નીતિન વ્યાસ

એક કાળો, પડછંદ, રુક્ષ ચહેરાવાળો નટ છે. આ એની એવી વિશિષ્ટતાઓ છે જેને કારણે એની સાથેના કલાકારો આપોઆપ વામણા અને કોમળ લાગે છે.

નટ, લેખક, નિર્દેશક અને ગાયક : વિઠ્ઠલ ઉમપ

હવે તમને કોઈ એમ કહે કે આ મોટાભાઈ દ્રૌપદીની ભૂમિકા ભજવવાના છે તો તમને કેવી અણગમાની લાગણી થાય ? પણ આ તમારો તીવ્ર અણગમો નાટકને અંતે નામશેષ થઈ જાય અને કેવળ પ્રશંસાના ઉદ્ગાર સરી પડે એ કક્ષાનો વિઠ્ઠલ ઉમપનો અભિનય જોવો એ રંગભૂમિ પરનો યાદગાર અનુભવ બની રહે.

વળી, એ માત્ર નટ નથી. મહારાષ્ટ્રની એક લોકનાટકની પરંપરા ગોંધળનો આ પ્રમુખ ગોંધળી નર્તક, ગીતકાર, ગાયક, નિવેદક અને સૂત્રધાર જેવાં અનેક પાસાંઓ પર સરખું પ્રભુત્વ ધરાવે છે. દ્રૌપદીની ભૂમિકાનો પ્રારંભ થતાં જ એના રુક્ષ ચહેરા પર જે સ્ત્રીસહજ  ભાવો આવે છે. એની ચાલ અને એના અવાજમાં જે ફેરફાર થાય છે અને પછી બીજી જ ક્ષણે સૂત્રધાર તરીકે એ અભિનયનું જે વૈવિધ્ય રજૂ કરે છે એ આપણા કોઈ પણ શહેરી કલાકારને સ્તબ્ધ કરી મૂકે એવા છે. ગદ્યપદ્ય સંવાદો બોલતી વખતે એ જે રીતે સમય સાચવે છે એ જોવાની મજા જ અનેરી છે. એકાદ-બે સફળતાઓ કે સ્પર્ધામાંથી અથવા તો
નાનીમોટી સંસ્થામાં તાલીમ લેતાં જ પોતાને મહાન ઍક્ટરો’ માનતા લબરમૂછિયાઓએ તો વિઠ્ઠલ ઉમપ અને એના સાથીઓની આ ભજવણી એટલા માટે જોવી જોઈએ કે ‘નટ’ એટલે શું એનો કુદરતી ઉત્તર અહીં જોવા મળે છે.

‘અહીં’ એટલે રવિવારિયા શહેરી મનોરંજનમાં નહિ, પણ આપણી કેટલીક લોકનાટ્યની પરંપરામાં આખું જીવન ખરચી નાખતા કલાકારોની રજૂઆતમાં આવા વિઠ્ઠલ ઉમપો જોવા મળે છે. આઇ.એન.ટી. લોકકલા સંશોધનકેન્દ્રના ઉપક્રમે અશોકજી પરાંજપેના માર્ગદર્શન હેઠળ ‘લોકમહાભારત’ તરીકે ગોંધળ-પરંપરામાં જામ્ભૂળ આખ્યાનનો પ્રયોગ ગયા અઠવાડિયે એન.સી.પી.એ.માં રજૂ થયો એની બહુ ઓછાને જાણ હશે.

