ફિર દેખો યારોં

બીરેન કોઠારી

શિશુપાલવધની કથા જાણીતી છે. સો ગુનાની મર્યાદા પૂરી થતાં ભગવાન કૃષ્ણે તેનો વધ કર્યો હતો. આ કથાનો સૂક્ષ્મ સ્તરે સૂર એટલો કે પ્રત્યેક અનિષ્ટની પણ એક મર્યાદા હોય છે. એ મર્યાદા વળોટાય કે વિનાશ સમજવો.

આપણે સૌ જાણીએ છીએ કે પોતાના ઉદ્‍ભવકાળથી પૃથ્વી પર અનેક ઊથલપાથલો સર્જાતી રહી છે. કેટલીય વાર જે તે પ્રજાતિનો સમૂહવિનાશ થયેલો છે. એ બધામાં ક્યાંક ને ક્યાંક પૃથ્વીમાં થઈ રહેલાં પરિવર્તનો જવાબદાર હતાં.

છેલ્લાં પાંચેક હજાર વરસોમાં વિવિધ સંસ્કૃતિઓ વિકસતી ગઈ એમ સુખસુવિધા પણ વધી, પૃથ્વી પરનાં વિવિધ સંસાધનોનો ઊપયોગ વધતો ચાલ્યો, જે વીસમી સદીમાં ચરમ સીમાએ પહોંચ્યો. વિજ્ઞાન અને ટેક્નોલોજીની વિવિધ શોધો થકી માનવજીવન અગાઉ ક્યારેય નહોતું એવું સવલતયુક્ત બન્યું, તો અગાઉ કદી નહોતાં એવાં જોખમ પણ પેદા થયાં. હવે એકવીસમી સદીનો પા ભાગ વીત્યો છે ત્યારે લાગે છે કે માનવજાતના વિકાસની અને વિનાશની દોટ સમાંતરે ચાલી રહી છે.

વિકાસની આ દોટ જોઈને કેટલાક વિજ્ઞાનીઓએ પૃથ્વી બાબતે આંકેલી સીમારેખા ‘પ્લેનેટરી બાઉન્ડ્રીઝ’ તરીકે ઓળખાય છે. આ વિભાવના પહેલવહેલી વાર જોહાન રોકસ્ટોર્મ અને વીલ સ્ટેફન નામના વિજ્ઞાનીઓના વડપણ હેઠળના ૨૮ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિજ્ઞાનીઓના સમૂહે વિચારેલી. પર્યાવરણમાં વૈશ્વિક સ્તરે થતા ફેરફારને સંશોધનની વિવિધ શાખાઓ થકી પ્રાપ્ત થયેલી સમજણ સાથે  તેમાં સાંકળવામાં આવ્યા હતા. એમાં વૈશ્વિક પરિવર્તનની કુલ નવ પ્રણાલિઓ નક્કી ક્રવામાં આવી છે.  પૃથ્વીની પ્રણાલિની કાર્યક્ષમતા જે માનવીય ગતિવિધિઓ દ્વારા અસરગ્રસ્ત થાય છે તેનું મૂલ્યાંકન આ નવ પ્રણાલિઓના માપદંડના આધારે કરવામાં આવે છે. એમ સમજો કે આપણા શિશુપાલવેડા તેના થકી મપાય છે.

પહેલાં આ નવ પ્રણાલિઓનો નામજોગો પરિચય મેળવી લઈએ અને પછી તેની પરિસ્થિતિ તપાસીએ. હવામાન પરિવર્તન, આપણા પર્યાવરણમાં પ્રવેશેલાં પ્લાસ્ટિક અને એ પ્રકારનાં નવિન તત્ત્વો, સ્ટ્રેટોસ્ફીઅરમાં ઓઝોનના સ્તરમાં થતો ઘટાડો, વાયુમંડળમાં એરોઝોલ(તરતાં કણો)નું પ્રમાણ, સમુદ્રી જળનું એસિડીકરણ, જૈવ-રાસાયણિક પ્રવાહોમાં ફેરફાર, મીઠા પાણીના સ્તર અને વહેણમાં થતા ફેરફાર, ભૂપ્રણાલિમાં ફેરફાર અને જૈવવિવિધતાનું સંતુલન તેમજ સ્થિરતા.

આ પ્રણાલિઓનું ઊલ્લંઘન થતું જાય એટલા આપણે વિનાશથી વધુ નજીક ખસતા રહીએ છીએ એમ કહી શકાય. ૨૦૨૫ના અભ્યાસ અનુસાર આપણે આ નવ પૈકીની સાત સીમારેખાઓ પાર કરી ચૂક્યા છીએ. હવામાન પરિવર્તન, આપણા પર્યાવરણમાં પ્રવેશેલાં પ્લાસ્ટિક અને એ પ્રકારનાં નવિન તત્ત્વો, જૈવવિવિધતાનું સંતુલન તેમજ સ્થિરતા, ભૂપ્રણાલિમાં ફેરફાર, મીઠા પાણીના સ્તર અને વહેણમાં થતા ફેરફાર, જૈવ-રાસાયણિક પ્રવાહોમાં ફેરફાર અને તાજેતરમાં સમુદ્રી જળનું એસિડીકરણ.

સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

સાદા ઉદાહરણથી સમજીએ તો હવામાન પરિવર્તનની સીમારેખા વાતાવરણમાં અંગારવાયુના પ્રમાણ અનુસાર નિર્ધારીત કરાયેલી છે, કેમ કે, માનવજીવન પર અસર કરતું તે મહત્ત્વનું પરિબળ છે. વાતાવરણમાં નિર્ધારીત કરાયેલું અંગારવાયુનું પ્રમાણ ૩૫૦ પી.પી.એમ. (પાર્ટ્સ પ્રતિ મીલીઅન) છે, જ્યારે હાલ તે ૪૨૫ પી.પી.એમ. છે. આવી જ ભયજનક સ્થિતિ અન્ય સીમારેખાઓ બાબતે છે, જેમાં હવે સાતમી સીમારેખાનું ઊલ્લંઘન પણ થઈ ગયું છે.

એક અભ્યાસ અનુસાર, હવામાન પરિવર્તન, જૈવવિવિધતાનો નાશ અને પ્રદૂષણને કારણે સમુદ્રી જળનો કોઈ ખૂણો અસરગ્રસ્ત થયા વિનાનો રહ્યો નથી. સમુદ્રી જૈવવિવિધતા ધરાવતાં દસ ટકાથી વધુ સ્થળો વૈશ્વિક સરેરાશ કરતાં અનેક ગણી તેજ ગતિએ એસિડયુક્ત થઈ રહ્યાં છે. સમુદ્ર જળનાં સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યાં છે, અને તેનું તાપમાન ભયજનક રીતે વધતું રહે છે. ગયા ડિસેમ્બરથી માર્ચની વચ્ચે આર્ક્ટિક સમુદ્રમાં ચચ્ચાર વખત હિમનું સૌથી ઓછું પ્રમાણ નોંધાયું છે. ઔદ્યોગિક યુગના આરંભ પછી સમુદ્ર જળનું પી.એચ.મૂલ્ય ૦.૧ એકમ ઘટ્યું છે, જે એસીડીટીમાં ૩૦થી ૪૦ ટકા જેટલો વધારો સૂચવે છે. આને કારણે અસંખ્ય સમુદ્રીપ્રણાલિઓ જોખમગ્રસ્ત બની ગઈ છે, અને પૃથ્વીની સ્થિરતા જાળવવાની સમુદ્રની ક્ષમતા ઘટી છે. આપણા દ્વારા વાતાવરણમાં ઉત્સર્જિત કરાતા અંગારવાયુનું સમુદ્ર દ્વારા મોટા પ્રમાણમાં શોષણ થાય છે. પણ એમ થતાં સમુદ્ર જળની અમ્લતા વધે છે. ઈ.સ.૧૮૫૦થી સમુદ્રની અમ્લતા ૩૦થી ૪૦ ટકા જેટલી વધી છે. આ દર છેલ્લા સાડા પાંચ કરોડમાં થયેલી અમ્લતાની વૃદ્ધિની સરખામણીએ દસેક ગણો વધુ છે. સાર એટલો કે સમુદ્ર સદીઓથી આપણા દ્વારા ઉત્સર્જિત અંગારવાયુ શોષતો આવ્યો છે, પણ હવે ઉત્સર્જનોએ હદ વટાવી દીધી છે.

જરૂર છે થોભવાની, અને આપણા અર્થતંત્રને એ રીતે પુન:આયોજિત કરવાની કે જેથી સમુદ્ર તેમજ પૃથ્વી પરના અન્ય જીવો સલામત રહી શકે. આપણા દ્વારા વિવિધ રીતે કરાતા અંગારવાયુના ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડતા જઈએ તો આની શરૂઆત થઈ શકે ખરી.

પણ એક વાત સમજી લેવા જેવી છે. વિકાસની જેમ વિનાશની ગાડીને પણ બ્રેક વગરની હોય છે. આ હકીકત વરસોવરસ પુરવાર થતી રહી છે, અને તેનાં વિપરીત પરિણામ નજર સામે આવવાં લાગ્યાં છે.  હજી ઘણા ભોળા જીવો તમામ સમસ્યાઓના ઊકેલ તરીકે નાણાંને જુએ છે અને એવી ભ્રમણામાં રાચે છે કે પોતાની પાસે પૂરતાં નાણાં હશે તો કશો વાંધો નહીં આવે.

જે રીતે અનેકવિધ કુદરતી પ્રણાલિઓનું પદ્ધતિસર, કાયદાના, અને બીજા એવા અન્ય ઓઠા હેઠળ નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એ જોતાં લાગે છે કે આપણી શિશુપાલવૃત્તિ અટકવાની નથી. આપણો વિનાશ બીજું કોઈ નહીં, ખુદ આપણા દ્વારા જ થશે એ નિશ્ચિત છે. એટલું જોવાનું રહે છે કે એ પહેલાં આપણે પૃથ્વીનું કેટલું નિકંદન કાઢતા જઈએ છીએ!


ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨ – ૧– ૨૦૨૬ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી