પ્રકૃતિની પાંખો
હીત વોરા
વહેલી સવારે, લોકો કામે નીકળે, ટ્રાફિકનો ઘોંઘાટ શરૂ થાય અને દિવસ વેગ પકડે તે પહેલાં, એક મધુર સૂરીલું અને પુનરાવર્તિત ગીત સંભળાય છે. આપણામાંથી મોટાભાગના લોકો એ આ ગીત સાંભળ્યું પણ હશે અને તેના ગાયક કલાકારને જોયું પણ હશે, પણ ઘણા ઓછા લોકોએ રોજિંદી જિંદગીમાંથી સમય કાઢી તેને માણ્યું અથવા સમજ્યું હશે.
આ પક્ષી જેને અંગ્રેજીમાં “ઓરિએન્ટલ મેગપાઈ રોબિન (Oriental Magpie Robin)” અને ગુજરાતીમાં “દૈયડ” કહેવાય છે, એ શહેરોમાં આપણી નજીક એટલા લાંબા સમયથી રહે છે કે તેનું ગાન રોજિંદા જીવનની પૃષ્ઠભૂમિનો ભાગ બની ગયું છે.
તે એક નાનું પક્ષી છે, જે ભારતીય ઉપખંડમાં સામાન્ય છે, બગીચાઓ, ખેતરો, શહેરો અને જંગલની ધારમાં આરામથી જોવા મળી જાય છે. તે માનવ પ્રભાવિત પર્યાવરણમાં રહેવા ટેવાઈ ગયું છે.


[એક નર મેગપાઈ રોબિનનું બ્રીડિંગ ઋતુ સમયનું જટિલ સંગીત !]
શહેરોમાં મેગપાઈ રોબિન ઘણી વખત બહુ વહેલી સવારમાં ગાતું સાંભળાય છે, ક્યારેક સૂર્યોદય પહેલાં અને ક્યારેક તો રાત્રે ત્રણ વાગ્યે પણ જાગી ગીત ગાય છે. આ વર્તણૂકનું સીધું કારણ શહેરોમાં થતું ધ્વનિ-પ્રદૂષણ છે. દિવસ દરમિયાન માનવ પ્રવૃત્તિઓથી સતત ઘોંઘાટ રહે છે જેનાથી નરનો અવાજ સ્પષ્ટ અને વધારે દૂર સુધી નથી પહોંચી શકતો. મોડી રાત અથવા વહેલી સવારના શાંતિના સમયમાં ગાવાથી તેનો અવાજ દૂર સુધી અને સ્પષ્ટ પહોંચે છે. આ શહેરી વાતાવરણમાં કરેલું અનુકૂલન છે જે ખાલી દૈયડમાં જ નહીં પણ ઘણા સોંગબર્ડ્સમાં જોવા મળી રહ્યું છે!
દૈયડ જમીન પર રહી મુખ્યત્વે કીડીઓ, ભમરા, ઉધઈ, ઈયળો – વગેરે જંતુઓ ખાય છે જેથી કીટકોની વસ્તી પણ નિયંત્રિત રહે છે, પણ હવે અબોલ જીવો પ્રત્યે દયા ધરાવતા ને પુણ્ય કમાવા ઇચ્છતા લોકોની બિનજરૂરી મદદથી દૈયડ હવે ગાંઠિયા, રોટલી, ચવાણું, સેવ વગેરે ખાતા થઈ ગયા છે જેની સીધી અસર તેમના પાચન અને સ્વાસ્થ્ય પર પડે છે અથવા ઘણી વખત પક્ષીઓ મૃત્યુ પણ પામે છે અને થોડુંક દૂર નું વિચારીએ તો કીટકોની વસ્તી પણ માપ બહાર વધી જાય છે! એટલે હંમેશા પુણ્ય કમાવા જતા અથવા દયા બતાવવા જતા વિચારવું કે શું તે પશુ-પક્ષી માટે હાનિકારક તો નથી ને?

તે ઘાસ, ડાળીથી નાની વાટકી જેવો માળો સામાન્ય રીતે પોલાણમાં બનાવે છે. ઝાડની બખોલ, વપરાશમાં ન આવતા પાઇપ અથવા ત્યજી દેવાયેલ માળખામાં માળો બનાવે છે. માતાપિતા બંને બચ્ચાઓને ખવડાવે છે, અને જો પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો એક કરતાં વધુ બચ્ચાઓ ઉછેરી શકે છે. આ સુગમતા સમજાવે છે કે શા માટે આ પ્રજાતિ ભીડવાળા માનવ વસાહતોમાં પણ સફળતાપૂર્વક સંવર્ધન ચાલુ રાખે છે.
સદીઓથી, ઓરિએન્ટલ મેગપાઈ રોબિન તેના ગીત માટે પ્રશંસા પામ્યું છે. તે જ કારણે પહેલાના સમયમાં તેને પાંજરામાં મનોરંજન અને દેખાવ માટે રાખવામાં આવતું હતું, અને કેટલીક જગ્યાએ, નરનો ઉપયોગ તેમના પ્રાદેશિક વર્તનના આધારે આક્રમક સ્પર્ધાઓમાં પણ થતો હતો. જ્યારે આવી પ્રથાઓ હવે કાયદાની વિરુદ્ધ છે, તે એક વિરોધાભાસ દર્શાવે છે: પક્ષીને મર્યાદિત રાખવા માટે પૂરતું મૂલ્ય આપવામાં આવતું હતું, છતાં આપણા ઘરની બહાર તેના મુક્ત ગીતને મોટાભાગે અવગણવામાં આવે છે.
ઇકોલોજિકલ રીતે, મેગપાઈ રોબિન માનવ વસવાટની આસપાસ જંતુઓને નિયંત્રિત કરવામાં ભૂમિકા ભજવે છે. તેની હાજરી સૂચવે છે કે તે વિસ્તાર હજુ પણ મૂળભૂત ઇકોલોજીકલ સંતુલનને ટેકો આપે છે. પરંતુ સામાન્ય હોવાને કારણે તે સુરક્ષિત નથી. જંતુનાશકો, જીવદયા ધરાવતા પ્રાણીપ્રેમીઓ અને ધ્વનિ પ્રદૂષણ ધ્યાન આકર્ષિત કર્યા વિના આ સુંદર પક્ષીની સ્થાનિક વસ્તીને ઘટાડી શકે છે.
ઓરિએન્ટલ મેગપાઈ રોબિન માનવ-પ્રભુત્વ ધરાવતા લેન્ડસ્કેપ્સનો સામાન્ય રહેવાસી છે. માનવ હાજરીમાં તે તેના વર્તનમાં (જેમાં ગીતનો સમય, માળા અને ખોરાકની પસંદગી, ખોરાક શોધવાનો સમયમાં) ફેરફાર લાવી તે ઉચ્ચ સ્તરની અનુકૂલનક્ષમતા દર્શાવે છે. આવી પ્રજાતિઓનો અભ્યાસ કરવાથી, પક્ષીઓ પર્યાવરણીય પરિવર્તન અને સતત માનવીય ખલેલ સાથે કેવી રીતે અનુકૂલન કરે છે તે સમજવામાં મદદ મળે છે.
શ્રી હીત વોરાનો સંપર્ક heetvora21@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