‘ટોટલ થિયેટર’ની વિભાવનાને પોષતાં આપણાં ગણ્યાંગાંઠ્યાં આધુનિક નાટકોમાં ગીત, સંગીત, નૃત્ય ઇત્યાદિનું જે સંકલન આપણને સૌથી વધુ સ્પર્શી ગયેલું એવું જ અહીં જોવા મળે છે એનું સુખદ આશ્ચર્ય છે.
હા, લેખન અને ગોંધળની પરંપરાને ચુસ્ત રીતે વળગી રહેવાને કારણે મૂળ નાટક તરીકે સંતોષે એવું અહીં ઓછું છે. ‘લોકમહાભારત’, લોકભોગ્ય રીતે મહાભારતના વિવિધ પ્રસંગોની નાટ્યાત્મક રજૂઆત કરે છે. જામ્ભૂળ આખ્યાન પણ એવો જ એક પ્રસંગ છે, જેમાં દ્રૌપદી કર્ણ ૫૨ મોહી પડેલી એ ઘટનાના અનુસંધાનમાં કૃષ્ણ દ્વારા જાંબુવનમાં દ્રૌપદીના સતની કસોટીની વાત કહેવામાં આવી છે. મજાની વાત એ છે કે આ વાત એટલી હળવાશથી, આ પૌરાણિક પાત્રોને પ્રેક્ષકોની સમકક્ષ લાવી, અંતે ઉપદેશ આપે એ રીતે તદન સરળતાથી કરવામાં આવે છે. જાંબુનાં ફળ ઊંધાં કેમ લટકે છે કે જાંબુ ખાતાં મોઢું કાળું કેમ થઈ જાય છે એનાં કારણો જામ્ભૂળ આખ્યાન દ્વારા મળે છે.

જામ્બુળ આખ્યાન  

તારીખ હતી ૨૭  નવેમ્બર ૨૦૧૦ , મહારાષ્ટ્રના સૌથી જાણીતા લોક કલાકાર વિઠ્ઠલ ઉમપ ના આકસ્મિક અવસાન થી સ્તબ્ધ થઈ ગયેલા, હજારો ચાહકો ચૈત્યભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તે પહેલાં શ્રદ્ધાંજલિ આપવા માટે ચાર કલાક સુધી કતારમાં ઉભા રહ્યા.

આ નિરાભિમાની  સરળ અને ખેલદિલ કલાકાર અસીમ ઉર્જા ધરાવતા હતા જે રંગભૂમિ અને તેમના ચાહકો માટે જીવ્યા અને જીવનની અંતિમ  ક્ષણો  પણ રંગમંચ પર વિતાવી. શુક્રવારે એક ટેલિવિઝન ચેનલના લોન્ચિંગમાં હાજરી આપવા માટે નાગપુરમાં હતા ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને સેંકડો લોકોની હાજરીમાં મંચ પર તેમનું અવસાન થયું. થોડીવાર પહેલા, તેમણે “જય ભીમ!” ના જોરદાર નારા લગાવીને પ્રેક્ષકોનું અભિવાદન કર્યું હતું. આયોજકો તેમને હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.

શાંત મગજ, બાજ નજર અને ત્વરિત બુદ્ધિ ધરાવતા ઉમાપ “તાલ્યગલ્યાતલી માનસે” (પાણીના મૂળના લોકો) જેવી સ્વરચના , જેના પોતેજ  સંગીતકાર, ગાયક અને અભિનેતા હતા તે માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી નવાજા ગયા હતા. , તેમણે તેમના નાટક ‘જાંભુલ આખ્યાન’ દ્વારા ઇતિહાસ રચ્યો જેમાં મહાભારતમાં દ્રૌપદીના કર્ણ પ્રત્યેના ગુપ્ત પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે. વિવેચકો તેમને, કાળા ચહેરા અને સફેદ દાંત સાથે છ ફૂટ ઊંચા, સાડી પહેરેલા અને રંગેલા ચહેરા પહેરેલા, અત્યાર સુધી જોયેલા સૌથી ઉત્તેજક દ્રૌપદી તરીકે વર્ણવે છે. ‘જાંભુલ આખ્યાન’ એ ૫૦૦ શો પૂર્ણ કર્યા અને ત્યારબાદ ‘મી મરાઠી’ ના 300 શો કર્યા, ‘ખંડોબાચા લગીન’, ‘વિઠુ-રખુમાઈ’ અને ‘બયા દાર ઉઘાડ’ તેમના અન્ય યાદગાર લોકનાટકો હતા.

‘ફૂ બાઈ ફૂ’

‘ફૂ બાઈ ફૂ’ તેમના સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક હતું, જે તેમણે પાછળથી પોતાની આત્મકથા માટે પસંદ કર્યું. ઉમાપે ઘણી મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો અને ગાયું, જોકે તેમનો હિન્દી અને ઉર્દૂ પર પણ ઈર્ષા ભાવપૂર્ણ કબજો હતો.

