અર્જુનસિંહ.કે.રાઉલજી
ડો.પ્રસાદે જે વાત કરી તેનાથી બધાંને આંચકો લાગ્યો. ડો.પ્રસાદ આવું કહી જ કઈ રીતે શકે ? આવું બોલતાં પહેલાં ડો.પ્રસાદે સો વાર વિચારવું જોઈએ….. !
રણજીતરાય એમના બાપ હતા તે વાત સાચી , પણ તેઓ ડો.પ્રસાદના પણ બાપ જેવા જ હતા. અગણિત ઉપકારો હતા રણજીતરાયના ડો.પ્રસાદ ઉપર ..! એ બધા ઉપકારો એ ભૂલી ગયા ? માત્ર પૈસાની લાલચમાં જ..! અને રણજીતરાયે ડો.પ્રસાદ પાસેથી દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા વગર વ્યાજે – એ વાત પણ ઘરના કોઈની સમજમાં આવતી નહોતી . બાપાને આમ પૈસા ઉછીના લેવાની શી જરૂર પડી ? અને લીધા હોય તો ઘરમાં કોઈકને તો ખબર હોયને ? પણ, મા પણ આ વાત જાણતી નથી. ત્રણે ભાઈઓ દવાખાનાના વેટિંગરૂમમાં બેઠા હતા અને આજ ચર્ચા કરતા હતા. સાથે તેમના કાકા પણ હતા. પરિવારની સ્ત્રીઓ પણ ખરી જ..! સવારમાં લગભગ સાત વાગ્યે રણજીતરાયે પોતાનો દેહ છોડી દીધો હતો ત્યારનાં બધાં જ આવી ગયાં હતાં , માત્ર એક બહેન આવવાની બાકી હતી , બહેનની આર્થિક સ્થિતિ સારી નહોતી અને જો બસમાં આવવા રહે તો બપોર ચઢી જાય એમ હતું એટલે મોટા જયદીપે જ બહેનને કહી દીધું હતું કે, “તમે લોકો ટેક્ષી કરીને આવી જાવ. ટેક્ષીનું ભાડું હું આપી દઈશ એટલે આમ તો ખાલી બહેનની જ રાહ જોવાની હતી ..પણ આ ડોક્ટરે વચ્ચેથી ખરૂં તૂત ઊભું કર્યું !
રણજીતરાય બાવીસ દિવસથી દવાખાનામાં એડમિટ હતા. આઇ.સી.યુ.માં વેન્ટીલેશન ઉપર રાખેલા હતા. પડી ગયા ત્યારે માથામાં વધારે વાગવાના લીધે કોમામાં જતા રહ્યા હતા. ડો.પ્રસાદે તેમને બચાવવાના બધા જ પ્રયત્નો કર્યા હતા પણ …છેવટે તેઓ ન બચી શક્યા. ડોક્ટરે ત્રણે ભાઈઓ અને તેમના કાકાને પોતાની ચેમ્બરમાં બોલાવીને કહ્યું હતું કે – “તમારા પિતા હવે હયાત નથી. એ મારા પણ અન્નદાતા હતા. એમના મારા ઉપર અગણિત ઉપકાર છે, એમણે જ મને ભણાવ્યો છે અને ડોક્ટર બનાવ્યો છે ..એ ઉપકારનો બદલો તો હું વાળી શકું તેમ નથી …એટલે મારે મારી ફી કે દવાખાનાનો કોઈ ચાર્જ લેવાનો નથી પણ,” કહીને ડોક્ટર અટક્યા હતા. તેમનો કંઠ રૂંધાઈ ગયો હતો કે પછી તેમને બોલવામાં સંકોચ થતો હતો ! બધા તેમના ચહેરા તરફ આતુરતાથી જોઈ રહ્યા હતા, ડોક્ટર શું કહેવા માગે છે તેની એમનામાંથી કોઈને સમજ પડતી નહોતી, પણ પછી ડોક્ટરે જ ફોડ પાડતાં કહ્યું હતું કે, “રણજીતરાયે તેમની પાસેથી ત્રણ વરસ અગાઉ દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેમને તેનું વ્યાજ જોઈતું નથી. આપતી વખતે જ તેમણે રણજીતરાયને કહી દીધું હતું કે તેઓ વ્યાજ લેવાના નથી, પણ હવે રણજીતરાય રહ્યા નહોતા એટલે તેમના પૈસાનું શું ?”
ત્રણે ભાઈઓ અથવા તેમના કાકા આ પૈસાની કબૂલાત કરી લો ..તેમને હમણાંને હમણાં તો પૈસા જોઈતા નથી પણ તેમના પૈસાની ગેરન્ટી જોઈએ છે…!”
કોણ કબૂલ કરવા તૈયાર થાય ? કોણ દસ લાખ રૂપિયાની ખોટ ભોગવે ?બધાંએ ચોખ્ખી ના પાડી દીધી. તેમની તો એક જ વાત હતી કે અમને ખબર નથી કે અમારા પિતાજીએ અમારાથી છુપાવીને દસ લાખ રૂપિયાનું દેવું કર્યું છે. તેમને એટલા બધા પૈસાની જરૂર હોય તો તેઓ તેમને કહે જ..! પણ તેમણે કોઈને વાત કરી નથી. એ લોકોએ તો ચોખ્ખો નન્નો જ ભણી દીધો. અંદરો અંદર ચર્ચા કરતા હતા કે બાપાએ પૈસા લીધા જ નહીં હોય, આ ડોક્ટર તેમની પાસેથી પૈસા પડાવવા માગે છે. પણ, ડો.પ્રસાદ તો છેલ્લા પાટલે બેસી ગયા, તેમણે તો અલ્ટીમેટમ આપી દીધું કે, “મારે હમણાંને હમણાં પૈસા જોઈતા નથી, પણ કોઈકની કબૂલાત જોઈએ છે જે આ પૈસા આપવાનું કબૂલે તેની પાસે જ હું ઉઘરાણી કરીશ .જ્યાં સુધી મારા પૈસાની કબૂલાત નહીં થાય ત્યાં સુધી હું ડેડબોડી સોંપીશ નહીં. ત્યાં સુધી લાશનો કબજો મળશે નહીં.” બધાં વિમાસણમાં મુકાઈ ગયાં હતાં.શું કરવું તેની કોઈને સમજ પડતી નહોતી …!
ડો. પ્રસાદ આમ તો તેમના ફેમિલી મેમ્બર જેવા હતા. ડો.પ્રસાદ અનાથ હતા અને રણજીતરાયને ખબર પડી કે આ છોકરો અનાથ જ છે, તેનાં માતાપિતા નથી, તે તેના દૂરનાં માસીને ત્યાં જ રહે છે એટલે તેમણે પહેલાં તો તેને દત્તક લેવાનો પ્રયત્ન કર્યો, પણ તેનાં માસીએ ના પાડી એટલે પછી તેના ભણવાનો બધો જ ખર્ચ તેઓ આપતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેઓ તેમના પાલક પિતા જ હતા. મેડીકલનાં મોંઘા ભણતરનો બધો જ ખર્ચ રણજીતરાયે ઉપાડ્યો હતો. તેમના લીધે જ તે ડોક્ટર બની શક્યા હતા. પ્રસાદે આ વાત ભૂલવી ના જોઈએ, પણ એ માણસ નગુણો કહેવાય ..! બાકી આટલો ઉપકાર કર્યો હોય તે કેમ ભૂલાય ?
… તો કોઈક વળી કહેતું હતું કે આમાં ડોક્ટર પ્રસાદનો કોઈ વાંક નથી , તેઓ રણજીતરાયે કરેલા ઉપકારના બદલામાં પોતાની બધી જ ફી અને દવાખાનાનો ચાર્જ તો જતો કરે છેને ..! આ તો તેમણે આપેલા પૈસાની વાત છે ..તેમણે દસ લાખ રૂપિયા આપ્યા હોય તે થોડા છોડી દે ..! તેમાં તેમનો કોઈ વાંક નથી .
— તો તરત જ બીજો ભાઈ બોલી ઉઠતો –તને ડો.પ્રસાદનું આટલું બધું કેમ લાગે છે ? એવું હોય તો તેમના પૈસા તું જ કબૂલ કરી લેને ..એટલે વાતનો ફેંસલો આવી જાય ..! તરત જ પેલો ભાઈ નન્નો ભણતાં કહેતો – હું એકલો શા માટે ભોગવું ? તમે લોકો બાપાની જમીનમાંથી મને બે એકર વધારે આપવાના છો ? કે ઘરમાં ભાગ છોડી દેવાના છો ? પછી હું શા માટે ?
તરત જ ત્રીજો બોલી ઉઠતો – ડો.પ્રસાદ છે જ નગુણા. બાપાએ ભણાવ્યો ના હોત તો દસ લાખ રૂપિયા તો શું દસ હજાર કમાવાની પણ તેની ત્રેવડ ના રહેત અને એવું જ હતું તો બાપા જીવતા’તા ત્યારે કેમ ના બોલ્યો ? કશું નહીં એને બાપાના નામે આપણી પાસે પૈસા પડાવવા છે .
કોઈક કહેતું –બધી બે આંખોની શરમ છે .બાપા જીવતા હતા ત્યારે પૈસા માગવામાં તેને શરમ આવતી હશે , પણ હવે બાપાની આંખો મીંચાઈ ગઇ એટલે શરમ નડતી નથી .
સો વાતની એક વાત કે ત્રણે ભાઈઓમાંથી કે કાકા કોઈ પૈસા કબૂલવા તૈયાર નથી … અને સામા પક્ષે ડોક્ટર પણ મક્કમ છે કે જ્યાં સુધી કોઈ તેમના પૈસા કબૂલશે નહીં ત્યાં સુધી તે લાશનો કબજો સોંપશે નહીં. એ તો એમ પણ કહે છે કે રણજીતરાય તેમના પણ બાપા હતા . એમનામાંથી જો કોઈપણ લાશનો કબજો લેવા તૈયાર નહીં થાય તો તે પોતે તેના અંતિમ સંસ્કાર કરી દેશે ,કાંઈ લાશને સડવા કે ગંધાવા નહીં દે ..!
સામા પક્ષે મહિલામંડળમાં પણ દરેક સ્ત્રી પોતાના પતિને કહેતી રહી કે ભૂલેચૂકે તમે એ પૈસા કબૂલ કરતા નહીં …મિલ્કતનો ભાગ બધા લેશે, કોઈ કટકો જમીન પણ છોડવાનો નથી, પછી આપણે પૈસા કાઢીને શા માટે મૂરખા બનવું? કોકડું ખરેખર ગુંચવાયેલું હતું એવામાં બહેન આવી ..! આવતાંવેંત જ ચક્કર ખાઈને બાપા ઉપર જ પડી અને મોટી પોક મૂકી. તેના મોટે મોટેથી રડવાનો અવાજ સાંભળી ડોક્ટર પણ પોતાની કેબિનમાંથી બહાર આવ્યા. રણજીતરાયની દીકરીને રડતી જોઈ તેઓ તેની નજીક આવ્યા , તેના માથે હાથ ફેરવતાં બોલ્યા- “રડીશ નહીં બહેન …થવા કાળ હતું તે થઈ ગયું. તને તો ખબર છે કે એ મારા પણ બાપા હતા ..મેં મારાથી બનતા બધા પ્રયત્નો તેમને બચાવવા કર્યા પણ વિધિના લેખ કોણ ટાળી શકે છે ? બાપાની ખોટ તો નહીં પૂરી શકાય પણ આ ભાઈના ઘરનાં બધાં જ બારણાં સદાય તારા માટે ખુલ્લાં રહેશે .જ્યારે પણ તને બાપાની યાદ આવે ત્યારે મારી પાસે દોડી આવજે , હું તને બાપાની ખોટ નહીં પડવા દઉં . “ કહેતાં કહેતાં ડો.પ્રસાદની આંખો પણ છલકાઈ ઉઠી એટલે સીસ્ટરને પાણી આપવાનો ઇશારો કરી ડો.પ્રસાદ પોતાની કેબિનમાં જતા રહ્યા.
કેબિનમાં બેસતાંવેંત જ તેઓ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા અને ટેબલ ઉપર રાખેલા રણજિતરાયના ફોટા તરફ જોઈ મનોમન બોલ્યા-“ મને માફ કરજો , મારી પાસે બીજો કોઈ વિક્લ્પ નહોતો એટલે જ મારે નાછૂટકે આ રસ્તો લેવો પડ્યો છે બાકી તમારા ઉપકારનું ઋણ તો હું સાત ભવ સુધી ઉતારી શકું તેમ નથી. મારી ચામડીનાં જૂતાં સીવડાવી તમને પહેરાવત તો પણ તમારું ઋણ ઉતારી શકત નહીં.” ડોક્ટર ના જાણે ક્યાંય સુધી રણજીતરાયના ફોટા સાથે મનોમન વાતો કર્યા કરત પણ કેબિનનું બારણું ખખડ્યું એટલે તેમણે ઉંચે જોયું. બારણામાં બહેન રોતલ ચહેરે ઉભી હતી. અંદર આવી તે ડોક્ટરને પગે લાગી અને બોલી ,” ભાઈ , મારી એવી સ્થિતિ નથી કે હું તાત્કાલિક તમારા પૈસા આપી શકું ..પણ હું તમને વચન આપું છું કે મારા પિતાએ તમારી પાસેથી જેટલા પણ પૈસા લીધા હશે તે બધા દૂધે ધોઈને આપી દઈશ . મારા ઉપર વિશ્વાસ રાખો જ્યાં સુધી હું તમારૂં દેવું ચૂકતે નહીં કરૂં ત્યાં સુધી જંપીને બેસીસ નહીં ..” ડો.પ્રસાદ ઘડીભર તો બહેન સામે જોઈ રહ્યા, તેના ચહેરા ઉપર એક મક્કમતા ઝળહળતી હતી. ડોક્ટરે બેલ મારી પટાવાળાને બોલાવ્યો અને કહ્યું કે રણજીતરાયનાં બધાં સગાંને અહીં બોલાવો.
બધાં જ આવી ગયા. રણજીતરાયના ત્રણે દીકરાઓ, તેમની પત્નીઓ, તેમનો ભાઈ ..બધાં જ.
ડો.પ્રસાદે મોટા દીકરા જયદીપ તરફ જોઈ બોલવાનું શરૂ કર્યું ,” જુઓ , આ તમારી બહેન મારા રૂપિયા પાછા વાળવાનું કબૂલ કરે છે, તમને કોઈને તેનો વાંધો તો નથીને ?” અને પછી વારાફરતી દરેકના ચહેરા જોવા લાગ્યા . મોટો જયદીપ જ બોલ્યો,” એ કબૂલ કરતી હોય તો એ જાણે, એમાં અમારી કોઈ જવાબદારી નહીં. તેની આર્થિક સ્થિતિ તમારા આટલા બધા રૂપિયા આપી શકે તેવી નથી,અમે તે જાણીએ છીએ, એટલે પછી પાછળથી અમને કહેવાનું નહીં ..!” લગભગ ચીમકી જ આપી દીધી જયદીપે.
“ હું તમારી પાસે નહીં આવું એની ગેરન્ટી, પણ તમારી બહેન આ પૈસા કબૂલ કરે તેનો તમને કોઈને વાંધો તો નથીને ?”
“ અમને શું વાંધો હોય ? એ કબૂલ કરે તો તે એની જવાબદારી …અમારે શું લાગે વળગે ? “ નાનો બોલ્યો . બધાંએ તેમાં સંમતિ આપી એટલે ડોક્ટરે ખોંખારો ખાધો અને પછી બોલ્યા,” મારે આજ જાણવું હતું .. વાસ્તવમાં રણજીતરાયે મારી પાસેથી એક પૈસો પણ લીધો નથી, પણ મને દવાખાનું ખોલવા માટે ત્રીસ લાખની મદદ કરી હતી અને મારે એ ત્રીસ લાખ રૂપિયા કોને આપવા એ અંગે હું મૂંઝાતો હતો , જો કે તમારા અને મારા પણ પિતાએ મને કહ્યું હતું કે મારે આ પૈસા પાછા આપવાના નથી, પણ તેના કારણે મારા દિલ ઉપર મોટો બોજો હતો , હું એ બોજો ઉતારવા માગતો હતો –અસલી હકદાર અને વારસદારને એ રકમ પરત કરીને.. એટલે હવે એ રકમ હું બહેનના જ હાથમાં આપું છું.” ડો.પ્રસાદની વાત સાંભળીને બહેન સિવાયના બધાના ચહેરા ઉપરથી તેજ હણાઈ ગયું-જાણે કે જીવતો સાપ પકડી લીધો હોય તે રીતે ..! પણ બહેન બોલી, “ પ્રસાદભાઈ, બાપુએ એ રકમ તમને આપી હતી અને પાછી લેવાની ના પાડી હતી તેમ છતાં જો હું એ રકમ હાથમાં પણ પકડું તો મારા બાપુને ચોક્કસ દુ:ખ થાય એટલે મારા માટે તો એ રકમ હરામ બરાબર છે.” કહેતાં બહેન ફરીથી જોરથી પોક મૂકીને રડી પડી ,ડો.પ્રસાદ તેના બરડે હાથ ફેરવતા રહ્યા.
અર્જુનસિંહ.કે.રાઉલજી. 42 , કૃષ્ણશાંતિ સોસાયટી-2 ,મુજમહુડા ,અકોટા રોડ , વડોદરા-390020.(મો) +91 9974064991.
