે વર્તતા.  ૧૯૨૮માં શાળા પ્રથમ શરૂ થઈ ત્યારથી ૧૯૫૯ માર્ચ સુધી, એક અવાચ્ય (પરસ્પર વાત પણ ન કરે એવા લોકો વચ્ચેના) સહઅસ્તિત્વમાં અમારી શાળામાં સહશિક્ષણ ચાલ્યું આવ્યું હતું.  પણ જુન ૧૯૫૯માં શાળાનું નવું વર્ષ શરૂ થયું ત્યારે વર્ષો જૂની આ પ્રથા ફગાવી દઈ શાળાના અધિકારીઓએ તાત્કાલિક વ્યવસ્થા કરીને અમારી શાળાથી અડધો માઈલ દૂર, છોકરીઓ માટે ’દયાનંદ કન્યા ગુરુકુળ’ નામની નવી શાળા શરૂ કરી!  જુન ૧૯૫૯માં એક તો આ વાતનું સામાજિક ગાંભીર્ય સમજવા જેટલો હું સમજણો ન હતો, અને બીજું એસ.એસ.સી. નો અભ્યાસ ત્યારે મારા માટે સહુથી વધુ અગત્યની બાબત હતી.  એ વર્ષ પૂરું થયું, હું સારા માર્ક્સ સાથે પાસ થયો, અમારું કુટુંબ સોનગઢ છોડી અમદાવાદ ગયું; અને જાણે ’ગુરુકુળમાં સહશિક્ષણ’ એ વાત મારા મગજમાં ક્યારેય હતી જ નહીં એમ વીસરાઈ ગઈ.  પણ, આજે ૬૨ વર્ષ પછી પણ સોનગઢ જેવા નાના ગામમાં છોકરાઓ અને છોકરીઓ બે જુદી-જુદી નિશાળમાં ભણે છે એ વાત મારા મનને છળે છે.  શિક્ષણનું કામ કરતી કોઇપણ સંસ્થા વિદ્યાર્થીને માત્ર વિજ્ઞાન, ગણિત, ભાષા કે ભૂગોળ ભણાવવા માટે નથી હોતી.  એનું મુખ્ય કામ તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવાનું હોય છે.  એ દિશામાં કુમળાં માનસનાં છોકરા-છોકરીઓ સાથે ભણે, સાથે રમતગમતમાં ભાગ લે, સાથે પ્રવાસ કરે, અને સાથે નાટક જેવી પ્રવૃત્તિમાં સામેલ થાય; એ બધું ખૂબ અગત્યનું છે.  આ બધી પ્રવૃત્તિમાં સહુ ખેલદિલીપૂર્વક સહભાગી થાય, તેમ જ એમાંથી કશું અયોગ્ય વર્તન ન ઉદ્‍ભવે એ જોવાની જવાબદારી શિક્ષકો અને શાળાના સંચાલકોની છે.  આમ કરતાં ૧૬-૧૭ કે ૧૮ વર્ષનાં કોઈ છોકરો અને છોકરી એકમેક પ્રત્યે આકર્ષાય અને પ્રેમમાં પડે તો એ એમની સહજ અને નૈસર્ગિક ઊર્મિનો પ્રાદુર્ભાવ છે.  પણ આવી બધી શક્યતા ટાળવા માટે સહશિક્ષણ બંધ કરી દેવું એ તો મેદાન છોડી ભાગી જવાની વાત છે.  ગુરુકુળમાં સહસિક્ષણ બંધ થયું એ બાબતે મને ત્રણ હકીકતનો અફસોસ છે; એક, જે શાળા પ્રત્યે મને અતિશય લાગણી અને માન છે એના એ સમયના અધિકારીઓ આ જવાબદારી સ્વીકારવામાં ઊણા ઊતર્યા, બીજું, એ અધિકારીઓએ આવો અઘટિત નિર્ણય લીધો એનું પ્રત્યક્ષ કારણ મારી અને રીટાની મૈત્રી હતું એટલે કે કાંઈક અંશે એ નિર્ણય માટે હું જવાબદાર હતો, અને ત્રીજું, આજે ૬૦ કરતાં વધુ વર્ષો પછી પણ પરિસ્થિતિમાં કશો ફરક નથી થયો.  અમારા ગુરુકુળનું નિષ્ઠા-વાક્ય છે: सा विद्या या विमुक्तये, અર્થાત, માણસને બધા પ્રકારના બંધનમાંથી જે મુક્ત કરે એનું નામ વિદ્યા.  મને અફસોસ છે કે અમારી શાળાના સંચાલકો જ એમની કેટલીક માનસિક નબળાઈઓમાંથી મુક્ત નહોતા થયા.

૧૯૫૯નું વર્ષ અમારા કુટુંબ માટે ખૂબ દુઃખદ નીવડ્યું.  ૧૯૪૨થી જેમની કંપનીમાં અને સાંનિધ્યમાં ભાઉએ કામ કર્યું એ શ્રી ભુરાભાઈ શેઠ બહુ ટૂંકી માંદગી પછી, ૨૭મી જુનના દિવસે અચાનક ગુજરી ગયા.  હજી એ ઘાવ તાજો જ હતો ત્યાં માત્ર ચાર દિવસ પછી, ૧લી જુલાઈને દિવસે સમાચાર આવ્યા કે મારા મોટાભાઈ આનંદભાઈનું મહારાષ્ટ્રના ’બેળગામ’ નામના ગામ પાસે કાર ઍક્સિડન્ટમાં અવસાન થયું છે.  ભાઉ અને આઈ માટે આ ઘા અસહ્ય હતો.  એ પછી ભાઉ વીસ વર્ષ જીવ્યા, પણ ફરી કદી એમના મોં પર મેં પ્રસન્ન-હાસ્ય ન જોયું.  ’પુત્રશોક’ની ઘેરી કાલિમા જાણે કાયમ ત્યાં છવાયેલી રહેતી.  ભાઉ ફરી માંદા પડ્યા અને દાદા ફરી એમને સારવાર માટે અમદાવાદ લઈ ગયા.  ૧૯૬૦ના માર્ચ મહિનામાં મેં એસ.એસ.સી.ની પરીક્ષા આપી અને ૨જી એપ્રિલ ૧૯૬૦ના દિવસે, બાર વર્ષના વસવાટ પછી સોનગઢ ગામ કાયમ માટે છોડી અમે અમદાવાદ રહેવા ચાલ્યાં ગયાં.


ક્રમશઃ