૧૯૩૦ ના દાયકાના અંતમાં, આઠ વર્ષના ઉમરમાં, ઉમાપે નાયગાંવના આંબેડકર-કેન્દ્ર માં  ઉછેર,બાળપણથી   આંબેડકર-પ્રેરિત થઈને સમાજમાં ફેલાયેલા જ્ઞાતિવાદ સામે બળવા પોકારતાં  ગીતો ગાવાનું શરૂ કર્યું. સાથો સાથ  લોક સંગીત ના તમામ સ્વરૂપો પર તેમની નિપુણતા તેમને પાંચ ખંડોમાં એવા દેશોમાં ચાહકો બનાવ્યા જ્યાં લોકો અંગ્રેજી બોલતા નથી, હિન્દી કે મરાઠી તો દૂરની વાત.

પશ્ચિમ યુરોપ માં આવેલ દેશ આયર્લેન્ડના કોર્ક શહેરમાં યોજાયેલ લોકકલા અને લોકનાટક ફેસ્ટિવલમાં શ્રી વિઠ્ઠલ ઉમપ અને તેમના સાથીદારોને પ્રથમ ઇનામ મળ્યું હતું.

આવા લોકલાડીલા કલાકાર અંગે વારસો પહેલા શ્રી ઉત્પલ ભાયાણી નો લેખ વાંચેલો. .આ YouTube ના જમાનામાં शाहिर विठ्ठल उमप “कोळी गीत” 7 million views ની વિડિઓ લિંક નજરે પડી. શ્રી ઉત્પલભાઈ નું પુસ્તક શોધી ને ફરી વાંચ્યું,શ્રી ઉમપ વિષે થોડી વધુ માહિતી મેળવી.

તેઓ બહોળા કુટુંબ સાથે મુંબઈના પરાં વિસ્તારમાં સરકારી આવાસ યોજના હેઠળ મળેલ મકાન રહેતા હતા. જીવનની અંતિમ ક્ષણ સુધી તે કાર્યરત રહ્યા.

“कोळी गीत”

આ મહારાષ્ટ્રનાં કોળી ગીત ની  પરંપરાગત લગભગ 300 વર્ષ પુરાણી છે. અને એટલી જ જૂની નાટ્ય  ગીત જેમાં  ગીત-કથા+નૃત્ય વગેર નો સમાવેશ હોય છે.આજે પણ વારે તહેવારે ત્યાંના ગામડાઓમાં સાંભળવા મળે છે.

આપણા દેશમાં , લોક જાગૃતિ વધારવા માટે સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક મુદ્દાઓ વિશે મહત્વપૂર્ણ સંદેશાઓ ફેલાવવા માટે લોક રંગભૂમિનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે. સ્વદેશી સ્વરૂપ હોવાથી, તે માનવીય ક્રિયાપ્રતિક્રિયા પરની કોઈપણ ઔપચારિક મર્યાદાઓને પાર કરે છે અને લોકો માનસ સીધી અસર કરે છે.

આ વિઠ્ઠલ ઉમપે પોતાના સંઘર્ષના દિવસો યાદ કરતા કહે  કે એ ગામના ચોરે ભાડુતી પેટ્રોમેક્સ ના અજવાળે વેશ ભજવતા ભગવાનને એક જ પ્રાર્થના કરતો કે આજનો મારો આ ખેલ લોકોને ગમે  જેથી એક રાત મને અને મારા કુટુંબને ખાવાનું તો મળે…

વણઝારા જેવું જીવન જીવતા આ કલાકારો સમયાંતરે ભૂલાતા જશે પણ તેણે  ગાયેલાં ગીતો, કહેલી કથા અને ભજવેલો વેષ  લોકોને વરસો સુધી યાદ રહેશે.


(શ્રી ઉત્પલ ભાયાણી નાં પુસ્તક “તર્જીની નિર્દેશ” અને YouTube સાથે અન્ય માહિતીને આધારે આ લેખ  તૈયાર કર્યા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૬)


સંપર્કઃ 

નીતિન વ્યાસ:   ndvyas2@gmail.com